સિત્તેરના દાયકાના અમેરિકાનું એક લાક્ષણિક પાત્ર એટલે સ્ટીવ જોબ્સ. કોલેજનો અભ્યાસ અધૂરો છોડીને પોતાની આવડતથી ઇતિહાસ સર્જનાર અને ફક્ત પંચાવન વર્ષ જીવનાર પરંતુ પોતાની અમિટ છાપ છોડી જનાર વિશ્વ વિખ્યાત આ અનોખા માનવીએ ટેકનોલોજી, કોમ્યુનિકેશન અને સંદેશા વ્યવહારની દુનિયામાં હલચલ મચાવી દીધી હતી. સ્ટીવ જોબ્સ વિશે કેટલીક આશ્ચર્યજનક અને ઓછી જાણીતી વાતો.
સ્ટીવ જોબ્સની જિંદગીની શરૃઆત જન્મથી જ નાટકીય રહી હતી. રાજ્યશાસ્ત્રના અધ્યાપક અને મૂળ સિરીયાના અબ્દુલફતહ જંદલી અમેરિકન યુવતી જોન કેરોલ શીબલ સાથે પ્રેમમાં પડયા. બન્નેનાં લગ્ન થાય તે પહેલાં જ ૧૯૫૫માં તેમના સંબંધથી એક પુત્રનો જન્મ થયો. બન્ને વ્યક્તિને તે સમયે સંતાન જોઇતું ન હતું એટલે તેમણે પોતાના પુત્રને દત્તક આપવાનું નક્કિ કર્યું. અત્યારે જેને આપણે સિલિકોન વેલીના નામે ઓળખીયે છીએે તેવા કેલિફોર્નિયાના દંપતિ પોલ અને ક્લેરા જોબ્સ જંદલી અને જોન શીબલના એ પુત્રને દત્તક લીધો અને તેને સ્ટીવન નામ આપ્યું ઉર્ફે સ્ટીવ જોબ્સ.
સ્ટીવ જોબ્સની શૈક્ષણિક કારકિર્દીમાં કોઇ નોંધ પાત્ર બાબત ન હતી. હાઇસ્કૂલ સુધીનો અભ્યાસ કોઇ જ નોંધપાત્ર સિદ્ધિ વગર ગબડયો હતો. કોલેજના પહેલાં જ સેમિસ્ટરથી સ્ટીવે ભણવાનું છોડી દીધુ હતું. ત્યાર પછી યુનિવર્સિટી સાથે સ્ટીવ જોબ્સનો યાદગાર સંબંધ છેક ૨૦૦૫માં ઉભો થયો જ્યારે વિશ્વવિખ્યાત સ્ટેનફર્ડ યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે સ્ટીવને આમંત્રણ મળ્યું. પોતાના પ્રવચનની શરૃઆતમાં જ સ્ટીવે કહયું હતું કે, ‘હું કદી ગ્રેજ્યુએટ થયો નથી. કોલેજ ગ્રેજ્યુએશન સાથેનો મારો સૌથી નજીકનો પનારો પડયો હોય તો એ આજે!’
હાઇસ્કૂલના શિક્ષણ દરમિયાન જોબ્સ વિખ્યાત કંપની હયુલેટ પેકાર્ડ (એચ.પી.)માં યોજાતા લેક્ચર સાંભળવા જતા. વેકેશનમાં થોડો સમય તેને એચ.પી.માં કામ પણ કર્યું. ત્યાં સ્ટીવનો પરિચય સ્ટીફન વુઝનિક સાથે થયો. આ મિત્રાચારીથી ‘એપલ’નાં બીજ રોપાયાં. સ્ટીવ જોબ્સે પોતે કહ્યું હતું કે, ‘વુઝનિક મારા પરિચયમાં આવેલો એવો પહેલો માણસ હતો, જે ઇલેક્ટ્રોનિક્સમાં મારા કરતા વધારે જાણકાર હોય.’
૧૯૭૦ના દાયકામાં કોમ્પ્યુટર ટેકનોલોજી પ્રાથમિક તબક્કામાં હતી. કોમ્પ્યુટરનો ખરેખર કેવો અને કેટલો ઉપયોગ થશે, સામાન્ય લોકો સુધી તે પહોંચશે કે ફક્ત સરકાર કે મોટી સંસ્થાઓ પૂરતો જ તેનો ઉપયોગ મર્યાદિત રહેશે, એ કશું નક્કિ ન હતું. તે વખતે સ્ટીવ જોબ્સ અને સ્ટીફન વુઝનિકે ‘અતારી’ કંપની માટે કોમ્પ્યુટર ગેમ્સ બનાવવાનું અને કોમ્પ્યુટર સાથે અખતરા કરવાનું ચાલું રાખ્યું. ‘અતારી’ની આવકમાંથી થોડી બચત થતાં, કોલેજના એક મિત્ર સાથે ૧૯ વર્ષના સ્ટીવ જોબ્સ ભારત આવ્યા. બન્ને મિત્રોને અધ્યાત્મમાં ઊંડો રસ હતો અને ભારતના પ્રવાસનો તેમનો મુખ્ય હેતુ આધ્યાત્મિક જીવનને લગતું જ્ઞાન મેળવવાનો હતો.
ભારતથી પાછા ફર્યા પછી ૧૯૭૫માં જોબ્સ અને વુઝનિકે જોબ્સના મકાનના ગેરેજમાં ‘એપલ’ કંપનીની વિધિવત સ્થાપના કરી અને ૧૯૭૬માં કંપનીનું પહેલું ડેસ્કટોપ કોમ્પ્યુટર ‘એપલ-૧’ બનાવ્યું. ૧૯૭૭માં ‘એપલ-૨’ની સાથે સ્ટીવ જોબ્સની વેપારી કુનેહ દર્શાવતી એક ઘટના બની, જે જુદા જુદા સ્વરૃપે આજે ૩૮ વર્ષ પછી પણ ‘એપલ’ કંપનીને ફળતી રહી છે. સ્ટીવ જોબ્સે ‘એપલ-૨’ કોમ્પ્યુટર માટે પ્રોગ્રામ બનાવવાનું ખુલ્લુ આમંત્રણ આપ્યું. તેનાથી પ્રેરાઇને ઉત્સાહી બુદ્ધિશાળી લોકોએ ‘એપલ-૨’ માં ચલાવી શકાય તેવા સોળેક હજાર પ્રોગ્રામ તૈયાર કર્યા. જોબ્સનો આ અભિગમ આજે પણ કાર્યરત છે. તેના પરિણામે ‘એપલ’ના આઇ ફોનમાં કામ લાગે એવી હજારો નવી સુવિધાઓ દુનિયાભરમાંથી લોકો આજે તૈયાર કરે છે અને તેનો લાભ કંપનીને તથા તેના ગ્રાહકોને મળે છે.
