પ્રકરણ ૨૧ – હીમ ઓગળશે?
“જિન્દગી યૂં ભી ગૂજર જાતી
ક્યોં તેરા રાહગુઝર યાદ આયા?“
ચાવી દીધા સિવાય ચાલવાનું પૂતળી માટે આસાન થોડું જ હોય છે ? થોડી ક્ષણો એમ જ વીતી. ઇતિ મૂઢની માફક ઉભી હતી.
તારાબેન અંદર કામ કરતા હતા પરંતુ તેમની નજર ઇતિ પર હતી. ઇતિ જાતે કશું કરે એ જોવા તેઓ પણ આતુર હતા. તેથી તે વચ્ચે કશું બોલવા નહોતા માગતા. નછૂટકે જ એમને ઇનવોલ્વ થવાનું હતું . અરૂપ સાથે રહીને આટલા દિવસોથી પોતે જે જોતા આવ્યા હતા તેથી તેમને એટલી સમજણ તો પડી ચૂકી હતી. શું કરવું તે ન સમજાતા ઇતિ હજુ ત્યાં જ ઉભી હતી ત્યાં પરમ આવ્યો.
’આંટી, મને આઇસ્ક્રીમ આપશો?‘
શું કરે ઇતિ? તેની આંખો હમેશની જેમ અરૂપને શોધી રહી. તારાબેન દૂર ઉભા ઉભા બધું જોઇ રહ્યા હતા. પરંતુ સાહેબનું જોઇ જોઇને તે પણ શીખી ગયા હતા. બેન જાતે શું કરે છે તે જોવાનું વધારે અગત્યનું હતું. તેટલી સમજ તો આ અભણ બાઇને પણ પડી ચૂકી હતી. અને જરૂર પડે તો પોતે છે જ ને ?
ઇતિને અરૂપ કયાંય દેખાયો નહીં. હવે ? નાનકડો પરમ એની આંખોના ભાવ થોડો વાંચી શકવાનો હતો ? તેણે તો મૌન ઇતિને હલબલાવી નાખી.
‘આંટી, ચાલોને મને આઇસ્ક્રીમ આપોને..’ અને ઇતિનો હાથ ખેંચી તેને ફ્રીઝ પાસે ઢસડી ગયો.
ઇતિથી આપોઆપ ફ્રીઝ ખોલાયું. અરૂપની હમેશની આદત મુજબ ફ્રીઝરમાં આઇસ્ક્રીમ હાજર હતો જ. ઇતિએ બે ચાર ક્ષણ ફ્રીઝમાં જોયા કર્યું. પરંતુ પરમની ધીરજ થોડી રહે ? તેની બૂમાબૂમ ચાલુ. અને ઇતિ ભાનમાં આવી હોય તેમ તેનો હાથ લંબાયો. અને એક કપ પરમને અપાયો. ત્યાં પરિનિ પણ હમેશની માફક ભાઇની પાછળ પાછળ આવી પહોંચી.
’આંટી, મને ય ખાવો છે.’
પરમને એકલાને જ આઇસ્ક્રીમ મળ્યો અને પોતે રહી ગઇ માની તેણે પોતાની ટેપ ચાલુ કરી.
‘આંટી, પહેલાં મને..’
ઇતિની નજર આજુબાજુ ફરી રહી. અરૂપ ક્યાં? પરંતુ કોઇ દેખાયું નહીં.
શું કરવું તેની પૂરી સમજ નહોતી પડતી પરંતુ ઇતિએ પરિનિને ઉંચકી લીધી અને ફ્રીઝ ખોલી તેને પણ આઇસ્ક્રીમ આપ્યો. પરિનિ જાતે ખાવા ગઇ. પરંતુ અડધો તેના ફ્રોક પર ઢોળાતો હતો. આઇસ્ક્રીમ ખવાઇ ગયો ત્યાં સુધીમાં તો પરિનિના બધા કપડાં આઇસ્ક્રીમવાળા થઇ ગયા હતા. તેથી તેણે ‘છિ છિ.. ગંદુ..’ કહી જાતે જ ફ્રોક કાઢી નાખ્યું. આમ પણ તે બહું ચોખલી હતી.
પરિનિએ કપડાં કાઢી નાખ્યા તે જોઇ પરમ દોડીને તેની બેગમાંથી પરિનિનું બીજું ફ્રોક લઇ આવ્યો અને ઇતિને આપ્યું.
‘આંટી, લો, આ પરિનિનું ફ્રોક.. તેને તો પહેરતાં પણ નથી આવડતું.’
ઇતિ હાથમાં ફ્રોક પકડી ઊભી રહી. ત્યાં બોલકી પરિનિ આગળ આવી અને બંને હાથ ઉંચા કરી હસતી હસતી ઇતિ સામે ઊભી ગઇ.
‘આંટી, પહેરાવો..’
ઇતિએ પરિનિના ગળામાં ફ્રોક નાખ્યું. પછી તો પરિનિએ જાતે જ ફ્રોક સરખું કરી લીધું. અને ઇતિનો હાથ ખેંચી તેને બગીચામાં લઇ ગઇ.
ચૂપચાપ ઉભીને બધું નિહાળી રહેલ તારાબેનને હાશ થઇ. બધું સમુનમુ પાર ઉતર્યું તો ખરું. થોડીવાર ઇતિને નીરખતાં તે ત્યાં ઉભા રહ્યા. તેમની આંખો ભીની બની. બધું બરાબર છે.. એ જોઇ તે પાછા રસોડામાં ગયા.
