ઈશ્વરનું સરનામું આપું… – હાર્દિક યાજ્ઞિક (Audiocast) 16


અક્ષરનાદના ઑડીયો વિભાગમાં ઓછી પરંતુ અજાણી અને સુંદર ઑડીયો રચનાઓ મૂકવાનું સૌભાગ્ય મળે છે એ અનેરો આનંદ છે, એ કારણે લગભગ મહીને એકાદી પોસ્ટ જ મૂકી શકાતી હોવા છતા સંતોષ યથાવત રહે છે.

અક્ષરનાદના એક આગવા સહયોગી, લેખક કવિ, મખમલી અવાજના માલિક અને ખરા અર્થમાં કળા અથવા સાહિત્ય કહી શકાય તેવા અનેક ક્ષેત્રોમાં પ્રતિભા ધરાવતા મિત્ર શ્રી હાર્દિકભાઈ યાજ્ઞિકનું એક ગીત આજે પ્રસ્તુત છે. ગીતને અવાજ આપ્યો છે ખ્યાતનામ ગાયક શ્રી જીતેન્દ્રભાઈ જોશીએ. ઈશ્વરને શોધતા માણસને સાચી દિશામાં આંગળી ચીંધવાનું પુણ્ય લેતા આ કાવ્યમાં હાર્દિકભાઈ સરળ રીતે ઈશ્વરના અસ્તિત્વ વિશેની માર્મિક વાત કહે છે. તેમની મોટાભાગની રચનાઓની જેમ સાચી સર્વધર્મસમાનતાની વાત અહીં તેઓ ચર્ચે છે. મંદિરો દુકાનો બની ગયા છે અને માણસ માણસને આભડછેટને લીધે ઉંચ નીચના ભાવોમાં અટવાય છે ત્યારે સાચા ઈશ્વરની શોધ કઈ રીતે કરી શકાય તે હાર્દિકભાઈ બતાવે છે. પ્રભુ તેમને પણ રચનાત્મકતારૂપી સાચા ઈશ્વરની સદાય સમીપ રાખે તેવી ઈચ્છા અને શુભકામનાઓ સાથે આજે તેમના જન્મદિવસે ખૂબ ખૂબ શુભેચ્છાઓ, તેમનું જ આ ગીત તેમને સાદર.

ઈશ્વરનું સરનામું આપું,
નહીં મંદિર મસ્જિદ ગિરીજાઘર

તું કર એની પ્રાર્થના પૂજા,
મારે કરવો એક ઈશારો
ઈશ્વર તારો તારા જેવો,
મારા જેવો મારો ઈશ્વર. ઈશ્વરનું સરનામું…

બની દુકાનો બેઠા છે મંદિર,
સસ્તા ક્યાં છે, ક્યાં મોંઘા ઈશ્વર,
ખાલી ખિસ્સાને ફક્કડ હાથે,
બટકું રોટલો એ છે ઈશ્વર. ઈશ્વરનું સરનામું…

વિધિ વિધાનો યજ્ઞો ને પૂજા,
આભડછેટ અભણ આ પુષ્કળ,
માણસ માણસને માની ચાલે,
આંતરડી ઠારે એ છે ઈશ્વર. ઈશ્વરનું સરનામું…

રડતા કોઈ બાળને હું તો
હસતો કરવા કરું પ્રયત્નો
મારા માટે એ છે પૂજા
પથ્થર માં છે શેનો ઈશ્વર. ઈશ્વરનું સરનામું…

– હાર્દિક યાજ્ઞિક


આપનો પ્રતિભાવ આપો....

16 thoughts on “ઈશ્વરનું સરનામું આપું… – હાર્દિક યાજ્ઞિક (Audiocast)

 • kanu patel

  ભંગાર રેકૉડીગ………….અવાજ શુધ નથી………….ઇકો વધારે છે…………….

 • PUSHPA

  મુજને ઘણુ ગમ્યુ કેમકે આજ સાચુ ચ્હે. માણસનુ મન એજ એનુ મન્દિર ચ્હે. કર્મ એનિ પુજા. આભાર સાહેબ.

