ઈન્ટરનેટ વિશ્વની સૌથી મોટી હડતાળ… – જિજ્ઞેશ અધ્યારૂ 8


પહેલા ચીનમાં વેબસાઈટ્સને બ્લોક કરવા વિશેના સમાચારો, પછી ભારતમાં અનેક અગ્રગણ્ય વેબસાઈટ્સને તેમની કન્ટેન્ટ ફિલ્ટર કરવાની વાત અને એ ન થાય તો તેમને બંધ કરી દેવાની ચીમકી પછી હવે ત્રીજા સમાચાર છે અમેરીકામાં આવી રહેલા એક નવા કાયદા વિશે.

આમ તો આપણે રાજકારણ, કાયદા, વિરોધ અને ચળવળ જેવી બાબતોથી અહીં અક્ષરનાદ પર દૂર રહેવાનો પ્રયત્ન કરીએ છીએ. પરંતુ આજે એક એવી વાત કહેવી છે જે આપણા સૌના અસ્તિત્વના સવાલ તરીકે ઉભરી રહી છે. જ્ઞાનના ઓનલાઈન મફત પ્રચાર અને પ્રસાર સામે કોપીરાઈટ કાયદાના ઓઠા હેઠળ સમગ્ર વેબવિશ્વને સજા આપવાની તૈયારીઓ થઈ રહી હોય એવા વાતાવરણ વચ્ચે આજે આ વાત મૂકવી આવશ્યક માનું છું.

વેબવિશ્વમાં, અંગ્રેજી બ્લોગજગતમાં અને મહત્વની તથા ખૂબ બહોળો વર્ગ ધરાવતી હજારો વેબસાઈટ્સ એકાએક ૧૮ જાન્યુઆરી ૨૦૧૨ના રોજ સંપૂર્ણપણે ઑફલાઈન થઈ ગઈ અને તેની બદલે એકમાત્ર વિશેષ પાનું તેમણે મૂક્યું. આ યોજનામાં મુખ્યત્વે વર્ડપ્રેસ.ઓર્ગ, વિકિપીડિયા, રેડિટ, ટમ્બ્લર, વાયર્ડ, બોઈંગબોઈંગ જેવી હજારો વેબસાઈટ્સ શામેલ હતી. આ બધી વેબસાઈટ્સ એક વિશેષ વિરોધ રૂપે એ આખો દિવસ ઓફલાઈન રહી, જે આધુનિક વિશ્વની – ઈન્ટરનેટની સૌથી મોટી હડતાળ માનવામાં આવે છે. એ વેબસાઈટ્સના વિવિધ મુખપૃષ્ઠ આ દિવસે નીચે ચિત્રમાં બતાવ્યા છે તે મુજબ દેખાતા હતાં. આ ઉપરાંત સમગ્ર આંદોલનમાં એક અથવા બીજી રીતે ભાગ લેનારની યાદીમાં લાખો (લગભગ ૧ લાખ ૧૫ હજારથી વધુ બ્લોગ્સ અને) વેબસાઈટ્સ શામેલ હતી. (૩૫,૦૦૦ થી વધુ વર્ડપ્રેસ.કોમ સાઈટ્સ)

Wikipedia Blackout Page

આ સમગ્ર વિરોધ હતો અમેરીકામાં ચાલી રહેલા બે ખરડાના વિરોધમાં કે જેને કાયદાનું સ્વરૂપ આપવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. આ બે કાયદા છે (SOPA) Stop Online Piracy Act અને (PIPA) Protect IP Act.

