શરબતમાંના વધારાના લીંબુને દૂર કરો – અનુ. ભરત કાપડીઆ 7 comments   નવી પ્રસ્તુતિ...


મને હજીયે એ દિવસ યાદ છે, જયારે મેં પહેલી વાર લીંબુ શરબત બનાવ્યું હતું. મેં તેમાં જરૂર કરતાં પાંચગણું લીંબુ નીચોવી નાખ્યું હતું. બહુ મોટો ધબડકો થયો. મારે ગમે તેમ કરી એમાં સુધારો લાવવો હતો.

હવે એ ખાટા પ્રવાહીમાંથી લીંબુનો રસ ઓછો કરવો હતો. તો જ એનો સ્વાદ પીવા લાયક થાય. પણ, આહ, એ તે કેમ બને ! કેટલીયે બાબતો ક્યારેય થઇ ન થવાની નથી. કેટલીક બાબતોમાં પરિવર્તન આણી શકાતું નથી. વધારાનું લીંબુ દૂર કરવાનો કોઈ કીમિયો હું નહોતો જાણતો. તો પછી આનો હલ શું ? આ સ્થિતિને સુધારવાનો એક જ માર્ગ હતો કે એ પ્રવાહીમાં ચાર ગ્લાસ પાણી રેડી દેવું, જેથી એકને બદલે પાંચ ગ્લાસ શરબત થાય તો તેની ખટાશ ઓછી થઇ શકે.

આ અનુભવ પછી હું વિચારે ચડી ગયો. ક્યારેક આપણે કોઈ બની ગયેલી ખરાબ કે ખોટી બાબતને, છૂટી ગયેલા તીરની માફક પાછી વાળી શકતા નથી, કેટલાક ખોટા નિર્ણય, ખોટી પસંદગી, ખોટાં આર્થિક રોકાણ, ખોટાં પગલાં, ખોટી સોબત, ખોટા શબ્દો કે અપકૃત્યો ક્યારેય થયા ન થયા થઇ નથી શકતાં, તો એનું નિવારણ શું ?

જ્યારે તમે કોઈ અયોગ્ય બાબતને યોગ્ય નથી કરી શકતાં, ત્યારે એના માટે સમય ન બગાડો. એ તો પેલા શરબતમાંથી લીંબુ દૂર કરવા જેવી વ્યર્થ કોશિશ થઇ. `એને બદલે તમારા જીવનમાં વધુ ને વધુ સત્કૃત્યો ઉમેરતા જાવ. તો આપોઆપ પેલા અપકૃત્યની અસર ઓછી થતી જશે. આપણા સહુમાં કોઈ ને કોઈ નકારાત્મક પાસું રહેલું હોય છે. એની સામે આપણે સકારાત્મક વિચારો, સકારાત્મક વાંચન અને સકારાત્મક માણસોને આપણા જીવનમાં ચોક્કસ ઉમેરી શકીએ. આમ નકારાત્મકતાને મંદ પાડી શકીએ.

અઘરા માણસોને બદલવા કે સુધારવામાં સમય ન બગાડો. તેમની પાછળ તમારી ભાવનાત્મક ઊર્જા નાહક ન વેડફો. તેને બદલે ખુશમિજાજ, સકારાત્મક, આનંદિત લોકો સાથે વધુ સમય વિતાવો. પરિણામે, પેલા અઘરા માણસોની નકારાત્મકતા તમને દુષ્પ્રભાવિત નહીં કરી શકે.

તમારા જીવનમાં બધું જ સર્વાંગસંપૂર્ણ નથી હોવાનું. એવી ખોટી, અપૂર્ણ બાબતોને સુધારવામાં સમય બરબાદ ન કરો.

– મૂળ લેખક અજ્ઞાત, ગુજરાતી અનુવાદ : ભરત કાપડીઆ


Leave a comment

Your email address will not be published. Required fields are marked *

 

7 thoughts on “શરબતમાંના વધારાના લીંબુને દૂર કરો – અનુ. ભરત કાપડીઆ