(સાબરમતી) નદીની વ્યથા – મફત ઓઝા 2 comments


મારા શહેર વચ્ચેથી વહેતી
ગાંધારી જેવી નદી સાબરમતીને વહેણ બદલવું છે,
બની શકે તો
કુરુક્ષેત્રના ઓગણીસમા પ્રભાતને ઓઢી લુપ્ત થવું છે.

એના પર ઓવરબ્રિજ બંધાયા પછી
કૌરવો – પાંડવોના પડછાયા ઝીલી ઝીલી
સ્વર્ગારોહણ ન થઇ શક્યું એટલે
પટને સાચવી બેઠેલી એ તપ્ત રેતી
હજીયે તપ્યા કરે છે કુંતી

આખું શહેર રક્તપિત ઠલવાય એનું નથી દુ:ખ
એને છે માત્ર વ્યથા માનવીના લોહીની વાગતી છાલક
એટલે તો છે નદી તોય સાવ સુક્કી

સામસામેના કિનારા
આટલા યુધ્ધે ચડે એનીયે એને હોય ક્યાંથી ખબર ?
કેટલાય કુરુક્ષેત્ર જોયા પછી
ભરસભામાં વલવલે છે દ્રૌપદી

આ શહેર વચ્ચેથી હવે મારે વહેવું નથી.
સહેવું નથી
નદી હોવાનું રૂપ….

(‘અકબંધ’ માંથી)


2 thoughts on “(સાબરમતી) નદીની વ્યથા – મફત ઓઝા

 • રૂપેન પટેલ

  મફતભાઈ ઓઝાએ જે તે સમયે તેમણે જોયેલી સાબરમતી નદીની યોગ્ય વ્યથા રજુ કરી હશે , પણ આજે જો મફતભાઈ ઓઝા હયાત હોત તો તેમણે નવા શબ્દોમાં સાબરમતીની ગાથા રજુ કરવી પડત .આજે સાબરમતી નદી માત્ર અમદાવાદનું જ નહીં પણ ગુજરાતનુ ગૌરવ બનવા જઈ રહી છે .

 • Brinda

  મફતભાઇ, ખૂબ જ સરસ રચના! સાબરમતીની સાથે તમે સાચા અમદાવાદીની વેદના પણ સુપેરે વ્યક્ત કરી છે!
  “સામસામેના કિનારા
  આટલા યુધ્ધે ચડે એનીયે એને હોય ક્યાંથી ખબર ?
  કેટલાય કુરુક્ષેત્ર જોયા પછી
  ભરસભામાં વલવલે છે દ્રૌપદી”

Comments are closed.