અમેરિકાના રિપબ્લિકન પક્ષના લેમર સ્મિથ દ્વારા પ્રસ્તાવિત એવા આ કાયદાનો મુસદ્દો સેનેટમાં ૨૬ ઓક્ટોબર ૨૦૧૧ના રોજ પ્રસ્તુત કરાયો જેના કાયદો બનવાથી અમેરિકાના વ્યવસ્થાતંત્રને ઑનલાઈન પાયરસી રોકવામાં (કોપીરાઈટ ધરાવતી બૌદ્ધિક સંપત્તિના રચનાકારો / કર્તાઓ અને નકલી અથવા બનાવટી સામાન (રચનાઓ, કૃતિઓ, ગીત, સંગીત, વિડીયો….) ને ઓળખવામાં) વધુ ક્ષમતાઓ મળે. વળી કાયદા અંતર્ગત એવી ઓનલાઈન ઍડ એજન્સીઓને રોકવા માટે કોર્ટના આદેશ મળી શકે જેના દ્વારા તેઓ આવી કોપીરાઈટનું ઉલ્લંઘન કરતી વેબસાઈટ્સ પર એડ રેવન્યૂ રોકી શકે અને તેની સાથે ઑનલાઈન લેવડદેવડ અથવા એવા કોઈ પણ વ્યવસાયને રોકી શકે. સર્ચ એન્જિન આવી વેબસાઈટ્સને શોધના પરિણામોમાં દર્શાવી શકે નહીં (જો દર્શાવે તો તે પણ સજાને પાત્ર થાય) અને ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર (ISP) ફરજીયાત આવી વેબસાઈટ્સને બ્લોક કરી દે. કોપીરાઈટ મટીરીયલ અથવા વસ્તુઓનું સ્ટ્રીમીંગ કરતી વિડીયો / ઑડીયો અથવા અન્ય કોઈ પણ વેબસાઈટ્સને આ રૂએ વધુ કડક કાયદાઓ અંતર્ગત આંતરી શકાય જેમાં મહત્તમ સજા છે પાંચ વર્ષની જેલ. આ કાયદો અમેરિકાની બહારથી ચાલતી વેબસાઈટ્સ પર પણ અમેરીકાના વિસ્તારમાં અનેક પ્રકારના બંધનો અને શરતો સાથે આવે છે.

આ કાયદાની તરફેણ કરનારાઓ કહે છે કે આ કાયદાના અસ્તિત્વમાં આવવાથી કોપીરાઈટ વસ્તુઓનું ઓનલાઈન પ્રસારણ અટકશે, આ કાયદો વધુ કડક હોવાથી એવી પાયરેટેડ વેબસાઈટ્સ બ્લોક કરી શકાશે અને તેવી વેબસાઈટ્સ પરનું ઍડ્વર્ટાઈઝિંગ રેવન્યુ બંધ કરી શકાશે. વળી પાઈરેટેડ કન્ટેન્ટનું પ્રસારણ કરતી આવી વેબસાઈટ્સના બંધ થવાથી અન્યો પણ એમાંથી બોધપાઠ લઈને એ સમગ્ર પ્રક્રિયાને અટકાવવા વધુ સજાગ બનશે. જેમ કે કોઈ પણ ફિલ્મ રજૂ થયાના બીજા દિવસે ઑનલાઈન ડાઊનલોડ માટે ઉપલબ્ધ થઈ જાય છે. કાયદાકીય રીતે તે પ્રતિબંધિત હોવા છતાં કોપીરાઈટ કાયદાઓ મજબૂત ન હોય તેવા દેશોમાંથી ચાલતા સર્વરો ધરાવતી વેબસાઈટ્સ ખુલ્લેઆમ તેનું વેચાણ / વહેંચણી કરે છે અને ડાઊનલોડ આપે છે. તેમની કમાણી બે રીતે થાય છે, એક ઍડવર્ટાઈઝ દ્વારા જે તેઓ જે-તે વસ્તુની સાથે એ જ પાના પર ભરપૂર માત્રામાં પીરસે છે અને બીજુ છે એવી વસ્તુઓના વેચાણથી. હવે જે બીજા કોઈકની માલિકીની વસ્તુ છે તેનું ગેરકાયદેસર વેચાણ રોકી શકાતું નથી કારણકે જે તે દેશના કાયદા તેને એમ કરતા રોકી શક્તા નથી.

