મિથ્યાભિમાન – દલપતરામ 3


જીવરામ ભટ્ટ એક રતાંધળો મિથ્યાભિમાની બ્રાહ્મણ છે, તેની પત્ની જમના, રઘનાથ તેના સસરા, દેવબાઈ તેની સાસુ અને સોમનાથ તેનો સાળો છે. ગંગા એ જમનાની સહિયર છે. આજથી એકસોચાલીસ વર્ષ પૂર્વે લખાયેલ આ પ્રહસન એક જાહેરાતના જવાબમાં લખાયેલું. ૧૮૬૯ના જુલાઈમાં ગુજરાત વર્નાક્યુલર સોસાયટી તરફથી એવી જાહેરાત કરાયેલી કે મિથ્યાભિમાન વિશે હાસ્યરસમાં નાટકરૂપે બુદ્ધિપ્રકાશ જેવડા ૫૦ પૃષ્ઠનો નિબંધ લખીને મોકલશે તેમાં સૌથી સરસ નિબંધને કચ્છના ગોવિંદજી ઠક્કર તરફથી ૧૦૦ રૂ.નું ઈનામ અપાશે. એ જાહેરાતના જવાબમાં લખાયેલ કૃતિ એટલે આ મિથ્યાભિમાન. એ એક વિલક્ષણ નાટ્યકૃતિ છે, લોકબોલીમાં, શુદ્ધ દેશી શૈલીએ નીપજાવેલી ગુજરાતી જ કહી શકાય તેવી આ નાટ્યકૃતિને ઐતિહાસીક અને ક્લાસિક કહી શકાય. આ પહેલા પણ આ નાટકનો અંશ અક્ષરનાદ પર પ્રસ્તુત થયો જ છે (જે અહીં ક્લિક કરીને વાંચી શકાય છે) આજે પ્રસ્તુત છે આ જ નાટકનો એક અન્ય અંક.

અંક ૬, પ્રવેશ ૧, સંખ્યાદિ પૃચ્છા

સ્થાન – રઘનાથ ભટ્ટનું ઘર

પડદો ઉઘડ્યો. (ત્યાં રઘનાથ ભટ્ટ સહકુટુંબ, ગંગાબાઈ તથા જીવરામ ભટ્ટ છે.)

ગંગા – જીવરામ ભટ્ટ તમે અમને દેખો છો ?

રંગલો – દેખે છે એનો બાપ.

જીવરામ – કેમ નહીં દેખતા હઈએ ? કાંઈ આંધળા બાંધળા છીએ કે શું?

ગંગા – તમે અત્યારે કાગળ વાંચી શકો છો ખરા ?

રંગલો – કાગળ તો શું ? પણ અત્યારે મોતી વીંધે છે તો.

જીવરામ – અત્યારે અમે રાતે પુસ્તક લખીએ છીએ તે કેમ લખાતું હશે ?

સોમનાથ – કાગળ આપું તો વાંચશો?

જીવરામ – હા લાવો, શા વાસ્તે નહીં વાંચીએ !

સોમનાથ – લો, આ કાગળ, વાંચો જોઈએ. (નાખે છે તે જીવરામ ભટ્ટના પગ પાસે પડે છે.)

જીવરામ – લાવો કાગળ

સોમનાથ – એ તમારા પગ આગળ પડ્યો. નીચા નમીને લ્યો.

જીવરામ – તમારી આગળ નીચા નમવાની અમને ગરજ નથી.

રંગલો –

શ્લોક
નમંતિ ફલિનો વૃક્ષા, નમંતિ ગુણિનો જનાઃ,
શુષ્કકાષ્ટં ચ મુર્ખાશ્ચ, ન નમંતિ કદાચન.
અર્થ – ફળવાળાં ઝાડ નમે કે ગુણવાન માણસ નમે; પણ સૂકું લાકડું કે મૂર્ખ કદી નમે નહીં.

સોમનાથ – (લઈને આપે છે) લ્યો આ કાગળ.

રંગલો – જો જો ભાઈઓ, સૂરદાસજી કાગળ વાંચે છે! ખરેખરો વાંચશે કે શું?

