કંકુ છાંટીને લખજો કંકોત્રી.. – કમલેશ જોષી


સ્મશાન યાત્રા :- ભાગ ૧૬

“જોષીભાઈ છે?” બહાર કોઈ કડક અવાજે પૂછી રહ્યું હતું. ચકુ પાણીના ગ્લાસ મૂકવા ઉભી જ થઈ હતી. “હું જોઉં છું.” એ બોલી. ચકુ ઉતાવળે પાછી આવી. એની આંખોમાં ગભરાટ હતો. “કોઈ પોલીસવાળા આવ્યા છે.”

મને ફાળ પડી. જતીનકાકાએ કોઈ કેસ કબાડા તો નહિ કર્યા હોય! હે ભગવાન ! બહેનના લગ્નનો પ્રસંગ સાચવી લેજે.

પપ્પા કણસતા હતા. અમે રિક્ષા બોલાવી હતી. એકબાજુ લાલભાઈ અને બીજી બાજુ હું પપ્પાને ખોળામાં સુવડાવીને બેઠા. મોટીબેન અને મમ્મી સ્કૂટી પર ગોઠવાયા. ઘર સંભાળવાની જવાબદારી જોષીકાકાની ચકલીને સોંપી. દાકતર સાહેબે પપ્પાને તપાસ્યા. એક ઇન્જેક્શન આપ્યું. એ પછી સૌને બહાર બેસવાનું કહી મને એકલાને અંદર બોલાવ્યો. મને પરિસ્થિતિ ગંભીર લાગી.

“મલેરિયાની અસર છે. ખાસ તકેદારી રાખજો. બિલકુલ ટેન્શન ન આવે એનું ધ્યાન રાખજો. ત્રણ દિવસ પૂર્ણ બેડરેસ્ટ આપો. પગ દબાવો. મેઇન વાત.. એક પણ પ્રકારનું ટેન્શન ન આવવું જોઈએ.” સાહેબે સમજાવ્યું. હું બહાર નીકળ્યો. પપ્પા સામે જોઈ, સહેજ સ્મિત કરી બોલ્યો:

“કશું નથી.. થોડા આરામની જરૂર છે.” એ બિચારા નિર્દોષતાથી મલકાયા. અમે ફરી રિક્ષામાં ગોઠવાયા. પપ્પા થોડા ઘેનમાં બબડતા હતા.

“કંકોત્રીનું આજે ફાઈનલ કરવાનું છે, રસોયાને આવતીકાલે સવારે મેનુ કહેવા બોલાવ્યો છે. કંકોત્રી બે દિવસમાં આવી જાય તો બહારગામની બધી પોસ્ટ કરવાની છે. ગામના ત્રેપન ઘરે કંકોત્રી વહેંચવાની છે.” એમને હાંફ ચઢી ગયો છતાં એ ત્રુટક અવાજે બોલ્યા, “હવે આપણી પાસે દિવસો ઓછા છે…”

મને ફરી ઝાટકો લાગ્યો. કેટલું બધું ટેન્શન પપ્પાના માથા પર સવાર છે! ડોકટરના શબ્દો મારા કાનમાં ગુંજ્યા. “એક પણ પ્રકારનું ટેન્શન ન આવવું જોઈએ.” પપ્પાને પથારીમાં સુવાડી હું અને લાલાભાઈ ફળિયામાં આવ્યા. મોટીબેન પણ ત્યાં આવી.

“શું કહ્યું ડોકટરે?” એણે પૂછ્યું. ત્યાં ચકુ સૌને ચા પીરસી ગઈ.

“મેલેરિયાની અસર છે.” મેં કહ્યું. એ બંને ગંભીર થઈ ગયા.

મોટીબેન બોલી, “ભાઈ.. હું તારા જીજાજીની સાથે વાત કરી લઈશ. લગ્નની તારીખો ફેરવી નાંખીએ..”

લાલાભાઈ બોલ્યા, “અરે બેન, આ શું બોલ્યા તમે? હવે તો ત્યાં પણ મોટાભાગની તૈયારી થઈ ગઈ હશે.” અંદર પપ્પાના ઉંહકારા સંભળાતા હતા. ત્યાં ચકુ આવી અને બોલી, “પેલા ગણેશ કાર્ડ્સ વાળા ભાઈ બે વાર ચક્કર મારી ગયા.”

