૨૦૧૬ના ઑસ્કર સમારંભમાં નોંધપાત્ર રહેલી કેટલીક ફિલ્મો વિશે વિગતે વાત કરવાનો અહીં પ્રયત્ન કરીશું. આજે વાત કરીએ ધ રેવનન્ટ ફિલ્મની..
મૃત્યુ પછી પણ પાછો ફરનાર અથવા જીવનની ખૂબ કપરી પરિસ્થિતિઓ વચ્ચે પણ જીવી જનાર માણસ.. જીવન માટે, અસ્તિત્વ ટકાવવા માટે જીવસટોસટનું સાહસ કરીને મૃત્યુના મુખમાંથી પણ પાછો આવનાર માણસ એટલે રેવનન્ટ.
વાત છે ૧૭૮૩માં અત્યારના અમેરિકાના પેન્સિલવેનીયા રાજ્યમાં જન્મ લેનાર અને પોતાના સખત પ્રયત્નો અને અદ્રુત હિંમતને લીધે જીવસટોસટના જોખમોમાંથી સુપેરે જીવતા રહેનાર હ્યૂ ગ્લાસની.. એ મૂળે શિકારી હતો, પ્રાણીઓની રૂંવાટીવાળી ચામડીનો વેપાર કરવા તેમને પકડીને શિકાર કરનાર હિંમતવાન શોધક. તેના જીવન પરથી બનેલી ફિલ્મ એટલે ધ રેવનન્ટ, જે શબ્દના અર્થ મુજબ હ્યૂ ગ્લાસના જીવનની એક દંતકથા બની ચૂકેલી વાતને સિનેમાના પડદે પૂરેપૂરી સચોટતાથી અને તેની હકીકત સુધી પહોંચવાના પૂરા પ્રયત્ન સાથે દર્શાવે છે.
આ જ ફિલ્મમાં સુંદર અભિનય માટે ઓસ્કર, ગોલ્ડન ગ્લોબ અને બાફ્ટા પુરસ્કાર જીતનાર લિયોનાર્ડો-દ-કેપ્રિઓ એક મુલાકાતમાં ફિલ્મ વિશે માહિતી આપતા કહે છે તેમ એ વખતે પ્રાણીઓના ચામડાનો ધંધો અત્યારના ઓઈલના કે સોનાના ધંધાની જેમ ખૂબ પૈસા ખેંચી લાવતો. પ્રાણીઓના શિકાર માટે શિકારીઓ ટોળીઓ બનાવીને ત્યારના કોલોનાઈઝ નહીં થયેલા અમેરિકાના અંદરના વિસ્તારોમાં ફરતા, શિકાર કરતા અને પ્રાણીઓની ચામડી એકઠી કરી વેચતા. એ ધંધામાં રહેલા નફા અને વળતરને લીધે ગમે તેવા જોખમ લેતા પણ લોકો અચકાતા નહીં.
