જાપાની સંસ્કૃતિમાં કવિતા માત્ર શિક્ષિત કે અભિજાત વર્ગના મનોવિનોદનો વિષય નથી, બલ્કે જનસામાન્ય વચ્ચે પણ એ જીવંત છે. જાપાની ભાષાના અનેક પ્રચલિત પ્રયોગો તેના પ્રાચીન કાવ્યોથી યથાતથ ઉતરી આવ્યા છે. જાપાનની પાર્ટીઓ આજે પણ પ્રાચીન કે સ્વરચિત કાવ્યોના પઠન વગર અધૂરી ગણાય છે. સમાજના તમામ સ્તરના તમામ વ્યવસાયના લોકો ત્યાં નિઃસંકોચ કાવ્યસર્જન કરે છે. ઉમાશંકર જોશીના ‘ઈસામુ શિદા અને અન્ય’ પુસ્તકમાં એમણે આ વિશેનો પોતાનો નાનકડો અનુભવ સુંદર રીતે વર્ણવ્યો છે. પ્રવાસમાં એશિયા છોડીને યુરોપમાં પ્રવેશવાનું થાય ત્યારે ઈસામુ શિદાની પુત્રી એ વિશે એક હાઈકુ લખીને ભેટ આપે છે. ઉમાશંકર આ વાત નોંધીને કહે છે કે ‘એ ક્યાં કવિ હતી?’ કવિની આ વાતમાં ટીકાનો ભાવ નથી.
રોજિંદા જીવનના નગણ્ય વિષયોને જાપાની કવિતામાં હેય કે વર્જ્ય માનવામાં આવ્યા નથી. ઊલટાનું આપણે સામાન્ય રીતે જેને તુચ્છ ગણીને નજરઅંદાજ કરતા હોઈએ છીએ એવી બાબતોમાં, જેના સાક્ષી બન્યા બાદ સદ્ય વિસરાઈ પણ જતી હોય એવી સામાન્ય નાનકડી ઘટનાઓમાં રહેલા સૌંદર્યને જાપાનનાં કાવ્યો ઈંગિત કરી આપે છે. ‘તરણાં ઓથે ડુંગર રે,’ એમ એ એક સૌંદર્યકણની પાછળ અન્ય ઘણું તિરોહિત હોય છે. જેને પામવાની ક્ષમતાનો આધાર ભાવકની સજ્જતા અને સંવેદનશીલતા પર હોય છે.
Impatiently
She Combs
Her tangled hair
– Boncho
ગૂંચવાયેલા કેશને પોતાના
ઓળે એ અધીરાઈથી
– બોન્ચો
‘એ’ના કેશ કેવા છે? કેમ ગૂંચવાયેલા છે? એની અધીરાઈનું કારણ શું છે? વિચારો…
એક બીજી રચના જોઈએ…
All in tatters
Last year’s sleeping mats
Dirty and Frayed
A heavy cart rumbless
And from the grass
Flutters a butterfly
– Shoha
મેલીઘેલી
સાવ તૂટેલી
ગયાવર્અની ચટાઈ
ટસોઠસ ગાડું નીકળ્યે
ઘાસમાંથી ઉડે
એક પતંગિયું.
– શોહા
અહીં એક સહજ સ્વાભાવિક નગણ્ય દ્રશ્યને શબ્દો વડે ચિત્રાંકિત કરવામાં આવ્યું છે એ તો ખરું; પણ ભારથી લદાયેલા ગાડા અને હવા જેટલા હળવા પતંગિયાની વચ્ચેના વિરોધાભાસનો આસ્વાદ પણ લેવા જેવો છે. એ સિવાય આ કાવ્યને જો પ્રતીકાત્મક માનીએ તો વળી અર્થઘટનનો એક અન્ય જ આયામ પ્રગટે છે. જ્ઞાનગુમાનની ગાંસડીના ભારે લદાઈને ફરતા વિદ્વત્ત્જન અને કશા જ ભાર વગર, નિરુદ્દેશે મુગ્ધ ભ્રમણ કરતી કોઈ અલગારી વ્યક્તિની વાત પણ અહીં અન્યોક્તિ તરીકે રજૂ કરાઈ હોય, તે પ્રકારે ઈચ્ઓ તો આ હાઈકુને માણી શકો. સુજ્ઞેષુ કિં બહુના!
