પડઘા વિશે – દલપતરામ


પ્રસ્તુત કાવ્યમાં સિંહ પોતાના પડઘાથી વ્યાકુળ થાય છે ત્યારે શાણું શિયાળ તેને પડઘાનો ભેદ સમજાવે છે. કવિ પડઘાની આ વાતનું ઓઠું લઈને સારા વચન કર્મનો સારો, તો ખરાબનો ખરાબ પડઘો પડતો હોય છે તે બતાવી વાણીનો સંયમ જાળવવાની શીખ દે છે. અહીં પ્રાસ અને વર્ણાનુપ્રાસ વાળા દોહરા છંદમાં કવિએ સરળ રીતે પોતાની વાત રજૂ કરી છે.

એક વિકટ વનમાં વસે, સિંહ વડો વનરાજ;
મહા મદોન્મત મન ગણે અવર ન મુજ સમ.

એણે અવસર એકમાં ત્યાં તો પાડી ત્રાડ;
પડઘો પણ તેવો પડ્યો, ઝુંડ હતાં જ્યાં ઝાડ.

વળી વળી કરે વિચાર જે, આ બીજો કોઈ કોણ;
કહે સિંહ તું કોણ ત્યાં? કહ ધ્વનિ, તું કોણ?

તું તું મુજને મુજને, કાં ટુંકારે ટુંકાર?
તને તને મારીશ રીશ, નીકળ બાર રે બાર.

હું હું વનપતિ, વનપતિ, તું, તું, ચોર જ ચોર,
એ રીતે ઉચ્ચારતાં, ઘણો થયો પ્રતિઘોર.

વનપતિ સમજ્યો વન તણું રખે ચહે એ રાજ;
ક્રોધ કરીને કેસરી કૂદ્યો જોવા કાજ.

ઠામ ઠામ જઈ ઠેકતો હૈડે રાખી હામ;
ગર્વ ધરીને ગરજતો તરુ ગિરિ ફર્યો તમામ.

ત્યાં દેખી તેને કહે શાણો, એક શિયાળ;
એ અવાજ છે આપનો નહિ અવર વનપાળ.

સમજાવ્યો સારી પેઠે સિંહ થયો સુણી શાંત;
સમજ્યો કારણ સર્વ તે ભાંગી મનની ભ્રાંત,

એ રીતે આ લોકમાં બોલે જેવા બોલ;
પાછળથી પડઘા પડે, તે તો તેને તોલ.

ભલો કહી સુણીએ ભલો, બાળ કહેથી બાળ;
કીર્તિ કથ્યેથી કીરતી, ગાળ દિધેથી ગાળ.

વદવું વચન વિચારથી, અણવિચારથી ન એક;
કહો નહિ દલપત કહે, છુટી જીભે છેક.

– દલપતરામ

શું તમે રીંછ એકલું ફરવા ચાલ્યું.. – એ સુંદર મજાનું ગીત માણ્યું છે?

આપનો પ્રતિભાવ આપો....