શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રકરણ ૨૪)


પ્રકરણ ૨૪

એ દિવસોમાં ઓસ્કર અઠવાડિયામાં ત્રણ દિવસ એમેલિયામાં આવતો. ફેક્ટરીના મેદાનમાં ઘોડા પરથી ઊતરતો ઓસ્કર શિન્ડલર અદ્દલ કોઈ ઉદ્યોગપતિ જેવો જ લાગતો હતો! અત્યંત દેખાવડો ઓસ્કર, ફિલ્મ અભિનેતા જ્યોર્જ સેન્ડર્સ કે કર્ટ જર્જન્સ જેવો દેખાતો! લોકો પણ તેને આ બે અભિનેતા સાથે જ સરખાવતા! પોતાનું ટુંકું જેકેટ અને જોધપૂરી કોટ એ એક ખાસ જગ્યાએ સીવડાવતો. ઘોડેસવારી માટેનાં તેનાં જુતાં એકદમ ચમકતાં રહેતાં. ચારે બાજુથી એ સમૃદ્ધિમાં આળોટતો માણસ હોય એવું લાગતું.

અને છતાં, ઘોડા પર ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લઈને પાછો ફરેલો ઓસ્કર, ‘ડેફ’ જેવા વિશાળ ઉદ્યોગના ઇતિહાસ માટે પણ કંઈક વિચિત્ર ગણાય તેવા બીલોનો હિસાબ તપાસવા માટે ઉપરના માળે આવેલી પોતાની ઑફિસમાં ચાલ્યો જતો હતો.

કેદીઓ માટે બ્રેડના સેંકડો લોફ અને અડધી ટ્રક ભરીને સલગમના કંદ અઠવાડિયામાં બે વખત પ્લાઝોવની બેકરીમાંથી ઝેબ્લોસીની લિપોવા સ્ટ્રીટ ખાતેની ફેક્ટરીની છાવણીમાં આવતા હતા. ઊંચી-ઊંચી ટ્રકોમાં માલ તો ઘણો ઓછો આવતો હતો, પરંતુ કમાન્ડન્ટ એમોન ગેટેના ચોપડામાં ઓસ્કરના નામે અનેક ગણી રકમ ઉધારવામાં આવતી હતી! એમોન પોતાના હિસાબમાં જે મોટા પરંતુ ખોટા જથ્થા નોંધતો હતો તે, અને લિપોવા સ્ટ્રીટમાં ખરેખર જે નજીવો માલ પહોંચતો હતો, એ બંન્ને વચ્ચેના તફાવત જેટલો જથ્થો ચિલોવિક્ઝ જેવા એમોનના વહીવટદારો, કમાન્ડન્ટ એમોનના પ્રતિનિધી રૂપે બજારમાં વેંચી દેતા હતા. એમિલિયાની છાવણીમાં રાખેલા કેદીના ભોજન માટે ઓસ્કરે જો એમોન પર આધાર રાખ્યો હોત, તો તેના ૯૦૦ કેદીઓ, અઠવાડિયે કિલોના માંડ ત્રીજા ભાગ જેટલી બ્રેડ પામતા હોત, અને તેમને સુપ પણ દર ત્રીજા દિવસે જ મળતો હોત! એમિલિયાની છાવણીના રસોડા માટેની કાળાબજારમાંથી ભોજનસામગ્રી ખરીદવા માટે ઓસ્કર દર મહીને ૫૦૦૦૦ ઝ્લોટી જેટલી રકમ વાપરી નાખતો હતો! કોઈક અઠવાડિયે તો એણે ત્રણ હજાર કરતાં પણ વધારે બ્રેડ શોધવી પડતી હતી! જર્મન માર્ક અને શરાબની બે-ત્રણ બોટલને બ્રીફકેસમાં લઈને એ મોટી-મોટી બેકરીઓના જર્મન નિરીક્ષકોને મળવા પહોંચી જતો અને તેમની સાથે વાટાઘાટો કરી લેતો!

ઓસ્કર પોતે પણ એ જાણતો ન હતો, કે ૧૯૪૩ના ઉનાળામાં, આખાયે પોલેન્ડમાં કેદીઓનું ગેરકાયદેસર ભરણપોષણ કરનારા કેટલાક હિંમતવાન માણસોમાં એક એ પણ હતો! તે એ પણ જાણતો ન હતો, કે એસએસની નીતિ પ્રમાણે મોતની મોટી-મોટી ફેક્ટરીઓ અને કાંટાળા તારથી ઘેરાયેલી વેઠિયા મજૂરોની ઝૂંપડપટ્ટીઓમાં રહેતા એક-એક રહેવાસીઓ પર ભૂખનો જે દુષ્ટ છાયો ફેલાઈ ગયો હતો, એ છાયાએ લિપોવા સ્ટ્રીટમાં હજુ સુધી દેખા દીધી ન હતી! એ બાબત બહુ જોખમી હતી અને સ્પષ્ટ રીતે બધાને દેખાઈ પણ આવતી હતી! એ ઉનાળે એવા કેટલાક બનાવો બની ગયા જેણે શિન્ડલર વિશે ફેલાયેલી દંતકથાઓને બહુ પ્રચલિત કરી દીધી હતી. પ્લાઝોવના ઘણા કેદીઓમાં અને એમેલિયાની આખીયે છાવણીમાં, ઓસ્કર સર્વે કેદીઓનો આશ્રયદાતા હોવાની લગભગ ધાર્મિક કહી શકાય એવી માન્યતા ફેલાઈ ચૂકી હતી!

છેક પેટા છાવણીઓ બની ત્યારથી એવું બનતું આવ્યું હતું, કે દરેક છાવણીની અંદર ગુલામ કેદીઓની તાકાતનો મહત્તમ ઉપયોગ કરવામાં આવતો હોવાના પૂરાવા આપવા પડતા હતા. તેમને સતત પ્રવૃત્ત રાખવામાં આવે છે કે નહીં તેની ખાતરી કરવા માટે પૈતૃક છાવણીના કે પછી અન્ય મોટી છાવણીના ઉચ્ચ અધિકારીઓ પેટા છાવણીની મુલાકાતે આવી ચડતા હતા. એમેલિયાની મુલાકાતે પ્લાઝોવમાંથી કયો  ઉચ્ચાધિકારી આવતો હશે તેની તો કોઈ સ્પષ્ટ જાણકારી નથી મળતી, પરંતુ કેટલાક કેદીઓ અને ઓસ્કરના પોતાના કહેવા પ્રમાણે એમોન ગેટે એમાંનો એક હતો. એ જો ગેટે ન હોય, તો લેઓ જોહ્‌ન કે શિડ્ટ હોય! અથવા તો જોસેફ ન્યૂસ્કલ નામનો ગેટેનો આશ્રિત પણ હોય! દૃષ્ટાંત પૂરું પાડી શકાય એ હદે કેદીઓની તાકાતને સંપૂર્ણ રીતે કાર્યાન્વિત કરવાની બાબતે આ બધામાંથી કોઈનું પણ એક નામ આપી દેવામાં આવે, તો પણ એ અન્યાયપૂર્ણ લેખાય તેમ ન હતું! કારણ કે પ્લાઝોવમાં ભરવામાં આવી રહેલાં ક્રૂર અને વખોડી નાખવા જેવાં પગલાંના ઇતિહાસ સાથે આ બધા જ લોકો ક્યાંકને ક્યાંક સંકળાયેલા હતા! અને એ દિવસે એમેલિયાનું નિરીક્ષણ કરવા આવેલા એ જર્મનોને લાગ્યું, કે લામુસ નામનો એક કેદી ફેક્ટરીના મેદાનમાં ગાડું બહુ ધીમે-ધીમે ખેંચી રહ્યો હતો. આગળ જતાં ઓસ્કરે એવી સ્પષ્ટતા કરી હતી કે એ દિવસે એમોન ગેટે પોતે જ ત્યાં હાજર હતો, અને લામુસને ધીમે-ધીમે ગાડું ખેંચતો જોઈને, તેણે જ લામુસને ગ્રન નામના એક યુવાન અધિકારીને હવાલે કરી દીધો હતો. ભૂતપૂર્વ કુસ્તીબાજ ગ્રન એમોનનો પાલતુ બોડીગાર્ડ હતો. લામસને મોતને ઘાટ ઊતારી દેવાનો હુકમ ગ્રનને આપી દેવામાં આવ્યો હતો.

