(ગદ્ય પર્વ મે-૨૦૦૮ માંથી કાનજી પટેલની લઘુનવલ ‘આદિ’ માંથી તેનો એક ભાગ સાભાર)
રવિવારે હાટનો દિવસ. છોકરીઓ ઘોઘંબા હાટમાં વસ્તુઓ લઈ ચાલી. ગાતી ગાતી નીકળી. આખી વાટ મધના રેલા પેઠે ગીત રેલાતું હતું:
ઝાડે ઝાડે જગ નોંતર્યા રે, નોંતર્યું વનરાવન
પંખીડું વિવા કરે
કાગડાની કોટે કંકોતરી રે, નોંતરું દેવાને જાય
પંખીડું વિવા કરે
ભમરાને મોકલ્યો ડુંગરે રે, વાઢ્યા લીલુડિયા વાંસ
પંખીડું વિવા કરે
હોલાભાઈએ વેલડી જોતરી, લેવા લીલુડિયા વાંસ
પંખીડું વિવા કરે
જો જો ભાઈ જાળવીને વાંસડા ભરજો, મારી તઈણાની વેલ
પંખીડું વિવા કરે
દેડકો’કે હું ડગમગિયો રે, દાદા ડગલો સિવાડ
પંખીડું વિવા કરે
મોરે મંડપ રચિયો,
વૈયે વડાં કર્યા,
કાબરે તેલ પૂર્યા,
સમડી સંદેશા લાવી કે જાન આવી છે.
વાંદરાઓએ વાંસે ચડી જોયું
કે જાન કેટલે આવે?
કોળા કંટાળાએ મંતર ભણ્યા ને
પંખીડાના વિવાહ થયા.
છોકરીઓનું ગીત હાટ આવતાં સુધી લંબાયું.
હાટમાં અફવા ચાલતી હતી કે મહુડાં વેચનારને ખાતાવાળા પકડવા આવ્યા છે. ગુલાબ બે મણ મહુડાં શેઠને ત્યાં વેચવા લઈને આવેલો. દુકાને જતાં વાટમાં જ જંગલખાતાવાળાએ એને મહુડાં સાથે પકડ્યો.
– કેટલાં છે? શું નામ? ઊભો રહે. ચલ બેસ. સાલાઓ ના કહીએ તોય મહુડાં વીણો, બાપનો માલ હોય એમ વેચો: આવું બધુ બોલીને તતડાવ્યો. એટલામાં રૂપાળી વાડામાંથી વાલોળ તોડી પોટલી બાંધીને હાટમાં આવી રહી.
કોઈ દિવસ નહિ ને આ વરસે મહુડાં પકડવાનું નવું નાટક જંગલખાતાએ શોધી કાઢ્યું.
ગુલાબ ચૂપચાપ ઊભો રહ્યો.
– આજકાલ્યના થોડા મહુડાં વેચીએ અમુ? બાપદાદા વેસતા આયા ને અમું વેસીયે.
– એ બેસ બાપદાદા વાળી. બાપદાદાતો લંગોટી પહેરતાં. તમે પોતિયા કેમ પહેરો? લંગોતી વીંટો. સરકારનો હુકમ છે મહુડાવાલાને પકડવા.
– તારી રે સરકારને સરકાવું ભાલોડી
રૂપાળી સાંભળીને મરકી.
– તારી સરકાર કાં સે બતાડ? રૂપાલી બોલી.
– તને બતાડું સરકાર, ચાલ પોલીસ થાણે
એટલામાં સામેથી નારસિંગ જમાદાર આવ્યો. જંગલખાતાએ જમાદારને કહ્યું કે આ મહુડાં લઈને વેચવા આવ્યો છે. કેસ કરવાનો છે.
નારસિંગ જમાદારે કહ્યું: પંચોને બોલાવી ફીટ કરી દઈએ.
– પંસ કીવા ને વાત કીવી, ગુલાબે જોખ્યું.
જમાદારે બે વેપારીઓને બોલાવી કાગળિયાં કરી સહી અંગૂઠા લઈ લીધા.
– હજુ કહીએ છીએ, સમજી જા. કેટલા પૈસા છે તારા ગૂંજામાં? કહી જમાદારે ગુલાબના ગૂંજામાં હાથ નાંખ્યો. દસ રૂપિયાની નોટ કાઢી લીધી. કહ્યું કે જા હેંડતો થા, નકર અંદર કરી દઈશ.
– રૂપિયા કમાતે જોર મની પડેલું ને ખીંસી લીદા ગૂંજામાંહી રીપિયા. મજૂરી કરીને મરી જ્યા. સાહેબ, પાસા આલો મારા રીપિયા.
– હેંડતી થા, જમાદાર બોલ્યો ને હાટની બૂડમણી દિશા તરફ ચાલવા માંડ્યો. એની પાછળ જંગલખાતાવાળો દોડતો ગયો. દસની નોટમાંથી ભાગ લેવા.
દાંત ભીડતો, બબડતો ગુલાબ એ દીશામાં તાકી રહ્યો. રૂપાળી કહે: આંમ લૂંટે એટલી સરકાર થઈ જાય?
આખા પંથકમાં દર પાંચસાત ગાઉએ હાટ મંડાય. અલગ અલગ દિવસે. છેટે છેટેના વેપારીઆવે, જંગલ, ખેતરની પાકેલી ચીજો લઈને આદિવાસી આવે. આખી પૂર્વ પટ્ટીમાં કંઈ નહિ તો આવા પચ્ચીસેક હાટ મંડાય. પહેલાં એ રૂપ જ જુદું હતું. હમણાંથી પોલીસખાતાની, જંગલખાતાની હાજરી રહે.
સરકારોને આદિવાસીઓનો ઘણો ભો. સરકારો ભેગાં શહેરી મનેખ પણ આદિવાસીને કાંઈ સમજ ન પડે એવું જ માને. હાટમાં વેચાવા આવતાં શાકભાજીઓની ઢગલીઓ ઓછામાં લઈ લેવા માંગે. હાટમાં વેચવા બેસેલા આદિવાસીઓની બોલી બોલવા જાય. તો આદિવાસી શહેરી બોલીમાં બોલવા જાય.
હાટમાં બેપાંચને દંડા પડે, ગૂંજેથી ઢીંગલા છોડવા પડે. બધું એમજ ચાલતું રહે.
એમાં કોઈ વાર ઝપાઝપીમાં તીર તાણીને આરોપાર સરકાવી દેવાય. લેતો જા. એ પછી સામેવાળું લોક હોય કે સરકારનું હોય. ગણતરથી જીવતો, હજુ ભણતરમાં આવ્યો ન હોય એટલે સરકારથી બીતાં આવડતું નથી. સરકાર એમને અંગ્રેજી કાળથી વિરોધી ગણી, જંતુ સમજી કચડવામાં કુશળ રહી છે.
– કાનજી પટેલ
જન્મેથી નક્ષલવાદી નથી હોતા, એ મોટા થઈને કાંઇ અમસ્તા થોડા થઈ જતાં હશે…? આવી વ્યવસ્થા હોય, ત્યાં આપોઆપ નક્ષલવાદની .જનોઈ પહેરાઈ જાય.અને સરકાર એટલે કે ધારાસભ્ય હોય કે લોકસભ્ય, આવા વિસ્તારોમાં ” ફક્ત અને ફક્ત” મત માંગવા પ્રસંગેજ તેઓ દેખા દેતા હોય છે, બાકેી તો જમાદારો, જંગલખાતા અને ઠેકેદારોના રામભરોસે…..