ચાર કાવ્યરચનાઓ – ઉર્વશી પારેખ 10


૧. મન

મારું મન ધ્રુજી ઉઠ્યું છે
મનમાં ઘરબાયેલ લાવા હલી રહયો છે

લાગે છે મન કેરી ઘરતી પર
ભૂકંપ થશે
કે શંકરનું તાંડવનૃત્ય થશે
અતિવૃષ્ટી થઈ પ્રલય થશે
કે અનાવૃષ્ટી થઈ સહરાનું રણ થશે
કોણ જાણી શક્યું છે

કોણ જાણી શક્યુ છે
મનની અગોચર શક્તિઓને
કે મનને હેમરેજ થઈ
લકવાની અસર થઈ જશે
જીવતું છતા મરેલુ!

૨. નસીબ

જે મારા હાથમા નથી
છતાં તેના માટે ઝઘડ્યા કરું છું
ખબર છે ઝઘડવું નકામુ છે છતાં
સારા નસીબ માટે ઝંખ્યા કરું છું
કેમ છો? કહેવાથી બધી વાત પતી નથી જતી
પણ… શરૂઆત માટે શબ્દો તો જોઈએ ને

મન સારૂ ન હોય
વિચારોનુ ઘમસાણ ચાલતુ હોય
છતાં
સારૂ છે, કહેવાથી વાત પતી નથી જતી

આ વૃક્ષો, પથ્થરો ઘણા સુખી છે
લાગણી વ્યક્ત કરી નથી શકતાં
નથી કોઈને ખરાબ લાગતું

મને મનુષ્ય હોવાનુ દુઃખ છે
કારણ
કેટલું બઘુ સંભાળથી સંભાળીએ
છતાંય ચોખવટો કર્યા કરવાની
અને
રોતા… રોતા
જાતને નિર્દોષ સાબિત કર્યા કરવાની.

૩. મને તમારી આદત નથી..

એકદમ
મને જ શોધતા શોધતા
દુઃખો મારા દરવાજે આવ્યાં

મેં કહ્યુ
તમે આવો
મને કાંઇ જ વાંધો નથી
પણ તમને આપવા માટે
મારી પાસે કાંઇ જ નથી

આની પહેલા તમારા ઘણા મિત્રો આવી ગયા
વચનો, વિશ્વાસઘાત, નિશ્વાસો, આંસુઓ વગેરે
લગભગ બધુ જ લઈ ગયા છે

આ સાંભળી
થોડાંક દુઃખ દરવાજામાંથી જ પાછા ગયા
અને થોડાંક દુઃખો
આગંતુક પ્રમાણે ઘરમાં પ્રવેશ્યાં

મારા અનાતિથ્ય વડે
દુઃખોને બહુ મુંઝવણ થઈ
વાતાવરણ અનુકુળ નથી જાણી
ઘીમે ધીમે પસાર થઈ ગયાં

દૂરથી આ બધું
થોડાક સુખો જોઈ રહ્યાં હતાં
અને આ ઘરમા જવા માટે કાંઈ વાંઘો નથી
એમ એકબીજાને કહેતા હતાં

ઠક, ઠક
ફરી વખત દરવાજા પર અવાજ આવ્યો

દરવાજે આટલા સુખોને એકસાથે જોઈને
મને મુંઝવણ થઈ
મને શોધવાનુ કંઈ કારણ? મને શંકા થઈ

સુખોએ કહ્યું
હમણા જ દુઃખોને જતાં જોઈ
અમે તમારા દરવાજે આવ્યા છીએ
અને હવે અહીં જ રહેવું છે
એમ નક્કી કરીને આવ્યા છીએ

મેં, મને જ સંભાળતા કહ્યું મેં
તમે આવો, તેનો મને વાંઘો નથી પણ
તમે એક-એક કરીને, ધીમે ધીમે આવજો
કારણ…. મને…. તમારી આદત નથી

મને તમારી આદત નથી

૪. ઉઘામા

મુઠ્ઠી જેવડુ મનડુ મારું
કેટલા કરે ઉધામા
કયારેક કંઇક ગમી જાય
અને, મન મયુર બની જાય
કયાંક કાંઇક ગમે નહિ ને
ઉદાસી ઓઢી સુઈ જાય
જરાક ઉંચો અવાજ સાંભળે
અને આંખોમાં અશ્રુઘારા
સત્યતાને સામે લાવવા
બધુ હોડમા મૂકી જીદ્દી બની જાય
એકલતામાં વિહરે જ્યારે
સ્મરણોથી સ્પંદીત બની જાય
નાનુ એવડુ મનડુ મારું
કેટલા કરે ઉઘામા
પણ, છાનામાના.

