મને હું મળી ગયાંની ક્ષણ… ચીમેર ટ્રેકિંગ – મીરા જોશી 14


જંગલનું પંખી ક્યારેય પીંજરામાં રહેવા ન ઈચ્છે.. એ જ રીતે હું, તમે, આપણે બધા જ મૂળથી તો જંગલી જ..! આપણને શહેરના પીંજરામાં બંધાઈ રહેવાનું કઈ રીતે ગમે? અને શહેરમાં રહીને ટૂંટીયું વળી ગયેલા જંગલી મનને જયારે જંગલનો ખોળો મળી જાય તો પછી પૂછવું જ શું?

ગુજરાતના તાપી જીલ્લા, સોનગઢ તાલુકાથી ઘેરાયેલા જંગલમાં અમને પણ કુદરતનો ખોળો મળી જ ગયો. વ્યારા વન વિભાગના ટ્રેકિંગના આયોજન થકી અમારું શારીરિક માનસિક અને આંતરિક મેડીટેશન કરવા અમે પણ શનિવારની ઉંઘ અને રવિવારની મોજને ગોળી મારી નીકળી પડ્યા વનચર્યા કરવા.

ગુજરાતનો સોનગઢ તાલુકો, જેના જંગલો, ધોધ અને કિલ્લાઓ વિષે બહુ ઓછા લોકોને જાણકારી છે, કારણ કે જેના સૌંદર્ય વિશે ખૂબ ઓછું લખાયેલું છે એવાં સ્થળોમાં વ્યારા વન વિભાગે રવિવારીય એક દિવસીય ટ્રેકિંગનું આયોજન કરેલું. માત્ર બસ્સો રૂપિયા રજીસ્ટ્રેશન ફી, એ પણ કોઇ પ્રકારના આર્થિક હેતુ માટે નહિ, પરંતુ ત્યાંના સ્થળો વિષે ગુજરાત અને ગુજરાત બહારના લોકો જાણકારી મેળવે, વન સંપત્તિનું મહત્વ સમજે અને વિશેષ તો ત્યાંના પૈસાથી અને જ્ઞાનથી છલોછલ પરંતુ માહિતીની રેસમાં પછાત એવાં લોકો માટે કંઇક કરવા પ્રેરાય, માત્ર એ જ નિઃસ્વાર્થ ભાવનાથી વ્યારા વન વિભાગ દર વર્ષે આ જહેમત ઉઠાવે છે.

સૂરતથી ૧૧૭ કિ.મી. દૂર ટ્રેકિંગમાં ચીમેર ગામ પહોંચવા અમે ૬ તારીખ ને રવિવારે સૂરતથી આશરે અઢી વાગ્યે વ્યારાની બસમાં નીકળ્યા, ૪.૩૦ વાગ્યે વ્યારા પહોંચી અમે વ્યારા વન વિભાગના ફોરેસ્ટ ઓફિસર રમેશભાઈ અને મંડોરીભાઈ સાથે એમની જીપમાં ચીમેર જવા નીકળ્યા. તમને થતું હશે કે ગામ અને ગામના રસ્તાઓ તો કેવા ખખડધજ હશે.. પણ નહિ, શહેરના રસ્તાઓને પણ ક્યાંય પાછળ મૂકી દે એટલા સરસ રસ્તા વ્યારા અને સોનગઢમાં છે.. અહીં સોનગઢનો ગુજરાત સ્ટેટ હાઈવે ૧૭૩ લાગુ પડે છે.

