જિંદગીની આશ.. ઉત્સવ! દીપોત્સવ! – ગોપાલ ખેતાણી 7


દેશના દરેક તહેવારોનું પર્યાવરણ અને સામાજિક મહત્વ તો છે જ પણ આર્થિક મહત્વ પણ ઘણું છે.

દિવાળી, દેશના લગભગ દરેક ખૂણે ઉજવાતો તહેવાર. આ તહેવાર જુઓ કઈ રીતે દરેક વર્ગના લોકોને આર્થિક રીતે અને વ્યક્તીગત રીતે સ્પર્શે છે!

નવરાત્રીની આસપાસથી જ ઘરોમાં સફાઈ અભિયાન ચાલું થઈ જાય અને કેટલાંક ઘરોમાં રંગરોગાન પણ કરાવવાનું હોય. તો સૌ પ્રથમ તો રદ્દી, પસ્તી અને ભંગારવાળાની રોજી રોટી શરૂ થઈ જાય. વળી લારી કે મોપેડ પર સાવરણી, સાવરણા, ફિનાઈલ, પ્લસ્ટીકના ઝાડૂ, એસીડ બોટલ, બ્રશ વગેરે લઈને ફરતાં ફેરીયાઓની નજર પણ દરેક સોસાયટીમાં ફરી વળતી હોય. ઘરે કામ કરવા જો બાઈ આવતી હોય તો તેમના ‘મનામણાં’ પણ શરૂ થઈ ગયા હોય. અને એ માટે તમારે બોનસ તો ત્યારે કન્ફર્મ કરી જ દેવું પડે ભલે તમને તમારી કંપની આપે કે ન આપે! તમને સાફ-સફાઈ કરતાં કેટલોક અનમોલ ખજાનો હાથ લાગવાની શક્યતા પણ ખરી. પ્રિયતમ કે પ્રિયતમાની યાદગીરી, તમારાં કે ઘરના સભ્યોના જૂનાં સંસ્મરણો, ભૂલે-બીસરે સબૂત અને નસીબ જો વધું પડતાં સારા હોય તો ૫૦૦-૧૦૦૦ની નોટ પણ મળી આવવાની સંભાવના! સાફસફાઈ બાદ રંગરોગાનવાળાની દિવાળી શરૂ થાય. ક્લર જાયન્ટ્સ કંપનીઓથી માંડીને રોજમદાર મજૂર કમરપટ્ટો બાંધીને રોકડાં કરવાની વેતરણમાં પડી ગયા હોય.

ફર્નીચર, હોમ એપ્લાઈન્સીસ, ચાદર, તકીયા, ગાદલાં, સુશોભનની ચીજ વસ્તુઓનું ઓન લાઈન અને ઓફલાઈન બજાર ધમધમવાં લાગ્યું હોય. વાહનોના બુકીંગ ધનતેરસ કે લાભપાંચમ માટે થઈ ગયા હોય. જે બીચારા મોડાં પહોંચ્યા હોય તે અગીયારસનું બુકીંગ કરાવી મન મનાવી લ્યે! વળી આ બધી વસ્તુઓની જાહેરાત માટે બેનર અને બોર્ડ બનાવવાવાળાની પણ દિવાળી જામી હોય. વિશેષાંક માટે લેખકો પાસે તકાદો કરાતો હોય. (હાશ, લેખકો અને કવિઓને પણ દિવાળી આવે ખરી!)

તૈયાર કપડાંઓના બજાર દિવાળી સેલથી ધમધમી ઊઠ્યાં હોય તેમ છતાં હજુ કાપડવાળાં અને દરજીઓના ધંધા મંદા નથી પડ્યા. “કાકા, દિવાળીના દિવસે સવારે આપી જ દેવા પડશે હોં!” આવા વાક્યો સાંભળતા દરજીકાકા “વિટામીન”ની ગોળીઓ ગળવાની અને આંખમાં “સૂરમો” નાખવાની તૈયારી કરી ચૂકયા હોય. જૂના કપડાં આપીને વાસણ લેવાની પ્રથા હજુ સૌરાષ્ટ્રમાંથી તો લુપ્ત થઈ નથી. માર્કેટમાં રોશની કરવાની શરૂઆત થઈ ગઈ હોય માટે “ભારતીય” અને “ચાઈનીઝ” લાઈટની હારમાળા પણ દેખાતી હોય. એ જ “ચાઈનીઝ” લાઈટની હારમાળા નીચે પાથરણું પાથરી, “મેઈડ ઈન ઈન્ડિયા”વાળા માટીના કોડીયા, રંગોળી માટેના રંગો, ચોક અને ડીઝાઈન વેચતા ફેરીયાઓની પણ દિવાળી આવી ગઈ હોય. વળી રેકડીમાં વેંચાતા સ્લીપર, ચપ્પ્લ અને કપડાંઓ લઈ આર્થિક રીતે નબળો વર્ગ પણ દિવાળી ઊજવી લેતો હોય રેંકડીઓવાળાને પણ તહેવાર ઊજવવાની તક મળે.

