પ્રસંગોના અમૃતબિંદુઓ – ડૉ. આઈ કે વીજળીવાળા 13


અનેકો વૈવિધ્ય ધરાવતો ઈન્ટરનેટનો મહાસાગર ખૂંદીને મેળવેલા અમૃતના બિંદુઓ જેવા આ પ્રસંગો ડૉ. આઈ કે વીજળીવાળાએ તેમના પુસ્તક અમૃતનો ઓડકાર અંતર્ગત સંકલિત કર્યા છે. મોતીચારો શ્રેણી અંતર્ગતનું આ તેમનું ચોથું પુસ્તક છે. હ્રદયને શાતા આપે, લાગણી આડેના બંધ ખોલી નાંખે અને ઈશ્વર પરની શ્રદ્ધા બેવડાઈ જાય એવા અદભુત પ્રસંગો વાંચતા જ હ્રદય તરબોળ થઈ જાય. નાનકડા પરંતુ ખૂબ જ સુંદર, પ્રત્યક્ષ બોધ ન હોવા છતાં સચોટ સંદેશ આ પ્રસંગોની ખૂબી છે. આજે એ જ પુસ્તકમાંથી બે પ્રસંગો અહીં પ્રસ્તુત કર્યા છે.

1. હું તો જાણું છું ને !

સવારના નવ વાગ્યાની આસપાસનો સમય હતો. પોતાના હાથના અંગુઠા પર લીધેલા ટાંકા કઢાવવા માટે એક દાદા પરદેશના એક નર્સિંગહોમનાં વેઇટિંગ રૂમમાં બેઠા હતાં. ડ્યુટિ પરની નર્સ પોતાના કામમાં થોડી વ્યસ્ત હતી. પોતે ઉતાવળમાં છે એવું દાદાએ નર્સને એકાદ – બે વખત કહ્યું એટલે નર્સે એમનો કેસ હાથમાં લીધો. દાદાના અંગુઠા પરનો ઘા જોયો, બઘી વિગત જોઈ. એ પછી એ નર્સે અંદર જઈ ડૉકટરને જાણ કરી. ડૉક્ટરે દાદાના ટાંકા કાઢી નાંખવાની નર્સને સૂચના આપી.

નર્સે દાદાને ટેબલ પર સૂવડાવ્યા. પછી પૂછ્યું, ‘દાદા ! તમારી ઉતાવળનું કારણ હું પૂછી શકું ? કોઈ બીજા ડૉક્ટરને બતાવવા માટે જવાનું છે ?’

‘ના બહેન ! ફલાણા નર્સિંગહોમમાં મારી પત્નીને દાખલ કરેલી છે. એની સાથે નાસ્તો કરવાનો સમય થઈ ગયો છે. છેલ્લા પાંચ વરસથી સવારે સાડાનવ વાગ્યે એની જોડે નાસ્તો કરવાનો મારો અતૂટ ક્રમ રહ્યો છે. છેલ્લાં પાંચ વરસથી એ નર્સિંગહોમમાં મારી પત્ની દાખલ થયેલી છે.’

‘પાંચ વરસથી ? શું થયું છે એને?’ નર્સે પૂછ્યું .

‘એને સ્મૃતિભ્રંશ – અલ્ઝાઇમર્સનો રોગ થયેલો છે.’ દાદાએ જવાબ આપ્યો.

મોં પર સહાનુભૂતિના ભાવ સાથે નર્સે ટાંકા કાઢવાની શરૂઆત કરી. એકાદ ટાંકાનો દોરો ખેંચતી વખતે દાદાથી સહેજ સિસકારો થઈ ગયો એટલે તેમનું ધ્યાન બીજે દોરવા નર્સે ફરી વાતની શરૂઆત કરી, દાદા ! તમે મોડા પડશો તો તમારાં પત્ની ચિંતા કરશે કે તમને ખિજાશે ખરાં ?’

દાદા બે ક્ષણ નર્સ સામે જોઈ રહ્યા. પછી બોલ્યા, ‘ના જરા પણ નહીં. એ ચિંતા પણ નહીં કરે અને ખિજાશે પણ નહીં, કારણકે છેલ્લાં પાંચ વરસથી એની યાદ શક્તિ સંપૂર્ણપણે ચાલી ગઈ છે. એ કોઈને ઓળખતી જ નથી. હું કોણ છું એ પણ એને ખબર નથી !’

નર્સને અત્યંત નવાઈ લાગી. એનાથી પુછાઈ ગયું, દાદા! જે વ્યક્તિ તમને ઓળખતી પણ નથી એના માટે તને છેલ્લાં પાંચ વરસથી નિયમિત નર્સિંગહોમમાં જાઓ છો ? તમે આટલી બધી કાળજી લો છો, પરંતુ એને તો ખબર જ નથી કે તમે કોણ છો ?’

દાદાએ નર્સનો હાથ પોતાના હાથમાં લઈ હળવેથી કહ્યું, ‘બેટા ! એને ખબર નથી કે હું કોણ છું, પરંતુ મને તો ખબર છે ને કે એ કોણ છે ?’

દાદાની આંખોના ખૂણામાં ભીનાશ આવી ગઈ અને નર્સની આંખોમાં આંસુ !

સાચો પ્રેમ એટલે … સામી વ્યક્તિનો જેમ છે તેમ સંપૂર્ણ સ્વીકાર, એના સમ્રગ અસ્તિત્વનો સ્વીકાર, જે હતું તેનો સ્વીકાર, જે છે તેનો સ્વીકાર, ભવિષ્યમાં જે હશે તેનો સ્વીકાર અને જે કંઈ નહીં હોય તેનો પણ સ્વીકાર !