જેમ જેમ અજવાળું પ્રસરતું ગયું તેમ તેમ જીપમાં સ્થિર આંખો સામે કાળા રસ્તા, રસ્તાઓની આજુબાજુના ડુંગર અને જંગલનું રૂપ ખૂલતું ગયું. આંખનું મટકું મારવાનું પણ ભૂલી જવાય, મળસ્કેનો સુંદર નજારો એટલી હદે અદ્ભુત હતો.. સાડા છ વાગ્યે ચીમેર પહોંચ્યા ત્યારે પૂરેપૂરું અજવાળું થઈ ગયું હતું. અમારા આશ્ચર્ય વચ્ચે કેટલાય લોકો, વન વિભાગના જવાનો અને વાહનો ત્યાં હાજર હતાં. સાહસનું પેશન હોય અને પ્રકૃતિના સૌંદર્યને આંખોમાં ઝીલવાની મહેચ્છા હોય તેને કોઈપણ મુશ્કેલી નડતી નથી એની ખાતરી અહીં આટલા વિશાળ સમુદાયને જોઈને થઈ જ ગઈ.

ચારેબાજુ લીલી હરિયાળી જોઈને એકાએક અમારું સમગ્ર ચેતાતંત્ર જાગ્રત થઈ ઉઠ્યું. અંદાજીત અઢીસો જેટલા વ્યક્તિઓ આ ટ્રેકિંગમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતાં, જેમાં માત્ર યુવાનો જ નહિ પરંતુ સપરિવાર આવેલા બાળકો, વયસ્ક વૃદ્ધો અને ફોટોગ્રાફરો પણ સામેલ હતાં.

રજીસ્ટ્રેશન, ચા-નાસ્તો અને વ્યારા વન વિભાગમાં ઉંચી પોસ્ટ પર કાર્યરત એવાં તમિલનાડુના શશીભાઈના ટ્રેકિંગ માટેના સૂચનો અને રમૂજથી રીફ્રેશ થઈને અમે પહેલું ચઢાણ એવાં પાતળા ડુંગર પર જવા નીકળ્યા. દરેક ગ્રુપની આગળ-પાછળ, વચ્ચે ફોરેસ્ટના જવાનો ચાલતા હતાં. જેમ-જેમ આગળ વધતા ગયાં તેમ તેમ જંગલ અને તેની ગીચતા, ઊંચાઈ, તેનો આખો ચહેરો અમારી આંખો સામે ખૂલતો ગયો. પ્રકૃતિને આટલી નજીકથી, આટલા વિવિધ સ્વરૂપે, અને આટલી વહેલી સવારે જોવાનો લ્હાવો અત્યંત સુખદ હતો. પગ પોતાનું કામ કરતા હતાં અને આંખો પોતાનું.. અહીંની એકે-એક ક્ષણમાં વૈવિધ્ય હતું. જ્યાં નજર પડે ત્યાં બધે જ હરિયાળી, સાર્વત્રિક સુંદરતા..! હૃદય એક ધબકારો ચૂકી જાય, પાંપણ પલકારો કરવાનું ભૂલી જાય, પગ પણ થંભી જાય એવી અપ્રતિમ ક્ષણો અમને આટલી સહજ રીતે મળી હતી..! રાત્રીનો ઉજાગરો, ભૂખ, અહીં સુધી પહોંચવાનો થાક કે પછી તમારી પોતાની પણ એક દૂનિયા છે એ સુદ્ધાં ભૂલી જઈએ એવો જાદુ એ વનરાઈઓમાં હતો. દરેકની આંખોમાં વિસ્મય હતું અને હોઠ પર ‘વાહ, વાઉ, અમેઝિંગ’ જેવા શબ્દો રમતા હતાં. જ્યાં મન થતું ત્યાં ઉભા રહી બધા ખુદને એ જંગલમાં કેદ કરી લેવા કેમેરાની ક્લીક ઝડપી લેતા હતાં. વનની, વનસ્પતિની, ફૂલોની, જીવ-જંતુ દરેકની મિશ્ર ગંધથી પ્રગટતી જંગલી સુગંધમાં મન બધું જ ભૂલીને એક જ જગ્યાએ અટકી ગયું હતું.