ગ્રન દ્વારા લામસને પકડી જવામાં આવ્યો, અને નિરીક્ષકો ફેક્ટરીની છાવણીના અન્ય ભાગમાં આગળ વધી ગયા. મેટલકામના વિભાગમાંથી કોઈએ શિન્ડલરની કેબીનમાં દોડી જઈને લામસને પકડી ગયાની ખબર આપી દીધી. અગાઉ રેજિનાને મળવા દોડીને આવ્યો હતો તેનાથી પણ વધારે વેગથી ઓસ્કર પગથિયાં ઊતરીને નીચે દોડી આવ્યો! તેણે જોયું કે ગ્રન મેદાનમાં જ લામાસને એક ભીત પાસે ઊભો રાખી રહ્યો હતો. ઓસ્કરે તેને સંબોધીને બૂમ પાડી, “તમે અહીંયાં આવું ન કરી શકો! તમે અહીં ગોળીબાર કરો તો હું મારા માણસો પાસેથી કામ ન કરાવી શકું! યુદ્ધનાં ઉચ્ચ-પ્રાથમિકતાવાળાં મોટા-મોટા કોન્ટ્રાક્ટનાં કામો કરાવવાનાં મારે હજુ બાકી છે…” વગેરે, વગેરે. આ બધી શિન્ડલરની કાયમી દલીલો હતી, જેમાં એવી સૂચના પણ સામેલ રહેતી, કે ઉચ્ચ અધિકારીઓ સાથે ઓસ્કરની ઓળખાણ હતી અને એમેલિયાના ઉત્પાદનમાં કોઈ પણ અડચણ આવશે તો એ ઉચ્ચ અધિકારીઓને ગ્રનનું નામ આપી દેશે!

ગ્રન પણ ચાલાક હતો. એ જાણતો હતો, કે તેની સાથે આવેલા નિરીક્ષકો તો ક્યારના વર્કશોપના બીજા હિસ્સામાં ચાલ્યા ગયા હતા. મેટલપ્રેસના ધમધમાટ અને લેથના ઘરઘરાટ વચ્ચે અહીંયાં જે કોઈ અવાજ થશે તે દબાઈ જ જવાના હતા, અથવા નિરીક્ષકોને સંભળાવાના ન હતા! એમોન ગેટે અને જોહ્‌ન માટે લામસનું એવું કોઈ જ મહત્ત્વ હોવાનું ન હતું જેને માટે પાછળથી તપાસ પણ કરવામાં આવે! “મને શું મળશે?” એસએસના માણસે ઓસ્કરને પૂછ્યું. “વોડકા ચાલશે?” ઓસ્કરે પૂછ્યું.

ગ્રન માટે તો આ બહું મોટું ઈનામ હતું. લશ્કરી કાર્યવાહી દરમ્યાન ખભે મશીનગન લટકાવીને આખા દિવસની રઝળપાટ અને પૂર્વના વિસ્તારોમાં રોજેરોજ કરવામાં આવતી સેંકડો લોકોની હત્યા… અને બદલામાં સૈનિકોને માત્ર અડધો લિટર વોડકા આપવામાં આવતી હતી! ઈનામમાં મળતી અડધો લિટર શરાબ મેળવવા માટે પણ સૈનિકોએ રોજ સાંજે કતારમાં ઊભા રહેવું પડતું હતું. અને અહીં આ ફેક્ટરીના ડાયરેક્ટર, એક હત્યા ન કરવાના બદલામાં ત્રણ ગણી શરાબ આપી રહ્યા હતા!

“બોટલ ક્યાં છે? મને તો દેખાતી નથી…” એણે પૂછ્યું. શિન્ડલરે લામસને દિવાલ પાસેથી ખસેડીને દૂર મોકલી આપ્યો. ગ્રને લામસને બૂમ પાડીને કહ્યું “ભાગી જા…”

ઓસ્કરે ગ્રનને કહ્યું. “નિરીક્ષણ પૂરું થાય પછી મારી ઑફિસમાં આવીને તમે બોટલ લઈ જજો.”

આવી જ એક લેવડદેવડમાં એવું બન્યું હતું, કે ખોટા દસ્તાવેજ ધરાવતા કેદીઓ ઉપર ગેસ્ટાપોએ  છાપો માર્યો, ત્યારે અન્ય લોકોની સાથે-સાથે, શિન્ડલરની છાવણીમાં કામ કરતાં વોહ્લફેઇલર કુટુંબના વૃદ્ધ માતા-પિતા અને કિશોરવયના ત્રણ બાળકો પાસે રહેલા તદ્દન ખોટા, કે પછી અડધાપડધા ખોટા આર્યન દસ્તાવેજો પણ ઝડપાઈ ગયા હતા. આખાયે કુટુંબને પુછપરછ કરવા લઈ જવા માટે ગેસ્ટાપોના બે માણસો લિપોવા સ્ટ્રીટમાં આવેલા. તેઓ જો એ કુટુંબને ઉઠાવી જાય તો પહેલાં મોન્ટેલ્યૂપીકની જેલમાં, અને ત્યાંથી ચૂજોવા ગોરકા મોકલી આપવામાં આવે તેમ હતું! ઓસ્કરની ઑફિસમાં પ્રવેશ્યાના ત્રણ કલાક બાદ બંને અધિકારીઓ પગથિયાં પર લથડિયાં ખાતાં કોગ્નેકના ક્ષણિક આનંદથી, અને બધા જાણતા હતા એમ તગડી લાંચ મળવાથી પ્રસન્ન થતાં પાછા ફર્યા હતા. પેલા બનાવટી દસ્તાવેજો હવે ઓસ્કરના ટેબલ પર પડ્યા હતા. ઓસ્કરે એ દસ્તાવેજોને ઉપાડીને આગમાં ફેંકીને સળગાવી નાખ્યા.

એ પછી, દેન્ઝીગર બંધુઓની વાત આવે છે. એક શુક્રવારે તેમના હાથે મેટલ પ્રેસ તૂટી ગયો! મુંઝાઈ ગયેલા અર્ધકુશળ એવા બંને પ્રમાણિક કારીગરો મોટા અવાજ સાથે તૂટી ગયેલા મશીન સામે ડઘાઈને તાકી રહ્યા! ઓસ્કર શિન્ડલર એ સમયે ધંધાર્થે પ્રવાસ પર ગયો હતો. કોઈકે, ઓસ્કરના શબ્દોમાં કહીએ તો ફેક્ટરીમાંના જ કોઈ જાસુસે, પ્લાઝોવના વહીવટદારો પાસે જઈને દેન્ઝીગર બંધુઓનું નામ આપી દીધું! બંનેને એમેલિયામાંથી પકડીને પ્લાઝોવમાં લઈ જવામાં આવ્યા, અને તેમને ફાંસી આપી દેવાની જાહેરાત પણ બીજા દિવસે હાજરી પૂરવાના સમયે કરી દેવામાં આવી! એ સાથે જ, એવી જાહેરાત પણ કરી દેવામાં આવી, કે આજે રાત્રે પ્લાઝોવના બધા કેદીઓ આ બંને ભાંગફોડિયાઓને મૃત્યુદંડ અપાતો નજરે જોઈ શકશે! હકીકતે, દેન્ઝીગર બંધુઓને તેમની રૂઢિચુસ્ત છાપને કારણે જ મૃત્યુદંડ આપવામાં આવ્યો હતો!

શનિવારે બપોર પછી ત્રણ વાગ્યે મૃત્યુદંડના ત્રણેક કલાક પહેલાં જ, ઓસ્કર સોસ્નોવિકના પ્રવાસ પરથી પરત ફર્યો. સજાના સમાચાર ટેબલ પર તેની રાહ જોતાં પડ્યા જ હતા! કોગ્નેકની બોટલો અને માંસની ખાસ વાનગીઓ લઈને, તરત જ એ ગામડાંઓના રસ્તે થઈને પ્લાઝોવ જવા રવાના થઈ ગયો. વહીવટી ભવનની નજીક કાર ઊભી રાખીને એણે એમોનને તેની ઑફિસમાંથી શોધી કાઢ્યો. કમાન્ડન્ટને બપોરની ઊંઘમાંથી જગાડવો ન પડ્યો એટલે ઓસ્કર ખુશ હતો! સ્પેનના ધર્મગુરુ તોર્ક્વેમાદાન જેવી જ ઑફિસમાં એમોને કેદીઓને શિસ્ત શીખવવાના કે પાઠ ભણાવવાના ઈરાદે તેમને લટકાવવા માટે દિવાલોમાં કડાં લગાવડાવ્યાં હતાં. એમોનની ઑફિસમાં એ સાંજે જે સોદો થયો હશે, તેની વિગતો કોઈને પણ જાણવા મળી નહીં! અને છતાંયે માની ન શકાય એવી વાત એ હતી, કે માત્ર કોગ્નેક અને માંસની વાનગીઓથી જ એમોન સંતુષ્ટ થઈ ગયો હતો! ગમે તે હોય, ઓસ્કર અને એમોનની એ મુલાકાતને કારણે જર્મન મેટલ પ્રેસની તૂટફૂટનો પ્રશ્ન હલ થઈ ગયો હતો! અને સાંજના છ વાગ્યે, બરાબર મૃત્યુદંડના અમલના સમયે જ, ઓસ્કરની લિમોઝીન કારની પાછળની મખમલી બેઠક પર બેસીને દેન્ઝીગર બંધુઓ એમેલિયાની આનંદદાયક કંગાલીયતમાં પાછા ફર્યા હતા!

