શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રકરણ ૨૫)


પ્રકરણ ૨૫

કેટલાક લોકોને હવે એવું પણ લાગતું હતું કે હાર્યા જુગારીની માફક ઓસ્કર પોતાનું રોકાણ બમણું કરી રહ્યો હતો! તેના વિશે સાવ ઓછી જાણકારી ધરાવતા કેદીઓ પણ હવે એવું માનવા લાગ્યા હતા, કે ઓસ્કર જરૂર પડ્યે તેમને માટે જાન ન્યોચ્છાવર કેરી દે તેમ હતો! અત્યારે તો મા-બાપ પાસેથી નાતાલની ભેટ મેળવી રહેલા કોઈ બાળકના મનોભાવ સાથે તેઓ ઓસ્કરની આ કૃપાને સ્વીકારી લેતા હતા, પરંતુ આગળ જતાં તેઓ એવું પણ કહેવાના હતા કે હે ઇશ્વર, સારું થયું કે ઓસ્કર પોતાની પત્ની કરતાં પણ અમને વધારે વફાદાર હતો! કેદીઓની માફક કોઈક-કોઈક અધિકારીઓ પણ ઓસ્કરના આ ઉત્સાહનો લાભ લઈ લેતા હતા.

આવો જ એક અધિકારી ડૉ. સોપે, ક્રેકોવની એસએસની જેલ અને પોમોર્સ્કામાં આવેલી એસએસની પોતાની કોર્ટમાં કામ કરતો હતો. એક વખત એક પોલિશ સંદેશાવાહક મારફતે તેણે શિન્ડલરને જાણ કરી કે તેને હેર શિન્ડલર સાથે એક સોદો કરવામાં રસ હતો. મોન્ટેલ્યુપિકની જેલમાં શ્રીમતી હેલેન શિન્ડલર નામની એક સ્ત્રી હતી. ડૉ. સોપ જાણતો હતો કે એ સ્ત્રી ઓસ્કરના સગપણમાં ન હતી, પરંતુ તેના પતિએ એમેલિયામાં થોડી રકમનું રોકાણ કર્યું હતું. તેની પાસેના આર્યન દસ્તાવેજો શંકાસ્પદ હતા. ડૉ. સોપે ઓસ્કરને એવું કહેવાની જરૂર ન હતી બનાવટી દસ્તાવેજોને કારણે શ્રીમતી શિન્ડલરને ‘ચોજુઆ ગોરકા’ જતી ટ્રકમાં ચડાવી દેવામાં આવે તેવી શક્યતા હતી! પરંતુ તેણે એટલું જણાવ્યું, કે ઓસ્કર જો અમુક રકમ આપવા તૈયાર હોય, તો પોતે એવું તબીબી પ્રમાણપત્ર લખી આપવા તૈયાર હતા, કે શ્રીમતી શિન્ડલરની પરિસ્થિતિ જોતાં તેમને હંમેશા માટે બોહેમિયાના મેરિનબેદ ખાતે સારવાર લેવા માટે રજા આપવામાં આવે.