જંગલનું રૂપ વિસ્તરતું ગયું, જાત-જાતની વનસ્પતિ, વૃક્ષ, સપાટ હરિયાળા મેદાનો અને વચ્ચે પત્થરોમાં રમતી-ઉછળતી તાપી નદી તો ખરી જ..! જેમાં ચાલીને થાકેલા પગ નહાવાની મોજ સાથે આરામ લેતા હતાં. આટલી ઊંચાઈએ અઢીસો લોકો માટે ગ્રામ્ય જનો અને વન વિભાગે પહોંચાડેલ નાસ્તો માણ્યા બાદ તેમજ તાપી જીલ્લાના કલેકટર અને અન્ય ફોરેસ્ટ અધિકારીઓની વન વિષેની માહિતી સાંભળ્યા બાદ સૌ ફરી આગળ વધ્યા.

જંગલનું મૂલ્ય, વનસ્પતિનું મૂલ્ય, તેમાં વિચરતા દરેક જીવના જીવનનું મહત્વ અમને અહીંથી જાણવા મળ્યું. જેમ કે બહુ પ્રખ્યાત એવો જખ્મે રૂઝ મલમ શેમાંથી બને છે એ આપણે નથી જાણતા, અહીં અમને એ ખાખરાનો છોડ બતાવાયો, જેનાથી આ મલમ બનાવાય છે. મોડાદ નામના છોડના ગુંદરથી વીંછીનો ડંખ મટાડી શકાય છે. ડીલીવરી બાદ જે માતાને દૂધ ના આવતું હોય તેમના માટે શતાવરીના છોડનું પાણી આશીર્વાદરુપ છે. જયારે ઝાડા માટે તાનાશ અને મહેસાનું આ બંને છોડની છાલ મિક્ષ કરીને પીવાથી રાહત થાય છે. ખાપટ છોડના દરરોજ બે પાન ખાવાથી હરસ-મસામાં સંપૂર્ણ રાહત થાય છે. મામેજાન છોડના પાણીથી નહાવાથી તાવ-મલેરિયા મટે છે. જંગલોમાં, ખેતરોમાં મબલખ ઉગતા ફૂવાડીયા જેને આપણે ત્યાં કચરો ગણી ફેંકી દેવામાં આવે છે, પરંતુ બહાર તે ૮૦૦ રૂ. પ્રતિકિલો વેચાય છે. આર્યુવેદિક દવા અને સશોધનમાં આ છોડનો ઉપયોગ થાય છે. જેને ખાવાથી કમળો થતો નથી. બહારથી સામાન્ય લાગતી વનસ્પતિનું એક નવું જ સ્વરૂપ જાણવા મળ્યું.

અને આશરે છ-સાત કિમી ચાલ્યા બાદ ચીમેર ધોધ અમારી સામે હતો..! ને જાણે આંખ સામે સ્વર્ગ ઉભું થઈ ગયું. ધોધ, જંગલ અને બ્લુ આકાશના અદ્ભુત સમન્વયમાં પ્રકૃતિનું રૂપ સોળે કળાએ ખીલી ઉઠ્યું હતું. ચીમેર ધોધ ગુજરાતનો સૌથી ઉંચો ધોધ છે આ હકીકત મોટાભાગના ગુજરાતીઓ નથી જાણતા. ધોધના ઘસમસતા પ્રવાહને, સમગ્ર હરિયાળીને, વાતાવરણની શૂન્યતા અને શાંતિને અમે આંખો અને હૃદયમાં ભરી લીધી. દૂરથી પણ પોતાની તરફ ખેંચી જતા એ ધોધની વિરલતાને કેમેરામાં સહુએ કેદ કરી લીધી. જે નેચરને માણવા માટે આપણે લોનાવાલા, કેરળ અને હિમાલય સુધી જઈએ છીએ તે નેચરની સુંદરતા આપણી ખુબ જ નજીક છે, એ હકીકત અહીંની ભવ્યતા જોતા જણાઈ આવે છે. ગુજરાતના સોનગઢનું જંગલ સૌથી વધુ ડેન્સીટી ધરાવતા જંગલોમાં સ્થાન ધરાવે છે. થોડા વિરામ બાદ ફરી હાલ્ફ ટ્રેકિંગ પૂરું કરવા બધા સજ્જ થયા.

