‘સંતૂર’ શબ્દનું સ્મરણ થતાં જ કાશ્મીરનું શાહી સૌંદર્ય આપણા મનમાં ચિનાર વૃક્ષ બનીને ઝૂમી ઊઠે છે અને દાંડી અડક્યાના વહેમથી જન્મેલો રણતઝણતકાર પર્ણપર્ણ બનીને વેરાઈ જાય છે. સંતૂરની બે દાંડીઓ એકબીજાની શોક્ય નહીં પરંતુ સખી બની તાર પર પા પા પગલી પાડે છે ત્યારે હરખપદૂડા તારો એવો થનગનાટ કરે છે કે ન પૂછો વાત. ચિનાર વૃક્ષોની દૂરસુદૂર સુધી ફેલાતી હારમાળા, એ હારમાળામાં સંતાકૂકડી રમતી માર્દવ અને માધુર્ય વડે મત્ત બનેલી પવનલહર, ડાલ સરોવરમાં વિહાર કરતા શિકારાઓમાં વિવિધરંગી ફૂલોની છાબ ગોઠવતી કોઈ મહાશ્વેતા કે કાદંબરી, પેલે પાર ગગન જોડે જુગલબંધી કરવા સાજ મેળવતા નગાધિરાજનાં હિમાચ્છાદિત શૃંગો… નિસર્ગશ્રીનો આ નિનાદ નજાકત બનીને નીતરે છે જ્યારે કોઈ સિદ્ધહસ્ત સંતૂરવાદક છેડે છે સંતૂરનો શતતંત્ર મિજાજ. આજના આ કોલાહલ, કકળાટ અને કાગારોળના કળિયુગ અને કળયુગમાં પણ સંતૂરે પોતાનું, શરમાળ કહી શકાય એટલી હદે સૌમ્ય એવું સ્વરસૌંદર્ય જાળવી રાખ્યું છે.
ક્યારેક તો એમ લાગે કે કોઈ ઋષિએ વીણા પર પ્રસન્ન થઈ વરદાન આપ્યું હશેઃ ‘શતતંત્રી ભવ.’
વાદ્યસૃષ્ટિ
આપણાં સંગીત, સાહિત્ય તેમ જ સંસ્કૃતિમાં વિવિધવાદ્યો પુરાણકાળથી પ્રચલિત છે. શ્રીસ્કંદપુરાણમાં પ્રદોષ – સ્તોત્રાષ્ટકમાં પ્રદોષના સમયે શિવના નૃત્યનો પ્રસંગ છે.
વાગ્દેવી ધુતવલ્લકી શતમુખો વેણુ
દધત્પદમજસ્તાલોન્નિદ્રકરો રમાભગવતી
ગેયપ્રયોગાન્વિતા!
વિષ્ણુઃ સાંદ્રમૃદંગવાદનપટુર્દેવા!!
પાર્વતી સુવર્ણાસન પર આરૂઢ છે. સમગ્ર દેવતાગણ ભગવાન શિવનું સ્તુતિગાન કરે છે. સરસ્વતીએ વીણા, ઈન્દ્રે વેણુ, બ્રહ્માએ કરતાલ અને વીષ્ણે મૃદંગવાદન કર્યું એનું વર્ણન છે. એટલે સુધી કહેવાયું છે કેઃ
યાવંતિ વાદ્ય બાંડાનિ રામરાવણયોર્યુધિ!
તાવત્યો નાડભવન સેવા કુરુ પાંડવ સંગરે!!
રામ અને રાવણના યુદ્ધમાં પ્રયુક્ત વાદ્યોની જેટલી સંખ્યા હતી તેટલી સંખ્યા કૌરવો અને પાંડવોના યુદ્ધમાં સેનાઓની પણ ન હતી!