લાલાભાઈ બોલ્યા, “બંટી, જો વધુ પડતું ન કરવું હોય તો આપણા તરફનું ટૂંકેથી પતાવી શકાય. આ કંકોત્રીનું માંડી વાળીએ. પરિવારના અને પરિચિતોના દસ પંદર ઘર લઈ લઈએ તો પ્રસંગ સચવાઈ જાય.”

ચકુ, લાલાભાઈ અને મોટીબેન મારી સામે તાકી રહ્યા. આવડો મોટો નિર્ણય લેવા માટે હું બહુ નાનો હતો. પપ્પાની તબિયત અમારા માટે પહેલો અને પ્રાણપ્રશ્ન હતો. બીજી બાજુ મોટીબેનના લગ્ન અંગે પપ્પાએ પણ ખૂબ હોંશથી સ્વપ્નો ગુંથેલા હતા.

મેં કહ્યું, “ચકુ, તું જરા પપ્પા પાસે બેસીશ અને મમ્મીને બહાર મોકલીશ?” એ ગઈ. મમ્મી આવી. એમની આંખોમાં ભીનાશ હતી. મોટીબહેને પોતાનો અને લાલાભાઈએ પોતાનો મુદ્દો ફરીથી રજૂ કર્યો.

“તું શું કહે છે બંટી..?” મમ્મીએ મને પૂછ્યું.

મેં ઊંડો શ્વાસ લીધો. “લાલાભાઈની વાત સાચી છે. આપણે પપ્પાની સારવાર પણ કરવાની છે અને પ્રસંગ પણ સાચવી લેવો જોઈએ.”

ત્યાં ચકુ બહાર આવી, “કાકા તમને બધાને અંદર બોલાવે છે.” અમે દોડ્યા.

“શું વિચારો છો તમે બધા? કંકોત્રીવાળો આવી ગયો? ચાલ બંટી.. તું સ્કૂટી કાઢ આપણે બંને કંકોત્રી ફાઈનલ કરી આવીએ.” એમની આંખો ચકળવકળ થતી હતી. પરસેવાનું એક બુંદ એમના કપાળ પરથી સરકીને ગાલ પર પહોંચ્યું હતું. મને ડોક્ટરના શબ્દો યાદ આવ્યા, “એક પણ પ્રકારનું ટેન્શન ન આવવું જોઈએ.”

Kankotri

મેં કહ્યું, “પપ્પા.. કંકોત્રીનું તો ક્યારનું ફાઈનલ થઈ ગયું. એ તો છપાવા પણ માંડી હશે. તમે બિલકુલ ચિંતા ન કરો. હું છું ને! હું બધું જ સંભાળી લઈશ..” સૌ ફાટી આંખે મારી સામે તાકી રહ્યા. બસ.. એક પપ્પાની આંખોમાં મને હર્ષનો ઝબકારો જોવા મળ્યો.

મેં સૌની સામે જોયું અને આત્મવિશ્વાસ સાથે કહ્યું “મોટીબેનના લગ્ન પપ્પાએ નક્કી કર્યું છે એવી જ રીતે અને એટલી જ ધામધૂમથી આપણે કરીશું.” મોટીબેન અને મમ્મીની આંખોમાં ઝળઝળિયાં અને લાલાભાઈ અને ચકુની આંખોમાં મેં માન જોયું.

કેટલાક સંકલ્પો જ એવા હોય છે જે ખુદ પોતે જ બેશુમાર શક્તિ, શ્રદ્ધા અને સફળતા લઈને આવતા હોય છે. એ દિવસથી ચકલી અને લાલાભાઈ પણ અમારા ઘરનો હિસ્સો બની અમારી તૈયારીઓમાં જોડાઈ ગયા.

કંકોત્રીનું ફાઈનલ કરતી વખતે ફરી એકવાર પપ્પાનું ટેમ્પરેચર વધી ગયું. નિમંત્રકમાં સ્નેહાધીન તરીકે દાદા-દાદીથી શરુ કરી મમ્મી-પપ્પા અને જતીનકાકા અને વીણાકાકીનું નામ પપ્પાએ જ ડ્રાફ્ટમાં દિવસો પહેલા મોકલી આપ્યું હતું. ગામડે બોલાચાલી થઈ ત્યારે છેલ્લે તો જતીનકાકાએ મોટીબેનના લગ્નની કંકોત્રી પણ ન મોકલવાની અને સંબંધ પૂરો થયાની વાત પણ ઉચ્ચારી હતી. એ ઘટના ફરી તાજી થતા પપ્પાને ડોક્ટર સાહેબ પાસે લઈ જવા પડ્યા હતા. ડોકટરે એમને થોડી હાઇ પાવરની દવા આપી, સાથે સાથે થોડું કાઉન્સેલિંગ પણ કર્યું અને એમને હિમ્મત પણ આપી હતી. ફાઈનલી કંકોત્રીઓ છપાઈને આવી ગઈ. મેં સાયબર કાફેમાં વીસ દિવસની રજા મૂકી દીધી. ચકુ અને મમ્મી ગામ આખામાં કંકોત્રી વહેંચી આવ્યા.