’આંટી, ચાલો, આપણે ગાર્ડનમાં હીંચકા ખાઇએ. મને હીંચકા ખવડાવશોને?‘
ઇતિ બાળકોને દોરતી હતી કે પોતે બાળકોથી દોરાતી હતી તે સમજાય તેમ નહોતું. પરંતુ ઇતિ બંને સાથે હીંચકા પર બેઠી હતી અને હીંચકો ઝૂલી રહ્યો હતો. ઇતિનું ધ્યાન પરમ, પરિનિ તરફ પડયું હતું. અને અહીં હવે બીજું કોઇ કે અરૂપ નથી અને પોતાની જવાબદારી છે તેવો અહેસાસ કદાચ થઇ રહ્યો હતો. થીજેલો બરફ પીગળવાની આ શરૂઆત હતી કે શું ? બાળકોના સ્નેહની ઉષ્માથી ભીતર કશુંક ઓગળતું હતું?
અચાનક પરિનિને મસ્તી સૂઝી. તે ઇતિને ગલીપચી કરવા લાગી.
‘આંટી, તમે કેમ બોલતા નથી? નહીં બોલોને તો હું આમ હેરાન કરીશ.’
ખિલખિલ હસતી પરિનિ ઇતિની પાછળ પડી ગઇ.
‘આંટી, મમ્મી કયારેક અમારી કિટ્ટા કરે ને ત્યારે અમે બંને મમ્મીને આમ જ ગલીપચી કરીએ.. પછી મમ્મી હસી પડે અને બુચા કરી લે હોં.‘
પરમે બેનની કેફિયત રજૂ કરી.
પરિનિ ઇતિના ખોળામાં ચડી ગઇ. આંટી બોલે નહીં એ કેમ ચાલે ? તેણે જોશમાં આવી ઇતિને ગલીપચી કરવાનું ચાલુ રાખ્યું. તેના નાનકડા હાથ ઇતિના શરીર પર ફરવા લાગ્યા…
અચાનક ઇતિની આંખમાંથી ન જાણે કેમ પાણી છલકવા લાગ્યા. પરમ, પરિનિ તો ગભરાઇ ગયા.પરમે તો બહેનને ખીજાવાનું ચાલુ કરી દીધું.
’પરિ, આંટીને આમ હેરાન ન કરાય.. હું મમ્મીને કહી દઇશ હોં. ચાલ, આંટીના ખોળામાંથી ઉતર નીચે. આંટી સોરી.. અમે તમને હેરાન કરીએ છીએ ને? પ્લીઝ આંટી, રડો નહીં.‘
કહી પરમ અંદર દોડી ગયો. અને આંટી માટે પાણીનો ગ્લાસ ભરીને લઇ આવ્યો. કોઇ રડે ત્યારે પાણી અપાય તેટલી સમજ તેને હતી. તેણે ઇતિને પરાણે પાણી પીવડાવ્યે જ છૂટકો કર્યો.
ઇતિનું ધ્યાન હજુ કયાંય કેન્દ્રિત થતું નહોતું. ત્યાં પરિનિ હીંચકા પરથી ગબડી પડી. તેના પગમાં છોલાયું હતું અને થોડું લોહી નીકળ્યું હતું. લોહી જોઇ પરિનિનો ભેંકડો મોટેથી ચાલુ થયો.
ઇતિ ગભરાઇ ગઇ. આ શું થયું ? એકાદ ક્ષણ તે જોઇ રહી. બીજી ક્ષણે તે પરિનિને ઉંચકીને અંદર દોડી, ચાવી દીધા સિવાય પૂતળીએ પહેલીવાર જાતે અંદર જઇ પરિનિને સાફ કરી તેણે ડેટોલ લગાવી, બેન્ડએઇડ લગાવી દીધી. અને પરિનિને ખોળામાં લઇ તેને થાબડવા લાગી. હવે પરિનિ તો હસતી હતી. પરંતુ ઇતિની આંખમાંથી મોટામોટા બોર જેવા આંસુઓ ટપકી રહ્યા હતા.
તારાબેન દોડી આવ્યા હતાં. ઇતિ પાસે જતાં હતા ત્યાં જ અરૂપ આવી પહોંચ્યો. સાહેબને જોઇ તે પાછા વળી ગયા.
ઇતિના ખોળામાં પરિનિ સૂતી સૂતી હસતી હતી. અને ઇતિ….
અરૂપ દોડયો. અંકલને આવેલ જોઇ પરિનિએ ઇતિના ખોળામાંથી ઠેકડો માર્યો.
’અંકલ, આંટી રડતા હતા.. પણ મેં હેરાન નથી કર્યા હોં. ‘
’ના, બેટા, તું તો બહું ડાહી છે.‘ કહેતાં અરૂપે એક હાથે પરિનિને વહાલ કર્યું અને તેનો બીજો હાથ ઇતિના આંસુ લૂછી રહ્યો.આ આંસુ આજે તેને નવી આશાનો સન્દેશ આપતા હતા.. ઇતિના મનના સૂનકારમાં કોઇ ગાબડું.. કોઇ તિરાડ પડી હતી તેની ઝાંખી આ આંસુ કરાવી રહ્યા હતા? કયાંક કશું સ્પર્શ્યું હતું? બરફ ઓગળ્યો નહોતો પરંતુ તાપમાન ઉંચુ જરૂર ગયું હતું.