ઓસ્કરે ડૉ. સોપની ઑફિસની મુલાકાત લીધી, જ્યાં તેને જાણ થઈ કે પ્રમાણપત્ર આપવા માટે ડૉક્ટર ૫૦,૦૦૦ ઝ્લોટીની રકમ માગતા હતા. તેની સાથે દલીલો કરવાનો કોઈ અર્થ ન હતો. ત્રણ વર્ષના અનુભવ પછી સોપ જેવો માણસ પણ કોઈને મદદ કરવા માટેના ભાવ નક્કી કરતો થઈ ગયો હતો! ઓસ્કરે એ જ દિવસે બપોર પછી રકમની વ્યવસ્થા કરી દીધી. સોપ જાણતો હતો કે ઓસ્કર પાસે કાળાબજારના હિસાબ વગરના ઢગલો નાણા ઠાંસી-ઠાંસીને પડ્યા હતા, એટલે તે આટલી વ્યવસ્થા તો કરી જ શકશે! રકમ ચૂકવતા પહેલાં ઓસ્કરે સામી કેટલીક શરતો મૂકી. જેલની કોટડીમાંથી એ સ્ત્રીને લઈ આવવા માટે ઓસ્કર પોતે ડૉ. સોપ સાથે મોન્ટેલ્યુપિક જશે, અને એ પોતે જ શહેરમાં રહેતા પોતાના એક સહિયારા મિત્રોને એ સ્ત્રીને સોંપશે! સોપે કોઈ વાંધો ન લીધો. મોન્ટેલ્યુપિકની જેલની થીજવી દેતી ઠંડીમાં લાઈટના એક માત્ર બલ્બની નીચે, શ્રીમતી શિન્ડલરને તેમના કિંમતી દસ્તાવેજો સોંપી દેવામાં આવ્યા! ઓસ્કરની જગ્યાએ કોઈ વધારે સાવચેત અને ગણતરીબાજ મગજ ધરાવતો માણસ હોત તો એણે આ કામ કરવા બદલ બુડાપેસ્ટથી સેદલસેકે મોકલેલા નાણામાંથી ડૉ. સોપને આપી તેનાથી  બમણી રકમ પોતાના માટે સરકાવી લીધી હોત! અત્યાર સુધીમાં કુલ મળીને લગભગ દોઢ લાખ ઝ્લોટીની રકમ સૂટકેસના બનાવટી તળિયામાં કે કપડાંની કિનારમાં સંતાડીને ઓસ્કરને પહોંચાડવામાં આવી હતી. પરંતુ પોતાનાં હોય કે પારકાં, નાણાં પ્રત્યેની ઓસ્કરની થોડી બેદરકારીને કારણે અને કંઈક પોતાના સ્વમાનની ભાવનાને ખાતર, એમોન માટે કોગ્નેક ખરીદવા માટે વપરાયેલી રકમ સિવાય સેદલસેક પાસેથી મળેલા બધાં જ નાણાં એણે પોતાના યહૂદી સંપર્કોને પહોંચતા કરી દીધાં હતાં!

આ પ્રકારનાં કામોમાં હંમેશા બધું સીધું ન પણ ઊતરતું. સન ૪૩ના ઉનાળામાં પચાસ હજાર જર્મન માર્ક લઈને સેદલસેક ક્રેકોવમાં આવ્યા ત્યારે ઓસ્કરે પ્લાઝોવના ઝિઓનિસ્ટોને એ રકમ આપવાનું નક્કી કર્યું હતું, પરંતુ ઝિઓનિસ્ટોને તેમાં જર્મનોનું કોઈક પ્રકારનું છટકું હોવાનો ડર લાગ્યો હતો.

ઓસ્કરે સૌ પ્રથમ તો પ્લાઝોવની મેટલશોપમાં કામ કરતા ઝિઓનિસ્ટ યુવક અને ‘હિતાક દ્યૂત’ નામે ચાલતા શ્રમિક આંદોલનના સભ્ય હેનરી મેન્ડેલનો સંપર્ક સાધ્યો. મેન્ડેલ ડરના માર્યા એ રકમને હાથ લગાવવા માગતો ન હતો. શિન્ડલરે તેને વિશ્વાસ દેવડાવવા માટે કહેલું, “જો, પેલેસ્ટાઇનથી રકમની સાથે આવેલો હર્બ્યુમાં લખેલો એક પત્ર મારી પાસે છે.” પરંતુ જો આ એક છટકું હોય અને ઓસ્કર જો એસએસ સાથે ભળી ગયેલો હોય અને તેમને માટે જ કામ કરતો હોય, તો તેની પાસે પેલેસ્ટાઈનથી આવેલો કહેવાતો પત્ર પણ હોઈ જ શકે! તે ઉપરાંત, જેની પાસે ભોજન માટે બ્રેડ કે સવારનો નાસ્તો ખરીદવાના પૈસા પણ ન હોય, તેવા માણસ માટે પચાસ હજાર કે એક લાખ ઝ્લોટી એ બહુ મોટી રકમ હતી! અને એ પણ તેને જેમ યોગ્ય લાગે તે રીતે વાપરવા માટે…! ના, મેન્ડેલ આ બાબતે કોઈના પર ભરોસો મૂકી શકે તેમ હતો નહીં!

એ પછી શિન્ડલરે પ્લાઝોવની અંદર ઊભેલી પોતાની ટ્રકમાં પડેલી એ રકમ ‘હિતાક દ્યૂક’ની જ સભ્ય એવી એક અન્ય સ્ત્રી અલ્તા રબનરને આપવાનો પ્રયત્ન કર્યો. કેબલ ફેક્ટરીમાં કામ કરવા જતા કેટલાક મજૂરો અને પોલિશ જેલોમાં રહેતા પોલિશ કેદીઓના માધ્યમ દ્વારા, ભૂગર્ભ સંસ્થા ‘સોસ્નોવિક’ સાથે અલ્તાને થોડા સંપર્કો હતા. એણે મેન્ડેલને સૂચન કર્યું, “કદાચ ભૂગર્ભ સંસ્થાને જ આ બધો વહીવટ સોંપી દેવાનું સારું રહેશે. હેર ઓસ્કર જે નાણાં આપવા માગે છે તે ખરેખર ક્યાંથી આવ્યાં છે તે શોધવાનું તેમને જ નક્કી કરવા દઈએ.”

