હાસ્યલેખ (‘જલારામદીપ’ સામયિકમાં ડિસેમ્બર ૨૦૨૦માં પ્રકાશિત)
“પાછા ફરતા મોસમી પવનોની ઋતુ” ઘણા સમય પહેલા પૂરી થઈ ચૂકી છે એટલે કે પાછા ફરતા મોસમી પવનો પોતાને ઘેર પાછા ફર્યા છે અને શિયાળો આપણા ઘરના ખૂણે ખૂણામાં ઘુસી ગયો છે ત્યારે ઘણા બધા સદ્ગૃહસ્થો અને સદગૃહિણીઓ વહેલી સવારે ચાલવાનો દ્રઢ નિર્ધાર કરી ચૂક્યા છે. બસ ક્યારથી શરૂ કરવુ એ જ પ્રશ્ન છે. ધીમી છતાં મક્કમ ગતિએ ચાલનારા સદગૃહસ્થોએ ચાલવા જતી વખતે ધ્યાનમાં રાખવા જેવી કેટલીક મહત્વની બાબતો કહેવાની લાલચ રોકી શકાતી નથી. ભલે વાચકમિત્રો વાંચે કે ન વાંચે; અમારું કામ તો લખવાનું!
સવાર સવારમાં ચાલવા જાવ ત્યારે ખાસ ધ્યાનમાં રાખો કે ચાલવા પર જ ધ્યાન રાખો. આપણે સીધી લીટીમાં જ ચાલવાનું છે, ક્યાંય આડી લાઈને ચડવાનું નથી. એટલે કે રૈખિક ગતિમાં ચાલવુ, એમાં કોઈ જાતની પ્રગતિ કરવાની નથી. તમારી આગળ ભલે પ્રગતિ રુમઝુમ રુમઝુમ ચાલી જતી હોય પણ તમારે તેને ‘ઝૂમ’ કરીને જોવાની નથી. પ્રગતિ માટે ગતિ વધારવાની નથી. કારણ કે ગમે તેટલી ગતિ કરશો તોય પ્રગતિની બરોબરી નહીં કરી શકો. ખાસ યાદ રાખો કે અહીં ફક્ત ગતિ કરવાની છે. જો પ્રગતિ માટે ગતિ કરશો તો કદાચ અધોગતિ થશે. સીધી લીટીએ ચાલતા ચાલતા જ્યાં રસ્તો વળે ત્યાં વળવું. પણ આગળ ચાલનારી વળે ત્યાં વળવુ નહીં. કારણકે અમુક ઉંમર થયા પછી “કયાંથી પાછા વળવું” એ ખબર હોવી જોઈએ. જો કે એ તો બધાને ખબર હોય છે પણ કોઈ અજ્ઞાત બળને કારણે સદગૃહસ્થો એટલા આગળ વધી જાય છે કે “નિજ ઘરથી નીકળી નદી પાછી ફરી નથી” ની જેમ પાછા ફરી શકતા નથી. મોટી ઉંમરે યુવાન નહીં લાગતાં છતાં યુવાન જેવી હરકતો કરતા સદગૃહસ્થોએ ખાસ યાદ રાખવું કે આપણે પાછા ઘેર જવાનું છે અને સાજા નરવા જવાનું છે. યુવાન હોઈએ ત્યારે શરીર પર પીઠી (હળદર) સારી લાગે પણ આધેડ વયે પીઠી ભરવી પડે એવા (અ)શુભ પ્રસંગ ઉભા કરવા નહીં. નહીં તો પીઠી ભરનારી (પત્ની) રોષે ભરાશે અને કહેશે, “વાંદરો ઘરડો થાય તોય….”
ચાલતી વખતે હંમેશા ચાલવામાં જ એટલા માટે ધ્યાન રાખવું છે કે જો આંખ બીજે ક્યાંય પડે તો પગ ખાડામાં પડે. પગ ખાડામાં પડે તો મચકોડાઈ જાય. પછી ચાલવાને બદલે ખાટલે પડવું પડે પછી ખાટલામાં પડ્યા પડ્યા બધા મોર્નિંગ વૉક કરતા દેખાય. આમ ખાટલે પડ્યા પડ્યા નહીં પણ સગી આંખે અને પગે મોર્નિંગ વોકનો આનંદ માણવો હોય તો નજર નીચી રાખવી. નીચી નજર ખાડાથી બચાવે. આધેડ વયે હૈયું તરત કોઈની સાથે જોડાઈ જાય પણ હાડકા ભાગે તો જોડાતા બહુ વાર લાગે. એટલે આવી ઉંમરે શિયાળાની વહેલી સવારે તમારે ફક્ત તમારા રસ્તે ચાલવાનું છે. કોઈના પગલે ચાલવાનું નથી. એટલે ચાલતી વખતે ધ્યાન સીધું રાખવું અને સીધા રહેવું નહીં તો કેટલાક વડીલો રસ્તા પર પડ્યા વિના પણ ‘પડી જાય છે’ પછી તેમાંથી તેમને બહાર કાઢવા બહુ મુશ્કેલ. કારણ કે ખાડામાં પડનાર માટે તો હાડકા ના ડોક્ટર છે જ પણ જે કોઈ પારકા પાત્રમાં પડી જાય તેને બાવડું પકડી બેઠો કરીને પાછો ઘેર પહોંચાડવો બહુ મુશ્કેલ. (માટે ખાડે ગયેલા એ ખાડા થી બચવું .) કહેવાય છે કે જે ચાલે છે તેનું ભાગ્ય ચાલતું રહે છે.ભાગ્યની તો આપણને બહુ ખબર નથી પણ ચાલે તેનું શરીર ચાલતું રહે છે. એવું કહી શકાય કે જે ચોક્કસ હેતુ થી ચોક્કસ દિશામાં ચાલે છે તેનું ભાગ્ય ચાલતું રહે છે. બાકી જેમ હડકાયુ કુતરુ આંટા મારતું હોય એમ જે આંટા મારે તેનાઆંટા વહેલા-મોડા છટકી જાય છે!