રઘનાથ – (સોમનાથને) એમાં તો ઝીણા અક્ષર છે, પેલા મોટા અક્ષર વાળો કાગળ વાંચવા આપ્યો હોત તો ઠીક.

સોમનાથ – કંઈ ઝીણા નથી. આંધળો પણ વાંચી શકે એવા મોટા – દીવા જેવા અક્ષર છે.

જીવરામ – આ લ્યો ત્યારે તમારો કાગળ, અમારે નથી વાંચવો (નાખી દે છે)

સોમનાથ – કેમ થયું?

જીવરામ – તમે કહો છો આંધળો વાંચી શકે એવા અક્ષર છે, તો અમે કાંઈ આંધળા નથી કે એવા અક્ષર વાંચીએ. દેખતો વાંચી શકે એવો કાગળ હોય તે અમે તો વાંચીએ.

ગંગા – (ત્રણ આંગળિઓ બતાવીને) જીવરામ ભટ્ટ, આ કેટલાં આંગળા છે ? કહો જોઈએ.

જીવરામ – કહીએ તો તમે શું આપશો?

ગંગા – લાખેણી લાડી આપી છે, ને હવે બીજુ શું આપીએ? જો અત્યારે દેખી શક્તા હો તો કહો.

જીવરામ – એમાં કહેવું શું? પાંચ છે.

ગંગા – જૂઠા પડ્યા, જૂઠા પડ્યા (હસે છે)

જીવરામ – શી રીતે જૂઠા પડ્યા?

રંગલો –

દોહરો
અભિમાનીને અંતરે, ભાસે જો નિજ ભૂલ,
તોપણ તેની જીભથી, કદી નહીં કરે કબૂલ.

ગંગા – ત્રણ આંગળીઓ ઉભી રાખીને બે આંગળીઓ વાળી લઈને મેં પૂછ્યું હતું.

જીવરામ – ત્યારે અમે પણ એ જ કહ્યું કે નહીં ? ત્રણ આંગળીઓ ઉભી અમે દીઠી, અને બે વાળેલી દીઠી તે બધી મળીને પાંચ દીઠી, માટે પાંચ કહી. તમે ક્યારે એમ પૂછ્યું હતું કે કેટલી ઉભી ને કેટલી વાળેલી છે?

સોમનાથ – (પાંચેય આંગળા ખુલ્લા રાખીને) વારુ, આ કેટલી આંગળીઓ છે, કહો જોઈએ?

જીવરામ – (બીજી તરફ ગણે છે) આ એક, બે, ત્રણ અને ચાર છે.

સોમનાથ – જૂઠા પડ્યા, જૂઠા પડ્યા.

જીવરામ – શી રીતે જૂઠા પડ્યા? અમે કદી જૂઠા પડીએ જ નહીં.

રંગલો –

ઉપજાતિ વૃત્ત
વાચાળ જો વાદ વૃથા જ થાપે,
તથાપિ તે સત્ય કરી જ આપે;
ભરી સભામાં શતવાર ભૂલે,
તથાપિ જીભે કદી ના કબૂલે.

વાચાળ કદી બંધાય જ નહીં, ગમે તે રસ્તે થઈને નીકળી જાય. પણ હવે જીવરામ ભટ્ટ સંકડાશમાં આવ્યા. હવે છૂટી શકે એવો એકે રસ્તો મને તો લાગતો નથી, હવે જૂઠા ઠરી ચૂક્યા.

જીવરામ – તારા જેવા ઠગ અમને જૂઠા કહે તેથી શું? પણ જ્યારે ત્રાહિત લોકો કહે ત્યારે ખરું.

રંગલો – ત્યારે હવે તમારું સાચાપણું સાબિત કરો જોઈએ.

જીવરામ – સો રૂપિયાની હોડ કર. જો અમે જૂઠા ઠરીએ તો તને સો રૂપિયા આપીએ; અને જો તું જૂઠો ઠરે તો તારી પાસેથી સો રૂપિયા લઈએ.

