અંતિમ પ્રેમ પત્ર – જીગ્નેશ અધ્યારૂ 12


0007.jpg

(તમે કદાચ ઘણી જગ્યાએ શબ્દ “પહેલો પ્રેમ પત્ર” વાંચ્યો હશે……કદાચ પહેલો પ્રેમ પત્ર લખ્યો પણ હશે અને પછી અનેક પ્રેમ પત્રો…..પણ અહીં કાંઈક ડીફરન્ટ છે. આ છે એક અંતિમ પ્રેમ પત્ર.  માતાપિતાની ઈચ્છાઓને માન આપી પોતાના પ્રેમનું બલીદાન કરી રહેલા એક પ્રેમીનો એની પ્રેમીકાને અંતિમ પત્ર. આ પ્રેમ પત્ર મારા હ્રદયની ધણી જ નજીક છે.મારા મતે આના થી ઊતમ અભિવ્યક્તિ ના હોઈ શકે….)

પ્રિય,

મને ખબર છે સ્મશાન વૈરાગ્ય જેવી આ લાગણીઓનું આયુષ્ય બહુ ઓછુ હોય છે, સમય ચક્રની સાથે સાથે એ ભૂલાઈ જાય છે….હું ઈચ્છું છું કે તું મને ભૂલી જાય. મને ખબર છે તને મારી આવી વાતો બાલીશ લાગશે. તું કદાચ આંખોમાં પાણી સાથે મારા પર હસશે….કદાચ તું મને દોષી માને અને મને માફ ન કરે… પણ મારે માફી નથી જોઈતી….

કોઈ ગુનેગાર જાતે જ સજા કબૂલે અને પોતાને સજા આપવા માંગે તો તેમાં માફીનો સવાલ જ નથી…મારે માફી નથી જોઈતી.. મારે બસ અંતિમ વાર તારી પાસે મારો પક્ષ રાખવો છે….કાંઈ સાબીત નથી કરવું. ઈચ્છા કે અનિચ્છા…મારે તને ભૂલવી પડશે….અથવા તો એવો દેખાડો કરવો પડશે કે હું તને ભૂલી ગયો છું. મારા માતા પિતા માને છે કે આપણે સાથે જીવન ના વિતાવવું જોઈએ…..ખબર નથી મારા જીવન વિષે તેઓ વધારે જાણે છે કે હું, પણ તે મારા સર્વસ્વ છે, તે જે કહે છે તેમાં તેમનો કોઈ સ્વાર્થ હોય તેમ મને નથી લાગતું, આખરે તેમણે મને જન્મ આપ્યો છે. મને એટલો મોટો કર્યો છે કે હું આજે મારા સારા – નરસાનું વિચારી શકું, પણ તેથી તેમની લાયકાત પર કોઈ અસર પડતી નથી. હું તેમના અને મારા નિર્ણયને ત્રાજવાના બે પલ્લા માં નથી મૂકી શક્તો. કાશ એમ થઈ શક્તું હોત…..તો કદાચ મારું પલ્લુ તારા પ્રેમથી લચીને નમી પડ્યું હોત. તને શું કહું ?

મેં મારા માતા પિતાના નિર્ણયને માથે ચઢાવ્યો છે…હૈયુ રડે છે પણ હોઠ ને હસાવ્યો છે…તારે ગુનેગાર આજે છેલ્લી વાર તારા દરવાજે આવ્યો છે….કોઈ આશા નથી….જાણે ફાંસી અપાવાની હોય એવો કોઈ ગુનેગાર જીવનને લાલચની નજરોથી જોયા કરે….અન્યને ક્ષુલ્લક લાગતી વાતો તેના માટે અદમ્ય મહત્વની થઈ જાય એમ હું પણ તરસું છું. આજે મને તારી નાની નાની લાગતી વાતો ખજાના જેવી લાગે છે….જીવનને રીવાઈન્ડ કરી એ ભાગ વારે વારે માણવો છે….. પણ સમય વીતી ગયો છે.