સદગૃહસ્થોએ એકવાર ચાલતા થયા પછી પાછું વળીને જોવાનું નથી. કારણ કે પાછું વળીને જોશો અને કોઈ ગતિ અવરોધક બને એવું રંગબેરંગી વ્યક્તિત્વ તમારી પાછળ દેખાશે તો પછી તમને આગળ નું કશું દેખાશે નહીં. વળી વારંવાર પાછું વળીને જોવાથી બોચીની નસ ખેંચાઈ જવા ઉપરાંત પાછળથી કોઈ બોચી પકડે એવી શક્યતા પણ ભારોભાર રહેલી છે. અને તમે ખાડા-ખબડામાં પડશો. ફક્ત વ્યક્તિ ચાલવો જોઈએ મનના વિચારો નહીં.ચાલવા માટે જ્યારે પથારીમાંથી જાગીએ ત્યારે તમામ પ્રકારના વિચારોને સુવડાવી દેવાના. એકમાત્ર ચાલવાનો વિચાર જ જાગતો રાખવાનો. આમ ચાલતી વખતે મન કે હૃદયથી એમ કોઈ પણ પ્રકારે વિચારવાનું નથી. હૃદયને હેમખેમ રાખવાનું છે. હૃદયને હેમખેમ રાખવા માટે જ લોકો ચાલે છે માટે ચાલતી વખતે પારકા પાત્ર સાથે કોઈ જાતના હાર્દિક વ્યવહાર કરવા નહીં. ટૂંકમાં દિલના લેણ દેણના સંબંધો વધારવા નહીં.
મોર્નિંગ વોક પર જતી વખતે પહેલા દિવસે દોડવાનો ઉત્સાહ દેખાડવો નહીં. કારણકે આટલો બધો ઉત્સાહ લાંબો સમય ટકશે નહીં. બીજું કે લોકો આખો દિવસ દોડાદોડી તો કરે જ છે માટે સવારે દોડવાની જરૂર નથી. સવારે નિરાંતે ચાલો. દોડવાના સંજોગો તો સરકાર ગમે ત્યારે ઊભા કરશે. સવારમાં ચાલવા જતી વખતે ભાઈઓ-બહેનોએ ચડો, બર્મ્યુડો,લેંઘો ટ્રેકસૂટ, સાડી કે ડ્રેસ એમ શું પહેરવુ એ મુદ્દે સરકારી કે બિનસરકારી તંત્ર દ્વારા કોઈ જાતની ગાઈડલાઈન બહાર પાડવામાં આવી નથી. તેમ છતાં જો માર્ગદર્શન મેળવવું જ હોય તો છાપામાં મહિલાઓ માટે બહાર પડતી ખાસ પૂર્તિઓ ખાસ વાંચતા રહેવું અથવા મહિલાઓ માટેના મેગેઝિનના વિશેષાંકો વાંચવા. તેમાં આવા મુદ્દાઓ પર ઘણી ગહન ચર્ચા કરવામાં આવે છે પણ આ બધું એટલું બધું ન વાંચવું કે પછી મોર્નિંગ વોક એક બાજુ રહી જાય અને મહિલા વિશેષાંકો નું વાંચન વધી જાય.
