ત્રણ બહુરંગી ગઝલો.. – રાકેશ હાંસલિયા 14


૧. તોય આ લેસન ક્યાં પૂરું થાય છે…

ટેરવા બેભાન થાતા જાય છે,
તોય આ લેસન ક્યાં પૂરું થાય છે.

ઓટલાને છે રજેરજની ખબર,
રખડું ટોળી રોજ ક્યાં ક્યાં જાય છે.

કાચબો અંતે વિજયશ્રીને વર્યો,
તોય સસલાભાઈ ક્યાં શરમાય છે?

સ્કૂલમાંથી બાળકો જ્યારે છૂટે,
ચોક, ફળિયું ને ગલી હરખાય છે.

ત્યાં જ માં ભણવા મને બેસાડજે,
સ્મિતની જ્યાં કાળજી લેવાય છે.

રેતથી ખિસ્સાં ભરેલાં હો ભલે,
ભૂલકાં હરપળ ધની દેખાય છે.

હીંચકે ‘રાકેશ’ તું બેઠો ભલે,
બાળકોની જેમ શું ઝૂલાય છે?

૨. મા ભલે થોડું ભણેલી…

આહમાંથી અવતરેલી હોય છે,
એ ગઝલ અભરે ભરેલી હોય છે.

બાળકોની આંખ વાંચે કડકડાટ,
મા ભલે થોડું ભણેલી હોય છે.

ઠાઠથી દાખલ થતી કીડી બધી,
જાણે દર એની હવેલી હોય છે.

ક્યાંક એમાં સાર સઘળો હો નિહિત,
જે કડીને અવગણેલી હોય છે.

સ્વાદને આવ્યા વિના છૂટકો નથી,
રોટલીમાં એ વણેલી હોય છે.

શ્વાસની મૂડી ખરચતા એમ સૌ
જાણે રસ્તામાં મળેલી હોય છે.

ઝૂલવાની આપણી દાનત નથી,
કેટલી ડાળો નમેલી હોય છે.

૩. આંગણું છલકી ગયું…

દોરશે અંધાર ચારેકોરથી,
એ જ ચિંતામાં બધાં છે ભોરથી.

હોય છે એની કણેકણ પર નજર,
ના રહે છૂપું કશું ઠાકોરથી.

બાજરીની વાટકી મૂકી જરા,
આંગણું છલકી ગયું કલશોરથી.

ફૂલથી પણ ભય હવે તો લાગતો,
એક દિ’ પાલો પડ્યો’તો થોરથી.

હાથમાંથી ફીરકી સરકી પડી,
કોણ જાણે શું કપાયું દોરથી.

ઘરમાં આવી કેટલી તાજી હવા,
દ્વાર અથડાયું ભલેને જોરથી.

– રાકેશ હાંસલિયા

રાકેશભાઈ હાંસલિયાનું નામ અક્ષરનાદી વાચકો માટે નવું નથી, મંજાયેલી કલમનો બહુરંગી સ્વાદ આપણે અહીં આ પહેલા પણ માણ્યો છે. પણ આજે તેમણે પાઠવેલી ગઝલો, તેઓ કહે છે તેમ, ‘નવી નક્કોર’ છે અને છતાંય એ બાળસહજ અનુભૂતિનો એક અનોખો અર્થ લઈને આવે છે. સામાન્ય રીતે ગઝલો મોટેરાંઓ માટે જ લખાતી હોય એવું અનુભવાયું છે, પણ અહીંની પહેલી ગઝલ ‘બાળગઝલ’ છે, બીજી ગઝલનો વિસ્તાર મા સુધી પહોંચે છે અને ત્રીજી ગઝલ માંથી ઠાકોર સુધી લઈ જાય છે. ગઝલોને તેના જ શેરમાંથી શીર્ષક આપવાનો યત્ન મેં કર્યો છે. અક્ષરનાદને તેમની કૃતિઓથી સતત તરબતર કરવા બદલ રાકેશભાઈનો ખૂબ ખૂબ આભાર.


આપનો પ્રતિભાવ આપો....

14 thoughts on “ત્રણ બહુરંગી ગઝલો.. – રાકેશ હાંસલિયા