ફિલ્મમાં લિયોનું પાત્ર હ્યૂ ગ્લાસ પણ આવી જ એક ટોળકીનો સભ્ય છે. વાત લગભગ ૧૮૨૩ની આસપાસની છે. હ્યૂ ગ્લાસ, કેપ્ટન હેન્રીના નેજા હેઠળની ૪૫ સભ્યોની તેની ટોળકીના કેટલાક સભ્યો શિકાર કરી રહ્યા છે ત્યારે અરીકારા, સાહનીશ અથવા રી તરીકે ઓળખાતી જાતિના મૂળ અમેરિકન લોકો અચાનક જ તેમના પર ભયાનક હુમલો કરે છે. હુમલામાં આ ટોળકીના ઘણાં સભ્યો મૃત્યુ પામે છે. એ અણચિંતવ્યા હુમલામાંથી જીવ બચાવીને ભાગવામાં સફળ થનાર હ્યૂ ગ્લાસ અને તેના બાર મિત્રો એક હોડીમાં જળમાર્ગે નાસી છૂટે છે. જો કે અરીકારા એ માર્ગે નદીના માર્ગમાં પણ તેમને આંતરી શકે એવી આશંકાને લીધે રસ્તામાં હોડીને છોડીને જંગલના રસ્તે આગળ વધવાનું સૂચન હ્યૂ ગ્લાસ કરે છે. હોડીની સુરક્ષા, મહામહેનતે મેળવેલ કેટલીક રૂંવાટીવાળી ચામડી ત્યાં જ મૂકીને વિષમ રસ્તે પગપાળા આગળ વધવાનું સૂચન ઘણાંને ગમતું નથી, ખાસ કરીને જ્હોન ફિટ્ઝગેરાલ્ડ જે હ્યૂ અને તેના પુત્ર પર ખૂબ ખીજાયેલો છે. આખી ટોળીને તેમના મૂળ સ્થાને, ફોર્ટ કિઓવા પહોંચાડવાની જવાબદારી હ્યૂ ગ્લાસને શિરે છે. એ ભયાનક જંગલ, અતિશય વિષમ પરિસ્થિતિઓ અને ઘાયલ થયેલા અને માનસિક રીતે થાકેલા લોકોને લઈને હ્યૂ પ્રવાસ શરૂ કરે છે. હેન્રીનું સૂચન ન માનીને હોડીમાં જ મુસાફરી કરનારા બે શિકારીઓને અરીકારા નદીના આગળના ભાગમાં પકડીને મારી નાંખે છે.
પગપાળા જંગલમાર્ગે ફોર્ટ કિઓવા તરફનો પ્રવાસ કરી રહેલી ટોળીને ખબર છે કે અરીકારા તેમની શોધમાં છે અને તેમનો સતત પીછો થઈ રહ્યો છે. પ્રવાસ દરમ્યાનમાં ટોળી આરામ કરી રહી હોય છે ત્યારે સલામતીની ખાત્રી કરવા થોડેક દૂર એકલા નીકળી ગયેલા હ્યૂ જુએ છે કે એક વિકરાળ કદાવર રીંછ અને તેના બચ્ચાંઓ એ વિસ્તારમાં આવી ચડે છે. ટોળીની સુરક્ષા માટે પ્રયત્નશીલ હ્યૂ પર પોતાના બચ્ચાને બચાવવા એ રીંછ ભયાનક હુમલો કરે છે. હ્યૂનો એક પગ ખૂબ ખરાબ રીતે ભાંગી જાય છે, ઝપાઝપી દરમ્યાન નહોરના ઘા ને લીધે અને પછડાવાને લીધે હ્યૂ ગંભીર રીતે ઘાયલ થાય છે, જો કે એ રીંછ પર ગોળી છોડે છે, અને પોતાની પાસે રહેલા છરાથી તેને મારી નાંખે છે પણ એ પહેલા રીંછ તેને લગભગ મૃતઃપ્રાય અવસ્થામાં પહોંચાડી દે છે. ટોળીને આ વાતની ખબર પડે છે પણ તેઓ હ્યૂને ફક્ત પ્રાથમિક સારવાર જ આપી શકે છે. તેને એક કામચલાઉ સ્ટ્રેચર પર નાંખીને સાથે લઈ જવામાં તો આવે છે, પણ તેને લીધે ટોળીની ઝડપ ખૂબ જ ઘટી જાય છે અને અરીકારાને હાથે પકડાઈ જવાની સંભાવનાઓ ખૂબ વધી જાય છે. હ્યૂની ખરાબ હાલત જોઈને ફિટ્ઝગેરાલ્ડ સૂચન કરે છે કે તેને મારી નાંખીને આગળ વધવામાં આવે, કેપ્ટન સંમત થાય છે અને હ્યૂની આંખો ઢંકાય છે, જો કે તેનો પુત્ર આ વાતનો વિરોધ કરે છે અને કેપ્ટન પણ તેને મારી શક્તો નથી. આખરે તે જાહેરાત કરે છે કે જે હ્યૂને સાથે લઈને આવી શકે એવા લોકોને એ પૈસા આપશે. જિમ બ્રિજર અને હ્યૂનો પુત્ર હૉક તેની સાથે રહેવા તૈયાર થાય છે. ફિટ્ઝગેરાલ્ડ ભયસ્થાન બતાવે છે કે હ્યૂની સાથે એ લોકો પણ મૃત્યુ પામશે, અરીકારાની સામે આ બે લોકો ટકી નહીં શકે. ત્રીજા માણસ તરીકે કોઈક સાથે રહે તે માટે કેપ્ટન ઈનામની રકમ વધારે છે, જિમ અને હૉક પોતાનો ભાગ પણ આપવા સૂચવે છે અને એ લાલચને વશ થઈને જ્હોન ફિટ્ઝગેરાલ્ડ પણ હ્યૂની સાથે રહેવા તૈયાર થાય છે. કેપ્ટન તેને સૂચવે છે કે હ્યૂનું પૂરું ધ્યાન રાખવામાં આવે અને જો મૃત્યુ પામે તો તેની અંતિમક્રિયા વ્યવસ્થિત રીતે કરવી. ફિટ્ઝગેરાલ્ડ સંમત થાય છે અને હવે ટોળી બે ભાગમાં વહેઁચાય છે.