૧૯૭૬માં સ્ટીવ જોબ્સ, સ્ટીવન વુઝનિક અને રોનાલ્ડ વેઇને સૈદ્ધાંતિક રીતે એક કંપની શરૃ કરવાનું વિચાર્યું. આ ત્રણેય શાળાના સમયથી બાળગોઠિયા હતા. ત્રણેયના પ્રિય વિષયો અલગ અલગ હતા જેનો લાભ કંપનીને મળ્યો. શાળા સમયની દોસ્તીએ પોતાના ધંધાને પાર્ટનરશિપમાં ફેરવ્યો. કાયદાની દ્રષ્ટિએ ૧લી જાન્યુઆરી ૧૯૭૭ના રોજ આ કંપનીની જાહેરાત કરવામાં આવી હતી. કંપનીએ પહેલું કોમ્પ્યુટર જુલાઇ, ૧૯૭૭માં બનાવ્યું. પણ નવાઇની વાતતો એ હતી કે કોમ્પ્યુટર બને તે પહેલાં જ તેને વેચી નાખવામાં આવ્યું હતું!
‘એપલ’ કંપનીના સીઇઓ તરીકે માઇક્લ સ્કોટ જોડાયા પછી કંપનીની દશા સુધરી. માઇકલ સ્કોટના જોડાયા પછી ‘એપલે’ માત્ર કોમ્પ્યુટર બનાવવાને બદલે કોમ્પ્યુટર પાર્ટસ અને બીજા હાર્ડવેર બનાવવાની પહેલ કરી. આમ નવાં નવાં મોડલ બજારમાં મુકવાની સાથે કોમ્પ્યુટર મશીનમાં પણ સુધારાનું કામ શરૃ થયું. ‘એપલ-૧’, ‘એપલ-૨’ અને ‘એપલ – ૨ પ્લસ’ પછી ‘લિઝા’ મોડલના કોમ્પ્યુટર પર કામ શરૂ કરવામાં આવ્યું જે આજના કોમ્પ્યુટર યુગના પ્રણેતા તરીકે ઓળખાવાય છે. તે સમય દરમિયાન કંપનીએ ‘મેકિન્ટોસ’ નામના વિશ્વના પહેલા ગ્રાફિક ડિઝાઇન માટેના સર્વોત્તમ દરજજાના સોફ્ટવેર સાથેનું કોમ્પ્યુટર બનાવવાનું પણ શરૃ કર્યું. આ બન્ને કોમ્પ્યુટર પર સંશોધન કાર્ય શરૃ કરતા પહેલાં કંપની પોતાના શેરનો ઇશ્યુ માર્કેટમાં લાવી. જેના લીધે ‘એપલ’ના ફંડમાં રાહત થઇ.
‘એપલ’ કંપનીની શરૃઆતથી એકધારી તે કોમ્પ્યુટર સોફ્ટવેર અને હાર્ડવેર પર ધ્યાન આપવાનું કામ કરતી હતી. ત્રીસ વર્ષ પછી તે ઇલેક્ટ્રિક આઇટમ્સના ક્ષેત્રમાં પણ આવી ચૂકી હતી. પણ કંપની પોતાનીજ પ્રોડક્ટમાં ઉંધે માથે પછડાઇ. ‘મેકિન્ટોસ’ નામના કોમ્પ્યુટર બન્યા પછી એ કોમ્પ્યુટર બજારમાં મૂકવામાં આવ્યા. માર્કેટિંગ વિભાગ અને સંશોધન વિભાગ વચ્ચે કોઇ સુમેળ ન હતો આથી સ્ટીવ જોબ્સે કોમ્પ્યુટરના જે કોઇ કન્ફિગ્રેશન વર્ણવ્યાં હતાં અને તેની કિંમત નક્કિ કરવામાં આવી હતી તેની સાથે તેનો કોઇ મેળ ખાતો ન હતો. તેથી પબ્લિક ઇસ્યુ પછી આ ૪૨,૦૦૦ ‘મેકિન્ટોસ’ કોમ્પ્યુટરો વેચાયા વિના પડયાં રહયાં અથવાતો વેચાઇને પાછા આવ્યાં. બીજા ૪૦,૦૦૦ કોમ્પ્યુટરો ફેક્ટરીમાં બનતા હતા. ‘એપલ’ માટે આ બહુ મોટો ફટકો હતો. વળી ‘એપલ’ તે વખતે એક નવીજ કંપની હતી એટલે શાખ ટકાવી રાખવા માટે પણ ઉત્ત્પાદન બંધ કરવાનું જોખમ ઉઠાવાય તેવું ન હતું. આવા કટોકટીના સમયે કંપનીએ માર્કેટિંગ ટીમ, સર્વે ટીમ અને પ્રોગ્રામિંગ ટીમ વચ્ચ એક મિટિંગ ગોઠવી. તેના પરિણામે નવેસરથી પ્રોગ્રામિંગ કરીને આખું કોમ્પ્યુટર રિડિઝાઇન કરવામાં આવ્યું અને ‘મેક્ન્ટિોસ-૨’ના નામે નવું વર્ઝન તૈયાર કરાયું. આમ આ બન્ને પ્રકારના કોમ્પ્યુટરોના ઉત્ત્પાદ્નમાં કંપનીને લગભગ એક મિલિયન ડોલરનું નુકસાન થયું. જોકે બીજા જ વર્ષથી આ લોસ કંપનીના ઇન્વેસ્ટમેન્ટ તરીકે બહાર આવ્યો. નવા કોમ્પ્યુટરો સસ્તાં અને અત્યંત ઉપયોગી સાબિત થયા. ‘મેક્ન્ટિોસ-૨’વર્ઝનથી કંપનીએ પોતાની ઓપરેટિંગ સિસ્ટમ પણ લાગુ કરી દીધી જેથી હાર્ડવેરની સાથો સાથ કંપનીનું સોફ્ટવેર બજાર પણ ખૂલ્યું.
કોમ્પ્યુટરને વધુ ઉપયોગી બનાવવાની માથાકૂટમાં કંપનીના મેનેજમેન્ટ વચ્ચે વિખવાદ શરૃ થયા અને ૧૯૮૫માં સ્ટીવ જોબ્સે કંપની છોડવી પડી. શરૃઆતના વર્ષોમાં સ્ટીવની ગેરહાજરીથી કંપનીને કોઇ ફરક પડયો નહી કારણકે માર્કેટિંગમાં બેઠેલા સ્ટીવે ‘મેક્ન્ટિોસ-૨’ની સફળતા પછી બીજા અલગ-અલગ સાતેક જેટલાં નવાં-નવાં કોમ્પ્યુટર મોડેલ તૈયાર કરાવ્યા હતાં જેથી ‘એપલ’નું કામકાજ ચાલતું રહયું. જોકે એ દિવસોમાં માઇક્રોસોફ્ટના પ્રમાણમાં સરળ કહેવાય તેવા કોમ્પ્યુટર પ્રોગ્રામના કારણે ‘એપલ’ ધીમે ધીમે લોકોના માનસપટ પરથી ભુલાવા લાગ્યું. તેથી કંપનીએ દુનિયાના સૌથી પહેલા લેપટોપ બનાવવાનું શરૃ કર્યું અને પાવરબુક-૧૦૦ના નામથી પર્સનલ કોમ્પ્યુટર બનાવવાનું પણ શરૃ કર્યું. તમને નવાઇ લાગશે કે ‘એપલ’ના જે આઇપેડ પાછળ આજે જે જગત ઘેલું થયું છે તે ‘એપલ’ના આઇપેડ ૧૯૯૩માં દેશી વર્ઝનની રીતે ‘ન્યૂટન પેડ’ના નામે કંપનીએ બજારમાં મૂક્યાં હતાં અને તે સમયે કંપનીએ ૧.૮ બિલિયન ડોલરની જબરદસ્ત ખોટ કરી હતી. આ ખોટ પછી ૧૯૯૭માં સ્ટીવ જોબ્સને ‘એપલ’માં ફરીથી પાછા લાવવામાં આવ્યા અને સ્ટીવ જોબ્સે આવીને બધાંજ કોમ્પ્યુટરને નવું રૃપ આપવાની સાથે સીધો માર્કેટિંગ માટે વેબસાઇટ લોન્ચ કરવાનો એક નવોજ રસ્તો અપનાવ્યો હતો.