ચાંદલીયા અને રોલથી શરૂ થયેલું ફટકડા બજાર દેવદિવાળી સુધી પોતાની જમાવટ કાયમ રાખતું હોય છે. દરેક વર્ગ પોતાને પરવડે તેવા ફટાકડા ખરીદી હોંશ મનાવવાની વેતરણમાં હોય છે. ગરમાં ગરમ નાસ્તાની સુગંધ ઘરોમાંથી આવવા લાગે છે તો ફરસાણની દુકાનોમાં પણ તાવડા મંડાતા હોય છે. મહેકતી મિઠાઈઓ વચ્ચે નાનખટાઈનું મહત્વ હજુ પણ ઘણી જગ્યાએ કાયમ છે. અવનવી વેરાઈટીમાં આવતી નાનખટાઈ દિવાળીમાં સોળે શણગાર સજીને દુકાનોમાં આવી ગઈ હોય છે.

ધનતેરસના દિવસે સોની વેપારીઓ હરખથી ગ્રાહકોનું સ્વાગત કરવાં તત્પર હોય છે. તો આ બાજુ મંદીર અને દેવસ્થાનોએ ચાર – પાંચ દિવસ માટે પૂરી તૈયારી કરી લીધી હોય છે. અન્નકુટના પ્રસાદની પાવતીથી માંડીને કેલેન્ડર, ગેજેટ્સ અને ભક્તોને ગમતી દરેક વસ્તુ માટે તેઓએ કમર કસી લીધી હોય છે.

દિવાળીના દિવસે આસોપાલવના તોરણની લારીઓ બધે નજરે ચડે છે. સફેદ અથવા રંગીન કવર (બોનસ માટે), લાલ પેન, અને કોઈક પેઢી હજૂ પણ ચોપડાં પૂજન કરતી હોય તો ચોપડાં પણ ખરીદે. રાત્રે પૂજારીજીને ખાસ બોલાવવામાં આવે અને તેમની દિવાળી પણ સુધારી દેવામાં આવે. નવા વર્ષે દેવસ્થાન, મંદીર વગેરેએ દાન – દક્ષિણા કરવામાં આવે. ભિક્ષુકોને પણ થોડી આર્થિક રાહત તે દિવસે મળી રહે.

નવા વર્ષથી માંડીને લાભ પાંચમ સુધી થિયેટરતો ફૂલ થઈ ગયા હોય. વળી રેસ્ટોરેન્ટ અને ખાણીપીણીની લારીઓવાળાને પણ તડાકો. આ ચાર પાંચ દિવસમાં પેટ્રોલ પંપ પર પણ લાઈનો લાગે. ટેક્ષી અને રિક્ષાઓને પણ કમાણી કરવાની સારી તક મળે.

આ બધું તો જે પોતાના વતનમાં રહીને દિવાળી ઊજવવાના હોય તેના માટે, પણ જો કોઈ દિવાળી વેકેશનનો લાભ ઊઠાવવાના હોય (ડોક્ટર તો ખરાં જ) તો ટ્રાવેલ એજન્ટ, હોટેલર્સ, ટ્રાવેલર્સ અને જે તે સ્થળના ધંધાદારીઓને પ્રવાસનથી દિવાળી સુધરી જાય છે.

આ તહેવાર ખરેખર દરેક વર્ગ માટે એક નવી આશા લઈને આવે છે. અને તમે પણ કોઈની આશા માટે નિમિત્ત બનો એવી દિલથી શુભકામનાઓ. દિવાળી અને નવવર્ષના સૌને અભિનંદન!
ભગવાન બુદ્ધના શબ્દો આપ સૌને પ્રેરણા આપે.

“અપ્પ દીપો ભવઃ’ – પોતાનો પ્રકાશ સ્વયં બનો.

– ગોપાલ ખેતાણી


આપનો પ્રતિભાવ આપો....

7 thoughts on “જિંદગીની આશ.. ઉત્સવ! દીપોત્સવ! – ગોપાલ ખેતાણી

  • સુબોધભાઇ

    સમગ્ર માનવ જાત માટે તહેવારો અને ઉત્સવો એ તેમના જીવનમા આશા અને ચેતનાઓ રૂપે નવપલ્લવિત કરે છે. એજ આ લેખનુ મહત્વનુ પાસુ છે એ સરસ વાત છે.
    આ ઉત્સવ ઉજવણીમા અતિરેક ન થાય એ માટે “લગામ” વ્યાજબી પગલુ ગણાય જ. પણ..
    આવા તહેવારો પૈકી દેશના કોઇ હિસ્સા કે કોઇ સમુહ પ્રેરિત ઉત્સવ પર કોઇક જ સ્થળે ” સંપૂર્ણ પ્રતિબંધ” લાદવામા આવે ત્યારે… આ જ ઉત્સવ કઇ ‘આશ’ પર ઉજવી શકાય.

  • ગો. મારુ

    નવલા વર્ષનું પરોઢ, આપણા આદર્શ અને નવા વીચારો મુજબનાં આપણા સૌનાં સોનેરી સોણલાં સાકાર કરે એવી દીલી શુભેચ્છાઓ સાથે અમારા નુતન વર્ષાભીનંદન..