રંગલો – જાદૂગર અને વાચાળ સાથે હોડ તો કરીએ જ નહીં, કહ્યું છે કે તેની તદબીરો ઘણી હોય

ઉપજાતિ વૃત્ત
વાચાળશુ હોડ કદી ન કીજે,
જાદુગરોથી બળ બાંધી બીજે;
સૂઝે ન તેના સઘળા શિરસ્તા,
વિચિત્ર તેના છળની વ્યવસ્થા.

સોમનાથ – પાંચે આંગળા ખુલ્લા રાખીને મેં પૂછ્યું હતું કે આ કેટલી આંગળીઓ છે.

જીવરામ – તે ખરી વાત, અમે ચાર આંગળીઓ દીઠી માટે ચાર કહી. અને પાંચમો તો અંગૂઠો છે, આંગળી ક્યાં છે?

દેવબાઈ – (હળવે) સોમનાથ, તારો વટવો લાવ, તેમાં હળદરનો નમૂનો છે તે કાઢ.

જીવરામ – (કાન ધરી, અવળું જોઈને) હં, વટવો માંગ્યો

દેવબાઈ – (હળદરનો ગાંગડો લઈને) જીવરામ ભટ્ટ, આ મારા હાથમાં શું છે? કહો જોઈએ ?

જીવરામ – વારે વારે અમે નથી કહેતા, જાઓ.

દેવબાઈ – હવે એક વાર કહો, તમને મારા સમ.

જીવરામ – તે છે તે તમારો વાટવો છે.

દેવબાઈ – જૂઠા પડ્યા, જૂઠા પડ્યા. (સહુ ખડખડ હસે છે)

જીવરામ – અમારી આટલા વર્ષની ઉમ્મર થઈ તેમાં અમે કદી, કોઈ ઠેકાને જૂઠા ઠર્યા નથી. શી રીતે જૂઠા પડ્યા કહો જોઈએ?

રંગલો – જીવરામ ભટ્ટ કદી જૂઠા પડે જ નહીં.

દેવબાઈ – આ તો હળદરનો ગાંગડો છે ને તમે પાન સોપારીનો વાતવો કેમ કહ્યો?

જીવરામ – તમે ઘરડાં થયાં માટે અમે જાણીએ છીએ કે તમારું કાનપરું ઉજડ થયું છે. તમે પુરું સાંભળતા નથી. તમારો વાંક નથી, ઘડપણમાં સઉને એમ થાય. કહ્યું છે કે (આ છપ્પો બોલતા ભુજ, પા વગેરે શબ્દો બોલતાં તે તે અંગ ઉપર હાથ ધરી બતાવે છે.)

છપ્પો
ભુજનો ભાગે ભ્રમ, પડે પાવાગઢ પોચો,
પેટલાદમાં પાક ન પાકે, લાગે લોચો,
જૂનાગઢની જુક્તિ બધી બદલાઈ જાશે,
કપડવણજની કશી નહીં ખરખબર રખાશે;
ખળભળશે બળ ખંભાતનું કાપનપરું કાચું થશે;
છેલ્લી વયમાં કછ છૂટશે સૂરત સર્વ જર્જરી જશે.

દેવબાઈ – શાથી જાણ્યું કે અમે બહેરા છીએ?

જીવરામ – અમે ક્યારે કહ્યું કે પાન-સોપારીનો વાટવો છે?

દેવબાઈ – ત્યારે તમે શું કહ્યું?

જીવરામ – અમે તો કહ્યું કે તમારે વાટવો છે, વાટ્યા વિના આખો ને આખો વાપરવો નથી.

રંગલો – જુઓ જીવરામ ભટ્ટ સાચા ઠર્યા ખરા.

ગંગા – (લોટો લઈને) જીવરામ ભટ્ટ, આ મારા હાથમાં શું છે?

જીવરામ – તમારા હાથમાં ધૂળ છે.

ગંગા – હવે હાર્યા કે?

જીવરામ – તમે હાર્યા, અમે તો કાંઈ હાર્યા નથી.

રંગલો – જીવરામ ભટ્ટ હારે જ નહીં.

ગંગા – ત્યારે કહો ને મારા હાથમાં શું છે?

