Daily Archives: October 19, 2017


જિંદગીની આશ.. ઉત્સવ! દીપોત્સવ! – ગોપાલ ખેતાણી 7

દેશના દરેક તહેવારોનું પર્યાવરણ અને સામાજિક મહત્વ તો છે જ પણ આર્થિક મહત્વ પણ ઘણું છે.

દિવાળી, દેશના લગભગ દરેક ખૂણે ઉજવાતો તહેવાર. આ તહેવાર જુઓ કઈ રીતે દરેક વર્ગના લોકોને આર્થિક રીતે અને વ્યક્તીગત રીતે સ્પર્શે છે!

નવરાત્રીની આસપાસથી જ ઘરોમાં સફાઈ અભિયાન ચાલું થઈ જાય અને કેટલાંક ઘરોમાં રંગરોગાન પણ કરાવવાનું હોય. તો સૌ પ્રથમ તો રદ્દી, પસ્તી અને ભંગારવાળાની રોજી રોટી શરૂ થઈ જાય. વળી લારી કે મોપેડ પર સાવરણી, સાવરણા, ફિનાઈલ, પ્લસ્ટીકના ઝાડૂ, એસીડ બોટલ, બ્રશ વગેરે લઈને ફરતાં ફેરીયાઓની નજર પણ દરેક સોસાયટીમાં ફરી વળતી હોય. ઘરે કામ કરવા જો બાઈ આવતી હોય તો તેમના ‘મનામણાં’ પણ શરૂ થઈ ગયા હોય. અને એ માટે તમારે બોનસ તો ત્યારે કન્ફર્મ કરી જ દેવું પડે ભલે તમને તમારી કંપની આપે કે ન આપે! તમને સાફ-સફાઈ કરતાં કેટલોક અનમોલ ખજાનો હાથ લાગવાની શક્યતા પણ ખરી. પ્રિયતમ કે પ્રિયતમાની યાદગીરી, તમારાં કે ઘરના સભ્યોના જૂનાં સંસ્મરણો, ભૂલે-બીસરે સબૂત અને નસીબ જો વધું પડતાં સારા હોય તો ૫૦૦-૧૦૦૦ની નોટ પણ મળી આવવાની સંભાવના! સાફસફાઈ બાદ રંગરોગાનવાળાની દિવાળી શરૂ થાય. ક્લર જાયન્ટ્સ કંપનીઓથી માંડીને રોજમદાર મજૂર કમરપટ્ટો બાંધીને રોકડાં કરવાની વેતરણમાં પડી ગયા હોય.