‘મેક્ન્ટિોસ’ની ખોટ માંથી બહાર આવ્યા પછી પણ કંપનીનું વેચાણ વધ્યું ન હતું. એક સમયે ૧૯૯૮માં પોલિસી કક્ષાએ ર૦૦ર સુધી કંપની કોઇ નવી ભરતી નહી કરે તેવો નિર્ણય લેવાયો હતો. આ નિર્ણય પછી પણ જો કંપની બરાબર ન ચાલે તો ૨૦૧૦ સુધીમાં પોતાના મોટાભાગના વિભાગો બંધ કરી ફક્ત સોફટવેર ક્ષેત્ર જ ચાલુ રાખવાનું વિચાર્યું હતું. પણ ર૦૦૧ની શરૃઆતમાં ‘એપલે’ બજારમાં મૂકેલા ‘આઇપોડે’ ખરેખર ચમત્કાર સર્જી દીધો હતો. ‘આઇપોડ’ના લીધે ‘વોકમેન’ અને ‘ડિસ્કમેન’ આઉટ ઓફ ડેટ થઇ ગયા હતા. ‘આઇપોડ’ પછી ‘આઇફોને’ પ્રવેશ કર્યો અને ‘આઇફોન’ પછી ‘આઇપેડ’ આવ્યું. આ બધી પ્રોડક્ટે કંપનીને એવી ઊંચાઇ પર પહોંચાડી દીધી કે તેમણે વિચારેલાં પગલા ભરવાની કોઇ જરૃર ન પડી. આ બધા ઉપકરણોની સાથે ‘એપલે”આઇ ટયુન્સ’ નામનો ડિજિટલ શોરૃમ પણ શરૃ કર્યો. જેનું આજનું વાર્ષિક ટર્નઓવર અંદાજે ૧ બિલિયન ડોલરથી વધુ થઇ ગયું છે.
આપણને પ્રશ્ન થાય કે સ્ટીવ જોબ્સે પોતાની કંપનીનું નામ ‘એપલ’ કેમ રાખ્યુ હશે ? નીચે આપેલ પ્રથમ લોગો પરથી ખ્યાલ આવશે કે તે નામ પાછળ પણ સ્ટીવ જોબ્સે ખૂબ વિચાર કર્યો હશે.
‘એપલ’ની પહેલી ઓફિસ એક એપલ-ફાર્મમાં શરૃ કરાઇ હતી તેથી તેમણે તેમની કંપનીનું નામ ‘એપલ’ રાખ્યું હશે. પણ વધુ પ્રતીકાત્મક દ્રષ્ટિએ જોઇએ તો એમ કહેવાય છે કે સદીઓ પહેલાં એક સફરજન દ્વારા આદમ અને ઇવ એકબીજાની નજીક આવ્યા હતા અને સૃષ્ટિનું સર્જન થયું હતું. કદાચ સ્ટીવ જોબ્સની કંપનીનું આ પ્રતીક કાંઇક એવું જ સૂચન કરતું હોય તેવું લાગતું નથી? માનવી પોતાની જિંદગીમાં આ એપલનો ઉમેરો કરીને નવી સૃષ્ટિનું સર્જન કરે તેવી તો અપેક્ષા નહી હોય ને! એપલનો આ સિમ્બોલ બનાવનાર આર્ટિસ્ટ કિઓર લેગેસીનું કહેવું એવું હતું કે સ્ટીવ જોબ્સ એવું માનતા હતા કે તેમની પ્રોડક્ટ જીવન બદલી દેનારી છે. શું ‘આઇફોન’ અને ‘આઇપેડ’ના પ્રવેશથી એવું જ નથી બન્યું? કંપનીની આવક, નફો, વેચાણ અને મિલકતના અંદાજીત આંકડા બતાવી દેશે કે સ્ટીવ જોબ્સના આ ‘એપલે’ આજે કેવી ક્રાંતિ સર્જી દીધી છે!
આવક | નફો | મિલકત | સ્ટાફ | પ્લાન્ટ્સ | કોમ્પ્યુટર – કુલ વેચાણ | આઇપોડ – કુલ વેચાણ | આઇફોન – કુલ વેચાણ | આઇપેડ – કુલ વેચાણ |
---|---|---|---|---|---|---|---|---|
૧૦૮.૨૪૯ બિલિયન ડોલર | ૨૫.૯૨૨ બિલિયન ડોલર | ૧૧૬.૩૭૧ બિલિયન ડોલર | ૬૬.૪૦૦ | ત્રણ દેશમાં પાંચ પ્લાન્ટસ | રૂ. ૭.૫ કરોડ | રૂ. ૧૧ કરોડ | રૂ. ૧૦ કરોડ | રૂ. ૧.૭૫ કરોડ |
જ્યાં અને જ્યારે ઇચ્છીએ ત્યારે મનપસંદ સંગીત સાંભળવા કે હજારો જોજન દૂરની વ્યક્તિ સાથે વાતચીત કરવા માટેના આ ટચૂકડા ઇલેક્ટ્રોનિક સાધન એવા એપલના ‘આઇફોન’ અને ‘આઇપોડ’ને કોણ નથી જાણતું? તેઓ એપલ અને મેક્ન્ટિોશ કોમ્પ્યુટરના પણ સર્જક હતા. કોમ્પ્યુટરની ખૂબીને આમ જનતા સુધી પહોંચાડવાનું શ્રેય તેમને જાય છે.
