(સાબરમતી) નદીની વ્યથા – મફત ઓઝા 2


મારા શહેર વચ્ચેથી વહેતી
ગાંધારી જેવી નદી સાબરમતીને વહેણ બદલવું છે,
બની શકે તો
કુરુક્ષેત્રના ઓગણીસમા પ્રભાતને ઓઢી લુપ્ત થવું છે.

એના પર ઓવરબ્રિજ બંધાયા પછી
કૌરવો – પાંડવોના પડછાયા ઝીલી ઝીલી
સ્વર્ગારોહણ ન થઇ શક્યું એટલે
પટને સાચવી બેઠેલી એ તપ્ત રેતી
હજીયે તપ્યા કરે છે કુંતી

આખું શહેર રક્તપિત ઠલવાય એનું નથી દુ:ખ
એને છે માત્ર વ્યથા માનવીના લોહીની વાગતી છાલક
એટલે તો છે નદી તોય સાવ સુક્કી

સામસામેના કિનારા
આટલા યુધ્ધે ચડે એનીયે એને હોય ક્યાંથી ખબર ?
કેટલાય કુરુક્ષેત્ર જોયા પછી
ભરસભામાં વલવલે છે દ્રૌપદી

આ શહેર વચ્ચેથી હવે મારે વહેવું નથી.
સહેવું નથી
નદી હોવાનું રૂપ….

– મફત ઓઝા
(‘અકબંધ’માંથી સાભાર)

આધુનિક નગરસભ્યતા વચ્ચે અનુભવાતા ભીંસ, વિષમતા અને ભાગદોડની અંદર સંવાદ, ઐક્ય અને સમતાને ઝંખતી આપણી પ્રાચીન સંસ્કૃતિ હિજરાય છે. કવિ શ્રી મફત ઓઝાએ એવા વાસ્તવનું સાબરમતી નદી અને અમદાવાદ શહેરની સ્થિતિને અનુલક્ષીને પ્રયોજન કર્યું છે. કવિએ ગાંધારી, કુંતી અને દ્રૌપદીના નિર્દેશોથી શાંતિ, તપ અને તિતિક્ષાને મૂક્યા છે.


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “(સાબરમતી) નદીની વ્યથા – મફત ઓઝા

  • રૂપેન પટેલ

    મફતભાઈ ઓઝાએ જે તે સમયે તેમણે જોયેલી સાબરમતી નદીની યોગ્ય વ્યથા રજુ કરી હશે , પણ આજે જો મફતભાઈ ઓઝા હયાત હોત તો તેમણે નવા શબ્દોમાં સાબરમતીની ગાથા રજુ કરવી પડત .આજે સાબરમતી નદી માત્ર અમદાવાદનું જ નહીં પણ ગુજરાતનુ ગૌરવ બનવા જઈ રહી છે .

  • Brinda

    મફતભાઇ, ખૂબ જ સરસ રચના! સાબરમતીની સાથે તમે સાચા અમદાવાદીની વેદના પણ સુપેરે વ્યક્ત કરી છે!
    “સામસામેના કિનારા
    આટલા યુધ્ધે ચડે એનીયે એને હોય ક્યાંથી ખબર ?
    કેટલાય કુરુક્ષેત્ર જોયા પછી
    ભરસભામાં વલવલે છે દ્રૌપદી”