 • AUM

  પ્રશ્ન: ઈશ્વર ક્યાં વસેલો છે?
  ૧. ઈશ્વર સર્વવ્યાપી છે અને એટલા માટે તે દરેક સ્થાને વસેલો છે. ઈશ્વર જો કોઈ ચોક્કસ સ્થાને રહેતો હોત, જેમ કે કોઈ ખાસ આકાશમાં અથવા તો કોઈ ખાસ રાજગાદી ઉપર બેઠેલો હોય, તો ઈશ્વર સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વસંચાલન કરતા, શ્રુષ્ટિસર્જક અને શ્રુષ્ટિવિનાશક ન હોય શકે. તમે જે સ્થાને હાજર ન હોય તે સ્થાને કાર્ય ન કરી શકો.
  ૨. હવે જો તમે એવું માનતા હોય કે જેમ સૂર્ય દૂરના સ્થાનેથી પૃથ્વીને પ્રકાશિત કરે છે અને જેમ રીમોટ-કંટ્રોલ દૂરથી ટીવી ને સંચાલિત કરે છે, આવી જ રીતે ઈશ્વર પણ કોઈ દૂરના સ્થાનેથી આ પૃથ્વીનું સંચાલન કરે છે તો આ તમારું તર્ક ખામીવાળું છે. આનું કારણ એ છે કે, સૂર્ય દૂરના સ્થાનેથી પૃથ્વીને પ્રકાશિત કરવાનું કામ અને રીમોટ-કંટ્રોલ દૂરથી ટીવી ને સંચાલિત કરવાનું કામ તેમની વચ્ચે રહેલા અવકાશમાં પ્રવાસ કરતા કિરણોત્સર્ગ તરંગો મારફતે જ કરી શકે છે. આપણે અવકાશમાં પ્રવાસ કરતા આ તરંગોને જોઈ શકતા નથી. પણ “પૃથ્વી અને સૂર્ય “ અને “ટીવી અને રીમોટ-કંટ્રોલ” એકબીજા સાથે આ અદ્રશ્ય તરંગો દ્વારા એકબીજાથી દૂર હોવા છતાં જોડાયેલા છે. આમ વાસ્તવમાં રીમોટ કંટ્રોલ (દૂરથી જોડાણ વગર થતું સંચાલન) જેવું કશું જ હોતું નથી. આમ, ઈશ્વર કોઈ વસ્તુનું સંચાલન કરી શકે છે એ જ સૂચવે છે કે ઈશ્વર તે વસ્તુનું સંચાલન કરવા માટે ત્યાં હાજર છે.
  ૩. આગળ, જો ઈશ્વર સર્વવ્યાપી હોય તો શા માટે એ બીકથી પોતાની જાતને કોઈ એક સ્થાને સીમિત કરી રાખે? આ તો ઈશ્વરને મર્યાદિત બનાવી દેશે. ઈશાઈ સંપ્રદાય એમ માને છે કે ઈશ્વર ચોથા આકાશમાં છે અને મુસ્લિમ એવું કહે છે કે ઈશ્વર સાતમાં આકાશમાં છે. અને આ બે સંપ્રદાયોના અનુયાઈઓ પોતાને સાચા પુરવાર કરવા માટે લડતા રહે છે. તો શું આ બંને સંપ્રદાયના ભગવાનોએ અલગ અલગ આકાશમાં એટલા માટે રહેવાનું પસંદ કર્યું હશે કે જેથી તેઓ તેમના અનુયાઈઓની જેમ લડવાનું શરું ન કરે?
  વાસ્તવમાં તો આ બધી બાળબુદ્ધિ જેવી વાતો છે. ઈશ્વર સર્વશક્તિમાન હોવાથી અને સમગ્ર શ્રુષ્ટિનું નિયંત્રણ કરતો હોવાથી, પોતાની જાતને બીકથી કોઈ એક સ્થાને સીમિત કરી લેવાનો તો પ્રશ્ન જ ઉભો થતો નથી. અને જો ઈશ્વર આવું કરે તો તે સર્વશક્તિમાન ન કહેવાય