આજથી બારેક વર્ષ પહેલાં તેમણે Think Different –’જુદું વિચારો’ એવો અદ્ભુત સંદેશ આપી લોકોને પ્રભાવિત કર્યા હતાં.કોમ્પ્યુટરની જટિલ આંટીઘૂંટીને સામાન્ય માનવી સુધી પહોંચાડવાનું શ્રેય તેમને ફાળે છે. વર્ષો પહેલાં તેમણે સર્જેલું પ્રથમ કોમ્પ્યુટર આજે ૩૩૦,૦૦૦ કરોડ પાઉન્ડમાં વેચાયું છે તે તો તમે સમાચાર પત્ર પરથી જાણ્યું હશે. પણ તમને ખબર છે આજે કરોડોની સંખ્યામાં વેચાતા આ એપલના આઇફોનના સર્જક સ્ટીવ જોબ્સના બાળકો માટે No Apple a day હતું? તેઓને આઇપેડઝનો ઉપયોગ કરવાની મનાઇ હતી. ‘એપલ’ના સ્થાપકે પોતાના ઘરમાં ટેકનોલોજીનો ઉપયોગ મર્યાદિત કર્યો હતો. તેઓ સંતાનોનેને વાતચીત માટે પ્રોત્સાહિત કરતા હતા. આ માણસને કદાચ ડિજીટલ યુગના શ્રેષ્ઠ પ્રચારક તરીકે ખિતાબ મળ્યો હશે. પણ તેઓે હંમેશા બાળકો પર ટેકનોલોજીથી જે વિપરીત અસર પડતી તેનાથી વધુ ચિંતિત રહેતા હતા.
‘એપલ’ના અદ્યતન સાધન વાપરવા અને ખરીદવા માટે માટે લાખો લોકોને સમજાવનાર, કફોડી પરિસ્થિતિમાં રહેલી કંપનીને વૈશ્વિક સ્તરે શક્તિશાળી બનાવનારે પોતાના બાળકોને આઇપેડ વાપરવા માટે અટકાવ્યા હતા એટલું જ નહી, તેમના માટે ઇન્ટરનેટનો ઉપયોગ મર્યાદિત કર્યો હતો. આજની પેઢીના યુવાનોને કદાચ વર્તુળાકારે બેસીને વાતો કરવી કંટાળાજનક લાગે પણ જોબ્સના બાળકાનો રસોડાના મોટા-લાંબા ડાઇનિંગ ટેબલ આજુ બાજુ બેસીને એક બીજા સાથે ખરેખર વાતો કરવી તે રોજીંદો ક્રમ હતો.
સ્ટીવ ૨૦૧૦માં મૃત્યુ પામ્યા તેના એક વર્ષ પહેલા અમેરિકન પત્રકાર નિક બિલ્ટને તેમનો જે ઇન્ટરવ્યુ લીધો હતો તેનાથી એક આઘાતજનક સત્ય જાણવા મળ્યું હતું કે જોબ્સના બાળકો કોમ્પ્યુટરના પૂર્ણ જ્ઞાનથી વંચિત હતા.
બિલ્ટને તેમને પૂછયું હતું, “તમારા સંતોનોને તો આઇપેડ પ્રત્યે ખૂબ લગાવ હશે જ ને?”
તેના જવાબમાં સ્ટીવે કહ્યું, “મારા બાળકોએે તેનો ઉપયોગ જ નથી કર્યો. ઘરે ટેકનોલોજીનો કેટલો મર્યાદિત ઉપયોગ કરવો તે અમે નક્કી કરીએ છીએ.”
તેના જવાબથી બિલ્ટન સ્તબ્ધ બની ગયા હતા. તેમણે તો માન્યું હતું કે જોબ્સનું ઘર તો સ્વર્ગ સમાન હશે જેની દિવાલો તો ટચ સ્ક્રીનની બનેલ હશે અને કદાચ ડાઇનિંગ ટેબલ ‘આઇપેડ’ની ટાઇલ્સથી બની હશે. સ્ટીવ જોબ્સનું જીવનચરિત્ર લખનાર જોબ્સે કહેલી વાત યાદ કરતા કહે છે કે દરરોજ સાંજે એ મોટા ડાઇનિંગ ટેબલ પર બેસતા અને બાળકો સાથે પુસ્તકો, ઇતિહાસ અને બીજી અનેક બાબતોની ચર્ચા કરતા. કોઇ જ ‘આઇપેડ’ કે કોમ્પ્યુટરનો સ્પર્શ પણ નહોતા કરતા. બાળકોને આવી કોઇ ટેકનોલોજીના વ્યસની તેમણે બનવા દીધા ન હતા. તેનું કારણ એ હતુ કે તેમણે પ્રાથમિક દ્રષ્ટીએ ટેકનોલોજીની ભયજનક બાબતો જાણી હતી અને તેમના બાળકો તેના શિકાર ન બને તેવું તેઓ ઇચ્છતા હતા. આ વિચારસરણી સાથે વિજ્ઞાન પણ સંમત છે. ટેકનોલોજીનો વધુ ઉપયોગ માનવીના જીવનને હાનીકારક છે તેવું તારણ એક અભ્યાસ પરથી ફલિત થયું છે અગિયાર અને બાર વર્ષના બાળકોને અઠવાડિયાના પાંચ દિવસ માટે ટેલિવિઝન સહિતની આ ડિજીટલ ચીજોથી દૂર રખાય તો તેમના સામાજિક કૌશલ્યમાં સુધારો જોવા મળ્યો હતો.\
સ્ટીવે તેમની બન્ને દીકરી ઇરિન અને ઇવને ટેકનોલોજીના મર્યાદિત ઉપયોગ સાથે જ ઉછેરી હતી. ૨૦૧૦માં જ્યારે એપલના આઇપેડની વિશ્વભરમાં બોલબાલા હતી ત્યારે તેઓને આ એપલના આઇપેડ પણ વાપરવાની છૂટ ન હતી. એપલની સહ-સ્થાપક એવી તેમની પત્ની લોરેન પોવેલ તેમના બાળકોને ટીવીના પડદા સામે અમૂક સમય પૂરતા જ આવવાની છૂટ આપતી.
લોરેન અને જોબ્સને ત્રણ બાળકો હતા. રીડ, ઇરિન અને ઇવ. પ્રથમ ગર્લફ્રેન્ડથી થયેલ લીસા સ્ટીવની પ્રથમ પુત્રી હતી જેની ઊંમર ૩૬ વર્ષની હતી. જ્યારે આઇપેડનો જન્મ થયો ત્યારે ઇરિન બાર વર્ષની હતી અને ઇવ પંદર વર્ષની હતી. ટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યુમાં જોબ્સે કહયું હતું કે તે તેના સંતાનોને આઇપેડ, કોમ્પ્યુટર કે બીજા કોઇ સાધનનું વ્યસન ન થાય તે માટે તેઓ સતત જાગૃત હતા.
ફક્ત જોબ્સ નહીં, તેના અસંખ્ય સાથીદારો બાળકોના જમવાના ટેબલ પર કદી તેમની ટેકનોલોજી પ્રોડક્ટ આવવા દેતા નહી. આ માટેનું કારણ શું? ખાસ કરીને ટેકનોલોજીએ આપણા યુગને ‘૯૦ના દસકા પછી બદલી નાખ્યો છે ત્યારે પ્રશ્ન થશે કે બાળકોને કેવી રીતે મોટા કરવા?