મેડરિટ્સના સિલાઈ મશીનોના ઘરઘરાટ વચ્ચે ઓસ્કરે મોટા અવાજે એ સ્ત્રીને મનાવવાના પ્રયત્નો કરી જોયા. “હું હૃદયપૂર્વક તમને ખાતરી આપું છું કે આમાં કોઈ છટકું નથી!” હૃદયપૂર્વક! એસએસનો કોઈ એજન્ટ પણ બરાબર આવી જ લાગણીસભર રીતે વાત કરવાનો!

અને છતાં, ઓસ્કરના ચાલ્યા ગયા પછી મેન્ડેલે સ્ટર્ન સાથે આ બાબતે વાત કરી જોઈ. સ્ટર્ને તેને એ પત્ર અધિકૃત હોવાનું જણાવ્યું, એટલે મંડેલે ફરીથી અલ્તાનો સંપર્ક સાધ્યો, અને બંનેએ એ રકમ સ્વીકારવાનો નિર્ણય કર્યો. તેમને ખબર હતી, કે ઓસ્કર હવે એ રકમ લઈને પાછો આવવાનો ન હતો. આથી મન્ડેલ વહીવટીભવનમાં કામ કરતા એક યહૂદી માર્સેલ ગોલ્ડબર્ગ પાસે ગયો. ગોલ્ડબર્ગ પણ ‘હિદાક દ્યૂત’નો સભ્ય હતો, અને પ્લાઝોવની અંદર મજૂરો, પરિવહન, જીવતા કે મરેલા યહૂદીઓની ચીજ-વસ્તુઓની યાદી સંભાળતા કારકૂનનું કામ કરતો હતો. પરંતુ હવે તો એ પણ લાંચ લેતો થઈ ગયો હતો! તે છતાં મંડેલ તેના પર દબાણ લાવી શકે તેમ હતો. પ્લાઝોવના વર્કશોપ માટે ધાતુનો ભંગાર લેવા માટે એમેલિયા જતા કેદીઓની સૂચી ગોલ્ડબર્ગ આપી શકે તેમ હતો, એ સૂચીમાં વધારો-ઘટાડો પણ એ કરી શકે તેમ હતો. જૂની મિત્રતાના દાવે, એમેલિયા જવા માટેના કારણોની પુછપરછ કર્યા વગર મંડેલનું નામ એમેલિયાની મુલાકાતે જતા લોકોની યાદીમાં મૂકાઈ ગયું!

પરંતુ ઝેબ્લોસીમાં આવીને, ધાતુના ભંગારથી ખાસ્સી દૂર આવેલી ઑફિસમાં ઓસ્કરને મળવા જતાં ઑફિસના સ્વાગતકક્ષમાં બેંકરે તેને રોકી લીધો. બેંકરે તેને હેર શિન્ડલર બહુ જ કામમાં હોવાનું કહી દીધું! એક અઠવાડિયા પછી મેંડેલ ફરી પાછો એમેલિયા આવ્યો, ત્યારે ફરી વખત બેંકરે તેને શિન્ડલરને મળીને વાત કરવા ન દીધી! ત્રીજી વખત બેંકરે તેની સાથે સ્પષ્ટ વાત કરી. “તારે ઝિઓનિસ્ટોના નાણાં જોઈએ છેને? કેમ? પહેલાં તો તારે નહોતાં જોઈતાં, અને હવે તારે કેમ જરૂર પડી ગઈ! ઠીક છે, પણ હવે તને એ રકમ ન મળી શકે. આ જ જીવન છે, હેર મેંડેલ!”