2. નિર્ણય

અમેરિકાની વાત છે. એક માણસ પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો. શિયાળાની સાંજનો સમય હતો. સ્ટ્રીટલાઈટ તો હતી, પણ બંને તરફના ઘટાદાર વૃક્ષોના કારણે વચ્ચે વચ્ચે રોડ પર સાવ અંધારું થી જતું હતું. રસ્તો નિર્જન અને સૂમસામ હતો.

અચાનક થોડે દૂર રોડની બરાબર બાજુની ઝાડીમાંથી કંઈક અવાજ આવતો સંભળાયો. એ ધીમો પડી ગયો. ઝાડી નજીક જઈને ધ્યાનથી સાંભળ્યું તો અવાજ પરથી જણે કોઈ બે જણ વચ્ચે ઝપાઝપી થતી હોય તેવું લાગતું હતું. કદાચ એમાંથી એક અવાજ કોઇ સ્ત્રીનો હતો. એના મોં પર કોઇએ હાથ દાબી રાખ્યો હોય અને એ ચીસો પાડવાની કોશિશ કરી રહી હોય તેવો એ અવાજ હતો. એ માણસને ખાતરી થઈ ગઈ કે કોઈ સ્ત્રી પર હુમલો થી રહ્યો હતો. એ બિચારી પોતાની બધી જ તાકાતથી પ્રતિકાર કરી રહી હતી.

એ ઝાડીમાં ઘૂસવા જ જતો હતો ત્યાંએને થયું કે પોતે શું કામ પોતાની જિંદગી જોખમમાં નાખવી ? એ કરતાં તો બીજા રસ્તે થઈને ઘરે શુંકામ નપહોંચી જવું ? આવો વિચાર આવતાં જ એ માણસ ના પગ અટકી ગયા. બીજો વિચાર એને એવો આવ્યો કે નજીકના ટેલિફોન બૂથ પરથી ફોન કરીને પોલીસને જાણ કરી દેવી. પછી પોલીસને જે કરવું હોય તે કરે. પરંતુ તેનું હદય એને વારંવાર કહેતું હતું કે આમ કોઈ એકલી એને લાચાર સ્ત્રીને હેરાન થતી છોડીને જતાં રહેવું એ સારું તો ન જ કહેવાય. એનું મગજ વારંવાર એને ભાગી જવાનું કહેતું હતું, પરંતુ એનું હદય એને એમ કરવાની ના પાડતું હતું. પેલી સ્ત્રીનો વિરોધ હવે ધીમો પડી રહ્યો હોય તેવું લાગતું હતું.

એ સ્ત્રી હવે થાકીને હારી જશે એવો વિચાર આવતા જ એ માણસે ત્યાંથી જતા રહેવાનો પોતાનો વિચાર માંડી વાળ્યો. એ પોતે કાંઈ મોટો કસરતબાજ કે કરાટે માસ્ટર નહોતો. છતાં જેવું એણે પેલી સ્ત્રીને મદદ કરવાનું નક્કી કર્યું કે તરત જ એનામાં અત્યંત હિંમત આવી ઊભરાઈ આવી. બધા વિચારો પડતા મૂકીને એ દોડતો પેલી ઝાડીમાં ઘૂસ્યો. એક યુવતીને ભોંય પર પછાડીને એના પર સવાર થઈ ગયેલા ગુંડાને એણે બોચીએ પકડીને પછાડી દીધો. બંને વચ્ચે થોડીવાર ઝપાઝપી થઈ. એ દરમિયાન નીચે પડેલી યુવતી દોડીને ઝાડ પાછળ લપાઈ ગઈ. આ માણસ ઝનૂનપૂર્વક ગુંડાનો સામનો કરી રહ્યો હતો. અચાનક હુમલો થવાથી ગુંડો પણ ગભરાઈ ગયો હતો, એટલે એણે વધારે લડવાનું છોડી ત્યાંથી ભાગી જવાનું પસંદ કર્યું.

આ માણસ ઊભો થયો. ધૂળ ખંખેરી. પોતાના ફાટી ગયેલા કોટની બાંયોને ધ્રુજતા હાથે સરખી કરી. થોડોક શ્વાસ હેઠો બેઠો ત્યારે એણે જોયું કે પેલી યુવતી હજી ઝાડવા પાછળ લપાઈને હીબકાં ભરતી હતી. એને વધારે ગભરાટ ન થાય એટલા માટે એણે દૂરથી જ કહ્યું, ‘બહેન ! બેટા ! હવે ગભરાઈશ નહીં. પેલો ગુંડો ભાગી ગયો છે. હવે તું બહાર આવી જા ! દીકરી ! હવે તું બિલકુલ સલામત છો !’

થોડીક ક્ષણો પૂરતી શાંતિ છવાઈ ગઈ. પછી ધીમો, ધ્રુજતો આવાજ આવ્યો, ‘પપ્પા ! તમે છો ? હું કેથરીન !’

અને એ સાથે જ ઝાડ પાછળથી નીકળીને એ માણસની પોતાની જ નાની દીકરી કેથરીન દોડીને એને વળગી પડી !


આપનો પ્રતિભાવ આપો....

13 thoughts on “પ્રસંગોના અમૃતબિંદુઓ – ડૉ. આઈ કે વીજળીવાળા