આપણી આ છેલ્લી પેઢી છે જે ચોક્કસપણે મુક્ત મનથી બહાર રમી શકે તેવી પરિસ્થિતિ સર્જાઇ શકે છે કારણકે અમુકને બાદ કરતા મોટા ભાગના લોકો પાસે સ્માર્ટફોન નથી કે લેપટોપ નહોતાં. તેઓ ગૂગલ શોધથી વિરૃદ્ધ જઇને જાતે પુસ્તકોમાંથી માહિતી શોધીને શીખ્યા છે. માહિતીને આત્મસાત કરીને તેમજ પુસ્તકો દ્વારા અને માનવી માનવી સાથેના સામાજિક સંબંધો કેળવીને ઘડાયા છે. વિવિધ રીતે શીખતા શીખતા તેમણે બહુમુખી પ્રતિભા પ્રાપ્ત કરી છે. તેથી આપણને તે ચિંતા થવી જોઇએ કે કેન્ડી ક્રશ રમવા આપીને આપણે બાળકોને તત્કાલ અભિવ્યક્તિની શક્તિને છીનવીતો લેતા નથી ને?
આપણે તેમને આખો દિવસ સ્માર્ટફોન નહી આપીને તેમને તંદુરસ્તી બક્ષીશું અને ઓછા પરતંત્ર બનાવીશું તેવું નથી લાગતું? જોબ્સે પોતાના અપરિપક્વ બાળકોને પોતાની જ ટેકનોલોજીથી અપરિચિત રાખ્યા તે બરાબર જ છે. બાળકો જ્યારે ઉછરતા હોય ત્યારે આપણી પાસે જે કોઇ ટેકનોલોજી છે તેનો ઉપયોગ તેમને કરવા દેવો તે ઉચિત નથી જ. તેઓની સાથે ખુલ્લામાં રમો, પ્રકૃતિ સાથે મિત્રાચારી કેળવતા શીખવો, ભલે અત્યારે તમારી વાત બાળકોને નહી ગમે; પણ ભવિષ્યમાં તેઓ તમારા ઋણી બની રહેશે.
૧૨મી જૂન, ર૦૦૫ના રોજ સ્ટીવ જોબ્સે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં અતિથિવિશેષ પદેથી ત્રેવીસ હજારની મેદનીને પોતાના જીવનના નિચોડરૃપ આપેલ દીક્ષાન્ત પ્રવચનથી પ્રભાવિત કરી દીધી તેના મુખ્ય વાત જાણીશું તો આ મહામાનવને પ્રણામ કરવાનું મન થઇ આવશે. આ રહ્યું એ દીક્ષાન્ત પ્રવચન
તેમણે ત્રણ બાબતો પર ભાર મૂક્યો
(૧) ટપકા જોડતા શીખો
(૨) ગમતા કાર્યમાં જીવ રેડો, તેમાં કદી સમાધાન કે બાંધછોડ ન કરો.
(૩) આજનો દિવસ તમારી જિંદગીનો છેલ્લો દિવસ છે તેમ માનીને જીવતા રહો.
(૧) ટપકા જોડતા શીખોઃ
રીડ કોલેજમાં છ એક મહિના અભ્યાસ કરી તેમણે કોલેજ છોડી. ત્યાર પછી તેઓ દોઢેક વર્ષ કોલેજમાં આંટાફેરા મારતા રહયા અને પછી કોલેજને સાવ જ છોડી દીધી. તેઓના કહેવા પ્રમાણે તે સમયે રીડ કોલેજમાં ક્યાંય ઉપલબ્ધ ન હોય તેવા સુલેખનનો (Calligraphy) અભ્યાસક્રમ સુલભ હતો. આખી કોલેજમાં પોસ્ટર કે તકતીમાં મરોડદાર અક્ષરો અંકિત થયેલા હતા. તેમણે તો અભ્યાસ છોડી દીધો હતો તેથી નિયમિત રીતે કોઇ હાજરી પૂરાવવાની જવાબદારી નહતી. તેમણે સુલેખનના વર્ગો ભરવાનું વિચાર્યું. તેમને આ સુંદર અક્ષરોએ લખવાની જુદી જુદી રીત ગમી ગઇ. તેમાં સૌંદર્ય અને કલાત્મકતાની આવશ્યકતા જરૂરી હતી. બે મરોડદાર અક્ષરો વચ્ચે છોડવી પડતી સંતુલિત ખાલી જગ્યામાં અંતર રાખવાની કેળવણી મેળવવામાં તેમને આનંદ આવવા મંડયો.
જો કે તેમાનું કાંઇજ તેમની રોજબરોજની જિંદગીમાં કોઇ કામમાં આવશે તેવી આશા ન હતી. પણ દસ વર્ષ પછી તેમણે મેકિન્ટોશ કોમ્પ્યુટરની રચના કરી ત્યારે તે બધું ઉપયોગમાં આવ્યું. તેઓ કબૂલે છે કે તેમણે સુલેખનનો અભ્યાસ ન કર્યો હોત તો મેક કોમ્પ્યુટરમાં ક્યારેય જાત જાતના સુંદર અક્ષરોની ઉપલબ્ધિ ન થઇ હોત. તેમણે તેમનો અભ્યાસ છોડી ન દીધો હોત તો આ સુલેખનના વર્ગાે પણ ભરાયા ન હોત. અલબત્ત તે સમયે ભવિષ્યનો વિચાર કરીને ટપકાં જોડવાના અનુભવમાંથી કોઇ ડિઝાઇન બનાવવાનું શક્ય બન્યું ન હોત. પણ આજે તે શક્ય બન્યું તે ભૂતકાળના અનુભવના લીધે. આમ દરેક વ્યક્તિએ જુદાં જુદાં ટપકાંઓ જેવી લાગતી બાબતો ભવિષ્યમાં જરૃર નકામી નહી જાય તેવા વિશ્વાસથી આગળ વધવું જોઇએ. જિંદગીનું ચિત્ર બનાવવા માટે ટપકાં જોડવાના હોય ત્યારે એક ટપકા પરથી બીજા ટપકાં પર જતી વખતે કોઇક પર તો ભરોસો રાખવો જ પડે જેમાં વ્યક્તિની અંતઃસ્ફુરણા, નસીબ, કર્મ કે કોઇ જ વસ્તુ હોય શકે છે. આ ભરોસાના આધારે એક-એક ટપકું જોડાતું જાય અને છેવટે એક સુરેખ ચિત્ર તૈયાર થાય છે. તે કહે છે, માનવીને પોતાની બાહોશીમાં, કર્તૃત્વમાં, કર્મ કરવામાં અને જિંદગીમાં આ શ્રદ્ધાની જરૃર પડશેજ અને તેના કારણેજ તેઓ પોતાના જિંદગીમાં સફળ નિવડયા.