જીવરામ – કહ્યું નહીં કે તમારા હાથમાં ધૂળ છે.

ગંગા – આ તો પીતળનો લોટો છે.

જીવરામ – અજ્ઞાની સાથે શી વાત કરીએ? જ્ઞાની હોય તે સમજે.

ગંગા – કેમ વારુ?

જીવરામ – તમારી આંખમાં વિકાર છે માટે માટે તમે લોટો દેખો છો, નહીં તો કહ્યું છે કે –

ઉપજાતિ વૃત્ત

ધાત્વાદિક દ્રવ્યો બુધ ધૂળ દેખે,
અનેક આત્મા ચિદબ્રહ્મ લેખે;
દ્રષ્ટિ વિકારે જૂજવા જણાશે,
અજ્ઞાનીને ભેદ અનેક ભાસે.

માટે અમે તો સઘળા પદાર્થો ધૂળના જ દેખીએ છીએ. ધૂળમાંથી પેદા થાય છે ને અંતે ધૂળની ધૂળ.

રંગલો – શાબાસ, બ્રહ્મજ્ઞાની, શાબાસ !

દેવબાઈ – જીવરામ ભટ્ટ, તમે બડા હુંશિયાર તો ખરા.

રંગલો – હજી તો એની હુંશિયારી આગળ જતાં વધારે ખીલશે, જુઓ તો ખરાં.

જીવરામ – કેમ વારુ?

દેવબાઈ – તમે કોઈ વાતે બોલતાં બંધાતા નથી.

જીવરામ – બોલતા બંધાય તે વળી મરદ કહેવાય કે?

રઘનાથ – જો સારી પેઠે ભણ્યા હોત તો પૃથ્વી ઉપર પગ મૂકત નહીં, અધ્ધર ને અધ્ધર ચાલત.

રંગલો –

ઉપજાતિ વૃત્ત
કુભારજા પુત્ર કદી જણે જો,
કુપાત્ર વિદ્યા વધતી ભણે જો;
અધર્મીને જો અધિકાર આવે,
જુલૂમ ઝાઝો જગમાં જણાવે.

દેવબાઈ – અમારા સોમનાથને છ મહિના તમારી પાસે રાખીને તમારા જેવો હોંશિયાર કરશો?

જીવરામ – તમારા સોમનાથમામ શો માલ છે?

રંગલો – આ વરરાજામાં બહુ માલ છે.

સોમનાથ – (જીવરામ ભટ્ટને) ત્યારે તમારામાં શો માલ છે? શુક્રવારની ગુજરીમાં જઈને વેચ્યા હોય તો કોઈ બે પૈસા પણ આપે નહિં.

જીવરામ – અરે અહીં આવતા રસ્તામાં એક ગામ આવે છે, ત્યાંના તળાવની પાળે કોઈ એક પરદેશી સરદાર ઊતર્યો હતો તેની આગળ કીમિયાની વાત નીકળી, ત્યારે અમે કહ્યું કે બરાબર સામાન હોય, તો અમે રોજ પાંચ રૂપિયાભાર રૂપું બનાવી આપીએ.

રંગલો – ત્યારે તો તું જ ભિખારી શેનો હોત?

સોમનાથ – પછી તે સરદારે શું કહ્યું ?

જીવરામ – તેણે કહ્યું કે ત્યારે તો મહારાજ, કોળી લોકો રાતમાં ખાતર પાડીને તમે સૂતા હો તે ખાટલાં સુદ્ધાં, જેમ ચિત્રલેખા અનિરુદ્ધને ઉપાડી ગઈ હતી, તેમ તમને ઉપાડીને પરદેશમાં વેચી આવે, તો તેને બે હજાર રૂપિયા મળે. કેમકે તમને વેચાતા રાખનારને રોજ પાંચ રૂપિયાભાર રૂપું મળે.

સોમનાથ – બીજા કોઈ તે વખતે ત્યાં હતાં કે?

જીવરામ – કોળીલોકો રાત્રે ચોકી કરવા આવેલા, તેઓ ત્યાં હતા.