મેનુ નક્કી થઈ ગયા. પ્રસંગમાં મેનુનું પણ બહુ મોટું વિજ્ઞાન હોય છે એ મને પહેલીવાર ખબર પડી. મેં જોયું હતું કે હમણાં હમણાં લગ્ન પ્રસંગોમાં જમણવારમાં બહુ વૈવિધ્ય આવવા માંડ્યું હતું. જૂની ફિક્સ થાળી જેવા, બે મીઠાઈ અને એક ફરસાણ ને બદલે પહોંચતા પામતા લોકો જમણવારમાં દહીંવડા, ચાઇનીઝ તેમજ પંજાબીની ચોઈસ પણ આપવા માંડ્યા હતા. ગરમા ગરમ અડદિયાથી શરુ કરી સીઝન મુજબ કેરીનો રસ, શ્રીખંડ જેવું પણ પીરસાવા માંડ્યું હતું. જોકે અમારા પરિવારને તો આ બધા ઓપ્શન્સ આપવા પરવડે એમ નહોતા, એમાંય જોષીકાકા, લાલાભાઈના પપ્પા, અમારા ગોરમહારાજ, કાકી સાથે જયારે મારા પપ્પાની તબિયત જોવા ઘરે આવ્યા ત્યારે એમણે લગ્નના જમણવારનું મસ્ત વિજ્ઞાન સમજાવ્યું. પપ્પાની ફરતે અમે સૌ બેઠા હતા: પપ્પા, મમ્મી, જોષીકાકા, કાકી, લાલાભાઈ, ચકુ, મોટીબહેન અને હું.

જોષીકાકાએ પપ્પાની તબિયત પૂછી લીધા પછી મોટી બહેનને કહ્યું “દીકરી, તું બહુ ડાહી અને સમજુ છે. હું તો વર્ષોથી જોઉં છું. કોલેજ સુધી ભણી, ટ્યુશન ક્લાસ ચલાવે છે. તારા મમ્મી અને પપ્પા બહુ મહેનતુ, સીધા અને ભોળા માણસો છે. તુંય એના જેવી જ થઈ છે. દીકરી હું પણ તારા બાપના ઠેકાણે છું. દરેક બાપની ઈચ્છા હોય છે કે દીકરીને વ્યવસ્થિત સાસરું મળે. સાસરે દીકરી સુખી રહે એટલે મા-બાપ રાજી રાજી. એટલું યાદ રાખજે કે અહીંની અને ત્યાંની કદી સરખામણી નહિ કરવાની. આપણે ત્યાં હરીફાઈ કરવા નથી જતા. કેટલુંક અહીં હશે એ ત્યાં નહિ હોય અને કેટલુંક ત્યાં એવુંયે હશે જે અહીં નહોતું. બસ, તું બધાનું માન જાળવે અને તારું માન જળવાઈ રહે એટલે સંસાર સુખી સુખી સમજવાનો, તારા મમ્મી-પપ્પા પણ એમાં રાજી થશે. આ તો મારું માનવું છે અને તને વણમાંગી સલાહ છે. ખોટું ન લગાડતી.”

“ના.. ના.. જોષીકાકા.. તમે મારા મમ્મી-પપ્પાની જગ્યા એ જ છો. મારી મમ્મીએ પણ મને આજ વાત શીખવી છે.” મોટીબેને સહેજ ભીના અવાજે કહ્યું. અમે સૌ એની સામે માનપૂર્વક જોઈ રહ્યા. ત્યાં જોષીકાકાએ મને પૂછ્યું: “ક્યાં પહોંચી તૈયારી?”

મેં કહ્યું: “ઓલમોસ્ટ બધું ગોઠવાઈ ગયું છે, બસ આજ સાંજ સુધીમાં જમણવારનું મેનુ ફાઈનલ થઈ જશે એટલે મેઈન બધા કાર્યો પુરા.”

