ઉગ્રસેનની વાવડી : ફિલ્મોથી પુનર્જીવન પામેલો ઈતિહાસ 7


દિલ્હીમાં અનેકવિધ પ્રવૃત્તિઓથી ધમધમતા કનોટપ્લેસથી તદ્દન નજીક, મુખ્ય એવા રાજીવચોક મેટ્રો સ્ટેશનથી દોઢ કિલોમીટરના અંતરે, હેલી રોડ પર સ્થિત ઉગ્રસેનની વાવડી / બાંવડી દિલ્હી અને આસપાસના ભૂતિયા સ્થળોમાં પ્રમુખ ગણાય છે. ઈન્ડિયા ગેટ અને જંતર મંતરથી સાવ નજીક આવેલી આ વાવ ફિલ્મ પી.કેમાં આમિર છુપાય છે એ જગ્યા તરીકે દર્શાવાયેલી જેના લીધે એ ખૂબ પ્રસિદ્ધ થઈ, પણ એની મૂળ ઓળખાણ ભૂતવાવ તરીકેની છે. દિલ્હીના ઐતિહાસિક સ્મારકોમાં તે સ્થાન પામે છે અને ભારતીય પુરાતત્વ સંરક્ષણ વિભાગ દ્વારા તેની જાળવણી કરાય છે. સવારના સાતથી સાંજના છ સુધી અહીં પ્રવેશ નિઃશુલ્ક છે. હેલી રોડ પરની નાનકડી ગલીના રસ્તે જવાતું હોઈને વાવ સરળતાથી શોધી શકાય એમ નથી. અમે ગૂગલ મેપના ઉપયોગથી એ શોધી. એ પહેલા હેલી રોડની ગલીનું વાતાવરણ પણ અનોખું છે. અહીં ગલીમાં કોઈ મોટા ટોળા કે શોરબકોર વગર એક શોર્ટફિલ્મનું અને એક એડવર્ટાઈઝનું શૂટિંગ થઈ રહ્યું હતું. એ વટાવીને અમે આગળ વધ્યા તો એક વળાંક પછી ડાબા હાથે આવે છે ઉગ્રસેનની બાવડીનું પ્રવેશદ્વાર જે કોઈ જેલના પ્રવેશદ્વારની જેમ સળીયાવાળા દરવાજાઓનું બનેલું છે. બે’ક ચોકીદારો તદ્દન નિસ્પૃહ ભાવે અહીં બેઠા હોય છે. પરિસરમાં પ્રવેશ પછી અને વાવમાં પગથીયા દ્વારા પ્રવેશ કરતા પહેલા જમણી તરફ પુરાતત્વ વિભાગે પથ્થર પર કોતરેલ નકશો અને સૂચનાઓ છે, ડાબી તરફ આ વાવ વિશેની માહિતી દર્શાવાઈ છે.

આપણે ત્યાં વાવની પરંપરા જૂની છે. અમદાવાદની દાદા હરીરની વાવ, અડાલજની વાવ, પાટણની રાણીની વાવ, મોઢેરાનો સૂર્યકુંડ, જૂનાગઢની અડીકડી વાવ હોય કે નવઘણ કૂવો, પગથીયાવાળા કૂવાની પરંપરા ગુજરાત સહિત અનેક રાજ્યોમાં જોવા મળે છે અને એ ધોળાવીરા અને હડપ્પા સંસ્કૃતિ સમયથી ચલણમાં હોવાનું અનુમાન છે. ગુજરાતથી શરૂ થઈને રાજસ્થાન સહિત આ પદ્ધતિ ઉત્તર પૂર્વ ભારત સુધી પ્રસરી હતી. ગુજરાતીમાં વાવ શબ્દનો વાવડી અને તેનો જ અપભ્રંશ થઈને બાવડી અથવા બાવલી શબ્દ બન્યો હોવાની શક્યતા છે. પથ્થર પરના લખાણ પાર કરી આગળ વધો, ચાર પાંચ પગથિયા ચડીને કમાન આકારના દરવાજામાંથી પ્રવેશો એટલે સામે દેખાશે પગથિયાઓનો શંભુમેળો.

