દિશા વાકાણી, “તારક મહેતાકા ઉલટા ચશ્મા” ના દયાભાભી સાથે એક મુલાકાત… (ભાગ ૧) 4


અક્ષરનાદ પર કલાસમૃદ્ધ સાહિત્યકારો, કલાકારો તથા કસબીઓની સાથે મુલાકાતનો એક નવો અને અનોખો વિભાગ થોડા વખત પહેલા શરૂ કર્યો છે. રંગમંચ પર તથા અનેક ફિલ્મો / ધારાવાહીકોમાં અભિનય કરનાર મિત્ર શ્રી મેહુલભાઈ બૂચ આ વિચાર અને વિભાગના પાયામાં છે. તેમના પ્રયત્નો તથા અક્ષરનાદના વાચકોને સતત નવું આપવાની ઈચ્છાને લીધે જ આ વિભાગ શરૂ થઈ શક્યો છે. ભારતીય ટેલિવિઝન પર પ્રસારીત થતી અનેક ધારાવાહીકોમાંની સૌથી વધુ પ્રચલિત, સતત પાંચ પાંચ વર્ષથી અગ્રગણ્ય રહેનાર ધારાવાહીક, રોજ સાંજે સાડા આઠ વાગ્યે સબ ટીવી પર પ્રસ્તુત થતી, શ્રી તારક મહેતા સાહેબની ચિત્રલેખામાં વર્ષોથી પ્રસ્તુત શ્રેણી “દુનિયાને ઉંધા ચશ્મા” નું ટેલિવિઝન સ્વરૂપ એટલે “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” ધારાવાહીક. તેમાં “દયાભાભી” નું પાત્ર ભજવતા શ્રી દિશાબેન વાકાણી સાથે અક્ષરનાદ માટે ‘તારક મહેતા….’ સીરીયલના સેટ પર જ એક મુલાકાતનો અવસર પ્રાપ્ત થયો, તેમની અભિનય કારકિર્દી વિશે, ગુજરાતી ભાષા – નાટકો – ફિલ્મો અને કલાકારો વિશે, સીરીયલના અનુભવો વિશે ખૂબ વિગતે વાત થઈ. આ સમગ્ર મુલાકાતનું ઑડીયો રેકોર્ડીંગ આપ અહીંથી બે ભાગમાં સાંભળી શક્શો અને સાથે સાથે વાંચી પણ શક્શો. દિશાબેનના તદ્દન સરળ અને મળતાવડા સ્વભાવને લીધે આ મુલાકાત ઔપચારીક ઈન્ટર્વ્યુ ન રહેતા એક યાદગાર વાતચીત બની રહી, શૂટીંગમાંથી પણ લાંબો સમય કાઢીને મુલાકાત બદલ અને એનું લેખિત તથા રેકોર્ડિંગ સ્વરૂપ અક્ષરનાદને પ્રસિદ્ધ કરવાની પરવાનગી આપવા બદલ દિશાબેનનો ખૂબ ખૂબ આભાર. પ્રસ્તુત છે શ્રી દિશાબેન વાકાણી સાથે એક વિશેષ મુલાકાત… ભાગ ૧ – જીજ્ઞેશ અધ્યારૂ, સંપાદક

* * * * * * * * * * * * * * * *

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

અક્ષરનાદ.કોમ વેબસાઈટ તરફથી આપની સાથે મુલાકાતનો મને ખૂબ જ આનંદ છે. મને આશા છે કે અમારા વાચકમિત્રોને પણ એ બહુ જ ગમશે કે એ તમને અક્ષરના માધ્યમથી મળી શક્યા. અક્ષરનાદ અને સર્વ વાચકો તરફથી હું આપનું સ્વાગત કરું છું.

દિશાબેન : ખૂબ ખૂબ આભાર જિજ્ઞેશભાઈ, મને મેહુલભાઈએ આપના વિશે જણાવ્યું, મને ખૂબ જ સારું લાગ્યું કે આવી પ્રકારની એક વેબસાઈટ ચાલે છે જે ગંભીરતાથી ગુજરાતી સાહિત્ય માટે કે ગુજરાતી ભાષા માટે આટલું મનથી, દિલ દઈને કામ કરે છે. તમે મને આમાં એક ભાગ રૂપ બનાવી એનો મને આનંદ છે.

સંપાદક : આનંદ તો અમારા ભાગે હોય દિશાબેન, ‘તારક મહેતાકા ઉલટા ચશ્મા’ સીરીયલથી અને એની પહેલા પણ નાટકો દ્વારા તમારી જે પ્રસિદ્ધિ છે, તમારા પાત્રોની જે નામના છે એ જોઈને એક ગુજરાતી હોવાને નાતે અમને ખરેખર આનંદ થાય, અમારે એ જાણવું છે કે આ કારકિર્દીની શરૂઆત તમે કઈ રીતે કરી?