જો કે આ બધી જીત હકીકતે આંશિક જ હતી! ઓસ્કર જાણતો હતો, કે સમ્રાટોની માફ કરવાની રીતો પણ સજા આપવા જેટલી જ અતાર્કિક હોય છે. એમિલ કૃતવર્ત નામનો એક ઈજનેર એમેલિયાના બેરેકની પાછળ આવેલી રેડિયેટર ફેક્ટરીમાં કામ કરતો હતો, અને ઓસ્કરની પેટા છાવણીમાં કેદી તરીકે રહેતો હતો. ત્રીસીના દાયકાના અંતમાં એ યુવાને સનદ મેળવી હતી. એણે પણ એમેલિયાના અન્ય કેદીઓની માફક શિન્ડલરના કેમ્પની મદદ માગી હતી, પરંતુ કેદીઓ પર દાખલો બેસાડવા માટે પ્લાઝોવમાં લઈ જઈને કૃતવર્તને ફાંસીએ લટકાવી દઈને એસએસે એ સાબીત કરી આપ્યું, કે આ કેમ્પ પર ખરેખર કોનું વર્ચસ્વ હતું, છેવટે જીવન-મરણ જેવી બાબતે તો ખરું જ! યુદ્ધ પુરૂ થાય અને શાંતિ સ્થપાય ત્યાં સુધી જીવિત રહેલા પ્લાઝોવવાસીઓ માટે તો, તેમણે પોતે સહન કરવી પડેલી પીડા અને માનહાનિ ઉપરાંત, ઇજનેર કૃતવર્તની ફાંસી એ એવો સૌથી પહેલો બનાવ હતો, જેને તેઓ વર્ષો સુધી યાદ કરવાના હતા! ફાંસીના માંચડાની બાબતમાં એસએસ દ્વારા અત્યંત લોભ કરવામાં આવતો હતો. પ્લાઝોવમાં ફાંસીના માંચડાની જગ્યાએ ગોલપોસ્ટની માફક બે લાંબાં લાકડાં જ ગોઠવી દેવામાં આવતાં હતાં, ઐતિહાસિક કાળના વધસ્તંભો કે શિરચ્છેદ માટેના આધુનિક યંત્રો, એલિઝાબેથના સમયના ફાંસીના માંચડા કે મુખ્ય ન્યાયાધીશની ઑફિસના પાછળના મેદાનમાં બનાવેલા વધસ્તંભો જેવો કોઈ ભભકો આ માચડાઓમાં જોવા મળતો ન હતો.

યુદ્ધ પૂરું થયા પછી, પ્લાઝોવ અને ઓસ્વિટ્ઝ ખાતેના આ ફાંસીના માંચડા તેની ભવ્યતા માટે નહીં પણ તેની કંગાળિયત માટે ખાસ યાદ રહી જવાના હતા! પરંતુ અત્યારે તો પ્લાઝોવમાં રહેતા બાળકોની માતાઓ જાણતી હતી, કે ભલે એ માંચડા સાવ સામાન્ય દેખાતા હોય, હાજરીના સમયે બધાની ઉપસ્થિતિમાં અપાતા મૃત્યુદંડ પાંચેક વર્ષની ઉંમરનાં નાનાં-નાનાં બાળકોની નજરથી છૂપા રહેવાના ન હતા! કૃતવર્તની સાથે સોળ વર્ષના એક કિશોરને પણ ફાંસીના માંચડે લટકાવવાનો હતો. કૃતવર્તને તો ક્રેકોવમાં રહેતા એક રાજદ્રોહીને પત્રો લખવાના આરોપસર સજા કરવામાં આવી હતી. પરંતુ હ્યુબેનસ્ટોક નામના પેલા કિશોરના મૃત્યુદંડમાં લખ્યા મુજબ તેને રાજદ્રોહના ગીતો ગાવાના આરોપસર ફાંસીના માંચડે ચડાવી દેવાનો હતો! તેના પર એવો આરોપ મૂકવામાં આવ્યો હતો, કે બોલ્શેવિઝમ ઉપર જીત મેળવવા માટે યુક્રેનિયન ચોકિયાતોને ઉકસાવવાના ઈરાદે “વોલ્ગા, વોલ્ગા”, “કલિંકા માયા” અને તેના જેવાં અન્ય પ્રતિબંધિત રશિયન ગીતો એ કિશોરે ગાયાં હતાં!

પ્લાઝોવની અંદર અપાતા મૃત્યુદંડની વિધિના લિખિત નિયમોમાં મૃત્યુદંડના સમયે તદ્દન શાંતિ જાળવવાનો ખાસ ઉલ્લેખ કરવામાં આવેલો હતો. જૂના જમાનામાં અપાતી ફાંસીના જાહેર પ્રસંગોથી વિરુદ્ધ, મૃત્યુદંડનો અમલ હવે એકદમ નીરવતા વચ્ચે કરવામાં આવતો હતો! લોકો પગની આંગળીઓ પર ઊંચા થઈ-થઈને ટોળે વળીને ઊભા રહેતા હતા. પોતાની સત્તાને બરાબર સમજતાં સ્ત્રી-પુરૂષ અધિકારીઓ, કેદીઓની ફરતે સતત પહેરો ભરતા રહેતા હતા, જેમાં હુજર અને જોહ્‌ન, શિડ્ટ અને ગ્રન, લેન્સદોર્ફર, એમોર્થ, ગ્રીમ, રિસ્ચેક અને સ્કર્બર ઉપરાંત તાજેતરમાં જ પ્લાઝોવ ખાતે નિમાયેલી બે સ્ત્રી નિરીક્ષકો પણ સામેલ હતી. એલિસ ઓર્લોવ્સ્કી અને લ્યુસી દેન્ઝ નામની એ બંને સ્ત્રીઓએ હાથમાં દંડુકા પકડેલા હતા. આ બધાંના નિરીક્ષણ હેઠળ ચાલતી સુનવણી બધાંને સ્પષ્ટ રીતે સંભળાતી હતી.

ઇજનેર કૃતવર્ત પહેલાં તો સ્તબ્ધ થઈ ગયો હતો. તેની પાસે તો કહેવા જેવું કંઈ હતું જ નહીં, પરંતુ પેલો કિશોર કંઈક બબડી રહ્યો હતો. ધ્રુજતા અવાજે એણે ફાંસીના માંચડા પાસે ઊભેલા કમાન્ડન્ટને મનાવવાનો પ્રયત્ન કર્યો. “હું કોઈ સામ્યવાદી નથી, કમાન્ડન્ટ. હું તો સામ્યવાદને ધિક્કારું છું. એ તો માત્ર ગીતો જ હતાં. સાધારણ ગીતો.” ક્રેકોવના જ એક યહૂદી કેદી હ્યુબેનસ્ટોકે અગાઉ કોઈક ગુનામાંથી મુક્તિ મળવાના બદલામાં જલ્લાદનું કામ સ્વીકાર્યું હતું. તેણે કિશોરને સ્ટૂલ પર ઊભો રાખીને તેના ગળામાં ગાળિયો નાખ્યો. એ જાણતો હતો કે એમોન મનોમન એવું જ ઇચ્છતો હતો, કે સૌથી પહેલાં એ કિશોરને ફાંસી આપી દઈને એની દલીલો બંધ કરાવી દેવી! જલ્લાદે કિશોરના પગ નીચેનો લાકડાનો ટેકો પાટું મારીને ખસેડી દીધો, એ સાથે દોરડું જ તૂટી ગયું! ગુંગળામણ અનૂભવતો, ભૂખરો પડી ગયેલો કિશોર ગળામાં ગાળિયા સાથે એમોનના પગમાં પડી ગયો. એ હાલતમાં પણ એમોનના પગમાં માથું પછાડતો, તેના પગને વળગીને એ વિનંતી કર્યે રાખતો હતો. સમર્પણની આ તો આખરી હદ હતી! છેલ્લા કેટલાક મહિનાઓથી એમોને જે રાજાશાહી અમલમાં મૂકી હતી, તેને કિશોરના આ વર્તનને કારણે ફરી-ફરીને સમર્થન મળી રહ્યું હતું! હાજરી માટે ટોળે વળેલા લોકોના મોંમાંથી અન્ય કોઈ અવાજને બદલે, રેતના ઢૂવા વચ્ચેથી નીકળતા હોય એવા સિસકારા નીકળી રહ્યા હતા; અને એ સિસકારાની વચ્ચે એમોને પોતાના હોલ્સ્ટરમાંથી પિસ્તોલ કાઢીને પગમાં આળોટી રહેલા કિશોરને પાટું મારીને દૂર હડસેલ્યો, અને તેના માથામાં એક ગોળી ધરબી દીધી…

કિશોરને અપાયેલા મૃત્યુદંડની આ ભયાનક ઘટના જોઈને ડરી ગયેલા બીચારા ઇજનેર કૃતવર્તે, અને પોતાના ખિસ્સામાં છુપાવી રાખેલી બ્લેડ કાઢીને પોતાના કાંડા પર મારી દીધી! આગળની હરોળમાં ઊભેલા કેદીઓએ જોયું કે કૃતવર્તે પોતાના કાંડા પર મારેલા ઘા જીવલેણ જ હતા. એમોને તો પણ તેને કોઈ પણ સંજોગોમાં ફાંસીના માંચડે લટકાવવાનો હુકમ જલ્લાદને આપ્યો; અને કૃતવર્તના કાંડે પડેલા ઘામાંથી નીકળતા લોહીથી ખરડાઈ ગયેલા બે યુક્રેનિયન સૈનિકોએ તેને ઊંચકીને ફાંસીના માંચડા પર ઊભો કરી દીધો… અને કાંડામાંથી લોહી નીંગળતી હાલતમાં, દક્ષિણ પોલેન્ડના યહૂદીઓની નજર સામે જ તેનો શ્વાસ રૂંધાઈ ગયો!