એક માન્યતા પ્રમાણે કલ્પવૃક્ષે મનુષ્યોને ચાર પ્રકારનાં વાદ્યો આપ્યાં. કાલિનાથના મતાનુસાર દક્ષ્મ-યજ્ઞ વિધ્વંસથી શંકરને ક્રોધ ઉત્પન્ન થયો તે ક્રોધને શાંત કરવા સ્વાતિ અને નારદે આ વાદ્યોનું નિર્માણ કર્યું. એક અન્ય માન્યતા પ્રમાણે શ્રીકૃષ્ણ ભગવાન આ વાદ્યોને પૃથ્વી પર લાવ્યા.
ભારતીય સંગીતના આ ચાર પ્રકારનાં વાદ્યો છે; તંતુવાદ્ય, સુષીરવાદ્ય, અવનવાદ્ય અને ઘનવાદ્ય.
તંતુવાદ્ય એટલે જેમાં તંતુ અથવા તાર વડે સ્વર ઉત્પન્ન કરાય છે તેવાં વાદ્યો. તંતુવાદ્યોના બે ઉપ-પ્રકાર છે. એક ઉપપ્રકારનાં વાદ્યોને તત વાદ્યો કહે છે, બીજા ઉપ-પ્રકારનાં વાદ્યોને વિતત વાદ્યો કહે છે. તતવાદ્યોમાં નખલી (મિજરાબ) કે અન્ય કોઈ ચીજ વડે તારનો ટંકાર કરવામાં આવે છે. સિતાર, વીણા, સરોદ, તાનપૂરો વગેરે આ જાતનાં વાદ્યો છે. વિતત વાદ્યો ગજ વડે વગાડવાનાં હોય છે. આ વાદ્યોમાં સારંગી, દિલરુબા, વાયોલિન બગેરેનો સમાવેશ થાય છે.
ફૂંક મારીને અથવા હવાનો ધડાકો મારીને વગાડવામાં આવતાં વાદ્યોને સુષિરવાદ્યો કહેવામાં આવે છે. વાંસળી, શરણાઈ,હાર્મોનિયમ વગેરે આ પ્રકારનાં વાદ્યો છે.
અવનબદ્ધ એટલે ઢાંકેલું કે મઢેલું. જે વાદ્યો ઉપર ચામડું વગેરે મઢીને તેમાંથી ધ્વનિ ઉત્પન્ન કરવામાં આવે છે તે અવનદ્ધ વાદ્યો કહેવાય છે. આ વાદ્યો તાલ – વાદ્યો હોય છે. તબલાં, પખવાજ, ઢોલક-નગારાં વગેરે અવનદ્ધ વાદ્યો છે.
ઘન એટલે નક્કર. ઘનવાદ્યમાં નક્કર વસ્તુ ઉપર બીજી વસ્તુ અફળાવીને નાદ ઉત્પન્ન કરાય છે. મંજીરા, કરતાલ, જલતરંગ વગેરેને આ પ્રકારમાં ગણાવી શકાય.
શાસ્ત્રાનુસાર તંતુ વાદ્યને દેવતાઓ સાથે, સુષિરવાદ્યોને ગાંધર્વો સાથે, અવનદ્ધ વાદ્યો રાક્ષસો સાથે અને ઘનવાદ્યોને કિન્નરો સાથે સંબંધ છે.
આપણાં દેવમંદિરોમાં અનેકવિધ વાદ્યો વગાડવામાં આવતાં. વિભિન્ન દેવદેવીઓનું વિશિષ્ટ વાદ્ય હોય છે. આ જ પ્રમાણે કેટલાંક વાદ્યોનું વાદન વિશેષ દેવી-દેવતાઓથી સંબંધિત મંદિરોમાં નિષિદ્ધ હતું. પ્રાચીન લેખકોના કથન અનુસાર શિવના મંદિરમાં ઝલ્લરિકા (ઝલ્લરિકા ઘનવાદ્ય), સૂર્યમંદિરમાં શંહ, દુર્ગા મંદિરમાં બંસરી તથા મધુરી (એક સુષિરવાદ્ય) ન વગાડવા અંગેની માન્યતા પ્રવર્તતી હતી. એ રીતે બ્રહ્માના મંદિરમાં ઠક્કા (એક અવનદ્યવાદ્ય) અને લક્ષ્મીના મંદિરમાં ઘંટ વગાડવા પર નિષેદ હોવાનું મનાતું. એ રીતે સૂર્યોદય સમયે શંખ તથા સૂર્યાસ્ત સમયે નગારાં ન વગાડાય તેવી માન્યતા પ્રાચીન કાળમાં પ્રવર્તતી હતી.