  પ્રશ્ન: શું એનો અર્થ એ છે કે ઈશ્વર મળમૂત્ર, દારુ જેવી ગંદી વસ્તુઓમાં પણ છે?
  ૧. સમગ્ર સર્જન ઈશ્વરમાં છે. કારણકે ભલે ઈશ્વર આ બધી ગંદી વસ્તુઓની બહાર છે પરંતુ આ બધી વસ્તુઓ ઈશ્વરની બહાર અસ્તિત્વ ધરાવતી નથી. આથી વિશ્વની દરેકેદરેક વસ્તુઓમાં ઈશ્વર વસેલો છે. આ સત્યને આપણે એક અનુરૂપતા દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. જેમ કપડાનો ટુકડો પાણી ભરેલા ટબમાં હોય છે તેવી રીતે આપણે પણ ઈશ્વરની અંદર રહેલા છે.
  આવી સ્થિતિમાં પાણી કપડાના ટુકડાની બહાર, કપડાના ટુકડાની આજુબાજુ અને કપડાના ટુકડાની અંદર પ્રસરેલું હોય છે. કપડાના આ ટુકડાનો કોઈપણ ભાગ પાણીથી ભીંજાયા વગરનો રહેતો નથી, પરંતુ પાણી તો કપડાના આ ટુકડાની બહાર પણ વ્યાપેલું હોય છે.
  ૨. કોઈ વસ્તુ સારી છે કે ખરાબ એ તો એ વસ્તુ આપણને કામની છે કે નહિ તેના ઉપર આધાર રાખે છે. ઉદાહરણ તરીકે, અમુક અણુઓનું જૂથ ભેગા મળીને આપણને મનપસંદ એવી કેરી બનાવે છે. પરંતુ જયારે તે અણુઓના જૂથનું વિઘટન થાય છે અને બીજા રસાયણો સાથે પ્રક્રિયા કરી મળમૂત્ર બને છે ત્યારે તે આપણા માટે ગંદા બની જાય છે. પણ મૂળ તથ્યમાં તો આ બધી પ્રક્રિયા પ્રકૃતિના વિવિધ પ્રકારના અણુઓના થતા જુદાજુદા સંયોજનો (combinations) છે. હવે અમારું પણ આ પૃથ્વી પર જીવનલક્ષ્ય છે, આથી અમે પણ દરેક વસ્તુનું વિશ્લેષણ અમારા જીવનલક્ષ્યના સંદર્ભમાં કરીએ છીએ અને અમુક વસ્તુઓનો સ્વીકાર કરી બાકીની વસ્તુઓનો અસ્વીકાર કરીએ છીએ. જે વસ્તુઓનો અમે અસ્વીકાર કરીએ છીએ એ વસ્તુઓ અમારા માટે ગંદી અથવા તો કચરા સમાન છે અને જે વસ્તુઓનો અમે સ્વીકાર કરીએ છીએ તે વસ્તુઓ અમારે માટે સારી છે. પરંતુ ઈશ્વરને આવું કોઈ કામ કરવાનું હોતું નથી અને આથી ઈશ્વર માટે કોઈપણ વસ્તુ ગંદી નથી. એનાથી ઉલટું, ઈશ્વરનું કામ આપણાથી ભિન્ન છે – ન્યાયી રીતે આપણને મુક્તિ મેળવવામાં મદદ કરવી – આથી ઈશ્વરના આ સમગ્ર સર્જનમાં એવી કોઈપણ વસ્તુ નથી કે જેને ઈશ્વરનો સ્પર્શ ન હોય..
  ૩. આ જ વાત બીજી એક અનુરૂપતા દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ તો, ઈશ્વર એ એવા કોઈ સામાજિક કાર્યકર્તા જેવો નથી કે જે દૂર પોતાની વાતાનુકૂલિત (air-conditioned) ઓફીસમાં બેઠો બેઠો બધી યોજનાઓ ઘડવાનું પસદ કરે પણ ઝૂંપડપટ્ટી જેવા ગીચ અને ગંદકીવાળા સ્થાને જવાનું ટાળે કે જ્યાં ખરું સામાજિક કાર્ય કરવાની જરૂર છે. પણ તેનાથી વિરુદ્ધ, ઈશ્વર અત્યંત ગંદી જગ્યાઓએ પણ આપણા લાભ ખાતર રહેલો હોય છે.
  ૪. ઈશ્વર પરિપૂર્ણ હોવાથી, તે સર્વવ્યાપી હોવા છતાં અને બધુ જ ઈશ્વરમાં હોવા છતાં, તે આ બધી વસ્તુઓથી જુદો અને અલગ છે.

 • hardik yagnik

  પ્રિય જીગ્નેશભાઇ,
  ખુબ ખુબ આભાર સાહેબ
  વંદન અને યાદ
  હાર્દિક

 • hardik yagnik

  રચના ગમી તે માંટે આપ સૌનો આભાર્.
  કેટલીક જગ્યાઍ ભુલો અંહી લખાણમાં રહી છે. જેમકે
  ખાલી ખીસ્સાને ફકડ હાથે બટકુ રોટલો ઍ છે ઇશ્વર્ અને
  માણસ માણસ ને માની ચાલે આંતરડિ ઠારે ઍ છે ઇશ્વર
  અને
  ઇશ્વર તારો તારા જેવો મારા જેવો મારો ઇશ્વર
  આભાર

  • AksharNaad.com Post author

   પ્રિય હાર્દિકભાઈ,

   સાંભળીને લખ્યું હોવાથી ભૂલો રહી ગઈ હતી. આપના સૂચન મુજબ સુધારો કરી દીધો છે.

   જીજ્ઞેશ અધ્યારૂ

 • Harshad Dave

  જાણે જન્મ દિવસે ઈશ્વરનું સરનામું મળી ગયું હોય તેમ લાગે છે ! પૂજા ખરા હૃદયથી કરી છે. શતમ જીવં શરદ: ઘણી પૂજા કરો અને ઈશ્વરનો આશીર્વાદ વહેચો એ જ શુભ કામનાઓ. હદ.

 • gopal

  આલાગ્રાઁદ, અતિ સુઁદર, ખોૂબ જ ગમ્યુઁ. હાર્દિકભાઇ તથા તને અભિનઁદફાર્દિક્ભાઇને જન્મદિન મુબારક.
  ગોપાલ