કેદીઓ હવે સહજપણે જ એવી અપેક્ષા રાખતા હતા કે એમોન દ્વારા હવે આ પ્રકારના ઘાતકી પ્રદર્શનો બંધ થાય, અને તેની પદ્ધતિઓ કે તેની મનોવૃત્તિઓ બદલાય. એમોન અને તેના સિવાયના અન્ય અધિકારીઓ ફ્રેન્ચ વિન્ડો અને ચકચકતી ફરસવાળી ઑફિસોમાં બેસતા હતા. ઉત્તમોત્તમ વાતાવરણ ધરાવતી એ જગ્યાએ બેસીને બારીમાંથી બહારના ચોકમાં ફૂલો વેંચતી વૃદ્ધ સ્ત્રીઓને નિહાળતા રહેતા એ અધિકારીઓ આટલા જુલમથી સંતોષ માનીને હવે ધરવ કરે એવી આશા રાખવી કેદીઓ માટે વધારે પડતી તો ન જ હતી!

ડૉ. સેદલસેક બુડાપેસ્ટથી ફરી વખત ક્રેકોવની મુલાકાતે આવ્યા, એ વખતે ઓસ્કર અને ડેન્ટિસ્ટે એક યોજના ઘડી કાઢી હતી. શિન્ડલર કરતા વધારે અન્તર્મુખી હોય એવા કોઈ અન્ય માણસે તો તેમની એ યોજનાને સાવ બાલિશ ગણાવીને અવગણી હોત! ઓસ્કરના સૂચન મુજબ, એમોનના જંગલી વર્તન પાછળનું કારણ કદાચ હલકી કક્ષાનો દારુ હોવો જોઈએ, જે ક્રેકોવમાં સેંકડો ગેલનના હિસાબે વેંચાઈ રહ્યો હતો! એક તો એમોનમાં પહેલેથી જ વિચારશક્તિની ખોટ હતી! અને એમાં પોતે જે કરી રહ્યો હતો તેનું આવનારા ભવિષ્યમાં શું પરીણામ આવશે એ સમજી શકવાની એમોનની શક્તિને એ હલકો દારુ જ વધારે નબળી પાડી દેતો હોય એવું બને ખરું! ડૉ. સેદલસેકે ક્રેકોવની આ વખતની મુલાકાત વખતે જર્મન માર્કની રકમનો એક મોટો જથ્થો લાવીને ઓસ્કરને સોંપ્યો હતો. ઓસ્કરનું સૂચન એવું હતું, કે એ રકમમાંથી, સ્તેલિનગ્રાદની ઘટનાઓ પછી પોલેન્ડમાં અલભ્ય અને મોંઘી ગણાતી ઉત્તમ કક્ષાની શરાબનું આખું ખોખું જ ખરીદી લેવામાં આવે. ઓસ્કર પોતે જ એ શરાબ લઈને એમોનને આપવા જાય, અને એ સમયે વાતચીત દરમ્યાન ઓસ્કર એમોનને એવું સૂચન કરે, કે આજે નહીં તો કાલે યુદ્ધ પુરું થશે જ! અને એ સમયે તેનાં વ્યક્તિગત કૃત્યો અંગે તપાસ પણ જરૂર થવાની! અને એ સમયે, એમોન કેટલો ધૂની હતો એ વાત એમોનના મિત્રો પણ બરાબર યાદ રાખશે! શેતાનની સાથે શરાબ પીવા બેસી શકાય અને તેની શેતાનિયતના પલ્લાને શરાબની પ્યાલી વડે જ સમતોલ કરી શકાય એવું માનવું એ પહેલેથી ઓસ્કરના સ્વભાવમાં જ હતું! એવું ન હતું કે આ સિવાયના અન્ય રસ્તા અપનાવવાથી ઓસ્કર ડરતો હતો! પરંતુ એવું કરવું એ તેના સ્વભાવમાં જ ન હતું. એ હંમેશા એક હાથે લઈને બીજા હાથે આપવામાં માનતો હતો!

તેનાથી વિરુદ્ધ, અગાઉ વસાહતની સીમાઓની દેખરેખ જેના હાથમાં હતી એ સાર્જન્ટ ઓસ્વાલ્ડ બોસ્કો એક આદર્શવાદી માણસ હતો. કોઈને લાંચ આપવી, કોઈને બનાવટી દસ્તાવેજો બનાવી આપવા, પોતાની નજર સામે સેંકડો બાળકોને વસાહતની બહાર ખેંચી જવામાં આવતા હોય ત્યારે પોતાના હોદ્દાની રૂએ દસ-બાર બાળકોને બચાવીને બેઠાં રહેવું… વગેરે તેનાથી થઈ શકતું ન હતું. એસએસની યોજનાઓમાં સાથ આપવો તેના માટે અશક્ય બની ગયું હતું. પોલીસ સ્ટેશનમાંથી નાસી જઈને એ બળવાખોરો સાથે નિઓપોલોમાઇસનાં જંગલોમાં ઓગળી ગયો હતો. ૧૯૩૮ના ઉનાળામાં પિપલ્સ આર્મિમાં જોડાઈને શરૂ-શરૂમાં નાઝીવાદ પ્રત્યે તેણે જે ઉત્સાહ અનુભવ્યો હતો, તેનું એ પ્રાયશ્ચિત કરવા માગતો હતો. પોલિશ ખેડુતના વેશમાં છુપાયેલો બોસ્કો, ભવિષ્યમાં ક્રેકોવની પશ્ચિમે એક ગામડામાં ઓળખાઈ જવાને કારણે ગોળીથી વિંધાઈને એક શહીદ તરીકે પ્રખ્યાત થઈ જવાનો હતો! બોસ્કો પાસે અન્ય કોઈ વિકલ્પ ન હોવાને કારણે એણે જંગલમાં છુપાઈ જવું પડ્યું હતું. જે આર્થિક સ્ત્રોતોની મદદથી ઓસ્કરે આખા વહીવટીતંત્રને લપસણું બનાવી દીધું હતું, એવા આર્થિક સ્ત્રોત બોસ્કો પાસે ઉપલબ્ધ ન હતાં. છતાં પણ પોતપોતાના સ્વભાવ પ્રમાણે, એક વ્યક્તિએ પોતાનાં પદવી અને ગણવેશ પણ ત્યજી દેવાં પડ્યાં હતાં; તો બીજાએ એટલી તકેદારી રાખી હતી, કે પોતાની પાસે પૂરતી રોકડ રકમ અને માલસામાન હોય! કોઈ એવું કહે કે શહાદત વહોરવી પડે એવો સમય આવવાની કોઈ શક્યતા ઓસ્કરે રહેવા દીધી ન હતી, તો તેમાં બોસ્કોના વખાણ કરવાનો અને શિન્ડલરને વખોડવાનો કોઈ ઉપક્રમ નહીં જ હોય! કારણ કે ઓસ્કરે કેટલાંક એવાં પણ કામો કર્યાં હતાં, જેનાથી તેને પોતાને જ નુકસાન ભોગવવું પડ્યું હોય! પરંતુ તેના એવાં કાર્યોને કારણે જ તો વોહ્લફેઇલર કુટુંબ, દેન્ઝીગર બંધુઓ અને લામસ જેવા લોકો આજે પણ જગતમાં શ્વાસ લઈ રહ્યા હતા! ઓસ્કરે એવાં કામો કર્યાં એટલે જ તો એમેલિયાની અશક્ય જણાતી છાવણી લિપોવા સ્ટ્રીટમાં અસ્તિત્વ ધરાવતી થઈ હતી, હજારો લોકો ધરપકડની ચિંતાથી મુક્ત થઈને છાવણીની અંદર રહેતા હતા અને એસએસના સૈનિકો છાવણીની બહાર! એ છાવણીમાં કોઈનેય માર પડતો ન હતો અને જીવન ટકાવવા પર્યાપ્ત એવો પૌષ્ટિક સુપ પણ કેદીઓને મળતો હતો.

