મને મંતોલે તલ્લી રે તલ્લી (બાળવાર્તા) – ગિજુભાઈ બધેકા 5


એક હતો રાજા. એને ત્રણ રાણીઓ. રાજાના નસીબ એવા કે ત્રણેય તોતડી. રાજાએ ચોથી રાણી પરણવાનો વિચાર કર્યો. સારું ઘર જોઇને રાજાએ વેવિશાળ કર્યું. કોઇએ રાજાની પાસે કન્યાનાં વખાણ કરેલા કે કન્યા તો રૂડીરૂપાળી અને બહુ મીઠાબોલી છે. રાજાના મનમાં પરણવાનો હરખ માતો ન હતો.

રાજા પરણવા ચાલ્યો. કન્યા તોતડી હતી, પણ કન્યાનાં માબાપ લુચ્ચાં હતાં. તેમણે પહેલેથી જ કન્યાને શીખવી રાખ્યું હતું કે રાજા ગમેતેમ કરે, પણ એકેય શબ્દ બોલવો નહિ. રાજાજી પરણી ઘેર આવ્યા.પછી નવી રાણીને મહેલે ગયા. રાજા તો મનમાં મલકાતા હતા કે નવી રાણી મીઠું મીઠું બોલશે અને મનને રાજી કરશે. પણ રાજા હતો નસીબનો બળિયો! નવી રાણી તો મૂંગાં જ ઊભાં રહ્યાં. રાજાએ ઘણુંય કર્યું, પણ બોલે જ શાનાં? જાણે હોઠ જ સીવી લીધા! રાજા મનમાં કહે : “આ તો ઉલમાંથી ચૂલમાં પડ્યા. તોતડીને મૂકીને બોલકીને લેવા નીકળ્યા, ત્યાં વળી આ મૂંગું-બોતડું વળગ્યું!” રાજા ઘણો નિરાશ થઇ ગયો. એકવાર ચોથી રાણી વાડામાં છાણાં લેવા ગઇ, ત્યાં એને મંકોડો કરડ્યો. મંકોડો એવો તો કરડ્યો કે રાણીથી એકદમ બૂમ પડાઇ ગઇ, “મા! મને મંતોલે તલ્લી રે તલ્લી!” રાજા ગોખે બેઠા હતા. તે આ સાંભળી ગયા. તે સમજી ગયા કે ચોથી રાણી પણ તોતડી છે.

ચારે રાણીઓ તોતડી છે, તે વાત રાજાએ છાની રાખેલી. કોઇને પોતે જણાવે નહિ. પરંતુ લવા વજીરને આ બાબતમાં કંઇક વહેમ પડ્યો. તેણે વાત જાણવા ખાનગીમાં પૂછ્યું, “રાજાજી! આપની રાણીઓ તોતડી છે એમ ગામ કહે છે, એ સાચું છે?”

રાજા કહે, “લવા ! તારું કહેવું સાવ જૂઠું છે.”

લવો કહે, “મને તમે જમવા તેડો તો સાબિત કરી આપું.”

પછી રાજાએ તો લવાને પોતાને ત્યાં જમવા બોલવ્યો. બધી રાણીઓને કહી રાખ્યું કે કોઇએ જરાપણ બોલવું નહિ. રાજા અને લવો સામસામા જમવા બેઠા. ભાતભાતની રસોઇ બનાવી હતી, એમાં વડીઓ પણ હતી. લવાએ રાણીઓને બોલાવવાના ઘણા પ્રયત્નો કર્યા, પણ એકેય રાણી બોલી જ નહિ. છેવટે લવો થાક્યો. પણ એટલામાં તેને એક યુક્તિ સૂઝી. વડીઓ બહુ જ સુંદર થઇ હતી. વડી ખાતો ખાતો લવો વડીઓનાં ખૂબ વખાણ કરવા લાગ્યો. જ્યારે બહુ વખાણ થયાં, ત્યારે રાણીઓ મનમાં ને મનમાં ખૂબ ફુલાઇ.

આ લાગ જોઇ લવાએ પૂછ્યું, “આ વડીઓ કોણે તળી?”

ત્યાં એક રાણી બોલી, “એ વઇઓ તો મેં તઇયો (એ વડીઓ તો મેં તળી.)”

રાજાએ ના કહી હતી તેમ છતાં એક રાણીથી બોલી જવાયું, એટલે બીજીએ ડાહી થઇને તેને કહ્યું, “વાયાં’તાં ને બોયાં કેમ? (વાર્યા’તાં ને બોલ્યાં કેમ?)

ત્રીજીના મનમાં થયું કે આ તો બહુ ખોટું થયું. રાજાજીએ તો ચોખ્ખી બોલવાની ના પાડી હતી, ને આ બે જણીઓએ તો બોળી માર્યું! તેના મનમાં સહેજ રોષ પણ ભરાયો. પોતે ઠપકો આપતી ને જરા વધારે ડાહી થતી બોલી, “એ તો બોયાં તો બોયાં, પય તમે કેમ બોયાં? (એ તો બોલ્યાં તો બોલ્યાં, પણ તમે કેમ બોલ્યાં?)”

ચોથી રાણીના મનમાં થયું કે આ ત્રણે રાણીઓ મૂરખ છે. રાજાએ ના પાડી હતી છતાં બોલી, અને પ્રધાનજી બધું જાણી ગયા! પોતાના મનમાં થોડુંક અભિમાન પણ આવ્યું. પોતાનો ભેદ વજીરજી જાણી ગયા નથી, એમ સમજી તે હરખાઇ ગઇ અને હરખમાં ને હરખમાં તેનાથી બોલી જવાયું, “હું તો માયે બોયીયે નથી ને ચાયીયે નથી! (હું તો મારે બોલીયે નથી ને ચાલીયે નથી.)” રાજા અને વજીર બન્ને જણા ખડખડાટ હસી પડ્યા.

– ગિજુભાઈ બધેકા

બાળકોને ગમ્મત સાથે જ્ઞાન આપતી અનેક બાળવાર્તાઓ ગિજુભાઈએ ગુજરાતી બાળકોને તેમની પોતાની ભાષામાં સાહિત્યવારસામાં આપી છે. આ વાર્તાઓનું એક સંકલન પુસ્તક ટૂંક સમયમાં અક્ષરનાદ પરથી પ્રસ્તુત થશે. આજે પ્રસ્તુત છે એ જ સંકલનમાંથી એક સુંદર અને ખડખડાટ હસાવતી બાળવાર્તા.


Leave a comment

Your email address will not be published. Required fields are marked *

 

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

5 thoughts on “મને મંતોલે તલ્લી રે તલ્લી (બાળવાર્તા) – ગિજુભાઈ બધેકા