(૨) ગમતા કાર્યમાં જીવ રેડો, તેમાં કદી સમાધાન કે બાંધછોડ ન કરોઃ
સ્ટીવ નસીબદાર હતા કે પોતાની અભિરૂચિથી જ્ઞાત હતા. ૨૦ વર્ષની ઉંમરે પૂરી તાકાત લગાવી દસ વર્ષના ગાળામાં ફક્ત બે વ્યક્તિ દ્વારા ભોંયરામાં શરૃ કરેલ પ્રયત્નના પરિણામે બે અબજ ડોલર અને ૪૦૦૦ કર્મચારીઓ વાળી કંપનીનું અસ્તિત્વ ઉભું થયું. તેમનું સર્વોત્તમ સર્જન હતું મેકિન્ટોશ કોમ્પ્યૂટર જે આજે કલ્પના પણ ન આવે તેટલી કિંમતે વેચાયું છે. તે સમયે તેમની ઉંમર ત્રીસ વર્ષની હતી. તેવા સમયે તેમને પોતેજ સ્થાપેલી ‘એપલ’ કંપનીમાંથી પાણીચું અપાયું. આ પરિસ્થિતિ વખતે તેમને કેટલો આઘાત લાગ્યો હશે! થોડો સમયતો શું કરવું તેનો જ કોઇ ખ્યાલ તેમને આવતો ન હતો. તેમને એક પળ તો પોતાના કાર્યક્ષેત્રને તિલાંજલી આપવાનો વિચાર આવ્યો. પણ મનની અંદર એક વાત એ હતી કે તેમણે જે કાંઇ કર્યું હતું તેમા આનંદ તો આવ્યો જ હતો. નિષ્ફળતાએ તેમના કાર્યની તાસીર બદલી ન હતી. પોતાના કાર્ય પ્રત્યેનો ઉત્સાહ તેવો જ રહ્યો હતો. તેમણે ફરીથી આ કાર્ય શરૂ કરવાનું વિચાર્યું. તેઓ માનતા કે એપલમાંથી પાણીચુ અપાયું તે એક અત્યંત સારી ઘટના હતી. હકારાત્મક અભિગમ તેમને સર્જનાત્મક તબક્કા તરફ દોરી ગયો. નવા નિશાળિયાની જેમ કોઇ પણ પ્રકારની બંધન વગરની હળવાશની પળોએ પાંચ વર્ષ સુધી મથીને પોતાની નવી જ બનાવેલી ‘નેક્સ્ટ’ (Next) નામની કંપની તનતોડ મહેનતે ઉભી કરી. ત્યાર પછી ‘પિક્સાર‘ પણ (Pixar) સ્થાપી અને એક અદ્ભુત સ્ત્રીના પ્રેમમાં પડયા જે પછીથી તેમની પત્ની બની.
‘પિક્સારે’ વિશ્વની સૌથી પહેલી એવી કોમ્પ્યુટર એનિમેટેડ ફિલ્મ ‘ટોય સ્ટોરી’ બનાવી. આજે ‘પિક્સાર’ વિશ્વનો સૌથી સફળ એવો એનિમેશન સ્ટુડિયો ગણાય છે. સંજોગો પલટાયા અને એક નાટયાત્મક ઘડીએ એપલે તેની કંપની ‘નેક્સ્ટ’ ખરીદી લીધી. આમ ફરીથી પોતાની જ કંપનીમાં તેઓ પાછા ફર્યા. ‘નેક્સ્ટ’માં જે ટેકનોલોજી વિકસાવી હતી તે ‘એપલ’ની પ્રગતિ માટે પાયાનું સ્ત્રોત બન્યું. પત્ની લોરેન સાથે તેમણે તેમનો પરિવાર ઊભો કર્યો. તેઓ માનતા હતા કે ‘એપલ’માંથી તેમને પાણીચું પક્ડાવ્યું ન હોત તો આજની પરિસ્થિતિનું સર્જન થયું ન હોત. સંઘર્ષની પળોમાં હિંમત હાર્યા વગર તેઓ ટકી રહ્યા તેનું કારણ એ હતું કે તેમને તેમના કાર્યમાંથી આનંદ મળતો. વ્યક્તિેએ પોતે પોતાને શું ગમે છે તે શોધી કાઢવું જોઇએ. ઉત્તમ કાર્ય એટલે ગમતા કાર્યમાં જીવ રેડવો. પોતાના અનુભવના આધારે તેઓ યુવાનોને સલાહ આપે છે કે ગમતા કાર્યની નિરંતર શોધમાં રહોતેમાં કદી સમાધાન કે બાંધછોડ ન કરો.
(૩) આજનો દિવસ તમારી જિંદગીનો છેલ્લો દિવસ છે તેમ માનીને જીવો.
તેઓ સત્તર વર્ષના હતા ત્યારે તેમણે એક સુવાક્ય વાંચેલું – ‘આજનો દિવસ તમારી જિંદગીનો છેલ્લો દિવસ છે તેમ માનીને જીવતા રહેશો તો એક દિવસ ખરેખર તમે સાચા પુરવાર થશો.’ આ સુવાક્યની તેમના પર મોટી અસર પડી. થોડા સમયમાં મૃત્યુ આવવાનું છે તેવી સમજને કારણે તેઓ જીવનના અતિ મહત્વના નિર્ણયો કરવામાં સક્ષમ બન્યા. તેમના પ્રવચનમાં પોતાના રોગની અને મૃત્યુના સાક્ષાત્કારની વાત કરતા કહે છે, “એક વર્ષ પહેલાં મને કેન્સર છે તેવું નિદાન થયું. સવારે સાડા સાત વાગ્યે ડૉક્ટરે સ્કેનિંગ કરી સ્વાદુપિંડ પર કેન્સરની ગાંઠ છે તેવું નિદાન કર્યું. ડૉક્ટરે ખૂબજ સહાનુભૂતિપૂર્વક મને કહયું કે આ એક અસાધ્ય કેન્સર છે અને ત્રણ કે છ મહિનાથી વધું હું જીવી શકીશ નહી.
ડૉક્ટરે સ્ટીવને કહ્યું કે તમે કારભાર સંકેલવાની શરૂઆત કરવા મંડો. આ વ્યથામાં આખો દિવસ મેં વિતાવ્યો. રાત્રે ડૉક્ટરોએ મારા કેન્સરની ગાંઠની બાયોપ્સી કરી અને શસ્ત્રક્રિયા કરી આ ગાંઠ કાઢી નાંખી શકાય તેમ છે તેવું નિદાન કર્યું. મારા પર શસ્ત્રક્રિયા કરાઇ અને ગાંઠ દૂર કરાઇ. આજે તમારી સામે મૃત્યુની ભયંકરતાનો સાક્ષાત્કર કરીને સાજો-નરવો ઉભો છું. મને આશા છે કે થોડા દસકા સુધી કદાચ મૃત્યુ નજીક ન આવે. મૃત્યુને આટલું નજીકથી જોયા પછી તે મારા માટે જીવનની નક્કર વાસ્તવિકતા હોય તેવી પ્રતિતિ થઇ.
મૃત્યુ કોઇને ગમતું નથી. દરેકને સ્વર્ગમાં જવું છે પણ મૃત્યુના માધ્યમથી જવાનું પસંદ નથી. છતાં મૃત્યું દરેક જીવ માટે એક એવું અફર સત્ય છે જેમાંથી કોઇ બચી શક્યું નથી. હોવું પણ એમ જ જોઇએ, કારણ કે જીવનની સર્વોત્તમ શોધ જો કોઇ હોય તો તે મૃત્યુ છે. તેમાં જ જીવનનું પુનરૂત્થાન છે. જૂની જગ્યા ખસે તો નવો માર્ગ મોકળો થાય. સૌ કોઇને એક દિવસ જવાનું જ છે. જન્મ છે તો મૃત્યુ નક્કી છે. આપણા સૌના જીવનની આ વાસ્તવિકતા છે. સમજી લ્યો કે તમારો સમય સીમિત છે એટલે બીજા કોઇની મરજી મુજબ જીવવામાં તમારી જિંદગી વેડફી ન નાખતા. બીજાના વિચારો અને તેનાં પરિણામોના આશ્રિત ન બનતા. તમારા અંતરાત્માના અવાજને આજુબાજુના ઘોંઘાટમાં ડૂબવા ન દેતા. તદ્ઉપરાંત સૌથી અગત્યની વાત એ છે કે તમારા દિલને ગમતી વાતને અનુસરવામાં પાછી પાની ન કરતાં. તમારું દિલ અને દિમાગ બરાબર જાણે છે કે તમારે શું કરવાનું છે.”