તને મૂકીને મારે એ જ દુનિયામાં જવાનું છે જ્યાં થી આપણે બે કોઈકવાર ભાગી જવાના….કોઈક નદીકીનારે ઘર બનાવવાના સપના જોયા હતા. એ દુનિયા માં મારે ઠાલા સંબંધો અને વચનો નિભાવવાના છે….લૂખૂ સ્મિત આપવાનું છે, જીવવાનું છે… બસ એકજ આશા છે….મારા ગયા પછી કોઈ એમ ના કહે કે મેં પ્રેમ ને નિભાવી નથી જાણ્યો…કદાચ બધી પ્રેમ કથા સારા અંત માટે નથી હોતી.

મારે હજી તો પરણવાનું છે, મારા માતા પિતાએ પસંદ કરેલા હસતા રમતા એક એવા અજાણ્યા સાથી ને મેળવવાનો છે જે મારી સાથે મને ઓળખ્યા વગર, મારા ભરોસે પોતાનું આખું જીવન મારા હવાલે કરવા તત્પર છે., લોકો મારા વતી હસશે, નાચશે, આનંદ કરશે….અને પછી એનો હાથ પકડીને અગ્નિને ફરતે જીવનમાં એ બધું જ કરવાના સોગંદ ખાઈશ જે મારે ખરેખર તારા માટે કરવું હતું. પંડીત મારા વતી મંત્રો બોલશે અને અમે એક બીજાનો હાથ પકડી જવનપથ પર નીકળી પડીશું. હું એ હસતા રડતા રમકડાને મારા ધરે લાવી દઈશ. સહજીવનના પ્રયત્નો માં કદાચ હું તેને ચાહી શકીશ તો ચાહીશ નહીં તો ચાહવાનો ડોળ કરીશ. તે પણ મારા માટે કદાચ એમ જ કરશે. અમે બંને કૃત્રિમ હસીશું….કોઈકવાર તો એટલું કે લોકોને લાગશે કે અમે ખૂબ સુખી છીએ. તે પણ મારી જેમ જ જીવન જીવવા માટે જીવશે. અમારા સંતાનો મોટા થઈને પ્રેમ કરશે ત્યારે મારી સુષુપ્ત વેર વૃતિ સળવળી ઊઠશે. તેમને પણ અમે અમારા વિચારો પ્રમાણે ચાલવા મજબૂર કરીશું, તે પણ બહાર રડશે, ઘરમા ખોટુ હસશે….આ બધુ એટલું જ સામાન્ય છે જેટલું અસામાન્ય એ લાગે છે.

તું મને ભૂલી જા. એક ખરાબ સપનું, એક અધૂરી ઈચ્છા માની મને ભૂલીજા. અને તારા જીવનમાં સુખી થા. કારણકે આજથી તારા અસ્તિત્વને હું ભૂલાવી રહ્યો છું. બને કે હવે આપણે જીવનમાં કદીના મળીએ. વિસ્મૃતિનો કાળો પડદો સદા તારી યાદ પર પડી જશે.પણ હવે મને કોઈ ખેદ નથી. હું હસતા હસતા મારી જાતને આ લોકોને, આ દુનિયાને હવાલે કરી રહ્યો છું. પણ એક વસ્તુ ચોક્કસ છે. હૃદયના એક ખૂણામાં તું સદા રહીશ અને જીવનમાં જો મેં આજ પછી કદી પણ ખુશી જોઈ તો એ પ્રસંગે તને જરુરથી યાદ કરીશ.

તારો સામો કીનારો,

વિશ્વાસ

– જીગ્નેશ અધ્યારૂ


આપનો પ્રતિભાવ આપો....

12 thoughts on “અંતિમ પ્રેમ પત્ર – જીગ્નેશ અધ્યારૂ