હું, મારા પપ્પા, શ્રી ભીમભાઈ વાકાણીની સાથે ગુજરાતી થિયેટરમાં કામ કરતી હતી, નાનાં નાનાં જે શેરી નાટકો હોય કે ગામડે જઈને વ્યસન મુક્તિના નાટકો હોય તે કરતી હતી, પછી પપ્પાએ કોમર્શિયલ પ્લે પણ કર્યું હતું, ‘લગ્ન કરવા લાઈનમાં આવો’ એમાં પણ કામ કર્યું. ધીરે ધીરે કામ વધતાં ગયાં, એમાં એક નાટક શ્રી નિમેષભાઈ દેસાઈ સાથે કામ કર્યું હતું, ‘એક સપનું બડું શૈતાની’, શ્રી સિતાંશુ યશશ્ચંદ્ર સાહેબે લખ્યું હતું. થોડાક વખત સુધી રીહર્સલ સરસ ચાલ્યા, અને એનો શો થઈ શક્યો નહીં, અને પછી શો થયા જ નહિં, પણ એટલું મન દઈને કામ કર્યું હતું અને શ્રી સિતાંશુ યશશ્ચંદ્ર સાહેબનું લખાણ એટલું ઉચ્ચ કક્ષાનું હતું કે પછી હું બીજા પ્લે કરું તો મને શુષ્ક લાગતું હતું તેની સામે, એ અલંકારીક ભાષા અને…. એ અદભુત હતું, અદભુત… એ નાટક મને બહુ ગમ્યું હતું. નાટકો તો કરતી જ હતી, મુંબઈના નાટકો અમદાવાદ આવતા હતાં એમાં નાનાં નાનાં રોલ કરતી હતી, એ પછી સંજયભાઈ ગોરડીયા કે જે ગુજરાતી થિયેટરમાં બહુ સારા પ્રોડ્યુસર ગણાય છે તેમણે અને શ્રી કૌસ્તુભભાઈ ત્રિવેદીએ મને ખૂબ સરસ અવસર આપ્યો નાટક ‘લાલી લીલા’માં, ડિરેક્ટર વિપુલભાઈ મહેતા હતાં, એ નાટક ખૂબ ચાલ્યું, પોણા બે વર્ષ ચાલ્યું હતું, ત્યાર બાદ થોડી સીરીયલ્સ કરી, આહટ, સી.આઈ.ડી, ખીચડી… વગેરે અને ત્યારબાદ ફરીથી એક નાટકમાં કામ કર્યું, ‘કમાલ પટેલ વર્સિસ ધમાલ પટેલ.’ એ દરમ્યાન પણ – જ્યારે ‘લાલી લીલા’ કરતી હતી એની પહેલા પણ મેં એક આઈએનટીનું નાટક કર્યું, સુરેશ રાજડા સાહેબનું, સૌમ્ય જોશી સાહેબ અને સુરેશ સાહેબ બંને જણાં લેખક હતાં, ‘અલગ છતાં લગોલગ’ તેમાં સુજાતાબેન અને મુનિભાઈ રોલ કરતાં હતાં. ‘કમાલ પટેલ વર્સિસ ધમાલ પટેલ’ કર્યું એના પછી અબ્રોડની ટૂર હતી, ભારતમાં તો બધે શો કરી લીધા હતાં, ત્યાં અચાનક મને ખબર પડી કે આમ નીલા ટેલિફિલ્મ્સમાં ઑડીશન ચાલે છે, મેં પૂછ્યું કે શું છે, તો તેમણે કહ્યું કે તારક મહેતા સાહેબની કૃતિ છે ‘દુનિયાને ઉંધા ચશ્મા’ તેના પરથી જ થાય છે. હું ઑડીશન માટે ગઈ, ઘરે આવીને મેં તારક મહેતા સાહેબે ઈમેજના કાર્યક્રમ દરમ્યાન સાહેબે પોતાના ઓટોગ્રાફ સાથે પુસ્તક આપ્યું હતું, ‘તારકનો ટપુડો’, ઘરે આવીને મેં એ પ્રસંગો વાંચ્યા તો દયા તો શોધી ન જડે.., માંડ રસોડામાંથી બહાર નીકળે… પણ પછી મને થયું કે આવી સરસ હસ્તીઓ સાથે કામ કરવા મળે છે, તારક સાહેબની કૃતિ છે, આસિત સાહેબ જેવા અનુભવી પ્રોડ્યુસર છે જેમણે ઘણી કોમેડી સીરીયલો બનાવી છે, એટલે એક હથોટી છે એમના હાથમાં, સીરીયલમાં કેમ કોમેડી કરવી અને બધા જોડે કોમેડી કરાવવી… એ એમને ફાવે છે, દિલિપ જોશી સાહેબ, મેઈન પોઈન્ટ – મેં એમના ઘણાં નાટકો જોયા હતાં ‘બાપુ તમે કમાલ કરી’, ‘જલસા કરો જેંતિલાલ’ એ બધાં, હજુ પણ હું એમનાથી ખૂબ પ્રભાવિત છું અને અમારા જે ડાયરેક્ટર એ વખતે હતા, ધર્મેશભાઈ, એમને મેં હંમેશા પ્રોડ્યુસરના રૂપમાં જ જોયા હતા, એ ડિરેક્ટર હતા એટલે હું આવી, મેં વિચાર્યું કે જે નાનો રોલ હોય એ હું કરું, એટલે અહીં આવી, પણ અહીં મારો લકી ડ્રો થયો, મને સારો રોલ આપ્યો એમણે, આમ પાંચ વર્ષથી સતત આ કામ કરું છું.

