ઉમર ખય્યામની ત્રણ રુબાઈ, હરિન્દ્ર દવેનો આસ્વાદ 1


(૧)

કેવું રાતુંચોળ છે જો આ સુમન વનફાલનું?
જોઉં છું એની રગોમાં લોહી કો મહિપાલનું,
જો આ નમણી વનલતાની નર્મ નાજુક પાંદડી,
છૂંદણું લાગે છે એ કોઈ રૂપાળા ગાલનું.

(૨)
જામ ઘડનારા, કરે છે શું તને કૈ જ્ઞાન છે ?
જેને તું ખૂંદી રહ્યો છે એ તો એક ઈન્સાન છે;
આંગળી અકબરની, માથું કોઈ આલમગીરનું,
ચાક પર શું શું ધર્યું છે મૂર્ખ તુજને ભાન છે ?

(૩)
કાલ મેં કુંભાર કેરા ચોકમાં દ્રષ્ટિ કરી
ઘાટ ઘડતો ચાક પર એ પિંડ માટીના ધરી
દિવ્ય દ્રષ્ટિથી અજબ કૌતુક નજર આવ્યું મને,
પૂર્વજોના દેહ પર થાતી હતી કારીગરી.

– ઉમર ખય્યામ
અનુ. – શૂન્ય પાલનપુરી

મૃત્યુના સંદર્ભમાં જીવન

ખય્યામ મનનો કવિ છે. એની એક રુબાઈ તમે મનમાં ગુંજો, અને અપાર અર્થો તમારી સમક્ષ ઉઘડશે. જિંદગીની કિતાબના જે પૃષ્ઠોને આપણે ઉતાવળમાં કોરા માનીને ઉથલાવી જઈએ છીએ, તેનો મર્મ ખય્યામ ઉકેલે છે.

આ મનખા દેહ માટીનો જ બનેલો છે, માટીમાં મળી જવાનો છે, એમ તો આપણે સૌ કહીએ છીએ, પરંતુ કવિ જ્યારે એ વાત કહે ત્યારે એનો અર્થ બદલાઈ જાય છે. માટી શબ્દ કોઈ નવા જ અર્થમાં આપણને સમજાય છે. જીવનને પૂર્ણ રૂપે પામવા એને મૃત્યુની પડખે મૂકીને મૂલવવું જોઈએ, મૃત્યુ દરેક બાબતને તેના યથાર્થ પરિમાણમાં મૂકી દે છે.

ખય્યામ જીવનને મૃત્યુને પડછે મૂલવી જાણે છે. એટલે જ એની દ્રષ્ટિ લૌકિક દ્રષ્ટિથી જુદી પડે છે. ઘણાં લાલચટક ફૂલને નિહાળી એના સૌંદર્ય પર કવિતાઓ લખે છે. લોકો એ ફૂલના ઉઘડતા લાલ રંગ પર આફરીન બને છે. કારણકે સૌ ફૂલને નિરપેક્ષ દ્રષ્ટિએ જ જુએ છે. ફૂલને આથી જુદી દ્રષ્ટિએ પણ જોઈ શકાય.

ખય્યામ પાસે આ જુદી દ્રષ્ટિ છે. ફૂલ જે માટીમાંથી ઉગે છે ત્યાં ક્યારેક કોઈ જમાનામાં કબ્રસ્તાન હતું, કબ્રસ્તાન હોય ત્યાં જ બગીચા બનાવવાની પ્રથા આપણે ત્યાં પણ છે. લાલચટક ફૂલોને જોઈ ખય્યામ કહે છે, એની રગોમાં કોઈ સમ્રાટનું રક્ત વહેતુ હોય એમ લાગે છે. આ ધરતીમાં કોઈ સમ્રાટ દફન થયો હશે એના લોહીનો લાલ રંગ આ ફૂલમાં આવીને બેઠો છે.

અને વનલતા પર ફૂટેલી કૂણી, નાજુક પાંદડી જોઈને કવિ કહે છે, આ જ કબ્રસ્તાનમાં દફનાવાયેલી કોઈ રૂપવતી રમણીના ગુલાબી ગાલ પરનું છૂંદણું જ આ પાંદડી રૂપે પ્રકટી રહ્યું છે. કવિ આટલી જ વાત કરે છે – પણ સત્તા, રાજપદ, રૂપ અને યૌવન આ બધું કેટલું ક્ષણજીવી છે તે આ ચાર પંક્તિમાં ક્યાંય પણ ઉપદેશક બન્યા વગર સમજાવી દે છે.