The radish picker
With his radish
Points the way
– Issa
મૂળા ખેંચનારો
મૂળા વતી જ
ચીંધી દે રસ્તો.
– ઈસ્સા
આ પણ એક હ્રદયંગમ ચિત્રાત્મક છતાં નગણ્ય દ્રશ્ય છે. અને છતાં ઈચ્છો તો તેમાં આખી ઝેન વિચારધારા વાંચી શકો. સરળરૂપ અને સીમિત શબ્દસંખ્યા છતાં જાપાનના હાઈકુ તાન્કા કે સેનચ્યુ જેવા લઘુકાવ્યપ્રકારોમાં અર્થછાયાઓ માટે ઘણો અવકાશ રહેલો છે. અગાઉ કહ્યું તેમ જ તેને પામવાનો આધાર વાંચનારની સજ્જતા અને સંવેદનશીલતા પર રહેલો છે.
જાપાની કવિતાનો મુખ્ય પ્રેરણાસ્ત્રોત નિસર્ગ છે. જાપાની કાવ્યચેતનાને સહસ્ત્રાબ્દિ જેટલાં સમયથી જે વિષયો પ્રિય લાગ્યા કર્યા છે તેના પર અછડતો દ્રષ્ટિપાત કરીએ તો આ વધુ સ્પષ્ટ થશે. આભમાં ઉડતા જંગલી હંસ, વસંતના આગમન છતાં અરણ્યમાં ક્યાંક-ક્યાંક બચી રહેલો બરફ, જેના આગમનનાં વધામણાં માટે જાપાનમાં ખાસ તહેવાર ઊજવાય છે તે સાકુરા એટલે કે ચેરીના પુષ્પોની બહાર, સવારે ખીલી સાંજ આવ્યે-આવ્યે તો કરમાઈ જતાં મોર્નિંગ ગ્લોરીનાં ફૂલ, ઊનાળાની રાત્રિએ ઝબૂકતા આગિયા, શરદ ઋતુનો પૂર્ણ ચંદ્ર, શિયાળાની હાડ થીજવતી ઠંડી, પાનખર આવ્યે મણિક્યેથી ગ્રથિત સરખાં રમ્ય થતાં જાપાની મેપલ વૃક્ષના પર્ણો, આકાશ-ધુમ્મસ-વાદળ-પવન-કીટકો..
Autumn wind;
Everything I see
is haiku
– kyoshi
પાનખરનો પવન;
હું જે દેખું તે
કાવ્ય
– ક્યોથી
Far-off mountain peaks
Reflected in its eyes
The Dragonfly
– Issa
ડ્રેગનફ્લાઈની આંખોમાં
પ્રતિબિંબાય
દૂરના પર્વતશિખરો.
– ઈસ્સા
Oh, this hectic world-
Three whole days unseen,
The cherry blossom!
– Ryota
અરે, આ વ્યસ્ત દુનિયા!
ત્રણ દિ’ આખા જતા રહ્યા
ચેરી પુષ્પોને નિહાળ્યા વિના.
– રયોટા
ચેરીના પુષ્પો સામાન્ય રીતે એકાદ અઠવાડીયા સુધી રહેતા હોય છે. એટલામાંથી પણ પૂરા ત્રણ દિવસ આમ જ વીતી ગયા. ‘દો આરઝૂ મેં કટ ગયે, દો ઈન્તઝારમેં.’
આ વિષયોને અને જાપાની કવિતાના સામાન્ય મિજાજને જોઈએ તો નરસિંહરાવ દિવેટીયાની પેલી પંક્તિ યાદ આવે; ‘આ વાદ્યને કરુણગાન વિશેષ ભાવે.’ જાપાની કાવ્યચેતનામાં એક પ્રકારનું સૌમ્ય, સંયમિત કારુણ્ય પ્રથમથી જ વહેતું આવ્યું છે. સમયના વ્યતીત થવા સાથે – ઋતુઓના ગમન સાથે જીવનની ક્ષણભંગુરતા સાથે જોડાયેલ આ અનિવાર્ય કારુણ્ય ઉપરાંત જો કે એકાંતના શાંત આનંદોનો પડઘો પણ તેમાં વણાઈ ગયેલો દેખાય છે. પ્રકૃતિ અને કાલક્ષેપ – આ બે પાંખોના આધારે લાગે છે કે જાપાનની કવિતા ઉડ્ડયન કરે છે.