પાર્ટી માટેનો પોષાક પહેરીને ઓસ્કર જે સમયે એમોન ગેટેને આપવા માટે ઉત્કૃષ્ટ શરાબ લઈને પ્લાઝોવ જઈ રહ્યો હતો, બરાબર એ જ સમયે બોસ્કોએ પોતાનો ગણવેશ ઊતારી નાખીને પ્લાઝોવના હેંગરમાં લટકાવીને જાહેરમાં પોતાનો નૈતિક વિરોધ પ્રગટ કરી રહ્યો હતો! તે છતાં, બોસ્કો અને શિન્ડલરના સ્વભાવને જોતાં તેમના નૈતિક વિરોધનું મૂલ્ય એકબીજાથી ઓછું આંકી શકાય તેમ ન હતું!

એ દિવસે મોડી સાંજે ઓસ્કર અને એમોન ગેટે, એમોનની સફેદ વિલાના દીવાનખંડમાં બેઠા હતા. એ સમયે શહેરની ‘વેગનર’ નામની ફેક્ટરીમાં કામ કરતી એમોનની એક રૂપાળી સ્ત્રી-મિત્ર મેજોલા અંદર આવી. પ્લાઝોવમાં એ ક્યારેક જ આવતી હતી. તેની લાગણીભરી રીતભાત અને સંવેદનશીલ સ્વભાવને કારણે એક એવી અફવા ઊડી હતી, કે એમોન જો આપખુદ રીતે લોકોને ગોળી મારી દેવાનું બંધ નહીં કરે, તો તેની સાથે કોઈ સંબંધ નહીં રાખવાની ધમકી મેજોલાએ એમોનને આપી દીધી હતી. પરંતુ કોઈ એ જાણતું નથી કે હકીકતે આવું કંઈ બન્યું હતું ખરું, કે પછી એ જીવતા રહેવા માટે મરણીયા બનેલા કેદીઓના મનમાં જે આશાભર્યા અર્થઘટનો ચાલતાં રહેતાં હતાં એમાંનું એ એક હતું!

મેજોલા એ સાંજે એમોન અને ઓસ્કર સાથે વધારે સમય ન રહી. એ જાણતી હતી કે હવે શરાબનો દૌર શરૂ થવાનો હતો! કાળા વસ્ત્રો અને ફિક્કા ચહેરાવાળી એમોનની નોકરાણી હેલેન હર્શે, શરાબની સાથે કેક, ટોસ્ટ અને સોસેજ જેવા નાસ્તાની વ્યવસ્થા પણ કરી હતી. થાકની મારી એ લથડિયાં ખાઈ રહી હતી. હજુ આગલી રાત્રે જ એમોનની રજા વગર મેજોલા માટે રસોઈ બનાવવા બદલ એમોને તેને માર માર્યો હતો. આજે સવારે પરસાળમાં લટકાવેલા એક ચિત્ર પર માખી બેસવાનો ડાઘ પડવાને કારણે એમોને વિલાની પચાસ-પચાસ પગથિયાંવાળી ત્રણ સીડીઓ પર દોડીને ચડઉતર કરવાની સજા હેલનને ફટકારેલી! હેલને હેર શિન્ડલર વિશે કેટલીક વાતો સાંભળી હતી, પરંતુ આજ સુધી ક્યારેય તેને રૂબરૂ મળી ન હતી. આજે સાંજે બંને મહારથીઓ એક નાનકડા ટેબલની સામસામે બેસીને, બે ભાઈઓની માફક એકબીજા સાથે સુમેળપૂર્વક વાતો કરી રહ્યા હતા એ દૃશ્ય જોઈને હેલનને કોઈ રીતે આનંદ થયો ન હતો! એક તો અહીં તેને રસ પડે એવી કોઈ વાત થઈ રહી ન હતી, અને બીજું એ કે તેના પોતાના પર મોતનો નિશ્ચિત પડછાયો ઝઝૂમી રહ્યો હતો! તેને જો કોઈ ચિંતા હતી તો પોતાની નાની બહેનની, જે પ્લાઝોવની છાવણીના સામુહિક રસોડે કામ કરતી હતી. પોતાની બહેનની જિંદગી બચાવવા માટે ઉપયોગી થાય એ માટે એણે થોડી રકમ એકઠી કરી રાખી હતી. તેની પોતાની જિંદગી બચાવી શકે એવી કોઈ રકમ કે એવો કોઈ રસ્તો તેની પાસે હોય એવું તેને પોતાને પણ લાગતું ન હતું!

છાવણીના આછા અજવાળાથી છેક અંધારું થયું ત્યાં સુધી બંને પીતા રહ્યા. રાતના અંધારામાં તોસિયા લાઇબરમેન નામની એક સ્ત્રી કેદીના કંઠે ગવાતા જર્મન સંગીતજ્ઞ બ્રહ્મ્સનાં ‘હાલરડાં’ સાંભળી-સાંભળીને સ્ત્રીઓની છાવણી શાંત પડી ગઈ હતી. પુરૂષો અને સ્ત્રીઓની છાવણીઓની બરાબર વચ્ચેની જગ્યામાં બંને મહારથીઓ બેઠા હતા. તેમનાં પેટમાં ભઠ્ઠી જેવી આગ સળગી રહી હતી. આટલી શરાબ પેટમાં પધરાવ્યા પછી પણ તેમની મિત્રતામાં જરા પણ નીકટતા આવી ન હતી. બરાબર યોગ્ય સમય જોઈને, વચ્ચે પડેલા ટેબલ તરફ લાંબો થઈને ઓસ્કર એમોન તરફ ઝૂક્યો, અને મનમાં શેતાન જેવી લુચ્ચાઈ ભરીને એમોનને પોતાની જાતને અંકુશમાં રાખવા માટે સમજાવવા લાગ્યો.

એમોને તેની વાત રસપૂર્વક બરાબર સાંભળી. ઓસ્કરને એવું લાગ્યું પણ ખરું કે કેદીઓ પ્રત્યે રહેમ દાખવવાના વિચાર પ્રત્યે એમોન આકર્ષાયો હતો, એક સમ્રાટને છાજે એ રીતે…! ટ્રોલી પર સવાર કોઈ માંદો ગુલામ, કેબલ ફેક્ટરી પરથી પરત આવી રહેલો કોઈ કેદી… આ બધાનો એટલો બધો ગેરલાભ લેવાયો હતો કે તેઓ સહન કરી શકવાની શક્તિ સાવ જ ગુમાવી બેઠા હતા… કપડાં કે લાકડાંનો ભાર ઊંચકીને જેલના દરવાજા સુધી આવવામાં તો એ લોકો લથડિયાં ખાતા હતા… ઓસ્કર જે કોઈ દૃશ્યોનું વર્ણન કરતો હતો, એમોન એ બધા જ દૃષ્યોની કલ્પના મનોમન કરી જ શકતો હતો! સાવ ધીમે-ધીમે કામ કરતા એ ભિખારી નાટકિયાઓને માફ કરી દેવાની મહાન અને વિચિત્ર લાગે તેવી, પરંતુ હુંફાળી કલ્પના અચાનક જ તેના મનમાં ઊભરાઈ આવી! જે રીતે કેલિગ્યુલા પોતાને ભગવાન માનવા લાગ્યો હતો, એ જ રીતે પોતે સર્વ શક્તિમાન ઈશ્વર હોવાની કલ્પના કમાન્ડન્ટના મનમાં પણ થોડા સમય માટે આવી ગઈ! જો કે આ તેની હંમેશાની નબળાઈ હતી! આજે રાત્રે જ્યારે કોગ્નેકની સોનેરી અસર લોહીમાં વહેવા લાગી હતી, અને આખેઆખી છાવણી તેના ચરણોમાં આળોટી રહી હતી, ત્યારે કોઈ તેની સામે બદલો લેશે એવા ડરને બદલે દયાના ભાવ પ્રત્યે એમોન જરૂર આકર્ષાયો હતો. પરંતુ ઓસ્કરે આપેલી ચેતવણી તેને યાદ આવી ગઈ! એટલે કિવના મોરચેથી રશિયનો તરફથી જે કોઈ ભયજનક સમાચાર આવે, તેની સાથે દયાના આ ભાવને સરખાવી જોવાનું એણે બીજા દિવસની સવાર પર છોડી દીધું!

એમોન સાથેની એ મુલાકાતના થોડા જ દિવસોમાં એમેલિયામાં એવા સમાચાર મળ્યા, કે ઊંચા પ્રકારની શરાબ અને ઓસ્કરની ચેતવણી, એ બંનેની અસર કમાન્ડન્ટ પર થઈ હતી! બુડાપેસ્ટ પરત જઈ રહેલા ડૉ. સેદલસેક સામુએ સ્પ્રિંગમેનને સમાચાર પહોંચાડ્યા હતા કે ભલે કદાચ થોડા સમય માટે, પરંતુ એમોને આપખુદપણે લોકોને મારી નાખવાનું બંધ કરી દીધું હતું! પશ્ચિમે દકાઉ અને દ્રેનેન્સીથી લઈને પૂર્વ દિશામાં સોબિબોર અને બેલઝેક સુધીના વિસ્તારોમાં બની રહેલી અલગ-અલગ પ્રકારની ઘટનાઓની સૂચી વચ્ચે સામુ ઘેરાઈ ગયેલા હતા, ત્યારે આ સારા સમાચારને કારણે મૃદુ સ્વભાવના સામુએ થોડા સમય માટે તો પ્લાઝોવની સમસ્યા ઊકલી ગઈ હોવાનું માની લીધું!