“દીકરાએ બધું સંભાળી લીધું છે.” મારા પપ્પા બોલ્યા.

“હા, લાલો કહેતો હતો, બંટી બહુ સમજદારીથી તૈયારી કરી રહ્યો છે.” જોષીકાકા બોલ્યા.

“એમાં લાલાભાઈ અને ચકુનો પણ અમને ખુબ સપોર્ટ છે હોં કાકા..” મોટીબેન બોલી.

“સપોર્ટ કરવો જ જોઈએ ને! આપણો સંબંધ આજકાલનો થોડો છે?” કાકી બોલ્યા.

“એમાં એવું છે બંટી..” જોષીકાકાએ વાતનો દોર પોતાના હાથમાં લેતા કહ્યું, “અમે તો અનેક લગ્ન પ્રસંગ જોઈ લીધા, એના પરથી મને તો એટલું સમજાયું કે જમણવાર બહુ ઈમ્પોર્ટન્ટ છે કેમકે લગ્નના ભોજન સમારંભમાં માંડવીયા, જાનૈયા અને આપણા તમામ સગાસંબધીઓ સો ટકા હાજરી આપે. સાંજીમાં કે દાંડિયામાં તો આપણે ઘરઘરના જ હોઈએ, પણ ભોજન સમારંભમાં પૂરા ત્રણસો-ચારસો લોકો હાજર હોય.” એ સહેજ અટક્યા. અમને વાતમાં રસ પડ્યો.

એ આગળ બોલ્યા, “પણ આજકાલ બુફે સીસ્ટમ અને એટલી બધી વેરાયટીઓ હોય છે કે શું જમવું અને શું છોડી દેવું એ જ પ્રશ્ન થઈ પડે. એટલે મારો તો મત એવો છે, જો મહેમાનોને પેટ ભરીને જમાડવા હોય તો સીધી સાદી ફૂલથાળીનું એક જ ઓપ્શન હોય તો જામો પડી જાય. આ તો હું મારો મત કહું છું, તમતમારે જે નક્કી કરો એ હોં.” એ અમારી સૌની સામે જોઈ બોલ્યા.

“જોષીકાકાની વાત સાચી છે.” મારા પપ્પા બોલ્યા.

“એમાંય પાછું એવું છે..” ફરી જોષીકાકાએ દોર હાથમાં લીધો. “વાનગીઓના સ્વાદ અને ક્વોન્ટીટી સીઝન પ્રમાણે ફેરફાર કરવા પડે, શિયાળામાં શાક થોડું વધુ તીખું હોય તો મજા આવે અને ઉનાળામાં તીખાશ માપમાં રાખવી પડે, એમાંય જ્ઞાતિ મુજબ તીખાશ-ગળાશનું પ્રમાણ જુદું હોય. ઇવન ગામડા અને શહેર મુજબ પણ સ્વાદમાં ફેરફાર કરવાનો આવે.. જોકે રસોઈયાને તો આ બધી ખબર જ હોય..” જોષીકાકાનું એનાલિસિસ રસપ્રદ હતું. એમણે ઘણી વાતો કરી. આખરે અમે મેનુ નક્કી કરી લીધું. માંડવાને દિવસે પૂરી, શાક, દાળ, ભાત, તીખી સેવ અને મોહનથાળ. રાત્રે ડિસ્કો દાંડિયા વખતે સેવ ટમેટાનું શાક, રોટલા અને ખીચડી. લગ્નના દિવસે ગુલાબ જાંબુ, કટલેટ્સ, ઊંધિયું, ચોળી, દાળ, ભાત, પૂરી અને રમકડાં.

હું, ગૌરીના લગ્ન વખતે જેમ લગનીયો બનીને એના સાસરે કંકોત્રી આપવા ગયો હતો એમ જ, મોટીબેનની કંકોત્રી લઈ હું લાલાભાઈની સાથે રાજકોટ જઈ આવ્યો. જીજાજીના પપ્પાએ પણ મારી સમજદારી અને જવાબદારીને વખાણી. સાંજે તો અમે પરત ઘરે આવી ગયા હતા. મોટીબેન અને ચકુ અંદરના રૂમમાં કશુંક ગોઠવતા હતા. મમ્મીએ મને ચા પાયો.