ટોળીથી અલગ થયા પછી જ્હોન ફિટ્ઝગેરાલ્ડ હ્યૂને ગૂંગળાવીને મારી નાંખવાનો પ્રયત્ન કરે છે, અને ઘવાયેલો હ્યૂ બોલી શકે એવી સ્થિતિમાં પણ નથી. હૉક એ જોઈ જાય છે અને જ્હોન ફિટ્ઝગેરાલ્ડ ઝપાઝપીમાં તેને મારી નાંખે છે. જિમ પાછો આવે ત્યારે ફિટ્ઝગેરાલ્ડ તેને કહે છે કે હૉક ક્યાં ગયો એ વિશે તેને ખ્યાલ નથી. જિમને ડરાવવા એ કહે છે કે નદીની પેલે પાર તેણે અરીકારાને જોયા છે, એટલે હ્યૂને મૂકીને ત્યાંથી આગળ વધવું. જિમ તેને કેપ્ટનનું વચન યાદ કરાવે છે, હ્યૂની સંભાળ રાખવાનું અને તેને મૃત્યુ પછી અંતિમક્રિયાનું. જ્હોન ફિટ્ઝગેરાલ્ડ હ્યૂને જીવતેજીવત કબરમાં નાંખી તેના પર માટી પાથરે છે અને તેમ જ છોડીને ત્યાંથી જતો રહે છે. જિમ પણ તેની સાથે જતો રહે છે.
અહીંથી, ફિલ્મની પંચાવનમી મિનિટથી લાંબા સમય સુધી ફિલ્મમાં તદ્દન નગણ્ય સંવાદો કે પાર્શ્વસંગીત છે.. ફિલ્મમાં જે રહે છે એ છે હ્યૂનો સંઘર્ષ, જીજિવિષાની તેની આકાંક્ષા અને પોતાના પુત્રના મૃત્યુનો બદલો લેવાની તેની પ્રબળ ઈચ્છા. જો કે પુત્રના મૃત્યુ વાળી આ વાત ફિલ્મમાં ઉમેરવામાં આવી છે, કારણ મૂળ હ્યૂ ગ્લાસ સાથે એમ થયું નહોતું. એ તો પોતાના સાથીઓએ આપેલા છેહને કારણે જ જીવતો રહેવાનો નિર્ધાર કરી સતત સંઘર્ષરત રહ્યો હતો. ફિલ્મમાં એ પાસાની સાથે પુત્રના મૃત્યુનો બદલો લેવાની વાત પણ ઉમેરાઈ છે. તો આ તરફ હ્યૂ ગ્લાસ કબરમાંથી બહાર નીકળે છે, પોતાના પુત્રના નિર્જિવ શરીરને જુએ છે, બચેલા સામાનમાંથી જરૂરી વસ્તુઓ લે છે, પાસે પડેલા કોઈક પ્રાણીના હાડપીંજરમાંથી માંસ શોધીને ખાય છે અને ઘસડાતો, મહાપ્રયત્ને આગળ વધે છે. નદીકાંઠે પહોંચે છે ત્યાં અરીકારા તેના પર હુમલો કરે છે પણ પોતાની જાતને પ્રવાહ સાથે વહેવા દઈ તે નદીની સાથે જ આગળ વધે છે. અરીકારાના નાયકની દીકરીનું અપહરણ થયું હોઈ તેની શોધમાં એ પણ સતત પ્રયત્નશીલ હોય છે.