બચપણની વાત યાદ કરતા કહે છે કે તેમના સમયમાં ‘ધ હોલ અર્થ કેટલોગ’ (The whole Earth Catalog) નામે એક અદ્ભુત મેગેઝિન પ્રકાશિત થતું હતું. તેમના સમયની આખી પેઢી આ મેગેઝિન પાછળ ગાંડી હતી. તેમના વિસ્તારની નજીક આવેલા મેન્લો પાર્ક વિસ્તારના સ્ટયુવર્ડ બ્રાન્ડ આ મેગેઝિન ચલાવતા. તેમની પોતાની સમગ્ર સર્જનશીલતાની ઝાંખી તેમાં થયા વગર રહેતી નહી. આ વાત છે ૧૯૬૦ના દસકાના ઉત્તરાર્ધની. તે સમયે ટાઇપરાઇટર, કાતર અને પોલોરોઇડ કેમેરાની મદદથી પ્રગટ થતું ગૂગલના જન્મના ૩૫ વર્ષ પહેલાનું આ સર્જન હતું. તેમની પેઢી માટે આ ગૂગલ હતું. જેમાં યુવાનીના આશાવાદ અને ઉત્સાહની ભરપૂર પ્રેરણા સમાયેલી હતી. ૧૯૭૦ના દાયકાના મધ્યમાં તેનો છેલ્લો અંક પ્રકાશિત થયો ત્યારે તેઓ એક થનગનતા ફૂટડા યુવાન હતા. છેલ્લા અંકના પાછળના પૂંઠા પર વહેલી સવારના ગ્રામીણ વેરાન રસ્તાની એક અદભુત તસ્વીર હતી. તસ્વીરની નીચે લખ્યું હતું – Stay hungry, stay foolish.
ગમે તેટલી સિદ્ધિ પ્રાપ્ત કરી હોય તો પણ ઉમદા કાર્ય કરવાની ભૂખ રાખવી તેવા અર્થમાં ભૂખ્યા રહેવાનું તે વાક્ય દ્વારા સૂચવાતું હતું. સાથોસાથ અમાપ જ્ઞાનના અણખેડાયેલા મહાસાગર તરફ દ્રષ્ટિ કરીને પોતાનામાં રહેલા જ્ઞાનની જરૂરત ઓળખવાનું સુંદર સૂચન પણ કરાયેલું હતું. આ વાતને યાદ કરીને તેમણે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં હાજર રહેલાં સ્નાતકો અને અનુસ્નાતકોને શીખ આપતા કહ્યું, “આજે જ્યારે તમે વિશાળ વિશ્વમાં પ્રવેશી રહ્યા છો ત્યારે તમારા માટે પણ મારી હાર્દિક શુભેચ્છા છે. હું જે સંદેશને જિંદગીભર અનુસર્યો છું તેમ તમે પણ Stay hungry, stay foolish. – ‘કંઇક અલગ વિચારો’નો સિદ્ધાંત અપનાવી વિશ્વને ‘એપલ’ પાછળ પાગલ બનાવી દીધું.
”નિષ્ફળતાના પીડાદાયી તબક્કમાં મને જો કોઇએ ટકાવી રાખ્યો હોય તો કામ પ્રત્યેની મારી અભિરૂચિએ; હું જે કાંઇ કાર્ય કરતો તેના પ્રત્યે મને પ્રેમ હતો. માનવી સંતોષભર્યું જીવન તો જ જીવી શકે જો તે તેના મનપસંદ ક્ષેત્રમાં કામ કરતો હોય અને પોતે જેમાં શ્રેષ્ઠ કાબેલિયત ધરાવતો તે જ કાર્ય કરતો હોય. – સ્ટીવ જોબ્સ
આ ઉદગાર હતા પર્સનલ કમ્પ્યુટરની દુનિયામાં ‘એપલ’ દ્વારા ક્રાંતિ લાવનાર સ્ટીવ જોબ્સના જે ફક્ત છપ્પન વર્ષની ઊંમરે મૃત્યુ પામ્યા.
એક ટ્રિલિયન ડોલર એટલે કેટલા રૂપિયા? ટ્રિલિયન ડોલર એટલે લગભગ ૬૮ લાખ કરોડ રૃપિયા જે ભારતીય અર્થતંત્રના ૪૨ ટકા જેટલા થાય. દુનિયાના ૧૯૨ દેશોમાં માત્ર ૧૬ દેશોની જીડીપી જ એક ટ્રિલિયન ડોલરથી વધારે છે. ભારતીય કંપનીની ટી.સી.એસ.ની માર્કેટકેપ લગભગ ૭.૪૫ લાખ કરોડ રૂપિયા છે. જાન્યુઆરી ૨૦૧૮થી અત્યાર સુધી એપલના શેરમાં ૨૦ ટકા તેજી આવી છે. આ લેખ લખાયો એ છેલ્લા ૧૨ મહિનામાં આ શેર ૩૪ ટકા વધ્યો હતો. કંપનીની માર્કેટ કેપ ૯ વર્ષમાં આશરે ૯૦૦ ટકા વધી. મે ૨૦૦૯માં ‘એપલ’નું વેલ્યુએશન ૧૨૧ અબજ ડોલર હતું જે ૧૦૦૦ અબજ ડોલર થઇ ગયું છે. એપ્રિલ-જૂન કવાર્ટરમાં કંપનીનો નફો ૩૨ ટકા વધીને ૭૯,૦૦૦ કરોડ રૂપિયા થયો. રેવન્યુ ૧૭ ટકા વધીને ૩.૬ લાખ કરોડ રૂપિયા થયું. આઇફોનના વેચાણથી રેવન્યુમાં ૨૦ ટકા વધારો થયો. કંપનીએ ૪.૧૩ કરોડ આઇફોન વેચ્યા. જોકે, આ જૂન ૨૦૧૭ના કવાર્ટરથી ૧ ટકો અને માર્ચ ૨૦૧૮ના કવાર્ટરથી ૨ ટકા ઓછું છે. પરંતુ આઇફોનની સરેરાશ કિંમતમાં ૨૦ ટકા વધારાના કારણે રેવન્યુ વધી. એપલ વોચ, હોમપોડ સ્પીકર અને અન્ય હાર્ડવેરનું વેચાણ ૩૭ ટકા વધીને ૨૫,૦૦૦ કરોડ રૂપિયા થઇ ગયું.