આ પોતાનો ભ્રમ કે હકીકત? ભ્રમ હોય તો પણ કેવો મીઠો.. કેવો સુખદ!
અરૂપે ધીમેથી ઇતિના કપાળ પર વહાલભર્યું ચુંબન કર્યું. અને તેને ઉભી કરી. નાનું બાળક વડીલનું કહ્યું માનીને ઉભું થાય તેમ ઇતિ ઉભી થઇ હતી. બધા અંદર ગયા. અરૂપે બાળકોને ટી.વી. ચાલુ કરી આપ્યું. થોડીવાર બંને કાર્ટુન જોતા રહ્યા. અરૂપ ઇતિ પાસે જઇને બેઠો.
‘ઇતિ, કાલે આપણે પરમ, પરિનિને ક્યાં ફરવા લઇ જશું? કાલે શું પ્રોગ્રામ બનાવીશું? છોકરાઓને મજા આવે તેવી જ કોઇ જગ્યાએ જશુંને? હા, કાલે ફન ફેર છે એમાં જઇશું કે? કે પછી સરકસ પણ અત્યારે આવ્યું છે તે જોવા લઇ જશું? આ બધું નક્કી કરવાનું તારું કામ. આપણે તો ડ્રાઇવર માત્ર….! બોલો મેડમ, ક્યાં જઇશું?‘
અરૂપ નાટકીય અન્દાજમાં બોલી રહ્યો.
જોકે એ ઉપાય પણ નિષ્ફળ જ રહ્યો. થોડીવાર કાર્ટુન જોઇ પરિનિ ઇતિ પાસે દોડી આવી. ‘આંટી, ચાલો, આપણે ફરીથી બહાર ગાર્ડનમાં રમીએ.‘
અંકુર, વૈશાલી પિક્ચર જોઇને આવ્યા ત્યારે ઇતિ, અરૂપ, પરમ, પરિનિ સાથે ઘરના ગાર્ડનમાં રમતા હતાં. અને કોઇનું ધ્યાન તેમની પર પડે તેમ લાગ્યું નહીં.
‘અરે, વાહ.. અમને તો કોઇ રમાડતા પણ નથી. ઇતિ, આ બારકસોએ બહુ હેરાન તો નથી કર્યાને?‘
’અમે કોઇને હેરાન નથી કરતાં. અમે તો અંકલ અને આંટી સાથે રમતા હતાં.‘
મોં ફુલાવી પરમ બોલ્યો. મમ્મી તો બસ આમ જ કહેવાની.
‘ઓહ.. મારા દીકરાને ખરાબ લાગી ગયું? સોરી.. મને ખબર છે મારો દીકરો તો બહું ડાહ્યો છે. કોઇને હેરાન ન કરે.‘
‘ને હું પણ ડાહી છું.‘ ભાઇ એકલો ડાહ્યાનું બિરુદ લઇ જાય તે કેમ ચાલે?
‘અરે, તું તો થોડી વધારે જ ડાહી છે.‘
એનો અર્થ ન સમજતી પરિનિ ખુશ થઇ ઉઠી.
પરમે ધીમેથી મમ્મીના કાનમાં કહ્યું,
’દોઢ ડાહી.. હેં ને મમ્મી?‘
વૈશાલી હસી પડી. અને હોઠ પર આંગળી મૂકી તેને ચૂપ રહેવા સમજાવ્યો. પરમ, પરિનિ સામે જોઇ મલકી રહ્યો. પરિનિને કશું સમજાયું નહીં. તે પણ ભાઇ સાથે હસી રહી. અને એ બધાના હાસ્યનો પડઘો બગીચાના વૃક્ષોએ પણ પોતાની ડાળીઓ હલાવીને પાડયો. માળા તરફ પાછા ફરતાં પંખીઓએ કેટલા સમય બાદ કલબલાટ કરી મૂકયો.
અરૂપ હસતાં હસતાં કહે, ’બસ.. આટલી વારમાં આવી ગયા? હજુ તો અમારે કેટલુંય રમવાનું બાકી છે.‘
અરૂપ તેમની સાથે વાત કરી રહ્યો. અને ઇતિ તો પરમ, પરિનિ સાથે કયાંય અદ્ર્શ્ય..
ત્રણેના ખિલખિલાટ હાસ્યનો અવાજ ઘરમાં પડઘાતો હતો.
રાત્રે પરિનિને જમાડવાનો ચાર્જ ઇતિ પાસે હતો. ઇતિને બદલે પરિનિ વાર્તા કહેતી જતી હતી અને ઇતિ હસતી હસતી પરિનિના મોંમાં કોળિયા મૂકતી જતી હતી. ઇતિ સમજતી હતી કે નહીં એની અરૂપને ખબર નહોતી પડી. પરંતુ તેને આમ હસતી જોઇ અરૂપને બત્રીસ કોઠે દીવા પ્રગટયા હતાં.
રાત્રે બધા બરાબર થાકયા હતા. પરંતુ કોઇની આંખોમાં ઉંઘ નહોતી. આનંદથી છલોછલ મનને થાક જલદીથી કેમ દેખાય ? બધાએ જમી લીધું પછી ઇતિ કશું બોલી તો નહીં. પરંતુ પરિનિને જમાડી તેને પોતાની સાથે ઉપર લઇ ગઇ. પરિનિએ બીજા બધા સાથે કીટ્ટા કરી હતી તેથી તે ઇતિ સાથે જ રહી. અહીં તેની બધી જીદ પૂરી થવાની હતી એ તે બરાબર જાણતી હતી. તે પોતાનો નાનકડો થેલો ઉંચકીને ઇતિના રૂમમાં લઇ આવી. તેણે ઇતિના રૂમમાં જ ડેરો જમાવ્યો.