ગજ, મિજરાબ અથવા ફૂંક વગર છતાં તાલવાદ્ય નહીં પરંતુ સ્વર ઉત્પન્ન કરતાં વાદ્યો આપણે ત્યાં ચાર છે; કાષ્ઠતરંગ, તબલાતરંગ,જલતરંગ અને સંતૂર. આ પુસ્તિકામાં ચાલો, આપણે સંતૂરના તાર મેળવીએ.
સંતૂરના પૂર્વજો અને સહોદરો
આપણે ત્યાં સંતૂર ક્યાંથી આવ્યું એ અંગે ભિન્ન મતો પ્રવર્તે છે. એક મત અનુસાર સંતૂર એક પર્શિયન વાદ્ય છે અને આપણે ત્યાં પર્શિયાથી કાશ્મીર આવ્યું. પર્શિયન ભાષામાં ‘સન’નો અર્થ સો થાય અને ‘તૂર’ એટલે તાર. આમ સો તારનું વાદ્ય એ સંતૂર. એક અન્ય મતાનુસાર આપણે ત્યાં અસલના વખતમાં ‘શતતંત્રી વીણા’ નો ઉલ્લેખ છે ‘શત’ એટલે કે સો અને ‘તંત્ર’ એટલે તાર, સો તારની વીણા એ સંતૂર. સંસ્કૃત ગ્રંથોમાં બાણવીણાનો પણ ઉલ્લેખ છે જેમાં સો તાર હતા અને પલાશની દાંડી વડે વગાડવામાં આવતું.કાત્યાયની વીણામાં પણ સો તાર હતા. કેટલાક સંશોધકોએ સંતૂરનું મૂળ મેસોપોટેમિયામાં ઈસુના પૂર્વે નામના ‘Psantir’ વાદ્યમાં પણ ગોત્યું છે.
જોકે કાશ્મીરમાં સંતૂર વાદ્યનો ઉપયોગ મુખ્યત્વે સંગત માટે જ થતો જ્યારે પર્શિયન સંતૂર સ્વતંત્ર વાદ્ય તરીકે પણ વગાડવામાં આવતું. કાશ્મીરમાં સંતૂરનો ઉપયોગ કાશ્મીરી ‘સૂફિયાના મૌસિકી – એક પ્રકારના કંઠ્યસંગીત સાથે સંગત કરવા થતો.’ ‘સૂફિયાના મૌસિકી’ એ લોકસંગીત નથી પરંતુ એક પ્રકારનું શાસ્ત્રીય સંગીત છે જેમાં હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતની જેમ સાત સ્વરોનો ઉપયોગ કરવામાં આવે છે અને પર્શિયન શાસ્ત્રીય પરિભાષા વપરાય છે. દા.ત. પર્શિયન પરિભાષામાં ‘મકામ’ એટલે આપણી શાસ્ત્રીય સંગીતની પરિભાષામાં ‘રાગ’. એ સંગીત ચાર કે આઠ માત્રાના તાલમાં વાગે છે અને એનો લય વિલંબિત હોય છે. સંસ્કૃત સાહિત્યમાં પણ શતતંત્રી વીણા અને બાણવીણાનો ઉપયોગ મંત્રોચ્ચાર સમયે સંગત માટે થતો હતો એ પ્રકારનો ઉલ્લેખ છે.