આ કાયદાના ખરડાનો વિરોધ કરનારા કહે છે કે આ કાયદાના અસ્તિત્વમાં આવવાથી અભિવ્યક્તિની સ્વતંત્રતા, નવી વસ્તુઓ વિશેની જાણકારી વહેંચવાની વૃત્તિ પર તે પ્રતિબંધ લાવશે કારણકે અનેક લોકો દ્વારા ચાલતી વેબસાઈટના કોઈ એક પાના પર અજાણતા થયેલ કોપીરાઈટના ઉલ્લંઘનથી આખી વેબસાઈટ બંધ કરી દેવામાં આવશે. જેમ કે વર્ડપ્રેસ.કોમ પર કોઈ એક બ્લોગ દ્વારા થયેલ કોપીરાઈટના ઉલ્લંઘનથી એ આખી વેબસુવિધા બંધ કરી દેવી પડે અથવા વિકિપીડિયા પર કોઈ એક પાના પર અપાયેલ માહિતિમાં કોપીરાઈટના ઉલ્લંઘનને લીધે આખી વેબસાઈટ બંધ કરી દેવામાં આવે. ગૂગલ, ફેસબુક, ટ્વિટર, ટમ્બ્લર, રેડિટ, બ્લોગર, યૂટ્યૂબ, સાઊન્ડક્લાઊડ, ડેઈલીમોશન જેવી અનેક અન્ય સુવિધાઓને પણ આ જ વાત લાગૂ પડે. વળી કોપીરાઈટમાં સુરક્ષા બદલ અત્યારના DMCA (Digital Millennium Copyright Act) ને ઉપરવટ જઈને આ કાયદો એકની ભૂલની સજા સમગ્ર સમાજને આપશે. આ કાયદો ઓનલાઈન પુસ્તકાલ્યો – સંગ્રહોને પણ કાયદાના ઓથાર હેઠળ લાવી દેશે જેમાં એક અથવા બીજી રીતે એ સંગ્રહને બંધ કરવાની ફરજ પડશે. સર્ચ એન્જિન દ્વારા કોઈ એક વિશેષ ડૉમેઈનને અવગણવાની વાત વૈશ્વિક સેન્સરશિપના ખતરાને પણ ખૂબ વધારી દેશે. આ બિલ કાયદો બનતાની સાથે જ ફ્લિકર, વિમિયો જેવી હજારો વેબસાઈટ્સ તરત બંધ કરી દેવી પડશે.

આપણે અહીં ભારતમાં પાઈરસીના ભયંકર વિષચક્રમાં ફસાયેલા છીએ. આપણે ત્યાં ઓનલાઈન કરતા ઓફલાઈન પાઈરસી ખૂબ વધુ છે. ફિલ્મ રીલિઝ થયાના ત્રીજા દિવસે રેલ્વે સ્ટેશનોની આસપાસ વેચાતી તેની સીડી / ડીવીડી હોય કે પ્રકાશિત કોઈ પણ પુસ્તકની પાઈરેટેડ અને સસ્તી કોપી મેળવવાની વાત હોય, એ ગીતોને ઓનલાઈન પાઈરેટેડ વેબસાઈટ્સ પરથી ડાઊનલોડ કરવાની વાત હોય કે એક થી બીજી જગ્યાએ અધધધ…. માત્રામાં કન્ટેન્ટ ચોરી કરવાની જેવી અનેક બાબતો હોય – આપણે આ બધાથી માહિતિગાર છીએ. (આપણા વર્તમાનપત્રો વેબસા ઈટ્સમાંથી ઉઠાંતરી કરીને તેમના “ચટાકેદાર” પાનાઓ સજાવે છે – જે તેમના વેચાણનો મુખ્ય રસ્તો છે. જો આ કાયદો અમલમાં આવે તો તેમની પણ દુકાન બંધ થઈ જાય!)

આ અવસ્થામાં અમેરીકાની પ્રસ્તુત ચળવળ આપણા માટે કદાચ થોડી વહેલી ગણાય, પરંતુ એ વાત પણ ધ્યાનમાં રાખવી ઘટે કે આપણી વેબસાઈટ્સના સર્વર મહદંશે અમેરિકામાં આવેલા છે, બ્લોગસેવા આપતી, વિડીયો અપલોડ કરવાની અથવા ઑનલાઈન ઑડીયો સ્ટીમીંગની સુવિધા આપતી વેબસાઈટ્સ અમેરિકામાંના સર્વરોમાં હોસ્ટ થયેલ છે. આપણા કન્ટેન્ટની ચોરી બદલ આપણે વર્ડપ્રેસ, બ્લોગર, યૂટ્યૂબ અથવા ફ્લિકર પર કરેલ ફરિયાદ DMCA (Digital Millennium Copyright Act) હેઠળ આવે છે. આ સ્થિતિમાં આપણે પણ આ કાયદાની અસરોથી જરાય બાકાત નથી. એટલે તેની સાથે સંપૂર્ણપણે સમજણથી અને સામંજસ્યથી કામ લેવું પડશે અને ભવિષ્યમાં જ્ઞાનના મફત પ્રચારને – સાહિત્ય, ઘટનાઓ, સમાચારો, પ્રસંગો, વિચારો જેવી અનેક બાબતોના પ્રસારને આપણે પ્રાધન્ય આપવું જોઈશે.

અને જ્યારે લગભગ હવે ઉગ્ર વૈશ્વિક વિરોધને લઈને આ કાયદો અભરાઈએ ચડાવવાની તૈયારીઓ થઈ ગઈ છે ત્યારે વિકિપીડિયા (અંગ્રેજી) આ સમગ્ર વિરોધ ઘટનાક્રમ વિશે ખૂબ સચોટ અને સરળ વાત કહે છે,

More than 162 million people saw our message asking if you could imagine a world without free knowledge. You said no. You shut down Congress’s switchboards. You melted their servers. From all around the world your messages dominated social media and the news. Millions of people have spoken in defense of a free and open Internet.