બહારથી ગાઢ દેખાતા જંગલોના ઊંડાણમાં ક્યારેય પ્રવેશવા મળશે એવી કલ્પના પણ ના કરી હોય અને એ જંગલની લીલી ગીચતા, ગાઢ ઊંડાણમાં અમસ્તા જ ક્યારેક પહોંચી જઈએ એથી સુંદર ક્ષણ કઈ હોય? પરત ફરતી વખતનો અમારો રસ્તો જંગલના એવાં અત્યંત ગાઢ ઊંડાણમાં થઈને ઉતરતો હતો. ઊંચેરા વૃક્ષો, પત્થરો, ચીકણી માટી, સાંકડી કેડી, અને બાજુમાં વૃક્ષોથી ઘેરાયેલી ખીણ અને આહ્લાદક વનરાઈઓને ચીરતા અમે ઉતરતા જ ગયાં. શાંતિની રમ્ય ક્ષણો વચ્ચે કોયલ, ચકલી જેવા પક્ષીઓનો કલરવ વાતાવરણને સંગીતમય બનાવી રહ્યું હતું. અને વચ્ચે વરસાદ પણ જાણે અમારા ઉત્સાહમાં વધારો કરવા વરસી પડ્યો. ફરી નદી આવી અને કોઈએ ખાલી પગ ઝબોળ્યા, તો કોઈએ છબછબીયા કર્યા અને ઘણા તો નહાવા જ પડી ગયાં. નદીના ઠંડા પાણીમાંથી બહાર નીકળવાનું મન ના થતું હોય વન અધિકારીઓ સહુને કમને આગળ ધપવાનું દબાણ કરી રહ્યા હતાં. અને તાપીના પાણીમાં રીફ્રેશ થઈ ફરી બાકીનું ટ્રેકિંગ પૂરું કરવા સહુ આગળ વધ્યા. આ રીતે આશરે ૨.૪૫ વાગ્યે અમે ૧૨-૧૪ કિમીનું ટ્રેકિંગ પૂરું કરી બપોરના ભોજન ઉપર તૂટી પડ્યા. ગ્રામ્યજનોના હાથનું શાક, પૂરી, શીરો અને ડાળ-ભાતનું સ્વાદિષ્ટ જમણ લઈને કેટલાક લોકો નહાવા નીકળી ગયા.

અને અમે સંચાલન કરતા અધિકારીઓ અને ફોરેસ્ટ જવાનો તેમજ અમને અહીં સુધી પોતાની જીપમાં લઈ આવનાર રમેશભાઈનો અંતરથી આભાર માની, જંગલને છેલ્લીવાર આંખોમાં ભરી, હ્રદયમાં કેદ થયેલા બધા જ દ્રશ્યોની વિરાટતાને યાદોમાં સાચવી, તન-મનને રિફ્રેશ કરી ફરીવાર આવવાના નિશ્ચય સાથે ગંતવ્યસ્થાને પહોંચવા નીકળી ગયા.

ખરેખર, જંગલમાં તમે તમારી અંદર ખોવાઈ ગયેલા ‘ખુદ’ને મળી શકો છો.

ભાગતી, હાંફતી, બટકતી – નામમાં, સત્તામાં, પૈસામાં, મજબૂરીમાં, અહમમાં ખોવાયેલી જીંદગી આજન્મ પોતાના અસલી રૂપને શોધતી હોય છે – તમારી જાણ બહાર! કદાચ એ જંગલમાં જવા ઈચ્છે છે, એ સમૃદ્ધમાં તરબોળ થવા ઈચ્છે છે, એ પહાડની ટોચ પર પહોંચવા ઝંખે છે.. પણ એ એકલી દોડી શકતી નથી, એ જેમાં વસવાટ કરે છે.. એ ‘હું’ જ એને દોડાવી શકે છે.. જીવાડી શકે છે. કંઈ નહિ તો સત્તા-સંપત્તિ-જાહોજલાલીમાં જીવવા ઈચ્છતા વ્યક્તિએ પણ આયુષ્યના શ્વાસ વધારવા પ્રકૃતિના ખોળે જવું જ રહ્યું..!