’હું અહીં આંટીના રૂમમાં જ રહીશ..’ તેણે ડીકલેર કરી દીધું.
અને જાણે હમેશા અહીં જ રહેવાની હોય તે ઇતિના રૂમમાં તે પોતાના રમકડાં, બુકસ,કપડાં, માથાની પીનો વિગેરે બધું કાઢીને ત્યાં રહેલ ડ્રેસીંગ ટેબલ પર ગોઠવવા લાગી. બધા તેની હરકત જોઇને હસી રહ્યા.
‘ઇતિ, મારી દીકરીને તો કોઇ આંગળી આપે તો તે સીધી પહોંચો જ પકડી લે હોં. જો આણે તો તારા રૂમ ઉપર કબજો કરી લીધો.‘
ઇતિ કશું બોલ્યા સિવાય પરિનિને તેનો સામાન ગોઠવવામાં મદદ કરવામાં પડી હતી. પરિનિ થેલામાંથી બધું કાઢીને તેને બતાવતી જતી હતી અને આપતી જતી હતી. અરૂપ જોઇ રહ્યો હતો. વૈશાલી અને અંકુર કશું બોલવા જતાં હતા. પરંતુ અરૂપે તેને અટકાવ્યા હતા. તેને માટે તો આ બધું એક આશીર્વાદ જેવું હતું. ઇતિ જે કરે તેમાં કોઇ ખલેલ પાડવા તે નહોતો ઇચ્છતો. બધો સામાન ગોઠવાઇ જતાં પરિનિએ વિજયીની અદાથી પરમ સામે જોયું. પરંતુ પરમનું ધ્યાન અત્યારે ટી.વી.માં હતું. હવે પરિનિએ તેની ડ્રોઇંગબુક કાઢી. તેમાંથી ઇતિને બધું બતાવ્યું. અને ક્રેયોનના કલર કાઢી એક કલર ઇતિના હાથમાં પકડાવ્યો. ઇતિ અને પરિનિ થોડીવાર ડ્રોંઇંગબુકમાં કલર પૂરતા રહ્યા.
અંકુર, વૈશાલી અને અરૂપ વાતોમાં ગૂંથાયા હતા. ઇતિ અને પરિનિનું કલર પૂરવાનું કામ થોડીવાર ચાલ્યું. પણ પરિનિ એક જ કામ વધારે સમય કરી શકે તેમ ક્યાં હતી? હવે તેનું ધ્યાન ત્યાં શો કેઇસ પર પડેલી દુલ્હન ઢીંગલી પર ગયું. કલર પડતાં મૂકી ઉંચી થઇ તે તેની સામે જોઇ રહી. આંટીને પૂછયા સિવાય કેમ લેવાય ? જોકે આ આંટી તેને ના નથી પાડવાના.. તેની તેને સમજ પડી ગઇ હતી.
’આંટી, હું આ લઉં?‘
કલર પૂરતી ઇતિ પરિનિ સામે જોઇ રહી. અને આંટીએ ના નથી પાડી.. એટલે લેવાય જ ને? પરિનિએ ઢીંગલી હાથમાં લીધી. ઇતિનું ધ્યાન ખેંચવા તેણે હવે ઇતિના હાથમાંથી કલર લઇ એક તરફ મૂકી દીધા. અને ઇતિને ઢીંગલી બતાવવા લાગી. ઢીંગલીની સાડીનો છેડો થોડો ખસી ગયો હતો..
’આંટી, આ સરખો કરી આપોને.‘
તેણે ઢીંગલી ઇતિના હાથમાં મૂકી. ઇતિ એકીટશે ઢીંગલીને નીરખી રહી. અનિકેતે અરૂપને આપેલી અને અરૂપે તેના જન્મદિવસે ફરીથી આપેલી એ ઢીંગલી આજે પહેલીવાર ઇતિએ હાથમાં પકડી, ધારી ધારીને જોઇ. આંખોમાં એક ચમક ઉભરી. તેની અંદર આ કયો સળવળાટ.. આ કઇ હલચલ મચી રહી? આ કયા દ્રશ્યો નજર સમક્ષ ઉઘડું ઉઘડું થઇ રહ્યા? કશુંક પ્રગટતું હતું અને ફરી પાછું કયાં અદ્રશ્ય થઇ જતું હતું? જાણે ઇતિ સામે કોઇ સંતાકૂકડી રમી રહ્યું હતું. કોઇ અનુસન્ધાન રચાવા મથતું હતું. ઇતિએ આંખો જોશથી બંધ કરી. બંધ આંખે તે કશુંક જોવા મથી રહી. હળવે હળવે તેનો હાથ ઢીંગલી પર ફરી રહ્યો. અંદર કોઇ તાર રણઝણી ઉઠયા. પણ એ રણકારનો મર્મ?
‘આંટી, આ સરખું કરી આપોને.’ ઢીંગલીની સાડીનો છેડો બતાવતાં પરિનિ બોલી ઉઠી. અને તેણે ઇતિને હલબલાવી મૂકી. આંટી આમ બેઠા બેઠા સૂઇ જાય તે કેમ ચાલે?