કાશ્મીરના સંતૂરના સહોદર પણ અનેક છે. જર્મનીમાં ‘હેકબ્રેટ’ નામનું વાદ્ય સંતૂરને મળતું આવે છે અને તે ઑર્કેસ્ટ્રામાં વપરાય છે. ચીનનું સંતૂર જેવું વાદ્ય યાંગ-કીન છે જેનો ઉપયોગ એક સ્વતંત્ર વાદ્યતરીકે કરવામાં આવે છે.હંગેરીનું વાદ્ય ‘સિમ્બેલસ’ ત્યાંના જિપ્સી સંગીતમાં વપરાય છે. આ ઉપરાંત ઈરાન, ઇરાક, કઝાકિસ્તાન, તિબેટ, વિયેટનામ, ગ્રીસ, સ્વીટ્ઝર્લેન્ડ, ઇટાલી અને આયર્લેન્ડમાં સંતૂરના સહોદરો છે. જેઓ સામાન્યતઃ ‘ડલ્સિમટ’ નામે ઓળખાય છે. ગ્રીસમાં આ પરિવારના વાદ્યને સંતૂરી તરીકે ઓળખવામાં આવે છે જ્યારે ફિનલેન્ડમાં આ વાદ્યનો કૅન્ટેલ તરીકે ઉલ્લેખ છે.
સંતૂરની બાંધણી
આપણાં વાદ્યોમાં બે વાદ્યો ત્રિકોણાકાર છે; એક સંતૂર અને બીજું સ્વરમંડળ. સંતૂરમાં એક ત્રિકોણાકાર પોલા લાકડાના ખોખાનો ઉપયોગ થાય છે. આ ખોખું અંદરથી પોલું હોય છે. સામાન્ય રીતે ખોખાનું કદ ૬૦સેમી x ૩૦ સેમી x ૩ સેમી હોય છે. સંતૂરનો વાહક તરફનો ભાગ ૬૦ સેમી પહોળો અને સામેનો છેડો ૩૦ સેમી પહોળો હોય છે. ખોખાના ઉપલા ભાગના લાકડા પર લાકડાની ઘોડીઓ મૂકવામાં આવે છે. આ ઘોડીના ઉપરના ભાગ પર અસલ હાથીદાંત અથવા શિંગડાની પટ્ટી પરંતુ આજના સમયમાં મહદંશે પ્લાસ્ટિકની બારીક પટ્ટી જડવામાં આવે છે. ત્રણ સમૂહમાં તારો આ ઘોડીઓ પરથી પસાર થાય છે. સંતૂરની જમણી બાજુ ચાવીઓ હોય છે જેના વડે સૂરની મિલાવટ કરવામાં આવે છે. જ્યારે ડાબી બાજુ ખીંટી પર તારને ટીંગાડવામાં આવે છે. ચાવીઓ લોખંડની હોય છે જ્યારે ખીંટી લોખંડ અથવા પિત્તળની હોય છે. લાકડાની સપાટીની બે બાજુઓ ઘોડી ઊંચી હોય છે જેના પર પિત્તળની બારીક નળી આકારની પટ્ટી જડેલી હોય છે જેના પરથી તાર પસાર થાય છે.
અસલ કાશ્મીરના સંતૂરમાં વિવિધ પ્રકારના લાકડાનો પરંતુ મુખ્યત્વે અખરોટના લાકડાનો ઉપયોગ થતો હતો. આજે મહદંશે લાકડાનો ઉપયોગ સંતૂરની દીવાલો માટે કરવામાં આવે છે અને ઉપર અને નીચેના ભાગમાં પ્લાયવૂડ લગાડવામાં આવે છે. કલકત્તામાં બનતાં કેટલાંક સંતૂરમાં સંપૂર્ણપણે લાકડાનો ઉપયોગ થાય છે. કાશ્મીરના સંતૂરમાં મેપલ વૃક્ષના લાકડાનો પણ ઉપયોગ થાય છે.