સ્ટીવ જોન્સ સત્તર વર્ષનો હતો ત્યારે તેણ એક વાત વાંચી હતી – ‘કામ એવી રીતે કરો કે આજે તમારી જિંદગીનો છેલ્લો દિવસ છે.’ – ‘ક્નેક્ટ ધ ડોટ્સ’ એ વિચાર સ્ટીવ જોબ્સે આપ્યો હતો પણ કરૃણતા એ છે કે ‘મૃત્ય’ નામના ‘ડોટ’ સાથે તેઓ વહેલા ‘કનેક્ટ’ થઇ ગયા. જિંદગીભર અટક્યા વગર વાસ્તવિક જીવનમાં અને કમ્પ્યુટરની દુનિયામાં પ્રોગ્રામિંગ કરતા રહયા અને અચાનક ‘ડિલિટ’ થઇ ગયા. વર્ષ ૨૦૧૧માં તેમનું નિધન થયું ત્યારે અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપ્રમુખ ઓબામાએ એ કહયું હતું કે ‘દુનિયાએ એક દૂરદર્શી વ્યક્તિ ગુમાવી દીધી છે.’
છેલ્લે આજે સ્ટીવ જોબ્સના ‘એપલે’ બે દાયકામાં આપણી સૌની દુનિયા ને કેવી બદલી નાખી છે તે તો તમે જાણો છો પણ એ નથી જાણતા કે તેણે પોતાની કંપનીનું નામ ‘એપલ’ કેમ રાખ્યું. ‘એપલ’ એક એવું ફળ છે કે જે સતત વિકસ કરતું રહે છે. સ્ટીવ જોબ્સ પોતાની ગર્લ ફ્રેન્ડને જે જગ્યાએ મળતો તે સફરજનના વૃક્ષોની વાડી હતી. પોતે જ્યારે કોઇ દુઃખમાં એકલો પડી જતો ત્યારે મેડિટેશન માટેનુંં સ્થળ તે સફરજનની વાડી હતી.
સ્ટીવ જોબ્સના મનમાં ગાંધીજી માટે ખાસ સ્થાન હતું. ૧૯૯૯માં ‘ટાઇમ’ મેગેઝિન ‘પર્સન ઓફ ધ સેન્ચુરી’ માટે સર્વેક્ષણ કરતું હતું ત્યારે સ્ટીવ જોબ્સે પોતાનો અભિપ્રાય દર્શાવતા કહયું હતુ, ” આ માન માટે મારી પસંદગી મોહનદાસ ગાંધી છે કારણકે તેમણે માનવજાતની સંહારાત્મક વૃત્તિમાંથી બહાર નીકળવાનો માર્ગ આપણને બતાવ્યો છે. ગાંધીજીએ પરિવર્તન માટે ‘પશુબળ’ને બદલે ‘નૈતિક બળ’ને આગળ કર્યું છે. માનવજાતને આ જાતના શાણપણની અત્યારે છે એટલી જરૃર અગાઉ કયારેય ન હતી.”
સ્ટીવના મૃત્યુ પછી ‘એપલ’ના ચીફ એક્ઝિક્યુટીવ સ્કલી કે જેની સાથે મતભેદને કારણે સ્ટીવ જોબ્સે ‘એપલ’ છોડયું હતું તેને પૂછવામાં આવ્યું, ”સ્ટીવનો ક્યો ગુણ તમારા મતે સૌથી મોટો છતાં ખાસ જાહેર ન થયો હોય એવો છે?”
સ્કલીએ સ્ટીવની સાદગી અને નિઃસ્પૃહતાની પ્રસંશા કરતા કહયું હતું, ‘સ્ટીવને ધનદોલતનો ખડકલો કરવામાં રસ ન હતો. અમે જ્યારે સાથે કામ કરતા ત્યારે સ્ટીવના ઘરમાં નહીં જેવું ફર્નિચર હતું. એક પલંગ, એક લેમ્પ અને આઇન્સ્ટાઇન અને ગાંધીની તસવીર. બસ!’ પોતાના ઘરના ઓછામાં ઓછા ફર્નિચરમાં ગાંધીજીની તસવીર રાખનાર સ્ટીવ પર ગાંધીજીનો કેટલો પ્રભાવ હતો તે ૧૯૯૭માં આપેલું સૂત્ર ‘થિન્ક ડિફરન્ટ’ દ્વારા જણાઇ આવે છે. સ્ટીવને નજીકથી જાણનારાઓની અંજલી પરથી ગાંધીજીની યાદ અનાયાસે આવી જાય, ઔપચારિક ભણતરને બદલે કોઠાસૂઝને મળેલું મહત્ત્વ, પોતાનું જીવનકાર્ય શોધવાની તાલાવેલી, જંપીને ન બેસવાનો નિર્ધાર, એક વાર મળી ગયા પછી જીવનભર તેને પક્ડી રાખવાનો નિર્ધાર, ઊંચુ નિશાન અને તેને પહોંચી વળવા પોતાના સહકર્મીઓની કસોટી કરી નાખે તેવી આકરી અપેક્ષાઓ, ઉત્તમ નેતા તરીકેનો ગુણ, મૌલિક અને બિનસમાધાનકારી વ્યક્તિત્વ, સૌંદર્યદ્રષ્ટિ ગુમાવ્યા વગર સાદગીનો અત્યંત દુરાગ્રહ, પહેરવેશ અને બાહય દેખાવ પ્રત્યે અનાસક્તિ, નિષ્ફળતાથી ડગવાને બદલે ઝનૂનથી મુકાબલો કરવાની તાકાત, પોતાનામાં અતૂટ શ્રદ્ધા, તેમજ પોતાની શક્તિઓની સાથો સાથ પોતાની મર્યાદાઓનું ભાન અને ક્ષિતિજને આંબી શકવાની શ્રદ્ધા – આમ બે જુદી સદીના મહામાનવમાં આટલી સમાનતા મળે તે વિશિષ્ટ યોગાનુયોગ જ કહેવો કે તેથી વિશેષ!
– ડો. જનક શાહ અને શ્રીમતી ભારતી શાહ, (પુસ્તક – અજવાળાની કેડીના અનોખા મુસાફરો)
ડૉ. જનક શાહના અક્ષરનાદ પર અન્ય લેખ અહીં ક્લિક કરીને માણી શકાશે.
very informative article. please check and correct amount mentioned in the table for last 4 columns – sales of laptops, etc.
Information & actual happenings of Respected Stiv Jobs is nicely presented by Dr. Janak Shah & Shrimati Bharati Shah . Myself is Thankful . Excellent .
.”…પણ એ નથી જાણતા કે તેણે પોતાની કંપનીનું નામ ‘એપલ’ કેમ રાખ્યું.” Your understanding of this fact is wrong. Steve Jobs wanted to meet Karoli Baba during his visit to India. But Karoli Baba died and he could not see him. Apple was the favorite fruit of Karoli Baba and hence Steve named his brand “APPLE”. There is another fact related to Karoli Baba is the international philanthropic agency, SEVA. This also was inspired by him.
Excellent summary of Steve Jobs life