પહેલાના સમયમાં અનેક કારણોથી આવી વાવ બનતી, રહેણાંક વિસ્તારોમાં રાજાઓ વરસાદી પાણીનો સંગ્રહ કરવા અને ભૂગર્ભ પાણી લોકોને ઉપલબ્ધ કરાવવા આવી વાવ બંધાવતા. એક શહેરથી બીજા શહેર જતા માર્ગો પર બંધાવાયેલી વાવ વટેમાર્ગુઓને માટે જમવા અને આરામ કરવાના સ્થળ તરીકે ઉપયોગમાં લેવાતી. આવી વાવનું તળ જમીનના પાણીના સ્તરથી નીચું રખાતું, એટલે ઉનાળામાં પણ તેમાં પાણી મળી રહેતું.

માન્યતા છે કે મહાભારતના સમયમાં, ૫૦૦૦ થી ૬૦૦૦ વર્ષ પહેલા અગ્રવાલ સમાજના સ્થાપક મનાતા મહારાજ ઉગ્રસેને આ વાવ બનાવી હશે, જો કે ઈતિહાસકારો સૂચવે છે કે અગ્રવાલ સમાજના કવિ વિબુધ શ્રીધર તેમની રચનામાં આ વાવ ૧૧૩૨માં બંધાઈ હોવાનું કહે છે અને ત્યાર બાદ ૧૪મી સદીમાં અગ્રવાલ સમાજે એનો જીર્ણોદ્ધાર કર્યો હતો. થોડાક પાલિશ વગરના કુદરતી આકારના અને મહદંશે પાલિશ કરેલા લાલ રેતાળ પથ્થરોના ઉપયોગથી બનાવાયેલી આ વાવમાં કુલ ૧૦૫ પગથીયા છે. ૬૦ મીટર લાંબી અને ૧૫ મીટર પહોળી વાવના પગથીયા શરૂ થાય એ પહેલા એક તરફ ચોતરા પર નાનકડી મસ્જિદ જેવું બાંધકામ છે. પગથીયાની સામે કુલ ચાર સ્તરમાં કમાન જેવા આકારમાં બંધાયેલ રચનાઓ છે અને એ રચનાઓ સુધી પહોંચવા પગથીયાઓની સાથે જોડાતો એક રસ્તો એ કમાનો સુધી જાય છે. જૂની વાવના બાંધકામમાં લોધી અને તુગલક સમયની છાપ છે. એ સમય દરમ્યાન સુધારા વધારા કરાયા હોવાના પ્રમાણ એ વાત પરથી મળે છે કે અહીં ઈસ્લામિક સ્થાપત્યકલાની ચોખ્ખી અસર દેખાય છે. કમાનો અને તેમનો આકાર, પશ્ચિમે આવેલી વ્હેલના આકારનો ગુંબજ ધરાવતી મસ્જિદ વગેરે આ બાબતની ખાત્રી કરાવે છે.

સુલતાન ફિલ્મમાં સલમાનખાનની મહેનતનું દ્રશ્ય હોય, મોમ ફિલ્મનું શ્રીદેવીનું દ્રશ્ય હોય કે પી.કેમાં આમિરખાન પોતાના સ્પેસક્રાફ્ટથી છૂટો પડી છુપાવા આવે એ દ્રશ્ય હોય, ફિલ્મોએ ઉગ્રસેનની વાવને ખૂબ પ્રસિદ્ધિ આપી. અનેક લોકો હવે અહીં દિવસના કોઈ પણ સમયે જોવા મળશે, યુગલો અને ટોળામાં આવેલા પ્રવાસીઓથી આ વાવ ધમધમતી રહે છે પણ છતાંય હજુ દિલ્હીના મુખ્ય પ્રવાસન સ્થળોમાં એ શામેલ નથી.