સંતૂરમાં તાર છે પરંતુ મિજરાબ જે નખલીનો ઉપયોગ નથી. લાકડાની બે દાંડીઓ વડે દરેક સ્વરસમૂહને નજાકતથી સ્પર્શ કરવામાં આવે છે.કાશ્મીરમાં અસલ આ દાંડીઓ અખરોટના લાકડાની બનાવામાં આવે છે. આ દાંડીનો એક છેડો પહોળો હોય છે કે જ્યાંથી સંતૂરવાદક દાંડી પકડે છે. દાંડી સામેનો છેડો બીજના ચંદ્રના આકારનો હોય છે જેનું વજન નાજુકાઈથી તારસમૂહ પર પડે છે.
આજથી ચાલીસ વર્ષો પહેલા સંતૂર કાશ્મીરમાં જ બનતું હતું અને રેહમુંજ સાઝનું ખાનદાન સંતૂર બનાવવા માટે જાણીતું હતું. આજે મુંબઈમાં હરિભાઉ વિશ્વનાથ અને અન્ય વાજિંત્રો બનાવવાવાળાઓ પણ સરસ સંતૂર બનાવે છે.
એમ કહેવાય છે કે વૈદિક સમયમાં તાર સૂકવેલા ઘાસમાંથી બનાવવામાં આવતા. ત્યાર બાદ પ્રાણીઓના આંતરડાંમાંથી તાર બનતા. આજે તો મુખ્યત્વે લોખંડના તાર વપરાય છે. અમુક તારસમૂહ માટે કેટલાક કલાકારો પિત્તળના તારનો પણ ઉપયોગ કરે છે. ખરજના સ્વરો માટે ગિટારના તારનો ઉપયોગ કરવામાં આવે છે જેને કારણે ગંભીર રણકાર સંભવી શકે છે. લોખંડના તારો સામાન્ય રીતે જર્મની અને વિલાયતથી આયાત કરવામાં આવે છે. કેટલાંક સંતૂર પર સ્ટેનલેસ સ્ટીલના તાર પણ બાંઢે છે જેથી કાટ ન લાગે પરંતુ લોખંડના તારના બહેતર રણકાર અને ધ્વનિના કારણે ટોચના કલાકારો લોખંડના તારને પસંદ કરે છે.
સંતૂરના તારો
અન્યત્ર નોંધ્યું છે એ પ્રમાણે અસલ સંતૂરમાં એકસો તાર હતા અને ‘શતતંત્રી વીણા’ કે ‘સન +તૂર’ નામ પન સોની સંખ્યાને કારણે છે. પંડિત શિવકુમાર શર્માએ એમાં ફેરફારો કરી આજે એકસોને બદલે સત્યાસી તાર ગોઠવ્યા છે.
ચીનમાં વગાડતા યાંગ કિનમાં ૪૫ તાર હોય છે જ્યારે જર્મન વાદ્ય ‘હેકબ્રેટ’માં ૧૩૫ તાર હોય છે. ઈરાન, ઇરાક અને તુર્કીમાં વગાડાતા સંતૂર ૭૨ તાર હોય છે.
આપણા સંતૂરમાં મહદંશે લોખંડના તાર હોય છે. ખરજના સ્વરો માટે ગિટારના તાર વપરાય છે.
સંતૂરમાં સામાન્ય રીતે જમણી બાજુએ નીચેથી પાંચમો તાર સમૂહ મધ્ય સપ્તકના ષડ્જ એટલે કે ‘સા’ તરીકે મેળવવામાં આવે છે. એની નજીકનો ડાબી બાજુના તારસમૂહને પણ સામાન્ય રીતે મધ્ય સપ્તકના ષડ્જ તરીકે મેળવવામાં આવે છે અથવા એનો ચિકારી તરીકે ઉપયોગ કરવા ત્રણ તારને અનુક્રમે ષડ્જ, ગાંધાર અનેર પંચમ (અથવા રાગના સ્વરો પ્રમાણે)મેળવવામાં આવે છે. કેટલાક કલાકારો સંતૂરને રાગના સ્વરો પ્રમાણે મેળવે છે. આ પ્રકારની મિલાવટમાં રાગ કિરાવણી વગાડવાનો હોય તો જમણી બાજુના તારસમૂહની મિલાવટ આ પ્રમાણે કરવામાં આવે છે.