હ્યૂ પ્રવાહમાં મળેલા એક ઝાડના થડને સહારે બીજા કિનારે ખૂબ દૂર પહોંચે છે. અહીં તે પાણીમાંથી માછલી પકડીને ખાય છે, તાપણું કરી શરીરને ગરમી આપે છે અને લાકડીના ટેકે નદીથી ઉપરના તરફ મેદાનમાં આગળ વધવાનું ચાલુ રાખે છે જ્યાં તેને એક મૂળ નિવાસી મળે છે, તેનો મિત્ર બને છે, તેની સાથે પોતાનો શિકાર વહેંચે છે અને બંનેની સફર એક સાથે આગળ વધે છે. બરફના સખત વાવાઝોડામાં તે હ્યૂને એક છાપરું બાંધી આપે છે, પણ બીજે દિવસે સવારે હ્યૂ તેને એક વૃક્ષ પર લટકતો જુએ છે. પાસે જ શિકારીઓની એક ટોળીનો કેમ્પ છે, એક અરીકારા છોકરીનો બળાત્કાર થઈ રહ્યો છે. હ્યૂ તેને બચાવે છે અને ત્યાંથી એક ઘોડો લઈને નાસી છૂટે છે.
પણ તેની આગળની મુસાફરી દરમ્યાન અરીકારા ફરી તેના પર હુમલો કરે છે, ઘોડા પર નાસી છૂટેલો હ્યૂ દિશાભાન ભૂલે છે અને પહાડ પરથી ઘોડા સાથે ખીણમાં પટકાય છે. તે વધારે ઘાયલ થાય છે પણ જીવતો રહે છે અને ઠંડીથી બચવા ઘોડાના કંકાલ અને ચામડીની અંદર તે રાત પસાર કરે છે. અને પછી ફરીથી ફોર્ટ તરફની તેની યાત્રા આગળ વધે છે.
આ તરફ કેપ્ટન અને ટોળીના બચેલા સભ્યો ફોર્ટ પહોંચે છે, તેમની પાછળ પાછળ જ્હોન ફિટ્ઝગેરાલ્ડ અને જિમ પણ પહોંચે છે. જ્હોન ફિટ્ઝગેરાલ્ડ સૌને કહે છે કે તેણે પૂરો પ્રયત્ન કર્યો પણ હ્યૂને બચાવી શકાયો નહીં અને તેની અંતિમક્રિયા કરાઈ. તેને પુરસ્કારની બધી જ રકમ મળે છે, પણ જિમ તેને મળનારી રકમ છોડીને જતો રહે છે. યાત્રાની શરૂઆતમાં છોડી દીધેલા ચામડાને લેવા માટે ફિટ્ઝગેરાલ્ડ ફરીથી યોજના બનાવવાની ફિરાકમાં છે. અરીકારાના હુમલાથી શિકારીઓની ટોળીનો બચેલો એક માણસ ફોર્ટ પહોંચે છે જેની પાસે ઘોડો લઈ જતી વખતે હ્યૂના હાથમાંથી પડી ગયેલ પાણીનો ડબ્બો છે. બધા સમજે છે કે હૉક જીવતો છે, પણ ફિટ્ઝગેરાલ્ડને ખબર છે કે એ હ્યૂ જ છે. હૉકને શોધવા ગયેલા એ દળને હ્યૂ જીવતો મળે છે.