“જોષીભાઈ છે?” બહાર કોઈ કડક અવાજે પૂછી રહ્યું હતું. ચકુ પાણીના ગ્લાસ મૂકવા ઉભી જ થઈ હતી. “હું જોઉં છું.” એ બોલી. ચકુ ઉતાવળે પાછી આવી. એની આંખોમાં ગભરાટ હતો. “કોઈ પોલીસવાળા આવ્યા છે.”

મને ફાળ પડી. જતીનકાકાએ કોઈ કેસ કબાડા તો નહિ કર્યા હોય! હે ભગવાન ! બહેનના લગ્નનો પ્રસંગ સાચવી લેજે. મમ્મી અને બહેન પણ ચિંતાતુર ચહેરે ઉભા થયા. “તમે અંદર જ રહેજો.” કહેતો હું ઝડપથી બહારની તરફ દોડ્યો.

બીજી જ મિનિટે અમે ખડખડાટ હસતા હતા.

પોલીસ ડ્રેસ જોઈ હું પણ ગભરાઈ ગયો હતો પણ જયારે મેં ચહેરો જોયો તો મારા આનંદનો પાર ન રહ્યો. એ વીરો હતો. મમ્મી અને મોટીબેને પણ જયારે વીરાને પોલીસ ડ્રેસમાં જોયો ત્યારે તેઓ પણ ખુશ થઈ ગયા. વીરાએ જબ્બરદસ્ત સરપ્રાઈઝ આપ્યું હતું. એણે મારા હાથમાં એક કવર મૂક્યું. “પૂરા દસ હજાર છે. આપણે જે આપણા લગ્ન માટે ફંડ ભેગું કરતા હતા ને એમાં આટલી રકમ જમા થઈ છે. ગ્રુપ સાથે વાત થઈ ગઈ છે. તારે પંદર હજાર ઘટે છે એ વાત પૂજને મને કરી. હું હજુ પાંચ હજારનો બંદોબસ્ત કરું છું. મોટીબેન તારી એકલાની મોટીબેન થોડી છે!” મારી આંખોમાં આંસુ આવી ગયા.

“ચલ હું નીકળું, મારે થોડી ઉતાવળ છે. રાત્રે મળીએ..” વીરો આવ્યો હતો એવો જ પાછો ફરી ગયો. મમ્મી, મોટીબેન અને ચકુ મારી સામે માનભરી નજરે તાકતા હતા. મેં મોટીબેનના હાથમાં દસ હજાર રૂપિયાવાળું કવર આપતા કહ્યું: “સંભાળીને રાખી દે દીદી.. હવે લગ્નમાં કોઈ અડચણ નહિ આવે.”

મને મુસાફરીનો થાક લાગ્યો હતો. હું ઉપરના રૂમમાં થોડી વાર આરામ કરવા ગયો. એક ચિંતા છેલ્લા અઠવાડિયાથી મને ઘમરોળી રહી હતી. લગ્નના ખર્ચમાં બધો હિસાબ કર્યા પછી હજુ પંદર હજાર ઘટતા હતા. એ ક્યાંથી કાઢવા. વીરાએ સાવ અચાનક દસ હજાર ભેગા કરી આપતા મારું મન સહેજ હળવું થયું હતું. જો કે અત્યારે હું થાકી ગયો હતો. હજુ મારી આંખ સહેજ મળી ત્યાં મને કોઈનું ડૂસકું સંભળાયું. આ સ્વપ્ન હતું કે હકીકત? ફરી કોઈ રડ્યું. મને ખતરાની ઘંટડી વાગતી સંભળાઈ. ઓહ, ક્યાંક પપ્પા…!

હું સફાળો બેઠો થઈ ગયો. મગજમાં હજારો વિચારો દોડી ગયા. છલાંગ લગાવી હું પગથિયાં ઉતર્યો. નીચે પથારીમાં પપ્પાની આંખો બંધ હતી. ચકુ રસોડામાંથી ફટાફટ પાણીનો ગ્લાસ લઈ રૂમમાં આવી હતી. એ મારી સામ ફાટી આંખે તાકી રહી, હું પપ્પા સામે ફાટી આંખે તાકતા બોલ્યો, “શું થયું પપ્પાને?” એણે પણ પપ્પા તરફ ગરદન ઘુમાવી. હું દોડીને પપ્પાની નજીક સરકયો..

(ક્રમશઃ)

‘સ્મશાનયાત્રા’ સ્તંભના આ પહેલાના લેખ અહીં ક્લિક કરીને માણી શક્શો.

આપનો પ્રતિભાવ આપો....