તારસમૂહ ક્રમાંક સ્વર
૧૫ તાર સપ્તક શુદ્ધ મધ્યમ
૧૪ તાર સપ્તક કોમળ ગાંધાર
૧૩ તાર સપ્તક શુદ્ધ રિઅભ
૧૨ તાર સપ્તક ષડ્જ
૧૧ શુદ્ધ નિષાદ
૧૦ કોમળ ધૈવત
૯ પંચમ
૮ શુદ્ધ મધ્યમ
૭ કોમળ ગાંધાર
૬ શુદ્ધ રિષભ
૫ ષડ્જ – મધ્ય સપ્તક ષડ્જ
૪ ખરજનો શુદ્ધ નિષાદ
૩ ખરજનો કોમળ ધૈવત
૨ ખરજનો પંચમ
૧ ખરજનો શુદ્ધ મધ્યમ
કેટલાંક સંતૂરવાદકો સંતૂરના તારસમૂહની મિલાવત ક્રોમેટિક સ્કેલમાં કરે છે. એ પ્રકારની મિલાવટનો નકશો આ પ્રમાણે છે.
તારસમૂહ સ્વર
૧૬ તાર સપ્તક કોમળ ધૈવત
૧૫ તાર સપ્તક મધ્યમ
૧૪ તાર સપ્તક કોમળ ગાંધાર
૧૩ તાર સપ્તક કોમળ રિષભ
૧૨ તાર સપ્તક ષડ્જ
૧૧ કોમળ નિષાદ
૧૦ કોમળ ધૈવત
૯ તીવ્ર મધ્યમ
૮ કોમળ ગાંધાર
૭ કોમળ રિષભ
૬ મધ્ય સપ્તક ષડ્જ
૫ મધ્ય સપ્તક ષડ્જ ચિકારી
૪ મંદ્ર સપ્તક કોમળ નિષાદ
૩ મંદ્ર સપ્તક શુદ્ધ ગાંધાર
૨ મંદ્ર સપ્તક શુદ્ર રિષભ
૧ મંદ્ર સપ્તક ષડ્જ
તારસમૂહ સ્વર
૧૫ તાર સપ્તક પંચમ
૧૪ તાર સપ્તક ગાંધાર
૧૩ તાર સપ્તક રિષભ
૧૨ તાર સપ્તક ષડ્જ
૧૧ શુદ્ધ નિષાદ
૧૦ શુદ્ધ ધૈવત
૯ પંચમ
૮ શુદ્ધ મધ્યમ
૭ શુદ્ધ ગાંધાર
૬ શુદ્ધ રિષભ
૫ મધ્ય સપ્તક ષડ્જ
૪ મંદ્ર સપ્તક શુદ્ધ નિષાદ
૩ મંદ્ર સપ્તક શુદ્ધ ધૈવત
૨ મંદ્ર સપ્તક પંચમ
૧ મંદ્ર સપ્તક શુદ્ર મધ્યમ
પં. શિવકુમાર શર્મા એમના સંતૂરમાં ચિકારીના તારો ઉસ્તાદ અલી અકબર ખાંની શૈલી પ્રમાણે રાગના મુખ્ય સ્વરોમાં મેળવે છે.
