‘फिर हाथ की कलम से, कागजों पर सरसराहट होने लगी, और जाने कितनी नज़्मे – पानी में बहेते हुए पेड़ो के पत्तो की तरह कागज़ों पर झड़ने लगी…’ આવું વાંચતા એમ થાય કે આ તો જાણે આપણી જ વાત કહી રહ્યા છે. જગતના દરેક સમયના દરેક પ્રેમીઓનાં DNA એકસરખા હોતા હશે?
એ..ય સાંભળને….
હમણાં થોડા દિવસો પહેલાં જ દુનિયાએ પ્રેમનો દિવસ ઉજવ્યો. થોડું અચરજ થાય છે. જે અનુભૂતિ જીવનનું ચાલકબળ છે એનો એક જ દિવસ કઈ રીતે ઉજવી શકાય? પ્રેમ જીવનમાં હોય તો આખું જીવન જ ઉત્સવ ન બને! છતાંય આવી ઉજવણીઓ પણ ગમ્યા કરે. આ દિવસમાં પ્રિયપાત્ર સમક્ષ પ્રસ્તાવ મૂકવો અને એનો જવાબ આપવો એવું બધું હું નથી સમજતી. પણ આ દિવસના બહાને ફરી એક વખત કહી દઈએ, કે તું મારા માટે કેટલો અગત્યનો છે તો ખોટું શું? મને ક્યારેક એમ થાય કે આ દિવસના અસ્તિત્વની ઉજવણી આપણા દેશ સુધી વિસ્તરી ન હતી ત્યારેય પ્રેમીઓ આ કરતા જ હશેને! કોઈ એક દિવસ નક્કી ન હોય એટલે કોઈ પણ દિવસ ખાસ બની જતો હશે! ત્યારના પ્રેમીઓ પણ અત્યારના જેવા જ હશે? એ લોકો કઈ રીતે વાતો કરતા હશે? મને એવું વિચારવાનું ખૂબ ગમે અને એવી કલ્પનાઓ કરવાનું કે એ સમયે પ્રેમીઓ પોતાનો પ્રેમ કઈ રીતે વ્યક્ત કરતા હશે?
એ સમયની વાત નીકળી અને પ્રેમને ઉજવવાની વાત છે તો તને એક સરસ વાત કહું. આજકાલ હું અમૃતા પ્રીતમનું પુસ્તક વાંચી રહી છું. એ વાંચતા મનમાં સતત એક વાત ગૂંજતી રહે છે. શું અમૃતાએ સાહિરને ક્યારેય આવા પત્રો લખ્યા હશે? અમૃતાના શબ્દો અને સાહિરનો લય… એમના સંબંધનું કેવું મધુર સંગીત રચાયું હશે! તને ખબર છે, એ બન્ને પહેલી વાર મળ્યા એ નગરનું નામ જ ‘પ્રીત નગર’ હતું. કોઈ પણ બે પ્રેમીઓ મળે એ સ્થળ આપમેળે જ ‘પ્રીત નગર’ ન બની જાય? લાહોર અને અમૃતસરની વચ્ચે રહેલું એ નગર… જાણે અમૃતા અને સાહિરને મધ્યમાં ખેંચી લાવવાનું કેન્દ્રગામી બળ! અને એનું નામ પણ તો જો! જે યાત્રાની શરૂઆત જ ‘પ્રીત નગર’થી થઈ હોય, એનો વિસ્તાર તો અદ્ભુત જ રહેવાનો ને! એમની યાત્રા વિષે અમૃતા લખે છે, जब पहेली बार वे जिंदगी की सड़क पर मिले थे, कौन किस सड़क से आया था, दोनों पूछना भूल गए और बताना भी। वे निग़ाह नीची किये जमीन में नींवे खोदते रहे और फिर यहाँ जादू का एक घर बन कर खड़ा हो गया। ‘જિંદગીની સડક’! કેટલી અજીબ અને છતાં અદભુત વાત છે આ !