– મીરા જોશી


આપનો પ્રતિભાવ આપો....

14 thoughts on “મને હું મળી ગયાંની ક્ષણ… ચીમેર ટ્રેકિંગ – મીરા જોશી

 • MEHUL SUTARIYA

  ખૂબ સરસ વર્ણન. વાંચી જેમ બને તેમ જલ્દી જવાનું મન થયું છે. આમ તો આશરે ૧૫ વર્ષ પહેલા હું સોનગઢના કિલ્લા પર ગયો છું. કિલ્લા પરથી ઉકાઈ બંધ દેખાય છે. બીજું જંગલ ખાતા દ્વારા આવા કાર્યક્રમો ક્યારે યોજવામાં આવે છે તે માહિતી આપશો તથા બની શકે તો આપનો મોબાઇલ નંબર પણ શેર કરો જેથી કોઈ વ્યક્તિને આયોજનમાં મૂંઝવણ હોય તો માર્ગદર્શન મેળવી શકે.

 • ગોપાલ ખેતાણી

  આ પ્રવાસ વર્ણન વાંચી ત્યાં પહોંચી ગયાની લાગણી થઈ. માહિતી સભર અને શબ્દોના વૈભવથી સજ્જ વર્ણન વાંચી મન પ્રફુલ્લીત થઈ ઊઠ્યું. અને હવે સોનગઢ જવાની ઇચ્છા પ્રબળ થઈ ગઈ.

  • Meera Joshi

   Thank you for reading this!
   Vyara forest deparment arranged this trekking programs on each Sunday. It was their first year. Next trekking is at Narmada, by Narmada forest deparment.
   Here is the details.