સંતૂરની કાયાપલટ
અસલ કાશ્મીરના સંતૂરમાં ૨૫ સ્વરસમૂહની ઘોડીઓ હતી અને પ્રત્યેક ઘોડી પર ચાર સમાન તારો ગોઠવવામાં આવતા હતા. આ રીતે સંતૂરમાં ૨૫x૪ એટલે કે એકસો તાર ગોઠવતા.દરેક ઘોડી પરના ચાર તારોને એક જ સ્વરમાં મિલાવવામાં આવતા. જમણી બાજુ લોખંડના તાર બાંધવામાં આવતા હતા અને ડાબી બાજુના પિત્તળના ભાર બાંધવામાં આવતા હતા. જે સ્વરો જમણી બાજુના તારો પર પણ મેળવવામાં આવતા હતા. એ જ સ્વરો ડાબી બાજુનઆ તારો પર પણ મેળવવામાં આવતા હતા. લોખંડના તાર પાતળા હોવાથી એમાંથી મધ્યમ સપ્તકના સૂર નીકળતા હતા જ્યારે ડાબી બાજુ પિત્તળના તાર સરખામણીમાં જાડા હોવાથી એમાંથી ચંદ્ર સપ્તકના સૂરો પ્રગટ થતા. આમ બન્ને બાજુ સાથે વગાડવામાં આવે ત્યારે મધ્યમ સપ્તક અને મંદ્ર સપ્તક બન્નેના સ્વરો એક સાથે વાગતા.
આ પ્રકારના તારના આયોજનમાં કેટલીક મુશ્કેલીઓ હતી. રાગ બિહાગ જેવા રાગોમાં કે જેમાં બન્ને મધ્યમનો ઉપયોગ થાય એવા રાગો વગાડી શકાતા ન હતા, કારણ કે સપ્તકમાં સાત સ્વરો જ મેળવી શકાતા હતા અને સંતૂરની ડાબી અને જમણી બન્ને બાજુ સમાન સ્વરોની મિલાવટ થતી હતી. રાગ યમ્ન્હ કે રાગ ભૂપાલી સહેલાઈથી વગાડી શકાતા હતા પરંતુ સાત સ્વરોથી વધુ સ્વરોવાળા રાગો વગાડવાનું શક્ય ન હતું.
સંતૂરના દરેક સ્વરના ચાર તાર વધુ પડતા સ્પંદન અને રણકાર ઉત્પન્ન કરતા હતા અને આ કારણસર દ્રુત ગત અને ઝાલામાં સંતૂરનો ધ્વનિ સ્પષ્ટ રીતે સંભળાતો નહતો અને કોલાહલ જેવું લાગતું હતું.
આ ઉપરાંત કાશ્મીરમાં અસલ સંતૂર લાકડાના પાટિયા પર મૂકીને વગાડવામાં આવતું હતું. આ કારણસર પણ સંતૂરનો ધ્વનિ આલાપ કે ધીમી ગતમાં સ્પષ્ટ રીતે સંભળાતો, પરંતુ દ્રુત ગત કે ઝાલામાં ક્યા સ્વરો વાગે છે એ નક્કી કરવાનું પણ મુશ્કેલ બની જતું.
કાશ્મીરના સંતૂરમાં પચીસ ઘોડીઓ હતી એટલે તાર સપ્તક અને ખરજના સ્વરો વગાડવામાં પણ મર્યાદાઓ હતી.
ઉપરોક્ત મુશ્કેલીઓ અને મર્યાદઓનો ઉપાય શોધવા પંડિત શિવકુમાર શર્માએ અથાગ પ્રયત્નો કર્યા અને અનેક પ્રયોગો કરી સંતૂરની બાંધણીમાં ફેરફારો કર્યા. પ્રથમ તો સંતૂરમાં ડાબી બાજુ જે પિત્તળના તારનો પ્રયોગ થતો હતો એને સ્થાને જમણી બાજુની જેમ લોખંડના તાર ગોઠવ્યા. આમ કરવાથી સાત સ્વરથી વધુ સ્વરના રાગો વગાડવાનું પણ શક્ય બન્યું. દા.ત. શુદ્ધ મધ્યમ એક બાજુ અને તીવ્ર મધ્યમ બીજી બાજુ મેળવી રાગ બિહાગ વગાડવાનું હવે શક્ય બન્યું.