બે વ્યક્તિઓ- બે અલગ શહેર- બે અલગ સંસ્કૃતિ- બે અલગ પ્રદેશ અને એમને જોડતો સેતુ- શબ્દ! સાહિરના અસ્તિત્વના સ્પર્શે અમૃતાના શબ્દોને વહેતા કર્યા. અમૃતા લખે છે, ‘फिर हाथ की कलम से, कागजों पर सरसराहट होने लगी, और जाने कितनी नज़्मे – पानी में बहेते हुए पेड़ो के पत्तो की तरह कागज़ों पर झड़ने लगी…’ અને તારા મળ્યા પછી હું પણ તો આવુજ કંઇક અનુભવુંં છું. આવું વાંચતા એમ થાય કે આ તો જાણે આપણી જ વાત કહી રહ્યા છે. જગતના દરેક સમયના દરેક પ્રેમીઓનાં DNA એકસરખા હોતા હશે? રાબેયા, જેઓ બલ્ખનાં રાજકુમારી હતા, તેમણે પોતાના પ્રેમી બખ્તાસના મિલન પછી અગણિત રચનાઓ લખી અને એમની પ્રેમકથાના કરુણ પરિણામ બાદ પોતાની અંતિમ પળોમાં બાથરૂમની દીવાલ પર પોતાના લોહીથી અંતિમ રચના લખતા ગયા. બીજી પ્રેમકથાઓ વિશે કે એમની રચનાઓ વિશે મને વધારે તો નથી ખબર, કારણકે ‘લૈલા- મજનૂ’ કે ‘હિર-રાંઝા’ ખુદ તો કોઈ સર્જક ન હતા! હા, મહિવાલે દરેક ઘડા પર સોહનીનું ચિત્ર બનાવ્યું હતું. કા…શ સોહની જે ઘડો લઈને મહિવાલને છેલ્લી વાર મળવા ગઈ હતી, એ ઘડો કાચો ન હોત… તો એ મુલાકાત છેલ્લી ન હોત! શું દરેક પ્રેમકથામાં એક ‘કાશ…’ હોતું જ હશે? આ બધી પ્રેમકથાઓ અને એના પાત્રો તો દંતકથા સમાન લાગે, પણ અમૃતા અને સાહિર તો જાણે આપણા જ યુગના! એમની વાતો, એમનું જીવન, એમના સંઘર્ષો પણ આપણા સમયના. શું અમૃતા અને સાહિરના અલગ અલગ શહેરો વચ્ચે પણ આવો કોઈ સેતુ રચાયો હશે? અમૃતા દિલ્હીમાં હતા અને સાહિર મુંબઈમાં, ત્યારે શું અમૃતાએ સાહિર માટે આવી કોઈ રચના લખી હશે?
तुम्हारा शहर…
जब कभी वो तीन अक्षर कहीं भी दिखाई देते है,
कुछ अजीब तरहा से मुझे अपनी ओर खींचते रहते है।
अगर किसी किताब के पन्ने पर हो
तो में उस पन्नो पर देखने लगती हूँ
तुम्हे मरीन लाइंस के समंदर के किनारे बैठे हुए।
किसी अखबार में हो
तो वही अखबार थामे उसे पढ़ते हुए तुम नज़र आते हो।
किसी फ़िल्म में तुम्हारे शहर का समंदर देख लूँ
मेरी सांसे नमकीन होने लगती है।
तुम्हारे शहर की बारिश की खबर जब टेलिविज़न पर देखती हूँ
तो मेरे सारे एहसास भीग जाते है।
मगर जब तुम्हारे शहर के वही तीन शब्द
किसी रॉड के बोर्ड पर अंतर दिखाते हुए दिख जाते है…
वह लिखने वाले सारे जूठे लगने लगते है।
क्या तुम कभी भी मुझसे इतनी दूर हो सकते हो….?
મને નથી ખબર અમૃતાએ આવું લખ્યું હશે કે નહિ પણ મને એટલી ખબર છે કે જમાનો ભલે કોઈ પણ હોય, પ્રેમીઓની ભાષા હંમેશા એક જ રહેવાની. એ કોઈએ શીખવી શીખવવી નહિ પડતી હોય. બસ, આપોઆપ ભીતર કશુંક વવાઈ જાય અને પછી ઉગી નીકળે. ક્યારે, ક્યાં, શું…કોઈ પ્રશ્નો કે ઉત્તરોની ભાંજગડમાં પડ્યા વગર એ વૃક્ષ થઇ પાંગરે. એવુ જ કંઈક ત્યારેય થયું હશેને, જે આજે થાય છે! અમૃતા અને સાહિરે પોતાની નજરોથી જમીનમાં જે નીંવ રાખી હતી, તને નથી લાગતું એ ઇમારત પર કેટલાય પ્રેમીઓની સપનાની વેલ આજે પણ પાંગરતી હશે? અને એ વેલને ઉપર ચડવા પણ એ જાદુનું ઘર જ મદદ કરતું હશેને!
આ પત્રમાં આટલું જ..
જાદુનાં ઘરની વાતો આવતા પત્રમાં..
ત્યાં સુધી..
આપણે પણ આપણી નજરોથી જમીનમાં આપણા સપનાનાં ઘરની નીંવ મજબૂત કરીએ.
(પત્રમાં લખેલી હિન્દી રચના પત્ર લખનારનું પોતાનું સર્જન છે.)
— નેહા રાવલ
નેહા રાવલની કલમે સંવેદનાસભર પત્રો દર પખવાડિયે તેમની કૉલમ ‘વાયા લેટરબૉક્સ’ અંતર્ગત અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ રહ્યાં છે, અહીં ક્લિક કરીને એ પત્રગુચ્છ વાંચી શક્શો.
સાહિત્ય સાથે સંકળાયેલા બે વ્યક્તિત્વોની પ્રેમકથા સાથે સાંકળીને સરસ વાત કહી. અભિનંદન.