ઇતિ ઝબકી ગઇ. તેની આંખો ખૂલી ગઇ. તે ઘડીકમાં ઢીંગલી સામે તો ઘડીમાં પરિનિ સામે જોતી રહી. પોતાને શું થતું હતું એ સમજાતું નહોતું. એક અસ્વસ્થતા કેમ અનુભવાતી હતી? આવું કશું ઇતિ વિચારતી હતી કે કેમ? ઇતિને મૌન જોઇ પરિનિએ ફરી એકવાર તેને હલબલાવી નાખી..
’આંટી..’
ઇતિ ભાનમાં આવી. તે પરિનિ સામે જોઇ રહી હતી કે પછી નજર સમક્ષ….
પરિનિએ ઇતિના હાથમાં સાડીનો છેડો પકડાવ્યો.
‘આંટી, આ નીકળી ગયો છે. સરખો કરી આપોને. પ્લીઝ….
ઇતિ હાથમાં છેડો પકડી જોઇ રહી.
‘આંટી, મને ઢીંગલીનું ગીત આવડે છે. ગાઉં?‘
અને પરિનિને જવાબની તો જરૂર જ કયાં પડતી હતી ? એણે તો તુરત શરૂ કરી દીધું.
“ખાતી નથી, પીતી નથી, ઢીંગલી મારી બોલતી નથી,
બોલ બા, બોલ, એને કેમ બોલાવું? કેમ બોલાવું? “
‘આંટી, મારી ઢીંગલી પણ તમારા જેવી જ છે. સાવ મૂંગી. જલદી બોલે જ નહીં ને.’ કહીને પરિનિ તો પોતાની ધૂનમાં જ આગળ ગાતી રહી. ઇતિ તો ન જાણે કયાં ખોવાયેલી રહી.
પરમે હવે ટી.વી. બંધ કર્યું અને ત્યાં આવ્યો અને આંટીના હાથમાં ઢીંગલી જોઇ મોટેથી હસવા લાગ્યો
’આવડા મોટા આંટી ઢીંગલીથી રમે છે?’
’મમ્મી, અંકલ, જુઓ તો આંટી કેનાથી રમે છે?‘
અંકુર, વૈશાલી સાથે વાતોમાં ગૂંથાયેલ અરૂપનું ધ્યાન ઇતિ પર પડયું. અરૂપે ઇતિના હાથમાં ઢીંગલી જોઇ. ઇતિની અસ્વસ્થતા તેનાથી કેમ છૂપી રહે?
‘અરે, એ તો મારા પરમ મિત્ર અનિકેતની યાદગીરી છે નહીં ઇતિ? કેવી સરસ છે.. મારી ઇતિ જેવી જ.‘
અરૂપ આગળ કશું બોલે તે પહેલાં પરિનિએ ઇતિના હાથમાંથી ઢીંગલી લઇ લીધી હતી. બધા પોતાને મૂકીને ઢીંગલીને મહત્વ આપે તે કેમ ચાલે? વિહવળ બની ઉઠેલ ઇતિ ઢીંગલી સામે, પરિનિ સામે અને અરૂપ સામે વારાફરથી જોઇ રહી. અરૂપે સાચવીને ઢીંગલી ફરીથી જગ્યાએ મૂકી. ઇતિ કયાંક ખોવાઇ ગઇ હતી કે શું? અતીતની કોઇ ઝાંખી તેના મનમાં ઉઘડી કે શું ? અરૂપ તેની સામે જોઇ રહ્યો. આશાની કિનાર વધુ ઉજળી થતી લાગી. ત્યાં પરિનિએ ઇતિને હચમચાવી નાખી.
‘આંટી, મને આ સ્ટોરીબુકમાંથી વાર્તા કરો.’
પોતાની અને આંટીની વચ્ચે કોઇની દખલગીરી તેને ગમી નહીં. તેણે ઇતિના હાથમાં વાર્તાની નાનકડી ચોપડી પકડાવી.
ઇતિ ભાનમાં આવી. પરિનિએ રંગીન ચિત્ર દોરેલી એ ચોપડીમાંથી સિંડ્રેલાની વાર્તા કાઢી ઇતિને આપી અને પોતે હક્કથી ઇતિના ખોળામાં લંબાવી દીધું. ઇતિ ચોપડીના પાના ફેરવતી રહી. પોતે હવે આનું શું કરવાનું છે તેની નજર અક્ષરો પર ફરતી રહી. હોઠ ફફડયા પણ ખરા.. પરંતુ શબ્દોએ સાથ ન આપ્યો. તે મૂંઝાઇ રહી. આ શું થાય છે પોતાને?
અરૂપે ઇતિના હાથમાં ચોપડીના પાના ફરતા જોયા. તેણે ઇતિના હાથમાંથી ધીમેથી ચોપડી લીધી.
‘ચાલો, આજે હું જ આમાંથી સ્ટોરી કરું. પરમ પણ બાજુમાં આવીને ગોઠવાઇ ગયો. અરૂપે વાર્તા શરૂ કરી. વૈશાલી અને અંકુર પણ આવીને આ વાર્તા શેશનમાં ગોઠવાઇ ગયા. પહેલાના જમાનામાં ઘરની વડીલ વ્યક્તિ રામાયણ કે ગીતાજી વાંચે અને બધા સભ્યો આસપાસ ગોઠ્વાઇ જાય તેમ બધા અરૂપ આસપાસ ગોઠવાઇ રહ્યા. અને અરૂપ સીંડ્રેલાની વાર્તા વાંચતો રહ્યો.પરમ, પરિનિ ખુશખુશાલ. પરિનિ તો ઇતિના ખોળામાં માથું રાખીને સૂતા સૂતા જ સાંભળતી હતી.
