વીસ હાઈકુ.. – સંકલિત 7


૧.
ફરૂક કરતું
ખેતરમાંથી ઊડ્યું
કણસલું કો!

૨.
કાલે ખેતરે
ગાંડુ, ને આજે તો, લોઃ
ખેતર ગાડે!

૩.
શશિકલાને
ફૂંક મારું કે ફૂલે
પૂર્ણિમા – ફૂગ્ગો!

૪.
ડાળથી છેલ્લું
ખરે પર્ણ; પછી યે
ખરે શૂન્યતા

૫.
વૃક્ષથી ખર્યું
પર્ણ, પર્ણપે ભાર
પંખી રવનો;

૬.
મધ્યાહ્ન; વડ
નીચે કૂંડાળે વળ્યું
છાયાનું ધણ

– ઉશનસ

૭.
વને ઝરણું
ખળખળ વહેતું
હૈયે ઠંડક

૮.
પૃથિવી ન્હાય
ધુમ્મસના પડદે
ખોવાયા રંગો

૯.
શ્યામ ક્ષિતિજે
ત્રાંસે તડકે શોભે
મેઘધનુષ

૧૦.
વાદળ પ્હોંચે
હિમશિખરે, શિરે
શોભે મુગટ

૧૧.
સૂર્ય ચળાઈ
ઘટામાં આવે, રમે
સંતા કૂકડી

– અજિત પારેખ

૧૨.
ભાર વિનાનું
ભણતર, બાળની
કેડ રે વાંકી

૧૩.
ઉઘાડી બારી
ચંદ્રનું અજવાળું
સસલું કૂદે

૧૪.
ઘેઘૂર વડ
વૈભવ વરસતો
વરસો ઊગે

– અમૃત કે. દેસાઈ

૧૫.
યુદ્ધ વિરામ
પછી,ઊતરી ગયો,
તોપનો ગર્વ

૧૬.
મોર કરતો
કળા, જુએ તીતર
ઇચ્છે પાંખોને

– અમૃત મોરારજી

૧૭.
સત્તરાક્ષરી,
કાગળ પર કેવા,
તેજલિસોટા!

૧૮.
વાદળી દોડી,
પર્વત શિખર પે
તરતી હોડી!

૧૯.
વાંચ્યો કાગળ
માડીનો, આંખે બાઝ્યા
આસું પડળ

૨૦.
કોશિશ કરી
તરવાને જ માટે
ને લાશ તરે

– ડૉ. અરુણિકા દરૂ

‘સંસ્કારમિલન’ વલસાડ સાહિત્યિક, સાંસ્કૃતિક અને કલાકીય પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપતી સંસ્થા છે. ‘સંસ્કારમિલન’ના અનિયતકાલિક માસિક ‘મિલન’નો ઓગસ્ટ ૨૦૧૫નો અઁક વલસાડી હાઈકુ વિશેષાંક તરીકે પ્રસિદ્ધ થયો હતો. પ્રા. મનોજ એમ. દરૂ અને અમૃત કે. દેસાઈ દ્વારા સંપાદિત આ સંગ્રહમાંથી આજે સાભાર પ્રસ્તુત કર્યા છે ઉશનસ, અમૃત કે. દેસાઈ, અજિત પારેખ, અમૃત મોરારજી અને ડૉ. અરુણિકા દરૂ દ્વારા રચિત હાઈકુ પ્રસ્તુત છે.


આપનો પ્રતિભાવ આપો....

7 thoughts on “વીસ હાઈકુ.. – સંકલિત

 • આરીફ ખાન

  વર્ષો પહેલા માણેલુ એક હાઈકુ યાદ આવી ગયું.
  રચનાકાર યાદ નથી .

  રેલ્વે ના પાટા
  દોડતાં સમાંતર
  મળે ના કદી.

 • Kalidas V. Patel {Vagosana}

  ત્રણ હાયકુ અમારા તરફથી —

  ન્યાય !

  લેતાં લાંચ હું
  પકડાયો, છૂટ્યો
  લાંચ આપતાં !

  કેમ ?

  ઈશ્વરની આ
  દુનિયામાં, ઈશ્વર
  નથી જડતો !

  હાયકુ

  વ્હાલું હાયકુ
  જાપાનમાં પાક્યું
  રે’શે દાયકુ !

  કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

 • Vinod Patel

  મારા હાઈકુ માં એક ભૂલ સુધારી વાંચવા વિનંતી

  સત્તર શબ્દો ને બદલે સત્તર અક્ષરો વાંચશો.

  ફરી આખું હાઈકુ આ પ્રમાણે …

  હાઈકુ કહી

  દે, સત્તર અક્ષરોમાં

  કેટલું બધું !