ગાલિબના એક શેરમાં આ કબ્રસ્તાન પરના ઉદ્યાનમાં ઉગેલા પુષ્પોની વાત છે.

સબ કહાં કુછ લાલા ઓ ગુલમેં નુમાયાં હો ગઈ,
ખાકમેં ક્યા સૂરતે હોગી, જો પિન્હા હો ગઈ

આ માટીમાં મળી ગયેલા અસંખ્ય માનવીઓમાંથી ફૂલ રૂપે તો બહુ જ થોડાં પ્રગટ થઈ શક્યાં છે, ફળફૂલોમાં જે પ્રગટ થયાં છે એ ચહેરાઓનું તો ઠીક, પણ જે પ્રગટ ન થઈ શક્યા એવા ચહેરાઓ પણ આ માટીમાં કેટલાં હશે ?

ખય્યામ એની બીજી રુબાઈમાં માનવીના એ જ અસ્થાયીપણાની વાત કરે છે. માટીને ખૂંદી રહેલા કુંભારને એ કહે છે, તું જેને નિર્દયપણે કચરી રહ્યો છે એ તો ઈન્સાન છે. અહીં એક વધુ સંદર્ભ પણ સ્ફૂરે છે, કોઈક સત્તાધારી માનવજાતને કચડતો હોય ત્યારે પણ ખય્યામનું આ રૂપક કામ લાગે છે. ખુંદાઈ રહેલ માટી એ સાધારણ માટી નથી. કોઈક દિલેર સમ્રાટની અંગુલિઓ એમાં માટી બનીને ભળી ગઈ હશે, તું જેને રગદોળે છે એ માટીમાં જ કોઈ પ્રૃથ્વીપતિનું મસ્તક પણ હશે, તારા ચાક પર જે ઘૂમી રહ્યું છે, એ શું છે એનું તને ભાન છે?

સત્તા, સાહ્યબી, સામ્રાજ્ય, સમ્રાટપદ, રૂપ, યૌવન, કીર્તિ, શૌર્ય, સંપત્તિ – આ બધાનું આખરે શું મૂલ્ય એ? બધું જ માટીમાં મળે છે. ‘મૂર્ખ તુજને ભાન છે’ – એ સંબોધન ખય્યામ પેલા કુંભારને નથી કરતા, એ પોતાની જાતને અને પ્રત્યેક માનવીને કરે છે.

ત્રીજી રુબાઈમાં પણ એ જ વિષય છે, પ્રથમ રુબાઈમાં ચિત્રણ હતું, બીજીમાં ઉપાલંભ, ત્રીજીમાં કવિ હ્રદયદ્રષ્ટિ પર ઝોક આપે છે. પાર્થિવ દ્રષ્ટિએ તો આપણને કુંભારના ચાક પર માટીના પિંડ જ દેખાય છે, પણ દિવ્ય દ્રષ્ટિએ જોતા જેના ઘાટ ઘડાય છે એ આપણા પૂર્વજોના જ દેહો છે.

ખય્યામ આમ મૃત્યુના સંદર્ભમાં જીવનને મૂકી દે છે, અને જીવનની નિરર્થકતા, તકલાદીપણું, ક્ષણભંગુરતા – આ બધું જ આપણને સમજાવી દે છે.

બિલિપત્ર

લડ્યો ન લડવા સમુંય મુજને ન કોઈ મળ્યું,
સદા કુદરતે, કલારસ વિશે જ હૈયું ઢળ્યું;
તપ્યો સત્તત તાપ હાથ મુજ બેઉ હુંફે ભર્યા
શમ્યો, ઉપડવું, પ્રયાણ અવ પ્રાણ ઝંખે નર્યા,

– લેન્ડોર
અનુ. નિરંજન ભગત


One thought on “ઉમર ખય્યામની ત્રણ રુબાઈ, હરિન્દ્ર દવેનો આસ્વાદ

Comments are closed.