તો આ તરફ ફિટ્ઝગેરાલ્ડ ફોર્ટમાંથી પગારના પૈસાની તિજોરી લૂંટીને ભાગી જાય છે. ફોર્ટમાં જિમને પકડી લેવામાં આવે છે. હ્યૂ કેપ્ટન પાસે ફિટ્ઝગેરાલ્ડની હકીકત કહે છે, તેને જીવતો કે મરેલો પકડી લાવવા તે એક ઘોડો અને બંદૂક માંગે છે અને ફિટ્ઝગેરાલ્ડની પાછળ જાય છે, સાથે કેપ્ટન પણ જાય છે, પરંતુ એ બંને ફિટ્ઝગેરાલ્ડને શોધવા અલગ પડે છે ત્યારે ફિટ્ઝગેરાલ્ડ કેપ્ટનને મારી નાંખે છે. બંદૂકના ધડાકા સાંભળીને હ્યૂ એ તરફ આવે છે, તેને ખબર છે કે ફિટ્ઝગેરાલ્ડ નજીક જ છે. તે એક ઝાડની ડાળી અને કોટની મદદથી કેપ્ટનને તેના ઘોડા પર બેસાડે છે અને પોતે મરેલો કેપ્ટન હોય તેમ પાછળ કેપ્ટનના ઘોડા પર રહે છે. ઘોડા નિયંત્રણ વગર આમ તેમ ફર્યા કરે છે અને કેપ્ટનને હ્યૂ સમજી ફિટ્ઝગેરાલ્ડ ગોળી ચલાવે છે. કામ પૂરું કરવા તે ઘોડાઓ પાસે આવે છે ત્યારે પાછળના ઘોડા પરથી હ્યૂ તેના પર હલ્લો કરે છે. ફિટ્ઝગેરાલ્ડ જંગલ તરફ ભાગે છે. નદીકિનારા પાસે બંદૂક ગુમાવી બેસવાને લીધે બંને કુહાડી અને ચાકૂથી લડે છે, એક બીજાને ખૂબ ઘાયલ કરે છે. ગ્લાસ તેમાં જીતે છે, અને નદીના નીચેના ભાગમાં અરીકારા અને હ્યૂ એ બચાવેલી છોકરી તેને દેખાય છે. હ્યૂ ફિટ્ઝગેરાલ્ડને નદીમાં નાંખે છે અને અરીકારા તેને મારી નાંખે છે. છોકરીને છોડાવી હોવાને લીધે અરીકારા હ્યૂને જીવતો જવા દે છે.
નિર્દેશક, દિગ્દર્શક અલ્હેન્દ્રો ઇન્નેરીટુની કુદરતી પ્રકાશની જરૂરતને લીધે તેમને શૂટીંગ માટે દિવસમાં ખૂબ જ મર્યાદિત સમય મળતો. વિષમ વાતાવરણ અને કપરી પરિસ્થિતિઓ વચ્ચે થયેલા આ શૂટીંગને લીધે અનેક લોકો આ કામને છોડીને જતા રહેલા કે કાઢી મૂકાયેલા. ફિલ્મની વાર્તા પર કામ ૨૦૦૧ના અંતભાગમાં શરૂ થયેલું અને શૂટીંગની શરૂઆત ૨૦૧૪માં થઈ. કેનેડા, અમેરિકા અને આર્જેન્ટિનાના બારેક પસંદગીના સ્થ્ળોએ શૂટીંગ કરવામાં આવ્યું. લિયોનાર્ડો-દ-કેપ્રિઓ કહે છે, ફિલ્મમાં ત્રીસથી વધુ દ્રશ્યો શૂટીંગ માટે અત્યંત કપરાં હતાં. થીજી ગયેલી નદીઓ પરના દ્રશ્યો હોય, પ્રાણીના મડદામાં સૂવાનું કે જે મળે તે ખાવાના દ્રશ્યો હતાં.. શૂન્યથી નીચેના તાપમાનમાં હાઈપોથર્મિઆ જેવી તકલીફોનો સામનો કરીને આ શૂટીંગ કરવામાં આવ્યું.