સોમનાથ – ત્યારે તો કોળીલોકો, રાતમાં તમારો ખાટલો ઉપાડી જઈને તમને પરદેશમાં વેચી આવશે તો શું કરશો?

જીવરામ – અરે દસ કોળી આવ્યા હોય, તો હું એકલો અનિરુદ્ધની પેઠે ભોગળ લઈને ઘૂમું, ને તેઓને મારીને કાઢી મૂકું, એમનો શો ભાર છે?

દેવબાઈ – (ખાટલો પાથરી આપે છે) જીવરામ ભટ્ટ હવે તમે આ ખાટલા ઉપર સૂઈ રહો. આ પાણીનો લોટો તમારે વાસ્તે ભરીને મૂક્યો છે. હવે તમારે કાંઈ જોઈએ છે?

રંગલો – જીવરામ ભટ્ટને ખાસડાંનો માર જોઈએ છે.

જીવરામ – ના, હવે કાંઈ જોઈતું નથી. જાઓ તમે તમારે સૂઈ રહો, ઘણી રાત ગઈ છે.

ગંગા – (હસીને) જાગતા સૂજો, ચોર લોકો આવીને તમને ઉપાડી જાય નહીં.

જીવરામ – તમે જાગતા સૂજો, તમને ઉપાડી જાય નહીં.

ગંગા – હવે હું મારે ઘેર જાઊં છું.

દેવબાઈ – સવારે આવજે

ગંગા – અરે જીવરામ ભટ્ટ આવ્યા છે માટે સવારે તો બધા મહોલ્લાની બાઈડીઓ અને છોકરાં જોવા આવશે, અને હું પણ આવીશ.

(તે જાય છે)
(પથારીઓ કરીને સઉ સૂઈ રહે છે)

જીવરામ – (વિચારે છે) હજી સુધી ઈશ્વરે આપણો ટેક રાખ્યો છે, હજી આપણી ખોડ કોઈના જાણવામાં આવી નથી.

રંગલો – બે પગે ચાલે એટલાં જ માણસો જાણે છે.

જીવરામ – હવે દહાડો ઉગ્યે સૂતા ઊઠીશું એટલે તો આપણે સાત પાદશાહના પાદશાહ છીએ.

રંગલો – ઠગનો પાદશાહ

જીવરામ – તો પણ આજની રાત જાય, ત્યારે પાર પડ્યા કહેવાઈએ. કહ્યું છે કે,

ઉપજાતિ વૃત્ત
જરાતરા જોખમમાંહી છૈયે,
ત્યાં સુધી ચિંતા ચિત્તમધ્ય લૈયે;
અપાર સિંધુ જળ નાવ તારે,
કદાપિ બુડે પછી જૈ કિનારે.

જીવરામ – (ઊંઘી જાય છે, તેના નસકોરાં જોરથી બોલે છે)

રંગલો – હવે બધાં શબાકાર થઈ ગયાં.

– દલપતરામ


આપનો પ્રતિભાવ આપો....

3 thoughts on “મિથ્યાભિમાન – દલપતરામ

  • સુભાષ પટેલ

    ખરેખર આજના ૧ લાખ રુપિયાના ઇનામને પાત્ર નાટક.

  • Harshad Dave

    નાટક, એકાંકી, પ્રહસન જેવા પ્રકારોનું ખેડાણ આપણે ત્યાં જોઈએ તેટલું થયું નથી અને તેમાં અધૂરું હતું તે ચલ ચિત્રોએ પૂરું કર્યું. છતાં પાત્ર, પ્રસંગ અને સંવાદોનું સૌન્દર્ય અભિવ્યક્ત કરવા માટે એનાં જેવું રૂડું બીજું કોઈ માધ્યમ નથી એમ મને લાગે છે. વળી તે અબાલવૃદ્ધ સહુને નિર્દોષ મનરંજન, હાસ્ય અને બૌદ્ધિક વિચારો પૂરું પાડે છે. પ્રેરક પરિબળોનો અભાવ આ ક્ષેત્રના વિકાસને રૂંધતો હોય તેમ લાગે છે. -હદ.