When a thousand birds
Twitter in spring
All things are renewed
– Unknown
હજાર પંખી ટહુકે
વસંત આવ્યે;
થતો વૃદ્ધ હું એકલો
– અનામી
As the morning glory
Today appears
My span of life
– Moritake
મોર્નિંગ ગ્લોરીના ફૂલ જેટલું
લાગે આજે
દીર્ઘ આયખું મારું.
– મોરિટાકે
Summer grasses-
All that remains
Of soldiers’ visions.
– Basho
ઘાસ;
સૈનિકોની આકાંક્ષાનો
એટલો જ અવશેષ.
– બાશો.
જો કે જાપાની કાવ્યવિષયોમાં વિવિધતા અને સંકુલતા ગેરહાજર નથી. જાપાની સૈનિકોના યુદ્ધના મોરચા પર લખાયેલાં કાવ્યોમાં એક પ્રકારનું કઠોર ઔદાસિન્ય દેખાય છે. આ સિવાય હિંસક વલણ, દૈહિહ કામના, હાસ્ય અને કટાક્ષ જેવાં તત્વો પણ અહીં ગેરહાજર નથી. ખાસ કરીને આધુનિક જાપાની કાવ્યોમાં..
As he enters the house
A whiff of murder-
the quack doctor
– Anonymous
ઊંટવૈદ
ઘરમાં આવે કે તરત
ખૂનની બૂ આવે
– અનામી
You never touch
This soft skin
Surging with hot blood
Are not bored,
Expounding the way?
– Akiko
ગરમ રક્તથી છલોછલ
આ રેશમી ત્વચાને
તું ક્યારેય સ્પર્શતો નથી.
ધર્મોપદેશથી
કંટાળો નથી આવતો?
– અકીકો
No Camellia Nor Plum for me,
No flower that is white,
Peach blossom has a color
That does not ask my sins
– Akiko
કેમેલિયા
કે પ્લમનાં પુષ્પો નહીં મારા માટે;
શ્વેત કોઈ ફૂલ નહીં
પીચનાં ફૂલનો રંગ
મારા પાપની પંચાત નથી કરતો.
– અકીકો
(પીચના ફૂલ સુંદર ગુલાબી રંગના હોય છે.)
જાપાની કવિ બહુદા માંડીને વાત કરવાને સ્થાને અંગુલિનિર્દેશ માત્ર કરીને દ્રશ્યને તથા દ્રશ્યમાં નિવસિત ભાવને વાચકની અંદર ઊઘડવાનો વિસ્તરવાનો અવકાશ કરી આપે છે. વિગતપ્રચૂર વર્ણનોની ભભકતાને બદલે વ્યંજનાત્મક પ્રસ્તુતિ જાપાની કવિને પ્રિય છે. ઘણું બધું અધ્યાહાર રાખીને તે જે કહેવાનું છે તે અભિપ્રેતો વડે કહી દેછે. સમજનેવાલે સમજ ગયે હૈ .. એવું કંઈક. જાપાની ભાષાનું સૌથી વધુ પ્રસિદ્ધ હાઈકુ આ રહસ્યનું ઉત્તમ ઉદાહરણ છે.
An old pond
A frog jumps in-
Sound of water
– Basho
જૂના તળાવડે
મેડક કૂદ્યો
છપાક્!
– બાશો
અને એથી સર્જાયેલા તરંગો હજુ પણ શમ્યા નથી.