ફિલ્મ કઈ રીતે બની, તેનો ઉદ્દેશ અને શૂટીંગ દરમ્યાનની મુશ્કેલીઓ, દ્રશ્યોના શૂટીંગની વિગતો વગેરે દર્શાવતી ૪૪ મિનિટની ડૉક્યુમેન્ટરી ફિલ્મ A World Unseen પણ ૨૧ જાન્યુઆરી ૨૦૧૬ના રોજ યૂટ્યૂબ પર મૂકવામાં આવી. ઐતિહાસિક તથ્યોની દ્રષ્ટિએ ફિલ્મની ઘણી વાતો સાચી હોવાનું મનાય છે. હ્યૂ ગ્લાસનું પાત્ર, તેના પર થયેલ રીંછનો હુમલો, તે મર્યો ન હોવા છતાં કબરમાં જીવતો જ દાટી, તેના શસ્ત્રો લઈને જતા રહેલા તેની ટોળીના સભ્યો કે ત્યારબાદ જીવતા રહેવા અને ફોર્ટ પહોંચવા તેણે કરેલી ૮૦ થી ૧૦૦ માઈલની મુસાફરી વગેરે બાબતો ફિલ્મ પહેલા પણ લોકમુખે ચર્ચાતી રહી છે. પણ હ્યૂને મૂળ અમેરિકન પત્ની હોવાનો અને તેમના પુત્રના હોવાનો કે તેને ટોળીના સભ્યે મારી નાંખ્યા હોવા વિશે કોઈ માહિતી નથી. ફિલ્મમાં મહદંશે કોમ્પ્યુટર દ્વારા નિર્મિત દ્રશ્યોનો ઉપયોગ થયો નથી.
ભારતમાં A સર્ટિફિકેટ સાથે ૨૬ ફેબ્રુઆરી ૨૦૧૬ના રોજ એક પણ દ્રશ્ય કપાયા વગર રીલીઝ થયેલ ધ રેવનન્ટને ખૂબ સુંદર આવકાર મળ્યો છે. ફિલ્મ ખૂબ જ સરસ છે, અચંબિત કરી મૂકે એવા, અદ્રુત સ્થળો પર અને પારાવાર કપરી પરિસ્થિતિઓમાં ફિલ્માંકન પામેલા દ્રશ્યો, હ્યૂ ગ્લાસના પાત્રમાં લિયોનાર્ડો-દ-કેપ્રિઓ અને જ્હોન ફિટ્ઝગેરાલ્ડના પાત્રમાં ટૉમ હાર્ડી સુંદર અદાકારી કરે છે, ખાસ કરીને લિયોનાર્ડો-દ-કેપ્રિઓની અભિનયક્ષમતા, હ્યૂ ગ્લાસની જિજીવિષા અને સંઘર્ષ આ ફિલ્મમાં ઉડીને આંખે વળગે છે. ફિલ્મના અંતિમ ભાગના એક દ્રશ્યમાં લિયોનાર્ડોના મુખે મૂકાયેલ સંવાદ છે, ‘મને મૃત્યુનો ડર નથી, કારણકે હું મરેલો જ છું.’ હિંસક દ્રશ્યો અને કેટલાક વિચિત્ર સંવાદો છતાં બદલા અને જિજીવિષાના અનોખા સમન્વયને દર્શાવતી આ ફિલ્મ ખરેખર જોવાલાયક છે.
– જીજ્ઞેશ અધ્યારૂ
ફિલ્મનું યૂટ્યૂબ પર મૂકાયેલું ટ્રેલર તમે જોયું?
અદ્ભુત્.. ખુબ સુન્દર્..
જીજ્ઞેશભાઇ,
મે સિનેમા અહીં હ્યુસ્ટનમાં જોયું ,યુ ટ્યુબ પર ટૅયલર જોવાની જરૂર નથી,
સુંદર વર્ણન કર્યું છે.
અમેરિકાના ઈતિહાસમાં આવી ઘણી બધી સાહસ કથાઓ છે. ‘How west was won?’ માં Mountain men નો બહુ મોટો ફાળો હતો. એમણે અભેદ્ય રોકી પર્વત માળા પાર કરવાના ઘાટ શોધી કાઢ્યા હતા.
આ ફિલ્મ જોવી જ રહી.
સુંદર વર્ણન. ફિલ્મ જોવાની લાલચ થઈ જાય છે.
અદભુત. સાંભળેલુ તો ઘણુ હતુ પણ અંહી વાંચ્યા પછી ફીલ્મ જોવી જ રહી.