આ વાવ સાથે જોડાયેલી ખૂબ જાણીતી આશ્ચર્યકારક વાત છે તેમાં ભૂત – અદ્રશ્ય શક્તિનો સંચાર હોવો. દિલ્હીના પ્રમુખ હોન્ટેડ સ્થળોમાં તેની ગણતરી થાય છે. માન્યતા છે કે વર્ષો પહેલા આ પાણી ભરેલી વાવનું બધું પાણી કાળુ થઈ ગયેલું અને એ પાણીની સંમોહનશક્તિએ અનેકોને તેમાં આત્મહત્યા કરવા આકર્ષ્યા હતા. તરતા નહોતું આવડતું એ પણ આ પાણીમાં કૂદી ગયેલા અને તેમના મૃતદેહો મળ્યા નહોતા. છેલ્લે ૨૦૦૭માં પણ અહીં કોઈકે ઉપરથી કૂદીને આત્મહત્યા કરેલી, અને ત્યારે વાવમાં પાણી નહોતું. પગથીયાની આસપાસના બધા ગોખમાં કબૂતરોએ ધામા નાખ્યા છે. વાવના છેલ્લા પગથીયા પછી અંદર – ઉપરની તરફ નજર કરો તો અનેક ચામાચીડિયા દેખાશે. ગુંબજ આખો ચામાચીડિયાથી ભરેલો છે, કદાચ એટલે જ રાત્રે અહીં વિચિત્ર અવાજો આવતા હશે. પણ જ્યારે અમે ગયા ત્યારે અનેક લોકો હતાં અને બધાને અહીં નિઃસંકોચ ફરતા અને ફોટા પાડતા જોયા, એટલે ભૂત હોવાની માન્યતાઓ પણ નબળા મનની પેદાશ જ લાગી. છતાંય અનેક લોકો માને છે કે સાંજે સૂર્યાસ્ત પછી અહીં રોકાવાથી પ્રેતાત્માનો ઓછાયો પડે છે, સૂર્યાસ્ત પછી અહીં રહેવાથી વિચિત્ર પ્રકારની લાગણી થાય છે, અને કોઈક અગમ્ય હાજરી વર્તાય છે. હવે આવી જ માન્યતાઓને લીધે સૂર્યાસ્ત પહેલા જ મુલાકાતીઓને બહાર આવવા વિનંતિ કરી વાવમાં પ્રવેશ બંધ કરી દેવાય છે.

પગથીયા વાળી વાવમાં રસ ધરાવતા અને એવી અનેક વાવની મુલાકાત લઈ માહિતી એકઠી કરનાર દિલ્હીના બ્લોગર જતિન છાબરા તેમના બ્લોગમાં લખે છે તેમ, આ વાવ સાથે જોડાયેલો એક યોગાનુયોગ પણ પ્રચલિત છે. ૨૦૦૯માં ભારતીય મૂળના બ્રિટિશ પત્રકાર સેમ મિલરે ‘દિલ્હી – અડ્વેન્ચર્સ ઈન અ મેગાસિટી’ નામે પુસ્તક પ્રસિદ્ધ કર્યું, તેમાં પ્રસિદ્ધ ભારતીય ફોટોગ્રાફર રઘુ રાયનો ૧૯૭૬માં લીધેલો ઉગ્રસેનની પાણી ભરેલી વાવનો અને તેમાં કૂદી રહેલા એક છોકરાનો ફોટો મૂક્યો છે. ત્યારબાદ જ્યારે સેમ મિલર ફરીથી વાવની મુલાકાતે આવ્યા ત્યારે તેમના આશ્ચર્ય વચ્ચે ખબર પડી કે એ ફોટામાં જે છોકરો આ વાવમાં કૂદતો દેખાય છે એ જ બાધસિંહ ત્યાં રખેવાળ તરીકે કામ કરતો હતો.