વાર્તા સાંભળતાં સાંભળતા જ પરિનિ કયારે ઉંઘી ગઇ તે ખબર પડી નહીં. ઇતિનો હાથ પરિનિના માથાપર ફરી રહ્યો હતો
વાર્તા પૂરી થઇ ત્યારે પરમની આંખોમાં પણ ઉંઘના વાદળો ઘેરાયા હતા.
‘ઇતિ, પરિનિને પણ મારી સાથે લઇ જાઉં. ? ‘
પરમને ઉભો કરતાં વૈશાલીએ પૂછયું. જોકે ઇતિના જવાબની જાણ તેને હતી જ. ઇતિનું માથુ નકારમાં જોશથી હલ્યું.
તે રાત્રે ઇતિ અને અરૂપ વચ્ચે માસૂમ પરિનિ બંનેને વીંટળાઇને સૂતી રહી.ઇતિના હાથ પરિનિને વીંટળાયા હતા કે પરિનિના હાથ ઇતિને વીંટળાયા હતા એ સમજવું આસાન નહોતું. પરિનિને સરખી સૂવડાવવા જતાં તે ફરીથી જાગી ગઇ હતી અને ફરી એકવાર તેનો કિલકિલાટ ચાલ્યો. ઇતિ અને અરૂપ બંને તેમાં ખોવાતા રહ્યા. અંતે માસૂમ પરિનિ ઇતિને વળગી ઉંઘી ગઇ.
ઇતિની આંખ પણ મીંચાઇ. અરૂપની આંખો અને મન બંને ઝોલે ચડયા હતા. ઇતિનું આ કયું વણદીઠુ સ્વરૂપ તેની સામે ઉજાગર થતું હતું. ?
બહાર બગીચામાંથી પર્ણના ખરવાનો અવાજ આજે બિહામણો નહોતો લાગતો. રાત આજે નાનકડા સફેદ ફૂલડાઓથી ઝગમગતી હતી.
કેલેન્ડરમાં વળી તારીખનું એક પાનું ફાટયું હતું. લગ્નને બીજે દિવસે સવારે શયનખંડમાંથી બહાર નીકળતી, શરમાતી, લજ્જાતી દુલ્હનની અદભૂત લાલિમા પૂર્વાકાશે છવાયેલી હતી. વાદળોને વીન્ધીને ઉષારાણી પોતાના દામનમાં ફરી એકવાર ખુશી, ગમ, આશા, નિરાશા, વેદના, વલોપાત, નિર્ભેળ આનંદ….ન જાણે કેટલુંયે ભરીને આવી પહોંચી હતી. કોને ભાગે આજે શું આવશે ?
વાતાવરણમાં કશુંક ઉઘડું ઉઘડું થતું હતું. ઇતિની આંખો બંધ હતી. તેના ચહેરા પર સવારના સૂર્યના કોમળ કિરણો પોતાનો સ્નેહ વરસાવી રહ્યા હતા. ઇતિના હાથ પરિનિની આસપાસ વીંટળાયેલ હતા. પરિનિ ઇતિને વળગીને તેના પેટ પર પોતાના નાનકડા પગ ચડાવીને આરામથી સૂતી હતી. અરૂપની આંખ ખૂલી ગઇ હતી. તે ઇતિની સામે એકીટશે સ્નેહભરી નજરે નીરખી રહ્યો હતો. આ પળે ઇતિના ચહેરા પર કોઇ તણાવ નહોતો દેખાતો. દેખાતી હતી નિરવિધ પ્રસન્નતાની એક ઝલક.જાણે સઘળું ઝળાહળા…અરૂપ જોઇ જ રહ્યો. પરિનિને વીંટળાઇને સૂતેલ ઇતિ કેવી અદભૂત લાગતી હતી. અરૂપની અંદર કશુંક ઓગળતું હતું. કે કશુંક ઉઘડતું હતું ?
તેનાથી રહેવાયું નહીં. ઇતિની ઉંઘમાં ખલેલ ન પડે તેમ ધીમેથી તેનો હાથ ઇતિના વાળમાં ફરી રહ્યો. ઇતિ આ પળે જાણે નાનકડી બાલિકા હતી. અને પોતે..? પોતે કદાચ અરૂપ મટીને અનિકેતના પાત્રમાં આવી ગયો હતો કે શું ? ઇતિને એક હળવું ચુંબન કરવાની તીવ્ર ઇચ્છાને તેણે પરાણે દબાવી રાખી. ના, ના, ઇતિને કોઇ ખલેલ ન પહોંચવી જોઇએ. આ ક્ષણે અરૂપ અનિકેતમાં ઓગળી ગયો હતો. હવે અંદર કોઇ ઇર્ષ્યા નહોતી. કોઇ હરિફાઇ નહોતી. આજે, આ ક્ષણે કદાચ તે અનિકેતને પૂર્ણ રીતે સમજી શકયો હતો. તેને પામી શકયો હતો. અનિકેત પણ હવે પારકો નહોતો લાગતો. તે અને અનિ અલગ કયાં રહ્યા હતા ? ઇતિના માધ્યમ વડે બંને એકાકાર બની ચૂકયા હતા.