   નર્મદા વનવિભાગ – ટ્રેકીંગ ફેસ્ટીવલ
   ~~~~
   ચોમાસાની ઋતુ પછી જ્યારે જંગલ નું સૌંદર્ય એની પરાકાષ્ઠા પર હોય ત્યારે જંગલ_ ટ્રેકિંગ કરવું એક લ્હાવો છે.

   તો ……

   કુદરતના આ સૌંદર્ય ને માણવા ટ્રેકિંગ કરવા માટે શારીરિક રીતે ફીટ હોય એવા ઇચ્છુક યુવકો/યુવતીઓ માટે વિશેષ તક નર્મદા વન વિભાગ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. જેમાં નર્મદા વનવિભાગ દ્વારા –
   પ્રકૃતિની સુંદરતાનો પરીચય મેળવવા,
   કુદરતી દ્રશ્યોને કેમેરામાં કેદ કરવા,
   યુવકો/યુવતીઓની શારીરીક ક્ષમતામાં વધારો થાય,
   યુવકો/યુવતીઓનો જંગલોનું મહત્વ સમજે,
   યુવકો/યુવતીઓમાં વન સંરક્ષણ અને સંવર્ધનમાં પોતાનું યોગદાન આપવાની લાગણીનાં બિજાંકુરણ થાય,
   યુવકો/યુવતીઓની રવિવારની રજાને ઉજવણીમાં ફેરવી શકાય,
   જંગલના વૃક્ષોને ઓળખતા થાય…..
   આવા અનેકવિધ હેતુઓ સિદ્ધ થાય તે માટે સરસ મજાનાં ટ્રેકીંગનું આયોજન કરવામાં આવેલ છે.

   જેમાં સહભાગી બનવા અને તે માટે રજીસ્ટ્રેશન કરવા માટે આમંત્રણ આપવામાં આવે છે.
   ▪▪▪▪▪▪▪▪▪▪

   નર્મદા વનવિભાગ – ટ્રેકીંગ ફેસ્ટીવલ રજીસ્ટ્રેશન

   ટ્રેકીંગ તારીખ:
   17/09/2017 થી 19/11/2017 દરમ્યાન આવતા માત્ર રવિવાર નાં દિવસે જ.

   ટ્રેકીંગ બેચ:
   જો રજીસ્ટ્રેશન સફળતા પૂર્વક થઈ જાય.. તો તમે જે તારીખ માટે રજીસ્ટ્રેશન કરાવેલ હોય તે તારીખે સમયસર પોહચી જવું.
   ટ્રેક રૂટ માહિતી:
   ટ્રેકનં. – 1: “ Kashmir of Gujarat “ (તા.17/09/2017)
   ટ્રેકનં. – 2: “ Rajdhani Trek “ (તા.24/09/2017)
   ટ્રેકનં. – 3: “ Holy Trek ” (તા.01/10/2017)
   ટ્રેકનં. – 4: “ Maze in The Forest “ (તા.08/10/2017)
   ટ્રેકનં. – 5: “ Trek to The Highest Peak ” (તા.15/10/2017)
   ટ્રેકનં. – 6: “ Into The Dense Forest “ (તા.22/10/2017)
   ટ્રેકનં. – 7: “ Beauty of waterfall ” (તા.29/10/2017)
   ટ્રેકનં. – 8:“ Polo ground on The Top ” (તા.05/11/2017)
   ટ્રેકનં. – 9: “ Beauty of Springs “ (તા.12/11/2017)
   ટ્રેકનં. – 10: “ Roller Coastar in the Forest “(તા.19/11/2017)

   રજીસ્ટ્રેશન કેવી રીતે થાય ?
   ટ્રેકીંગનો લાભ લેવા માટે નીચે આપેલ લીંક પર રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે.

   રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ
   લીંક તા. 06/09/2017 થી 18/11/2017 દરમ્યાન એક્ટીવેટ રહેશે.

   રજીસ્ટ્રેશનની પ્રક્રીયા એકદમ સરળ છે.

   ખૂબજ મર્યાદિત યુવકો/યુવતીઓ ને લાભ આપી શકાય તેમ હોવાથી આ અમૂલ્ય તકનો લાભ લેવા નીચે આપેલ લીંક પર આજે જ રજીસ્ટ્રેશન કરાવો.

   રજીસ્ટ્રેશન લીંક :
   https://goo.gl/forms/gJ2qYAPpk2mzbhcf1

   જો જો …
   રજીસ્ટ્રેશન કરાવવાનું રહી ના જાય…

   ………

   ☝ આ મેસેજને તમામ યુવકો/યુવતીઓ/ગૃપ સુધી પહોંચડવામાં મદદરૂપ થાવ કે જેથી તેઓ પણ લાભ લઈ શકે.

 • manoj divatia

  ઘણો આનંદ થયો. તમારી લેખન શૈલી પણ પરોક્ષ રીતે એ ધોધની
  કલ્પના કરાવી ગઈ અને પછી થયું કે આ મનમોહક વર્ણન વધુ
  આનંદ અને રોમાંચ નો અનુભવ કરાવી ગયું હોત જો આ ધોધ ની અને
  તમારા આ રોમાંચક પ્રવાસ ની તસવીરો તથા વિડીયો ( ડ્રોન )
  પણ આ વર્ણન મા ઉમેરી શકાઈ હોત તો
  હજી પણ જો તે ઉમેરી શકાય તો એમ કરવા વિનંતી

  • manoj divatia

   વાહ સુંદર વિડીયો. પ્રવાસ પ્રેમી મોદી જી ને આ પ્રદેશ મા ટુરીઝમ
   વિકસાવવાનું કેમ ના સૂઝ્યું હજી સુધી !!!!!

 • Hardik Pandya

  વાહ….. સરસ… સુન્દર…. અતિ સુન્દર… ટ્રેકિન્ગ જાણે મે ખુદ જ કરી હોય એવી અનુભુતિ થઇ.