પુરાતનકાળના આપણા અનેક સ્થાપત્યો સમયાંતરે બદલાયા છે, એક સંસ્કૃતિ અને સમાજવ્યવસ્થા પર બીજી સંસ્કૃતિની અસરને લીધે એ બદલાયા – નષ્ટ પામ્યા છે અને કેટલાક મૃતઃપ્રાય અવસ્થામાં છે. પગથીયાવાળી વાવ આપણા ઈતિહાસનો અગત્યનો હિસ્સો છે. આ પ્રકારના બાંધકામની મુલાકાત લઉં ત્યારે મને ધૂમકેતુની વાર્તા વિનિપાત અને હીરાધર શિલ્પી યાદ આવે. ક્યાંક આપણી ધરોહરને જાળવવાની ઉદાસીનતાએ જ આપણને ઉછીનો ઈતિહાસ આપ્યો છે. ફિલ્મ બતાવે ત્યારે જ આપણા સ્થળો આપણને આકર્ષે છે એ કેવી દુઃખદ વાત! છતાં ગુજરાતમાંથી જ પ્રસાર પામ્યા હોવાને લીધે પાણી સંગ્રહ કરવા માટેનું, સ્થાપત્યકલાના નમૂનારૂપ આ બાંધકામ મારા માટે અનેરી ઉત્સુકતાનો વિષય છે, એ દ્રષ્ટિએ અને અનેક અવનવી વાતો સાથે જોડાઈ હોવાને લીધે ઉગ્રસેનની વાવની મુલાકાત લેવાની, અહીં ફોટા પાડવાની મજા આવી. દિલ્હી અને આસપાસના આવા જ નવા સ્થળ, ખ્યાતનામ જંતરમંતર તથા હુમાયુના મકબરા અને તેની આસપાસ વીંટળાયેલી અનેક ધારણાઓની વિગતે વાત સાથે ફરી મળીશું!


આપનો પ્રતિભાવ આપો....

7 thoughts on “ઉગ્રસેનની વાવડી : ફિલ્મોથી પુનર્જીવન પામેલો ઈતિહાસ

  • ગોપાલ ખેતાણી

    આપણી આસપાસ (શહેર, ગામ, વિસ્તાર)માં જોવાલાયક સ્થળો હોય છે પણ આપણું ધ્યાન પડતું નથી (કે આપતાં નથી… ઘર કી મુર્ગી.. યુ નો) દીલ્હીમાં કેટલા બધા સ્થળો ફરવા, જોવા, જાણવા અને માણવા લાયક છે પણ લાલ કિલ્લો, કુતુબ મિનાર, ચાંદની ચોક, ઇન્ડિયાગેટ રાજઘાટ, લોટસ ટેમ્પલ અને હવે અક્ષરધામ સિવાય લોકોને અન્ય સ્થળ વિષે માહિતી નથી. આપે આ સ્થળની ઝીણવટભરી માહિતી આપી એ માટે ખરેખર દિલથી આભાર.

  • purvi

    બહુ સુંદર માહિતીપૂર્ણ પ્રવાસ છે. રાતના સમયે પડતાં ઓછાયા એ ચામાચીડિયાના હોઈ શકે. આમે ય ચામાચીડિયાને આપણાં ગ્રંથ સાહિત્ય કે ધર્મએ નેગેટિવ ઉર્જાના પ્રતીક રૂપે ગણ્યાં છે.

  • Pravin Shah

    ઉગ્રસેનની વાવ વિષે બહુ જ સરસ વાતો જાણવા મળી. હું અમદાવાદ રહું છું. જો હું દિલ્હી રહેતો હોત તો જરૂર આ વાવ જોવા જાત. છતાં ય આ લેખ સાચવી રાખ્યો છે, ક્યારેક ભવિષ્યમાં તક મળશે, તો આ વાવ જોવા હું જરૂર જઈશ. ખૂબ ખૂબ આભાર