અરૂપ ન જાણે કયાં સુધી એમ જ ઇતિને નીરખતો તેની પાસે બેસી રહ્યો..બસ…આમ જ યુગો ભલે પસાર થઇ જાય તે જિંદગી આખી આ રીતે..આ મનોહર દ્રશ્ય તે નીરખતો રહેશે. હમેશા તર્કથી વિચારનાર અરૂપ આજે ભાવનાઓના પૂરમાં તણાતો હતો. કાળદેવતાને પણ આજે પહેલીવાર જાણે અરૂપ પર વહાલ ઉભરાઇ આવ્યું હોય તેમ તેમની ગતિ સાવ ધીમી થઇ ગઇ હતી કે શું ? પ્રેમનો અર્થ પામેલ એક નવા જ અરૂપનો જન્મ આ પળે થયો હતો.
અચાનક પરિનિની આંખ ખૂલી. ઉઠતાની સાથે જ તેણે ઇતિ સામે જોયું.ઇતિ ઉંઘતી હતી. પરિનિએ હવે પોતાની તોફાની નજર અરૂપ તરફ ફેરવી. અરૂપનો હાથ ઇતિના વાળમાં ફરી રહ્યો હતો. અને તે એકીટશે જાણે ત્રાટક કરતો હોય તેમ ઇતિને તાકી રહ્યો હતો. ચંચળ પરિનિ ખડખડાટ હસી પડી. અરૂપ અંકલ સામે તેણે શરારતી નજરે જોઇ આંખ મીંચકારી. અરૂપ તેના નખરા જોઇ ખુશખુશાલ. પરિનિએ હવે ઇતિ સામે જોયું. અને મસ્તીમાં આવી ઉંઘતી ઇતિને ગલીપચી ચાલુ કરી. અને પોતે મૉટેથી ખિલખિલાટ હસી રહી. ઇતિની આંખો ખૂલી. બે પાંચ ક્ષણ તે જાણે પરિસ્થિતિને સમજવા મથી રહી. પોતાની ઉપર ઝળૂંબી રહેલ મસ્તીખોર પરિનિને તેણે જોઇ અને જાણે સમજ પડી હોય તેમ તેને પોતાની ઉપર ખેંચી. અને તેને ગલીપચી કરવા લાગી. બંને મસ્તીએ ચડયા. હાથમાં ઓશીકા ઉપાડી સામસામે ફેંકાવા લાગ્યા. પરિનિના ખડખડાટ હાસ્યના પૂરમાં ઇતિ તણાઇ રહી. બંનેની બાથંબાથ ચાલી. અરૂપ તો જોઇ જ રહ્યો. ઇતિને આટલી નિર્બન્ધ હસતી કદાચ પહેલીવાર તેણે જોઇ હતી. આ મુક્ત હાસ્યની તોલે કોઇ સુખ આવી શકે ખરું?
અરૂપની આંખો અનરાધાર વરસી રહી. આ સુખ તેનાથી જીરવાયું નહીં. તે બાલ્કનીમાં ચાલ્યો ગયો. પોતે આને લાયક હતો ખરો ? બસ.. તેની ઇતિ આમ જ હસતી રહે.. તેની દ્રષ્ટિ દૂર આકાશ તરફ પડી. હાથ આપોઆપ જોડાયા. આસમાનમાં બાલરવિ ધીમેધીમે વિકસી રહ્યો હતો. પોતાના કૂમળા કિરણોની હૂંફ તે વિશ્વને અર્પી રહ્યો.
આંખો લૂછી અરૂપ અંદર આવ્યો. આવીને ઇતિ પાસે પલંગ પર બેઠો.
ઇતિને તો આજે આસપાસનું કોઇ ભાન નહોતું. તે પરિનિમાં ખોવાઇ ગઇ હતી. ત્યાં ઉંઘમાંથી ઉઠેલ પરમ આવ્યો. ઇતિ અને પરિનિને મસ્તી કરતા જોઇ તે બાકી કેમ રહે? તેણે પણ હાથમાં ઓશીકુ લીધું.
’આંટી, હવે મારો વારો… એ ય પરિ, હવે તું આઘી ખસ.. આંટી, એ બહું જબરી છે. મારો કયાંય વારો જ નથી આવવા દેતી. આંટી, આખી રાત તો એ તમારી પાસે જ હતી. હવે મારો વારો. આ પરિનિ મને રોજ હેરાન કરે છે.‘
’ના, હોં..આંટી આ પરમનો જ વાંક છે. એ મને રોજ હેરાન કરે છે. મને તો પપ્પા રોજ મારી “ડાહી દીકરી“ એમ જ કહે છે. ને આંટી, તમને ખબર છે ? મમ્મીએ મારા ત્રણ પેટ નેઇમ પાડયા છે. જુઓ, હું સૂતી હોઉં ને ત્યારે મમ્મીને બહું ગમું. ત્યારે મમ્મી મને “મીઠી” કહે છે. પછી હું દોડતી હોઉં ને ત્યારે મમ્મી મને “ફુદકડી“ કહે છે. અને પરમ સાથે મસ્તી કરતી હોઉં ને ત્યારે મને “જબરી“ કહે છે. પરિનિએ હાસ્યથી છલકતા અવાજે વિગત જણાવી.મારા થ્રી પેટ નેઇમ થયાને? મીઠી, ફુદકડી અને જબરી. પોતાની નાની આંગળીઓથી નામ ગણાવતી પરિનિને ઇતિ વહાલ કરી રહી.