મેન્ડેલે માથું ધુણાવ્યું અને એ ત્યાંથી ચાલ્યો ગયો. એના મનમાં ખોટી રીતે એવી ધારણા બંધાઈ ગઈ કે જરૂર બેંકરે એ નાણાંમાંથી ખાસ્સી રકમ મારી લીધી હશે! હકીકતે, બેંકર સાવચેતી દાખવી રહ્યો હતો. છેવટે એ રકમ પ્લાઝોવના ઝિઓનિસ્ટ કેદીઓના હાથમાં જ પહોંચાડવામાં આવી, અને અલ્તા રબનરે આપેલી એ નાણાંની પહોંચ પણ સેદલસેક દ્વારા સ્પ્રિંગમેન સુધી પહોંચાડી દેવામાં આવી. એવું લાગે છે, એ રકમનો એક હિસ્સો ક્રેકોવ સિવાયના અન્ય શહેરોમાંથી આવેલા યહૂદીઓ પાછળ પણ ખર્ચવામાં આવ્યો હતો, જેમને ક્રેકોવમાં કોઈના તરફથી સ્થાનિક મદદ મળતી ન હતી.

ઓસ્કર તરફથી મળતી સહાયનો ઉપયોગ સ્ટર્નની ઇચ્છા પ્રમાણે મુખ્યત્વે ખરેખર ભોજન માટે જ કરવામાં આવતો હતો, કે પછી તેનો મોટો હિસ્સો ભૂગર્ભ ચળવળ ચલાવવા માટે શહેરમાં હરફર કરવાની પરવાનગીપત્રો અને હથિયારો ખરીદવામાં વપરાતો હતો? ઓસ્કરે એ જાણવાનો ક્યારેય પ્રયત્ન ન કર્યો. પરંતુ શ્રીમતી શિન્ડલરને મોન્તેલ્યુપિક જેલમાંથી બહાર કાઢવા માટે કે દેન્ઝીગર બંધુઓ જેવા લોકોનો જીવ બચાવવા માટે ઓસ્કરે ક્યારેય એ રકમનો ઉપયોગ નહોતો કર્યો! કે પછી એસએસના અધિકારીઓ એમેલિયાની છાવણીને બંધ કરવાની ભલામણ ન કરે તે માટે ૧૯૪૩ના વર્ષ દરમ્યાન એસએસના નાના-મોટા અધિકારીઓને ત્રીસ ટન જેટલા એનેમલના વાસણો ભેટ આપવામાં પણ ઓસ્કરે સેદલસેકે આપેલા નાણાંનો ઉપયોગ ન કર્યો!  એ સમયે છાવણીઓમાં ગર્ભવતી બનતી કોઈ પણ યુવતીને એસએસ દ્વારા પરાણે ઓસ્વિટ્ઝ મોકલી આપવામાં આવતી હતી! પરંતુ એમેલિયાની છાવણીમાં ગર્ભવતી બનતી યુવતીઓ માટે દવાખાનાના જરૂરી સાધનો વસાવવા માટે પોતે વાપરેલી સોળ હજાર ઝ્લોટીની રકમ પણ ઓસ્કરે એ નાણાંમાંથી નહોતી વસુલી! અને અન્ટર્સ્ટર્મફ્યૂહરર જોહ્‌ન પાસેથી ભાંગી-તૂટી મર્સીડિઝ ખરીદવા માટે પણ એમાંથી કોઈ જ નાણાં વાપરવામાં આવ્યાં ન હતાં! બન્યું એવું, કે પ્લાઝોવના ત્રીસ જેટલા કેદીઓને એમેલિયા મોકલવાની અરજી ઓસ્કરે રજુ કરી, ત્યારે જોહ્‌ને બરાબર મોકો જોઈને પોતાની મર્સીડિઝ ખરીદી લેવાની વાત ઓસ્કર પાસે મૂકી!

બાર હજાર ઝ્લોટી આપીને ઓસ્કરે જોહ્ન પાસેથી કાર ખરીદી લીધી, અને બીજા જ દિવસે લિઓ જોહ્‌ન અને અન્ટર્સ્ટર્મફ્યૂહરર સિડ્ટે, છાવણીની હદના વિસ્તારમાં બાંધકામના કામકાજ માટે એ કારને પાછી પોતાના કબજામાં લઈ લીધી! “એ લોકો કદાચ કારને રેતી ભરવાના કામમાં પણ લેશે!” ભોજન વેળાએ ટેબલ પર ઓસ્કરે બળાપો કાઢતાં કહેલું. જો કે, પાછળથી એ બનાવનો અનૌપચારીક હવાલો આપતાં એણે કહેલું, કે એ બંને મહાનુભાવોને મદદરૂપ થવામાં તેને ખૂબ જ આનંદ થયેલો!

આપનો પ્રતિભાવ આપો....