For us, this is not about money. It’s about knowledge. As a community of authors, editors, photographers, and programmers, we invite everyone to share and build upon our work.

Our mission is to empower and engage people to document the sum of all human knowledge, and to make it available to all humanity, in perpetuity. We care passionately about the rights of authors, because we are authors.

SOPA and PIPA are not dead: they are waiting in the shadows. What’s happened in the last 24 hours, though, is extraordinary. The internet has enabled creativity, knowledge, and innovation to shine, and as Wikipedia went dark, you’ve directed your energy to protecting it.

We’re turning the lights back on. Help us keep them shining brightly.

આ કાયદાને લીધે જે અસરો થઈ શકે તેનો થોડોક ચિતાર

ફેસબુક – વિશ્વવ્યાપક રીતે એંશી કરોડથી વધુ વપરાશકારો ધરાવતી આ વેબસાઈટ સૌથી પ્રચલિત સોશિયલ નેટવર્ક છે. અહીં લોકો અનેક લિન્ક મૂકે છે – કાયદાકીય રીતે યોગ્ય અને અયોગ્ય, હવે આવી એક અયોગ્ય લિન્ક આખી વેબસાઈટના ઍડ રેવન્યૂને બંધ કરાવી શકે – જે અંતે વેબસાઈટને ખતમ કરવા તરફ દોરી જાય.

ટ્વિટર – ફેસબુકની જેમ જ પચાસ લાખથી વધુ ટ્વિટ્સ એક દિવસમાં જ્યાં થાય છે તેવી આ સોશિયલ નેટવર્કિંગ વેબસાઈટ પર થતા બધા ટ્વિટ્સ અને તેમાં સંકળાયેલી લિન્ક્સને સ્વીકાર / અસ્વીકાર કરવી અશક્ય છે, જેથી એક અયોગ્ય અથવા અયોગ્ય કડી આખી વેબસાઈટનું એડ રેવન્યૂ બંધ કરાવી શકે.

ફ્લિકર – ફોટોશેરીંગની આ મહારથી વેબસાઈટ આમ પણ કોપીરાઈટેડ મટીરીયલ માટે ખૂબ સચેત છે અને આવી કોઈ પણ ફરીયાદને ખૂબ ગંભીરતાથી લે છે છતાં એક નાનકડા વપરાશકારની અજાણતા થયેલ કોપીરાઈટ ઈમેજ શેરીંગ આખી વેબસાઈટને ડીએનએસ લેવલથી બંધ કરાવી શકે.

યૂટ્યૂબ – અહીં પણ ફેસબુક અને ટ્વિટરની જેમ જ એક અયોગ્ય વિડીયોની વહેંચણી અને આખી વેબપ્રણાલીના એડ રેવન્યૂ પર અસર. ગૂગલ જેવી મહારથી કંપનીની વેબસાઈટ હોવાને લીધે તે તરત બંધ નહીં થઈ જાય, પરંતુ તેના મફત વહેંચણીના વિકલ્પ પર ચોક્કસ અસર પડી શકે.

આ ઉપરાંત અનેક વેબસાઈટ્સ / બ્લોગ્સ તથા ગૃપને આ કાયદો ખોટી રીતે ફસાવી શકે છે અને બંધ પણ કરાવી શકે છે.

આ સમગ્ર ઘટનાક્રમ વિશે વિગતે સમજૂતી વિમિયો પરના નીચેના વિડીયોમાંથી મળી રહેશે જેને અત્યાર સુધી ૪૬ લાખ લોકો જોઈ ચૂક્યા છે.

PROTECT IP / SOPA Breaks The Internet from Fight for the Future on Vimeo.

– જિજ્ઞેશ અધ્યારૂ

સાભાર સંદર્ભ –

http://en.wikipedia.org/wiki/Stop_Online_Piracy_Act
http://wordpress.org/news/2012/01/help-stop-sopa-pipa
http://sopastrike.com/numbers


આપનો પ્રતિભાવ આપો....