’આંટી, ખાલી જબરી નહીં.. જબરી જલેબી..’ પરમે સુધાર્યું.
’ના, આંટી, મમ્મી એવું નથી કહેતી. એવું તો ખાલી આ પરમ જ કહે છે. એ લુચ્ચો છે.‘
હવે પરમની લિમિટ આવી ગઇ હતી. હાથમાંના ઓશીકાનો ઘા કરી તે પરિનિને મારવા દોડયો. અને પરિનિ દોડીને ઇતિની ચાદર પાછળ સંતાઇને પરમ સામે જીભડો કાઢી રહી.
ઇતિએ આંખો ચોળી.. આજે આ બધું શું થઇ રહ્યું હતું તેની સામે ?
બે ચોટલા ઝૂલાવતી નાનકડી ઇતિ, આંટીની પાછળ કોઇને ઠેંગો બતાવતી,જીભડો કાઢતી ઉભી હતી. અને…
આવી જ ફરિયાદ વરસો પહેલાં કોઇ…
અંદર એક ક્ષણમાં આખો યુગ તાદ્ર્શ થઇ આવ્યો કે શું?
ઇતિએ જોશથી આંખ ખોલ બંધ કરી. તે ભાનમાં હતી કે કોઇ સપનું જોઇ રહી હતી? આ કોણ તેને દેખાતું હતું? કોઇ ભ્રમ થતો હતો કે શું? જાણે કોઇ આવીને ‘હાઉકલી’ કરીને દોડી જતું હતું. દેખાવા છતાં નહોતું દેખાતું. ઓળખાવા છતાં નહોતું ઓળખાતું.
ઇતિને એકીટશે નીરખી રહેલ અરૂપની આંખો છલકી ઉઠી હતી. ઇતિની અસ્વસ્થતામાં તેને ઇશ્વરના આશીર્વાદ.. ઇશ્વરની અસીમ કૃપા દેખાતી હતી. શું ખરેખર ઇશ્વરે તેને માફ કર્યો હતો ? તેના પાપનું પ્રાયશ્વિત તે કરી શકયો હતો? અનિકેતે તેને માફી આપી હતી? તેની ઇતિ ખરેખર….
અરૂપની આંખોમાં પૂર આવ્યું હતું.
ઇતિનું ધ્યાન અચાનક અરૂપ તરફ ગયું. આંખમાંથી વહેતા એ નીરમાં અરૂપ જાણે ઓગળી રહ્યો હતો. ઇતિ એકાદ ક્ષણ તેની સામે જોઇ રહી. ન જાણે કેમ પણ આપોઆપ તેણે અરૂપનો હાથ ધીમેથી પકડયો. હવે જ અરૂપને ખ્યાલ આવ્યો કે ઇતિ તેને જોઇ ગઇ છે. તેણે ચહેરો પાછળ ફેરવીને જલદી જલદી આંસુ લૂછી નાખ્યા. અને મંદ હસીને ઇતિ સામે નજર ફેરવી. ઇતિએ અરૂપનો હાથ દબાવ્યો. તેના ચહેરા પર આજે સાચી પ્રસન્નતાની એક ઝલક પથરાઇ હતી. અચાનક અરૂપ નાના શિશુની માફક તેને વળગી પડયો. ઇતિનો હાથ અભાનપણે અરૂપના વાંસામાં ફરી રહ્યો.
સમય થોડી ક્ષણો થંભી ગયો. ઘણાં સમય પછી કોઇ અનુપમ દ્રશ્યના સાક્ષી બનવાનું સદભાગ્ય તેને મળ્યું હતું. પરમ, પરિનિ એકબીજા સાથે ઝગડવામાં વ્યસ્ત હતા. ત્યાં વૈશાલી તેને લેવા ઉપર આવી પહોંચી.
’પરમ, પરિનિ, હવે નીચે ચાલો.. દૂધ પીવાનું છે કે નહીં? આંટીને હેરાન નથી કરતાંને? ઇતિ આ પરિનિ બહું ચંચળ, મસ્તીખોર છે તેને..’
પણ તેનું વાકય અધુરૂ જ રહી ગયું. અરૂપ અને ઇતિ પર નજર પડતાં તે સ્તબ્ધ બની એકાદ ક્ષણ ઊભી રહી. તેની આંખો ભીની બની. ત્યાં અંકુર આવી ચડયો. તે કશુંક બોલવા જતો હતો. વૈશાલીએ ધીમેથી નાક પર આંગળી મૂકી તેને ચૂપ રહેવાનો સંકેત કર્યો અને આ દિવ્ય ભાવસમાધિમાં ખલેલ ન પહોંચે તેમ હળવેથી તે બાળકોને અને પતિને લઇ ચૂપચાપ ત્યાંથી સરી ગઇ.
યુગો વીતી ગયા કે કલાકો.. તે સમજાય તેમ નહોતું. સમયની ગતિનો આધાર ઘડિયાળ પર જ થોડો હોય છે?
Heads of to your writing skills mem..
Its like i am living the characters of Iti Anilet and Arup…
વાહ.. નજર સમક્ષ ભજવાતું હોય એવું જ વર્ણન!