પરંતુ રહેમનજરનું એ આકર્ષણ બહુ જલદી ઓગળી ગયું. એમોનના દયાભર્યા વર્તનથી લોકોને થોડી-ઘણી રાહત જરૂર પહોંચી હતી, પરંતુ પ્લાઝોવમાં પોતે ગાળેલા દિવસો બાબતે જુબાની આપતી વેળાએ યુદ્ધના અંત સુધી બચી ગયેલા કેદીઓ પાસે એ રાહત અંગેની કોઈ ચોક્કસ જાણકારી ન હતી! તેમને માટે હત્યાઓ તો રોજિંદી ઘટના બની ગઈ હતી. એકાદ-બે દિવસ માટે એમોન સવાર-સવારમાં અગાસીમાં ન દેખાય, તેનાથી કોઈને એવી ખાતરી થવાની ન હતી કે આવતી કાલની સવારે પણ એ નહીં જ દેખાય! તેની એક-બે દિવસની ગેરહાજરી સિવાય કોઈક નક્કર પુરાવો મળે, તો જ કોઈ ગાંડો-ઘેલો કેદી પણ કમાન્ડન્ટના સ્વભાવમાં ધરમૂળથી ફેરફાર થયાની વાત સાચી માને તેમ હતું! અને એ પછીની જ સવારે, અગાઉ લોકોને બંદુકથી વીધી નાખતી વેળાએ જે કેપ પહેરીને એમોન અગાસીમાં આવતો હતો, એ જ કેપ પહેરીને એ બહાર દાદર પર આવ્યો અને બાયનોક્યુલરમાં જોઈને પોતાનો શિકાર શોધવા લાગ્યો. એમોનમાં આવેલા સુધારાના અતિશયોક્તિ અને આશાથી ભર્યા-ભર્યા સમાચારોની સાથે ડૉ. સેદલસેક, પ્લાઝોવની છાવણી અંગે જાણવા મળેલી વધારે ભરોસાપાત્ર માહિતી પણ પોતાની સાથે લઈને બુડાપેસ્ટ જવાના હતા. એક સાંજે એમેલિયાનો એક ચોકિદાર ઇત્ઝાક સ્ટર્નને લઈને પ્લાઝોવથી ઝેબ્લોસી આવ્યો. સ્ટર્નને એમેલિયાના આગળના દરવાજેથી ઉપરના માળે આવેલા ઑસ્કરના નવા એપાર્ટમેન્ટમાં જ લઈ જવામાં આવ્યો. સુંદર સૂટમાં સજ્જ બે માણસો સાથે ઓસ્કરે તેની મુલાકાત કરાવી. તેમાંના એક હતા સેદલસેક, અને બીજા હતા એક સ્વિસ પાસપોર્ટધારક, જેમણે પોતાની ઓળખાણ બાબર નામથી આપી. “જો દોસ્ત,” ઓસ્કરે સ્ટર્નને કહ્યું. “હું ઇચ્છું છું, કે પ્લાઝોવની પરિસ્થિતિ બાબતે શક્ય એટલો વધારે વિગતવાર અહેવાલ આજે સાંજે જ તું લખી આપ.” સ્ટર્ને આ પહેલાં ક્યારેય સેદલસેક કે બાબરને જોયા ન હતા, એટલે તેને લાગ્યું કે ઓસ્કર થોડો અસાવધ બની રહ્યો છે. એણે પોતાના મોં પાસે હાથ રાખીને ઓસ્કરના કાનમાં કહ્યું, કે પહેલાં એ ઓસ્કરની સાથે ખાનગીમાં વાત કરવા માગતો હતો.

ઇત્ઝાક સ્ટર્ન માટે ઓસ્કર હંમેશા એવું કહેતો કે એ ક્યારેય સીધી વાત ન કરે! બેબિલોનિયન તાલમુદ અને પવિત્ર વિધીની વાતો હંમેશા તેની વાતોમાં ભળેલી હોય! પરંતુ આ વખતે સ્ટર્ન એકદમ સ્પષ્ટ વાત કરી રહ્યો હતો. “હેર શિન્ડલર, તમે જ કહો કે તમને આ બહુ ભયાનક જોખમ નથી લાગતું?” એણે પૂછ્યું.

ઓસ્કર તેના પર ગુસ્સે થઈ ગયો. પોતાના ગુસ્સાને શાંત કરે એ પહેલાં તેને લાગ્યું કે બાજુના જ કમરામાં બેઠેલા પેલા અજાણ્યા લોકોએ પણ તેનો ઊચો અવાજ સાંભળ્યો હશે! “તને એમ છે કે જોખમ હોત તો હું આ કામ કરવાનું તને કહેત?” પછી શાંત પડીને એણે કહ્યું. “અને થોડું જોખમ તો હંમેશા રહેવાનું જ છે, એ મારા કરતાં તું વધારે સારી રીતે સમજે છે! પરંતુ આ બે માણસો જરા પણ જોખમી નથી. એ બંને ભરોસાપાત્ર છે!”

એ આખી સાંજ સ્ટર્ને અહેવાલ લખવા પાછળ ગાળી. એ વિદ્વાન હતો, અને યોગ્ય શબ્દો પ્રયોજીને લખવાનો તેને મહાવરો હતો. બુડાપેસ્ટની સંરક્ષણ સંસ્થા અને ઇસ્તંબુલના ઝિયોનિસ્ટોને હવે સ્ટર્ને લખેલા ભરોસાપાત્ર અહેવાલો મળવાના હતા!

સ્ટર્ને મોકલેલા અહેવાલોને પોલેન્ડની નાની-મોટી એક હજાર અને સાતસો વેઠિયા છાવણીઓ વડે ગુણવામાં આવે તો જે દૃશ્ય સામે આવે, તેનાથી આખી દુનિયા સ્તબ્ધ થઈ જાય તેમ હતી!

સેદલસેક અને ઓસ્કરને સ્ટર્ન પાસેથી ઘણી બધી અપેક્ષાઓ હતી. એમોન અને ઓસ્કરની શરાબની મિજબાનીની બીજી સવારે ઑફિસ ખૂલવાના સમય પહેલાં જ શરાબનો નશો ઊતારી દઈને ઓસ્કર પ્લાઝોવ પહોંચી ગયો અને ફરીથી પોતાનું કામ શરુ કરી દીધું. આગલી રાત્રે એમોનના કાનમાં થોડી સહિષ્ણુતા દાખવવાનાં સૂચનો રેડવાની સાથે સાથે તેણે પોતાના બે સાથી ‘ઉદ્યોગપતિઓ’ને પ્લાઝોવના આ આદર્શ ઔદ્યોગિક સમાજની મુલાકાતે લઈ આવવાની લેખિત પરવાનગી પણ ઓસ્કરે એમોન પાસેથી મેળવી લીધી હતી! ઓસ્કર ઉદ્યોગપતિના સ્વાંગમાં સેદલસેક અને બાબરને લઈને ભૂખરા રંગના વહીવટીભવનમાં પહોંચી ગયો. કેમ્પની આ મુલાકાત વખતે કેમ્પના કેદી ઇત્ઝાક સ્ટર્નની સેવાઓની પોતાને આવશ્યકતા હોવાનું પણ તેણે જણાવ્યું હતું. સેદલસેકના મિત્ર બાબર પાસે એક ટચૂકડો કેમેરા હતો. કેમ્પમાં આવીને એણે પોતાનો કેમેરાને બધાને દેખાય એ રીતે સામે જ રાખ્યો હતો. એસએસનો કોઈ માણસ કેમેરા બાબતે તેની પૂછપરછ કરે તો પણ બ્રસેલ્સ અને એટોકહોમની તાજેતરની મુલાકાત વખતે પાંચેક મિનિટ સુધી પોતે આ નાનકડું યંત્ર લાવ્યો હોવાની બડાઈ મારી લેવાની તેની ગણતરી હતી.

ઓસ્કર અને બુડાપેસ્ટથી આવેલા બંને મુલાકાતીઓ સેદલસેક તથા બાબર વહીવટીભવનમાંથી બહાર નીકળ્યા કે તરત જ ઓસ્કરે દૂબળા-પાતળા અહેવાલ લેખક સ્ટર્નને ખભેથી પકડીને પોતાની નજીક ખેંચી લીધો. “મારા મિત્રોને ખાસ તો વર્કશોપ અને રહેણાકનાં મકાનો જોવાની ઇચ્છા છે.” ઓસ્કરે તેને કહ્યું. “પરંતુ રસ્તામાં જો તને એમ લાગે કે તેઓ કંઈ જોવા જેવું ચૂકી રહ્યા છે, તો વાંકા વળીને બૂટની દોરી બાંધવા લાગજે, જેથી તેઓ સમજી જશે.”