– નંદિતા મુનિ
‘અસ્તિત્વદર્શન’ ટૂંક સમયમાં શરૂ થનારું નવું અને અન્ય સામયિકોથી વિષયવસ્તુની રીતે થોડુંક ‘અલગ’ સામયિક બનવા ધારે છે. કદર્માચાર્ય ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત થનારું આ સામયિક નો વિષય શું છે? પરિચય અંકના સંપાદકીયમાં કહ્યું છે તેમ, ‘જે મનુષ્યનો મૂળ રસનો વિષય છે એ જ અસ્તિત્વદર્શનનો વિષય પણ છે. જેને મન છે તે મનુષ્ય છે, માટે મનનું વિશ્લેષણ અને સંશ્લેષણ, મનની ભીતરમાં તપાસ અને શોધ, સાથે જ મનનું સૌંદર્ય, તેની ગરિમા, તેની નબળાઈઓ અને ક્ષમતાઓ તથા કલ્પનાઓ અને હકીકતોને જ અહીં મૂળભૂત રુચિનો વિષય હશે. મનુષ્યના સંઘર્ષની ગાથા, સંસ્કૃતિનો વિકાસ, રીત રિવાજ, સમાજવ્યવસ્થામાં વિકસતા અને વિકૃત થતાં માનવમનના ઈતિહાસની કથા, વર્તમાનની તપાસ, પર્યાવરણ અને પ્રકૃતિ, પશુ પક્ષી, કલા કવિતા, સાહિત્ય સંગીત, વિજ્ઞાન દર્શન જેવા વિષયોને લઈને અસ્તિત્વદર્શન સેતુરૂપ બનવા માંગે છે. અસ્તિત્વદર્શન મેળવવા અંગે તથા સંપર્ક વિશે ઉપલબ્ધ માહિતી અક્ષરનાદના ‘આપણા સામયિકો‘ વિભાગમાં મૂકી છે.
‘અસ્તિત્વદર્શન’ ના નવેમ્બરના પરિચય અંકમાંથી આજે નંદિતા મુનિની કલમે કરીએ એક ઉડતી જાપાની કાવ્યયાત્રા. જાપાની સંસ્કૃતિમાં કવિતા માત્ર શિક્ષિત કે અભિજાત વર્ગના મનોવિનોદનો વિષય નથી, બલ્કે જનસામાન્ય વચ્ચે પણ એ જીવંત છે. જાપાની ભાષાના અનેક પ્રચલિત પ્રયોગો તેના પ્રાચીન કાવ્યોથી યથાતથ ઉતરી આવ્યા છે. જાપાનની પાર્ટીઓ આજે પણ પ્રાચીન કે સ્વરચિત કાવ્યોના પઠન વગર અધૂરી ગણાય છે. સમાજના તમામ સ્તરના તમામ વ્યવસાયના લોકો ત્યાં નિઃસંકોચ કાવ્યસર્જન કરે છે. ‘અસ્તિત્વદર્શન’ નો પરિચય અંક અક્ષરનાદને પાઠવવા અને તેમાંથી લેખ પ્રસ્તુત કરવાના સદ્ભાવસભર સૂચન બદલ કર્દમાચાર્ય ફાઉન્ડેશન ટ્રસ્ટનો આભાર તથા નવી શરૂઆત બદલ શુભકામનાઓ. વિચારપ્રેરક, પ્રેરણાદાયક અને જીવનદર્શનને લગતી વાતોનો એક અનોખો તાર વાચકોની સાથે સાધી શકાય અને આ અનોખા વિષયવસ્તુ માટે તેમનો રસસ્વાદ કેળવી શકાય એ માટે હ્રદયપૂર્વક શુભકામનાઓ.
સુંદર કામ નંદિતાબેન,
અસ્તિત્વ દર્શન માટે ખૂબ શુભેચ્છા.
ઇન્દુ શાહ
http://www.indushah.wordpress.com
શબ્દ સથવારે પર મળશો??
નંદિતા ઃ ખૂબ નીવડેલા શબ્દો માં ખૂબ અઘરા કાવ્ય પ્રકારનું ખૂબ રસિક અવલોકન.ખૂબ આભાર–
અસ્તિત્વ દર્શન માટે ખૂબ શુભેચ્છાઓ— ઉત્તમ સ્તરની અપેક્ષાઓ જાગી–
અક્ષરનાદ– શુક્રિયા દોસ્ત– ઃ)
As far as knowledge is concern it is o.kay .there is lot of things in Gujarti that we do not know .we have to confess.
સરસ પન શુ કામ્નુ
સુંદર અર્થપૂર્ણ અને ટૂંકુંટચ.
નાવિન્યતા સભર લેખ.
What a nice article…!!,enjoyed it thoroughly. So much to know., and so little time.
જાપાનની વાત જ ન્યારી છે- મહાન પ્રજા.
ઈ-વિદ્યાલય પર મન્જિરો વિશે વાંચજો. ગમશે.