સંતૂરની પ્રત્યેક ઘોડી પર ચારને બદલે ત્રણ તાર ગોઠવવાથી સંતૂરનો રણકાર વધુ સ્પષ્ટ બન્યો અને દ્રુત ગત અને ઝાલામાં પણ એના સ્વરો સ્પષ્ટ રીતે સંભળાતા થયા. આ ઉપરાંત સ્વરની મિલાવટ પણ થોડે અંશે સરળ બની.
અગાઉ સંતૂરને લાકડાના પાટીયા પર મૂકીને વગાડવામાં આવતું જે કારણે રણકાર વધી જતા ધ્વનિ અસ્પષ્ટ બનતો. પંડિત શિવકુમાર શર્માએ લાકડાના પાટિયા પર મૂકવાને બદલે પોતાના ખોળામાં લેવાનું શરૂ કર્યું. આ કારણે અને ચાર ને બદલે ત્રણ તારની ગોઠવણીને કારણે સંતૂરનો અવાજ વધુ સ્પષ્ટ અને સચોટ બન્યો.
આ ઉપરાંત સંતૂરમાં ૨૫ ઘોડીઓ હતી, તેને સ્થાને ૨૯ ઘોડીઓ ગોઠવવામાં આવી, આને કારણે તાર સપ્તક તેમજ ખરજના વધુ સ્વરો વગાડવા શક્ય બન્યા અને સંતૂરના સ્વરોની રેન્જ વધી.
અલબત્ત આજનું સંતૂર હવે શતતંત્રી વીણા – સો તારની વીણા ન રહેતા ૮૭ તારનું વાદ્ય બન્યું છે.
પંડિત શિવકુમાર શર્માએ સંતૂરની કાયાપલટ કરી ત્યારબાદ અન્ય કલાકારોએ પણ સંતૂરની બાંધણીમાં પ્રયોગો કર્યા છે.
પંડિત ઉલ્હાસ બાપટે સંતૂરમાં મીંડ વાગી શકે એ માટે સંતૂરની દાંડીની પાછળ ધાતુની એક પટ્ટી ચોંટાડી છે કે જે ખરજના સ્વરો પર ઘસવાથી સરોદ કે હવાયન ગિટાર જેવો ધ્વનિ ઉત્પન્ન કરે છે અને મીંડનો અહેસાસ કરાવે છે.
પંડિત તરુણ ભટ્ટાચાર્યે સંતૂરમાં લાકડાની ઘોડીઓ ઉપરાંત બાજુઓમાં બે પટ્ટીઓ ગોઠવી છે, અને એની ઉપર નાના મણકા મૂક્યા છે. આની ઉપરથી તાર પસાર થાય છે અને સંતૂર વગાડતા સ્વર મેળવવો પડે તો એ મણકા ખસેડવાથી સ્વરની બારીક મેળવણી કરી શકાય છે.
પંડિત ઓમપ્રકાશ ચૌરસિયા સંતૂરની દાંડીની પાછળ ઉનનું કપડું લગાવે છે, અને આ દાંડીનો પ્રયોગ મુખ્યત્વે આલાપ માટે કરે છે. આનાથી સંતૂરના રણકારની તીવ્રતા ઓછી થાય છે અને અવાજ ઘેરો બને છે.
– સ્નેહલ મુઝુમદાર
Very Very Nice Snehalbhai
“સંતૂર અને શિવકુમાર શર્મા” એટલું જ જાણતા હોય તેવા અમારા જેવા માટે ક્યારેય ન જાણી હોય તેવી માહિતિના અદભૂત ખજાના રૂપ
લેખ બદલ અક્ષરનાદનો આભાર….આભાર…આભાર…
વાહ શું સુંદર લેખ છે. આતિ આન્ંદ આવ્યો, ભારતિય સ્ંગીત વાધયો ની આટલી ઝીણ્વટ્ટ ભરી રજુઆત પહેલી વાર વાંચી….લેખક ને ખુબ ખુબ ધન્યવાદ.
ખરેખર મનમાં સંતૂર તાર નેરણજજણિત કરતો માહિપપ્પ્રચૂર લેખ….. ખુબ મજા આવી.. સ્નેહલભાઇ..