ઉગ્રસેનની વાવડી : ફિલ્મોથી પુનર્જીવન પામેલો ઈતિહાસ 7
દિલ્હીમાં અનેકવિધ પ્રવૃત્તિઓથી ધમધમતા કનોટપ્લેસથી તદ્દન નજીક, મુખ્ય એવા રાજીવચોક મેટ્રો સ્ટેશનથી દોઢ કિલોમીટરના અંતરે, હેલી રોડ પર સ્થિત ઉગ્રસેનની વાવડી / બાંવડી દિલ્હી અને આસપાસના ભૂતિયા સ્થળોમાં પ્રમુખ ગણાય છે. ઈન્ડિયા ગેટ અને જંતર મંતરથી સાવ નજીક આવેલી આ વાવ ફિલ્મ પી.કેમાં આમિર છુપાય છે એ જગ્યા તરીકે દર્શાવાયેલી જેના લીધે એ ખૂબ પ્રસિદ્ધ થઈ, પણ એની મૂળ ઓળખાણ ભૂતવાવ તરીકેની છે. દિલ્હીના ઐતિહાસિક સ્મારકોમાં તે સ્થાન પામે છે અને ભારતીય પુરાતત્વ સંરક્ષણ વિભાગ દ્વારા તેની જાળવણી કરાય છે. સવારના સાતથી સાંજના છ સુધી અહીં પ્રવેશ નિઃશુલ્ક છે. હેલી રોડ પરની નાનકડી ગલીના રસ્તે જવાતું હોઈને વાવ સરળતાથી શોધી શકાય એમ નથી. અમે ગૂગલ મેપના ઉપયોગથી એ શોધી. એ પહેલા હેલી રોડની ગલીનું વાતાવરણ પણ અનોખું છે. અહીં ગલીમાં કોઈ મોટા ટોળા કે શોરબકોર વગર એક શોર્ટફિલ્મનું અને એક એડવર્ટાઈઝનું શૂટિંગ થઈ રહ્યું હતું. એ વટાવીને અમે આગળ વધ્યા તો એક વળાંક પછી ડાબા હાથે આવે છે ઉગ્રસેનની બાવડીનું પ્રવેશદ્વાર જે કોઈ જેલના પ્રવેશદ્વારની જેમ સળીયાવાળા દરવાજાઓનું બનેલું છે. બે’ક ચોકીદારો તદ્દન નિસ્પૃહ ભાવે અહીં બેઠા હોય છે. પરિસરમાં પ્રવેશ પછી અને વાવમાં પગથીયા દ્વારા પ્રવેશ કરતા પહેલા જમણી તરફ પુરાતત્વ વિભાગે પથ્થર પર કોતરેલ નકશો અને સૂચનાઓ છે, ડાબી તરફ આ વાવ વિશેની માહિતી દર્શાવાઈ છે.