કબ્રસ્તાનના પત્થરો વાપરીને એમોને બાંધેલા રસ્તાઓ પર થઈને બધા એસએસના બેરેક તરફ આગળ વધ્યા. અહીં પહોંચીને તરત જ સ્ટર્ને પોતાના બૂટની દોરી બાંધવી પડી. વાંકા વળીને સ્ટર્ન “માફ કરશો, સાહેબો.” કહીને પોતાની દોરી બાંધવાનું નાટક કરવા લાગ્યો, ત્યાં સુધીમાં તો સેદલસેકના મિત્રે ખાણમાંથી કાઢવામાં આવેલા ખડકોને ટ્રકોમાં લાદી રહેલા કેદીઓના ટોળાના ફોટા પાડી લીધા! તે છતાંયે સ્ટર્ને દોરી બાંધવામાં થોડી વધારે વાર લગાડી, જેથી મુલાકાતીઓ નીચા નમીને કબર પરના પત્થરો પરની વિગતો વાંચી શકે. તેમની નજીકમાં જ, બ્લુમા જેમિનેરોવા (૧૮૫૯-૧૯૨૭), ૯૦ વર્ષની ઉંમરે ૧૯૧૨માં મૃત્યુ પામેલી મટિલ્ડા લાયબરસ્કિંડ, બાળકને જન્મ આપતી વેળાએ મૃત્યુ પામેલી હેલેના વોશબર્ગ, ૧૯૩૧માં અવસાન પામેલી રોઝિયા ગ્રોદર, ફ્રાન્ઝ જોસેફના રાજ્યમાં મૃત્યુ પામેલાં સોફિયા રોસનર અને એડોલ્ફ ગોતિએબ, વગેરેનાં નામો કોતરેલા કબરના પત્થરો રસ્તા પર જડેલા હતા. સ્ટર્નની ઇચ્છા હતી, કે આટલે દૂરથી આવેલા મહેમાનો, પોલેન્ડના પ્રતિષ્ઠિત મૃતકોના નામોને આ રીતે રસ્તાના પત્થરોમાં ફેરવી દેવાયેલા જોઈ શકે!

આગળ જતાં, તેઓ છેક ચુનાના પત્થરોની ટેકરીઓ સુધી ખોદાયેલી ખાણ સુધી પહોંચે એ પહેલાં, એસએસ અને યુક્રેનિયનોના આનંદ-પ્રમોદ માટે બોલાવવામાં આવેલી પોલિશ છોકરીઓનાં પફહાઉસ નામે ઓળખાતાં ઘરોની પાસેથી તેઓ પસાર થયા. અહીંયાં પણ સ્ટર્ને બૂટની દોરી બાંધવી પડી. એ ઇચ્છતો હતો કે આ જગ્યાના પુરાવાઓ પણ તેઓ પોતાની સાથે લઈ જાય! હથોડા અને છીણી લઈને ખડકો પર મજૂરી કરી રહેલા પુરૂષો સાવ નંખાઈ ગયા હતા. ડરી ગયેલા એ પુરૂષોમાંથી કોઈએ પણ સવારથી આવેલા આ મુલાકાતીઓ તરફ કુતુહલભરી એક નજર પણ નાખી ન હતી! એમોન ગેટેનો યુક્રેનિયન ડ્રાયવર ઈવાન અહીંયા જ ફરજ પર હતો. બંદુકની ગોળી જેવા માથાવાળો એરિક નામનો જર્મન ગુનેગાર અહીં નિરીક્ષક તરીકે ફરજ બજાવતો હતો!

પોતાનાં જ મા-બાપ અને બહેનનો હત્યારો એરિક, હત્યા કરી શકવાની પોતાની શક્તિનું નિદર્શન તો પહેલાં જ આપી ચૂક્યો હતો! આવા પિતૃ હત્યારા કરતાં પણ વધારે ઘાતકી ગુનેગારો જીવતા હોવાની એસએસને જાણ હતી, અને એ ઘાતકી હત્યારાઓની સામે લડવા માટે એરિકને જીવતો રાખવો જોઈએ એવી ખાતરી ન હોત, તો એસએસ દ્વારા તેને ક્યારનોયે ફાંસીએ ચડાવી દેવાયો હોત કે પછી અંધારકોટડીમાં જેલ ભેગો કરી દેવાયો હોત! સ્ટર્નના અહેવાલમાં જણાવ્યા પ્રમાણે એસએસના ડૉ. બ્લેન્ક અને તેના યહૂદી મદદનીશ ડૉ. લિઓન ગ્રોસે, ક્રેકોવના એક ડૉક્ટર એડવર્ડ ગોલ્ડબ્લેટને ક્રેકોવના દવાખાનામાંથી કાઢી મૂકીને મજૂરી કરવા માટે અહીં ધકેલી દીધા હતા! સુંવાળા હાથ ધરાવતો કોઈ શિક્ષિત માણસ ખાણમાં આવે ત્યારે એરિકને ખુબ જ મજા પડી જતી હતી! હથોડો અને છીણી બરાબર પકડતા પણ આવડતા ન હોવાને કારણે પહેલા જ દિવસથી ગોલ્ડબ્લેટની મારપીટ શરૂ થઈ ગઈ હતી. એરિકની સાથે એસએસ અને યુક્રેનિયન સૈનિકો પણ ગોલ્ડબ્લેટને માર મારતા હતા. પહેલા કરતા અડધા થઈ ગયેલા શરીરે અને સોજો ચડી ગયેલા ચહેરે ડૉક્ટરને મજૂરી કરવાની ફરજ પાડવામાં આવતી હતી. તેમની એક આંખ પણ બંધ થઈ ગઈ હતી. છેલ્લે-છેલ્લે તો કોઈ એ પણ જાણતું ન હતું કે ખાણમાં મજૂરી કરી રહેલા આ ડૉક્ટરે એવું તો શું કર્યું હતું કે તેને આટલો માર મારવો પડે!

માર ખાઈ-ખાઈને બેભાન થઈ ગયાના કેટલાયે સમય પછી એરિકે ડૉક્ટરને દવાખાને લઈ જવાની પરવાનગી આપી, જ્યાં ડૉ. લિઓને તેને દાખલ કરવાની ના પાડી દીધી! તેમની સારવાર કરવાના ડૉ. લિઓનના ઇનકાર પછી એરિક અને તેના એસએસના સાથિદારે બેભાન પડેલા ગોલ્ડબ્લેટને હોસ્પિટલના દરવાજે જ ગડદાપાટું મારવાનું ચાલુ રાખ્યું. સ્ટર્ને વાંકા વળીને અહીંયાં પણ બૂટની દોરી બાંધી, કારણ કે ઓસ્કર અને પ્લાઝોવના સંકુલમાં એ સમયે હાજર બૂડાપેસ્ટથી આવેલા મહેમાનોની જેમ, તેને પણ એ આશા હતી કે ભવિષ્યમાં જરૂર કોઈ ન્યાયાધિશ તેને પૂછે, કે આ દુનિયામાં આવું ભયાનક દુઃષ્કૃત્ય કઈ જગ્યાએ બન્યું હતું?

પોતાના સાથીદારોને કેમ્પનો ઉપરછલ્લો પરિચય આપવામાં અને તેમને ‘ચુજોવા ગોરકા’ અને ઓસ્ટ્રિયન ટેકરી સુધી લઈ જવામાં ઓસ્કર સફળ રહ્યો હતો, જ્યાં કેદીઓના મૃતદેહોને લોહીથી લથબથ ગાડાંઓમાં ભરી-ભરીને કિલ્લામા પ્રવેશદ્વાર પાસે ઊભેલા જંગલોમાં બેશરમીથી નાખી આવવામાં આવતા હતા. પાઇનવુડના એ પૂર્વીય જંગલોની ધાર પર કે જંગલોની અંદર સામુહિક કબરોમાં હજારોની સંખ્યામાં લોકો ક્યારનાયે દફન થઈ ગયા હતા! મૃતપ્રાય પ્લાઝોવની બરાબર સામે જ આવેલા એ જંગલો પણ જમીનમાં દફન થઈ ગયેલી એ પ્રજાની સાથે જ પૂર્વ દિશાએથી આવનારા રશિયનોના હિસ્સામાં જવાના હતા.

અને પ્લાઝોવ, એક ઔદ્યોગિક અજાયબીના સ્વરૂપે, આ નિષ્ઠાવાન મુલાકાતીઓને નિરાશા ભણી ધકેલી દેવાનું હતું.