– ઉર્વશી પારેખ

બિલિપત્ર

મેં તારી જ માન્યતા પ્રમાણે
જીવવાનું નક્કી કર્યું ત્યારે જ
મેં મારા સ્વત્વને
મારા આયુષ્યમાંથી બાદ કર્યું હતું
અને છતાં…
– ઉર્વશી પારેખ

ભીનાશને અને સંવેદનાઓને કેવો ગાઢ સંબંધ હશે! ખુશીઓ પણ આંખમાં પાણી લાવે અને દુઃખો પણ, પથ્થરોના મકાનોમાં વસતી હીમ જેવી થીજી ગયેલી લાગણીઓ ભીતરમાં નર્યા સ્પંદનો અનુભવે છે. ઉર્વશીબેનના સુંદર ‘અછાંદસ’ સંગ્રહ ‘ભીની ભીની ઝંખનાની કોર..’ માંથી ઉપરોક્ત ચાર કાવ્યરચનાઓ પ્રસ્તુત કરી છે. ભીની લાગણીઓના સંબંધોને શોધતાં શોધતાં કરોળિયાની જેમ અટવાયા કરવું એ જ તો કાવ્યનું મૂળ છે, અને કાવ્યોમાં લાગણીના, સંવેદનાના અને ઝંખનાઓના દરેક પાસાને કોમળતાથી સ્પર્શતી તેમની કલમ અનેરી પ્રતીતિ કરાવે છે. સંગ્રહ અક્ષરનાદને ભેટ કરવા બદલ અને આ રચનાઓ પ્રસ્તુત કરવાની તક આપવા બદલ ઉર્વશીબેનનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.


આપનો પ્રતિભાવ આપો....

10 thoughts on “ચાર કાવ્યરચનાઓ – ઉર્વશી પારેખ

 • Rajesh Vyas "JAM"

  અદભૂત રચનાઓ અને તેમાં પણ “મને આદત નથી” ખરેખર લા-જવાબ. ઊર્વશીબેનનો આવી સુંદર રચનાઓ રજુ કરવા બદલ સહર્ષ ધન્યવાદ.

 • jacob davis

  દુ:ખની આદત તો ના હોય પણ સુખની આદત નથી ! બહોત ખુબ!!!!

 • Vipul

  આ વૃક્ષો, પથ્થરો ઘણા સુખી છે
  લાગણી વ્યક્ત કરી નથી શકતાં
  નથી કોઈને ખરાબ લાગતું..

 • જયેન્દ્ર પંડ્યા

  ‘મન’ વાંચતા સત્યની વ્યાકુળતાથી મન દ્રવી ઉઠ્યું.
  ‘નાસીબ’ વાંચતા મનુષ્યના આડંબર ભરેલ સામાજીક જીવન ઉપર દયા આવી
  ‘મને તમારી આદત નથી’ વાંચી સુખ ઝંખી રહેલા માનવી ની મુંજવણ વિષે સમજણ પડી અને
  ‘ઉધામા’ વાંચી વ્યર્થ ઉધામા કરતું મન વધારે વિમાસણમાં પડ્યું.
  ચારેય કાવ્ય રચના માટે ઉર્વશીબેન ને અભિનંદન સહ સુભેચ્છા અને
  જીગ્નેશભાઈ નો આભાર

 • Gopal Parekh

  મને તમારી આદત નથી, એ કવિતા વિશેષ ગમી. ઉર્વશીબેન તથા અક્ષરનાદને અભિનંદન !
  ગોપાલ