તારક સાહેબની મૂળ કૃતિ ‘દુનિયાને ઉંધા ચશ્મા’ અને જે સીરીયલ અત્યારે ચાલી રહી છે એ બેના પાત્રોમાં ફરક છે, મૂળ કૃતિ કદાચ ગુજરાતી વાચકોને ધ્યાનમાં રાખીને લખાઈ હશે કારણકે એમાં બધા પાત્રો ગુજરાતી હતા, જ્યારે સીરીયલમાં ભારતના વિવિધ ભાગો ને આવરીને પાત્રો બનાવાયા છે કદાચ એ જ કારણે સીરીયલ આટલી લોકપ્રિય છે, તમારા મતે સીરીયલની સફળતાનું મુખ્ય રહસ્ય શું છે?

પહેલા એટલું કહી દઉં કે લખાણ પ્રમાણે જ કરવામાં અમારા પ્રોડ્યુસર સાહેબ માટે પણ થોડીક મર્યાદાઓ હતી જેને ઓળંગીને ન જઈ શકાય જેમ કે સુંદરનું પાત્ર સિગરેટ પીવે છે, પણ બતાવતી વખતે… ધુમ્રપાન નિષેધ  છે, એવું ઘણું બધું છે જે લખાણમાં ખૂબ થઈ શકે પણ જીવંત બતાવવું હોય તો તેમાં થોડીક તકલીફ આવે, જેમ કે એવું પણ છે કે આપણે વિઝ્યુઅલ બતાવીએ પણ તેને એ જ રીતે લખી ન શકીએ એમ બંનેના થોડા માઈનસ પોઈન્ટ હોય.

મને લાગે છે કે સફળતાનું રહસ્ય ટીમવર્ક (ટચવુડ) છે અને ઘરડાંથી લઈને નાનાં બધાં જ પાત્રો છે, એટલે બાપુજીની ઉંમરના લોકો બાપુજીને પસંદ કરે, ટપુની ઉમરના બાળકો ટપુસેનાને પસંદ કરે, ગૃહિણીઓ માટેનો એક વર્ગ છે, જેઠાલાલ જેવા જે વ્યવસાયી છે એવા લોકો માટે છે, મહેતા સાહેબ ઓફીસમાં જાય છે – સામાન્ય માણસને પોતાનું વ્યક્તિત્વ જેમાં દેખાય એવા બધાં પાત્રો છે, એમને પોતે એમાં જીવતા હોય એવું લાગે છે, એટલે કદાચ આ સીરીયલ સફળ છે.

લોકો પોતાને અમારી જગ્યાએ મૂકી દે છે, કે અમારે આવું જ થાય, અમુક લોકો કહે કે અમે ડાઈનીંગ ટેલબની જગ્યા બદલી દીધી, એક્ઝેટ ટીવી સામે ડાઈનીંગ ટેબલ ગોઠવી દીધું કે જમતા જમતા જોઈએ, આવા બીજા ઘણાં બધા કિસ્સા છે. મેં એવું સાંભળ્યું હતું કે એક વખત એવો હતો કે રામાયણ રાત્રે આવતું ત્યારે આખા રોડ પર સન્નાટો થઈ જતો હતો કારણ કે ‘રામાયણ’ આવતું એમ અત્યારે પણ બાળકો એવું કરે છે. એક બહેન વિદેશથી આવ્યા હતા, એ કહે કે અમારી દીકરી સમય પર ઘરે નહોતી આવતી, કે જમતી નહોતી, મેં કહ્યું કે ‘તારક મહેતા..’ તને ત્યારે જ બતાવીશ કે તું જમે, એ કારણથી એમનું જમવાનું નિયમિત થઈ ગયું. ભગવાનનો આભાર છે. બીજી વાત કે આ બધું ટીમવર્ક પણ છે અને આ રીતે સામાન્ય માણસની વાત છે જે સાહેબે રજૂ કરી છે.

For Aksharnaad Interview With Dishaben Vakani on TMKOC set

For Aksharnaad Interview With Dishaben Vakani on TMKOC set

* * * * *

વાંચો અને સાંભળો આ મુલાકાતનો ભાગ – ૨ અહીં ક્લિક કરીને…


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “દિશા વાકાણી, “તારક મહેતાકા ઉલટા ચશ્મા” ના દયાભાભી સાથે એક મુલાકાત… (ભાગ ૧)