હું શીખ્યો છું… – એન્ડી રૂની, અનુ. હર્ષદ દવે 6


હું શીખ્યો છું…

હું શીખ્યો છું કે… જગતની સર્વોત્તમ પાઠશાળા વડીલોના ચરણોમાં જ છે,

હું શીખ્યો છું કે… તમને કોઈ સાથે પ્રેમ થઇ ગયો હોય તો તે પ્રકટ થઇ જ જાય છે.

હું શીખ્યો છું કે… કોઈ મને કહે કે ‘તમે તો મારો દી સુધારી દીધો!’ અને તેથી મારો દી સુધરી જાય છે.

હું શીખ્યો છું કે… તમારા હાથમાં બાળક ગાઢ નિદ્રામાં હોય તે જ છે આ જગતની પરમ શાંતિની લાગણી.

હું શીખ્યો છું કે… સાચાં હોવા કરતાં માયાળુ હોવાનું મહત્વ અનેરું છે.

હું શીખ્યો છું કે… બાળકો પાસેથી મળતી ભેટને ઠેલાય નહીં.

હું શીખ્યો છું કે… કોઈને મદદ ન કરી શકાય તો પણ તેને માટે પ્રાર્થી તો શકું જ.

હું શીખ્યો છું કે… બધાને ક્યારેક કોઈના હાથનો આધાર અને પોતાને સમજી શકે તેવા હૃદયની ઝંખના રહેતી જ હોય છે.

હું શીખ્યો છું કે… આપણે એ માટે ખુશ થવું જોઈએ કે ઈશ્વર આપણને આપણે જે જોઈએ તે બધું આપી નથી દેતા!

હું શીખ્યો છું કે… પૈસો પરમ ઉચ્ચ ભાવના ખરીદી શકતું નથી.

હું શીખ્યો છું કે… નાના બનાવો જ જીવનને અભરે ભરે છે.

હું શીખ્યો છું કે… દરેકના સખત આવરણ હેઠળ કોઈની પ્રશંસા અને પ્રેમ પામવાની ઝંખના હોય જ છે.

હું શીખ્યો છું કે… હકીકતોની ઉપેક્ષા કરવાથી તે બદલતી નથી.

હું શીખ્યો છું કે… બદલો લેવાની ભાવના ભીતર રાખવાથી ખુદને વ્યથિત કરવાની તમે કોઈને કાયમી છૂટ આપો છો!

હું શીખ્યો છું કે… સમય નહીં પણ પ્રેમ જ બધાં જખમો રૂઝવે છે.

હું શીખ્યો છું કે… મારા માટે શ્રેષ્ઠ માનવ તરીકે વિકસવાનો સારામાં સારો ઉપાય છે; મારાં કરતાં વધારે બુદ્ધિમાન અને પ્રસન્ન લોકોની વચ્ચે રહેવું.

હું શીખ્યો છું કે… મને મળતા લોકો સસ્મિત સ્વાગતના હકદાર છે.

હું શીખ્યો છું કે… તમે જ્યાં સુધી કોઈના પ્રેમમાં ન હો ત્યાં સુધી કોઈ જ સંપૂર્ણ નથી!

હું શીખ્યો છું કે… જીવન મુશ્કેલ છે, હઠીલું છે, તેમાં સફળ થવા તમારે હઠીલી જિદ્દ પકડવાની છે.

હું શીખ્યો છું કે… તક ક્યારેય સરી નથી જતી, તેને તમે નહીં ઝડપો તો બીજું કોઈ ઝડપી જ લેશે.

હું શીખ્યો છું કે… જો તમે તમારા હૃદયમાં કડવાશ રાખશો તો સુખ કોઈ બીજું સરનામું શોધી લેશે.

હું શીખ્યો છું કે… મને થાય છે હંમેશ માટે ચાલી ગઈ તે પહેલાં માને હું વધુ એકવાર કહી શક્યો હોત કે ‘હું તને ચાહું છું.’

હું શીખ્યો છું કે… આપણે સૌમ્ય અને મૃદુભાષી બનવું જોઈએ કારણ શક્ય છે આવતીકાલે આપણને જણાય કે આપણી વાત ખોટી હતી.

હું શીખ્યો છું કે… વિનામૂલ્યે સુંદર દેખાવાનો ઉપાય હાસ્ય છે!

હું શીખ્યો છું કે… સહુને શિખર પર ટકી રહેવું છે, પણ બધી મઝા અને આગળ વધવાનો લ્હાવો તો તમારા આરોહણમાં હોય છે!

હું શીખ્યો છું કે… સમય ઓછો હોય ત્યારે જ મારાથી વધારેમાં વધારે કામ થાય છે!

સર્જન – એન્ડી રુની અનુસર્જન: હર્ષદ દવે

આમ તો પ્રસ્તુત પોસ્ટ કેટલીક સૌમ્ય પણ જીવનમાં ઉપયોગી એવી પ્રેરણાદાયક વાતો, નિયમો કે રીતો વિશે કહે છે, પરંતુ ‘હું શીખ્યો છું કે…’ હેઠળ હર્ષદભાઈ એ બધાંયને એકછત્રે કરે છે. લેખકની સૌમ્ય મનોવૃત્તિના દ્યોતક એવા આ આચરણસૂત્રો સાચે જ પ્રેરક અને પ્રાયોગિક બની રહે છે. પ્રસ્તુત કૃતિ અક્ષરનાદને પાઠવવા બદલ હર્ષદભાઈનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.

[ad code=1]


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “હું શીખ્યો છું… – એન્ડી રૂની, અનુ. હર્ષદ દવે