એમોન, બોસ, લિઓ જોહ્‌ન, જોસેફ ન્યુસેલ, વગેરે બધા માટે તો આ એક આદર્શ શહેર હતું, કારણ કે આ શહેર થકી જ તો એ બધા સમૃદ્ધ થઈ રહ્યા હતા! મુલાકાતીઓને જો એ વાતની જાણ થઈ હોત, કે પ્લાઝોવની આ વસાહત ચલાવવા પાછળનું મૂળ કારણ કેદીઓ દ્વારા શસ્ત્ર મંત્રાલયને થઈ રહેલો આર્થિક ફાયદો ન હતો, તો એમને જરૂર આઘાત લાગ્યો હોત!

હકીકતે પ્લાઝોવ દ્વારા કોઈને જો આર્થિક ફાયદો થયો હોય તો એ હતો એમોન અને તેની ટોળકી! બહારથી જોતા કોઈ પણને એક વાતનું આશ્ચર્ય થતું હતું, કે પ્લાઝોવના પ્લાન્ટ સાવ નબળા અને જૂની ઢબના હોવા છતાં યુદ્ધસામગ્રીના કોન્ટ્રાક્ટ પ્લાઝોવના વર્કશોપમાં જ આવતા હતા! પરંતુ પ્લાઝોવમાં રહેતા હોશિયાર ઝિયોનિસ્ટ કેદીઓ પણ પ્લાઝોવની છાવણી લાંબો સમય ચાલુ રાહે તે માટે ઓસ્કર અને મેડરિટ્સ જેવા બહારના લોકો પર દબાણ કરતા હતા, કારણ કે યુદ્ધ મંત્રાલય પર એ બે ઉદ્યોગપતિઓ જ દબાણ લાવી શકે તેમ હતા, અને બંનેને ઝિયોનિસ્ટ લોકો પ્રત્યે સહાનુભુતિ પણ હતી. ઓસ્વિટ્ઝ અને બેલઝેક જેવી જગ્યાઓએ થતા હત્યાકાંડોની સરખામણીએ પ્લાઝોવનો ભૂખમરો અને છૂટીછવાઈ હત્યાઓને અવગણીને પણ ઓસ્કર, પ્લાઝોવના પરચેઝિંગ અધિકારી અને જનરલ શિન્ડલરના યુદ્ધ મંત્રાલયના ઇજનેરો સાથે મળીને પ્લાઝોવની છાવણીને લાંબો સમય ચાલુ રાખવા માટે એક બેઠક યોજવા માગતો હતો.

જો કે તેની દરખાસ્ત સાંભળીને અધિકારીઓએ તો ઓસ્કર સામે મોં ચડાવીને કહી દીધું, “શું વાત કરો છો શિન્ડલર! તમે ખરેખર ગંભીરતાથી કહો છો આ?” એ અધિકારીઓ ઉપર-ઉપરથી આવું કહેતા હતા, પરંતુ આખરે તો તેઓ પણ ઓસ્કરની લિપોવા સ્ટ્રીટની ફેક્ટરીમાંથી લોખંડનો ભંગાર ઉઠાવી જઈને તેમાંથી એમોન ગેટેની પ્લાઝોવની છાવણી માટે પાવડા બનાવવાના કોન્ટ્રાક્ટ, અને પોજોર્ઝની જામ બનાવતી ફેક્ટરીમાંથી એકઠા કરેલા પતરાના ટૂકડામાંથી ગળણી બનાવવાના કોન્ટ્રાક્ટ શોધી જ કાઢતા હતા! અને તો પણ, પાવડાની પૂરેપૂરી સંખ્યા જર્મનો સુધી પહોંચવાની શક્યતા નહીંવત રહેતી હતી! યુદ્ધ મંત્રાલયમાંના અધિકારીઓમાંના ઓસ્કરના ઘણા મિત્રોને એટલી તો જાણ હતી જ, કે પ્લાઝોવની મજૂર-છાવણીની આવરદા લંબાવવાનો અર્થ હતો અનેક કેદીઓની આવરદા લંબાવવી! છતાંયે કેટલાક અધિકારીઓના ગળે આ વાત ઊતરી ગઈ હતી, કારણ કે એમોન ગેટે કેવો બદમાશ હતો અને તેની વિલાસી જીવનશૈલીને કારણે નાનાં-નાનાં ગામડાઓમાં પોલેન્ડના નિષ્ઠાવાન અને પ્રાચિન રાષ્ટ્રવાદને કેવી હાની પહોંચી રહી હતી એ તેઓ પણ જાણતા હતા!

પ્લાઝોવની વેઠિયા મજુરોની છાવણીની દૈવી કરૂણાતા એ હતી, કે કેટલાક યહૂદી કેદીઓ, પોતાના અંગત કારણોસર, એમોનનું રાજ ચાલતું રહે તેવાં કાવતરાં કરતા હતા! જેનો એક દાખલો રોમન જિંટર હતો. ભૂતપૂર્વ વેપારી અને હજુ હાલમાં જ રાબી લેવાર્તોવને જ્યાંથી છોડાવવામાં આવ્યા હતા એ મેટલવર્ક્સના નિરીક્ષક યહૂદી રોમન જિન્ટરને એક દિવસ સવાર-સવારમાં જ એમોન ગેટેની ઑફિસેથી તેડું આવ્યું. એમોનની ઑફિસમાં જઈને એણે બારણું બંધ કર્યું એ સાથે જ એણે એમોનની કેટલીયે ઝાપટો ખાવી પડી. પછી એમોન તેને દરવાજાની બહાર ઘસડી ગયો અને પગથિયાં ઊતરીને ઑફિસના પ્રવેશદ્વાર પાસેની એક દિવાલ પાસે તેને ઊભો રાખી દીધો! “એક પ્રશ્ન પૂછી શકું છું આપને?” રખેને એમોન તેને નાટકિયો ગણે એ બીક સાથે દિવાલ પાસે ઊભા રહેલા જિંટરે તૂટી ગયેલા બે દાંત જમીન પર થુંકી નાખતાં સહજ રીતે પૂછ્યું. ગેટે તેના પર ગરજ્યો “સાલા હરામી, મેં માગેલી હાથકડીઓ તેં હજુ સુધી નથી બનાવી આપી! મારા ટેબલ પરનું કેલેન્ડર કહે છે, બદમાશ.” જવાબમાં જિંટરે કહ્યું “પણ કમાન્ડન્ટ, આપની રજા લઈને કહું છું, કે ગઈકાલે સાંજે જ આપના હુકમ પ્રમાણેની હાથકડીઓ મેં બનાવી આપી છે. હેર ઓબરસ્કારફ્યુહરર ન્યુશેલને મેં પૂછેલું કે મારે એ હાથકડીનું શું કરવું, ત્યારે તેમણે મને આપની ઑફિસમાં આપવાનું કહેલું, તેથી મેં ત્યાં આપી દીધી હતી.”

લોહી નિંગળતી હાલતમાં એમોન તેને ફરીથી ઑફિસમાં ઢસડી ગયો અને એસએસના ન્યુશેલને બોલાવ્યો. “અરે હા,” યુવાન ન્યુશેલે કહ્યું. “આપના ટેબલના ઉપરથી બીજા ખાનામાં જુઓ, હેર કમાન્ડન્ટ.” ગેટેએ જોયું, અને તેને હાથકડીઓ મળી પણ ગઈ. “મેં તો આને મારી જ નાખ્યો હોત.” એણે પોતના યુવાન અને થોડા મૂઢ વિયેનિઝ શાગિર્દને કહ્યું.

આ જ રોમન જિંટરે એમોનના એ વહીવટીભવનના ભૂખરા મકાનના પાયા પાસે પોતાના દાંત નમ્રતાપૂર્વક થૂંકી નાખ્યા હતા. એ નક્કામા યહૂદીની અકસ્માતે જ હત્યા કરીને એમોને તેની જવાબદારીનો ટોપલો ન્યુશેલ માથે નાખી દીધો હોત! આ એ જ જિંટર હતો, જે પ્લાઝોવના વર્કશોપમાં કોઈપણ વસ્તુની જરૂર પડે ત્યારે ખાસ પરવાનગીપત્ર લઈને હેર ઓસ્કર શિન્ડલરની ફેક્ટરી ‘ડેફ’ પર તેની સાથે વાટાઘાટો કરવા માટે જતો હતો! ઓસ્કર પાસેથી ધાતુનો મોટી માત્રામાં ભંગાર ન મળે, તો તેની મેટલશોપના બધા જ કામદારોને રેલ માર્ગે ઓસ્વિટ્ઝ મોકલી આપવાની ધમકી પણ એ જ આપતો હતો! આથી, હાથમાં પિસ્તોલ લઈને રખડતો એમોન ગેટે એવો દાવો કરતો હોય, કે તે પોતાની ખાસ વહીવટી બુદ્ધિ વડે એ પ્લાઝોવનો નિભાવ કરી રહ્યો હતો, તો મોંમાંથી લોહી થૂંકી નાખતા જિંટર જેવા કેદીઓ પણ આવો જ દાવો કરી શકે તેમ હતા, જેઓ ખરેખર આ છાવણીને ચલાવતા હતા!

આપનો પ્રતિભાવ આપો....