8 thoughts on “ઈન્ટરનેટ વિશ્વની સૌથી મોટી હડતાળ… – જિજ્ઞેશ અધ્યારૂ

  • Ashok Vaishnav

    આ લેખ ના સંદર્ભમાં Knowledge @Wharton પર પ્રસિધ્ધ થયેલો આ લેખ “Post SOPA, What Is the Next Frontier for Internet Copyright Protection?” [http://knowledge.wharton.upenn.edu/article.cfm?articleid=2938] રસપ્રદ છે.
    મામલો જેટલો પેચીદોએ છે તેનાથી વધારે અને વધારે પેચીદી તે અંગેની ચર્ચાઓ છે.

  • Vjoshi

    problem is not so much as enactment of new regulations which might have good intentions but question always is these tend be used for promoting and enforcing their own personal agenda. The regulations are a double edged sword. This iternal conflict between unbridled
    unlimited freedom and desire to put a saddle on its shoulder is an age old quest by both sides and every one will be better served if
    we all learn to share the space rather than fight for it.

  • મુર્તઝા પટેલ

    સમજદારીભર્યો લેખ છે. અશોકભાઈની વાત સાથે પણ સહમત. ઇન્ટરનેશનલ ખુલ્લાં માધ્યમો પર કેટલાને તાળા મારી શકાય? માધ્યમનો સાચો અને સમજદારીપૂર્વકનો ઉપયોગ જ દરેકને કામ આવી શકે છે. સંત અને શૈતાન વચ્ચે તો કાયમી ધોરણે ફરક રહેવાનો જ છે.

  • Ashok Vaishnav

    આ વિષયપર કોઇ સત્તાધારીને પસંદ ન પડે તો સૅન્સરશીપ શું કરી શકે તેનાં ઉદાહરણ સ્વરૂપ આ http://8ate.blogspot.com/2012/01/maneka-gandhi-dcm-towel-ad-1973.html બ્લૉગ પૉસ્ટ વાચશો.
    તે જ રીતે એ પણ યાદ કરીએ કે ખ્યાતનામ ચિત્રકાર હુસેન કે નસરીનાબાનુ કે સલમાન રશ્દીએ તો દેશ છૉડવો પડડ્યો છે.અહીં તેઓએ જે કંઇ કહ્યું કે લખ્યું તે ઔચિત્યનો ભંગ નથી તેવો બચાવ કરવાનો કોઇ આશય નથી,માત્ર સત્તાના પ્રભાવ અથવા તો સામાન્ય પ્રજાની લાગણી દુભાવવાથી થતી અસરની શક્તિનો પરિચય કરાવવાનો આશય માત્ર છે.

  • Ashok Vaishnav

    આપણા દેશમાં પણ ‘વાંધાજનક’ લખાણો- સામાન્ય માન્યતા મુજબ કેટલાક રાજકારણી ‘નેતા(શ્રી)ઓ’ વિષે “અણછાજતું” પ્રદર્શન – ને લઇ નેઆવા જ પ્રય્ત્નો શરૂ થઇ ચૂક્યા છે.
    નૅટ પર પોતાના વિચારોપ્રસિધ્ધ કરવામાં કોઇ પોતાની નૈતિકતા ચૂકે તે માટે તે વિચારને માત્ર નૅટ પર પ્રસિધ્ધ કરનાર માધ્યમને કસૂરવાર ઠેરવવું તે તો પાડાને વાંકે પખાલીને ડામ દેવા જેવો ન્યાય ગણાય.
    સમસ્યા ઘણી વિકટ છે. જે અમેરિકામાં કે ચીનમાં થઇ રહ્યું છે તેનાં પરીબળો અને પરિણામોને નજર અંદાજ કરવું એટલે ડોશીને પણ મરવા દેવી અને યમરાજને પણ આપણું સરનામું સામી ચાલીને આપવા દેવા બરાબર પરવ્ડી શકે છે.

  • Harshad Dave

    માહિતીસભર લેખ. હડતાલ શબ્દ જૂના શબ્દ હાટ અને તાળું ઉપરથી બન્યો છે. હાટે તાળા એટલે હડતાલ! હાટ-બજાર ગામડામાં સાપ્તાહિક ધોરણે ભરાતું બજાર છે…આ પ્રથા આજે પણ ઘણા ગામડામાં ચાલુ છે. વેબ સાઈટ જેવા આધુનિક શબ્દ સાથે પણ હડતાલ શબ્દ આવે છે. ઘણી વાર વીજળી જાય કે સોફ્ટવેરમાં ખામી આવી જાય…વાઈરસ ઘૂસી જાય ત્યારે પણ અસહાયતા અનુભવાય. નેટ-વ્યાસનીઓને માટે આવો સમય બહુ કપરો હોય છે અને સાચા યૂઝર્સ કહેતા ઉપયોગકર્તાઓ માટે પણ. હદ.