બહેનો એ ખાસ યાદ રાખવું કે સવારમાં ઉઠીને ચાલવાની તૈયારી કરવાની છે. “તૈયાર થવાનું નથી” કારણ કે જો તૈયાર થશો તો બપોર થઇ જશે એટલે પછી સીધો જ ઇવનિંગ વોકનો નિર્ણય લેવો પડશે પણ ચહેરા પર કરેલા રંગરોગાન ઇવનિંગ સુધી ટકશે નહીં. આમ આંટીઘૂંટી વાળી સમસ્યા સર્જાશે. માટે સવારમાં તૈયાર થવું નહીં. સવારમાં જાગીને ચા કોફી પીને ચાલવા નીકળી જવું. કેટલાક બહેનોએ કૂતરો પાળ્યો હોય છે તેમની સમસ્યા સાવ જુદી હોય છે તેઓ વિચારતા હોય છે કે મોર્નિંગ વોકમાં પતિને સાથે લઈ જવો કે ડોગી ને! ડોગી ને સાથે લઈ જવાનો ફાયદો એ છે કે ડોગી ને કારણે લોકો તરત તમારી નોંધ લેશે. (કેટલાક ગંભીર નોંધ લેશે) પણ પતિને સાથે લઇને નીકળશો તો કોઈ નજર પણ નહીં નાખે. પણ જો ડોગી ને લઈને મોર્નિંગ વોકમાં જશો તો થોડા દિવસમાં ઘણાં લોકો તમને “ડોગીવાળા મેડમ” તરીકે ઓળખતા થઈ જશે જ્યારે પતિને લઈને આખું વર્ષ ફરશો તોય કોઈ તમને ઓળખશે નહીં. કેટલાક બહેનો સવારમાં કૂતરો લઈને ફરવા નીકળ્યા હોય છે એમાં કુતરો આગળ આગળ દોડતો હોય અને મેડમ સાંકળ પકડીને પાછળ ખેંચાતા જતાં હોય છે આમાં ખબર ન પડે કે કોણ કોને લઈને ફરવા નીકળ્યું છે. કુતરા માં બીજો પ્રશ્ન એ થાય કે જો મેડમ મોર્નિંગ વોક કરીને થાકી ગયા હશે તો કૂતરો પાછો ઘેર આવવા તૈયાર નહીં થાય પણ જો કૂતરો થાકી જશે તો એના કારણે મેડમને ઘેર જવું પડશે.
કુતરા ની વાત નીકળી એટલે એક રમુજી વાત યાદ આવી ગઈ અમારા એક મિત્રને કોઈ સુલક્ષણા બેનનું કામ હતું તેઓ સુલક્ષણાબેનની શેરીમાં પહોંચ્યા પણ તેમણે ઘર જોયું નહોતું. એટલે ઘરના ઓટલે બેઠેલા એક ભાઈ ને પૂછ્યું, સુલક્ષણાબેન ક્યાં રહે છે? પેલા ઊંચા છે ગોરા છે તે!”
પેલા ભાઈએ કહ્યું, “ખબર નથી.”
મિત્રે કહ્યું, “તેમના પતિનું નામ પ્રવીણભાઈ છે તેમને પ્લાસ્ટિક ની ફેક્ટરી છે.”
પેલા ભાઈએ કહ્યું, “ખબર નથી”
મિત્રે કહ્યું, “તેના દીકરા નું નામ પિન્ટુ છે કોલેજમાં ભણે છે.”
“ખબર નથી ભાઈ.”
આ વાત ચાલતી હતી ત્યાં જ તે ભાઈનો બાર-તેર વર્ષનો દીકરો બહાર આવ્યો અને તેણે કહ્યું, “પપ્પા, આ અંકલ કહે છે તે પેલા બે કુતરાવાળા આન્ટી! સુલક્ષણા આન્ટી .દરરોજ સવારે સાંજે બે કુતરા લઈને ફરવા નીકળે છે ને એ!”
મિત્રને થયું કે ઓ હો.. હો.. હો.. શું જમાનો આવ્યો છે! માણસો હવે કુતરાથી ઓળખાય છે એના પિતા, પતિ કે પુત્ર કોઈનાથી ઓળખાતા નથી પણ કુતરાથી ઓળખાય છે.
બીજું કે મોર્નિંગ વોકમાં આપણે બીજાના બગીચામાં ચાલવા જવું નહીં. આપણી પાસે આપણો પોતાનો બગીચો ન હોય તો કોઈ સરકારી બગીચામાં કે ફૂટપાથ પર ચાલવુ. બીજાના બગીચામાં એવું થાય કે પછી ત્યાંના ફૂલ છોડની માવજત કરવામાં લાગી જઈએ તો આપણું ચાલવાનું એક બાજુ રહી જાય. બીજા ના બગીચામાં ગમે તેટલા ફૂલછોડ ઉછેરો તોપણ તે આપણા થવાના નથી. ત્યાં આપણું સ્થાન માળી થી વિશેષ બનશે નહીં એના કરતા ઘર આંગણે ભલે બગીચો ન હોય પણ કુંડામાં વાવેલા ઘરના ફૂલ છોડની માવજત કરવી. એ જ રીતે બીજાના હરીયાળા મેદાનમાં ચાલવા ન જવું. કારણકે હરિયાળા મેદાનમાં હરિયાળી હશે.ત્યાં ખુલ્લા પગે અને ખુલ્લા દિલે ચાલશો અને પગના તળિયે કાયમ એ હરિયાળી અને કુણા કુણા ઘાસ નો સ્પર્શ થતાં હૃદયમાં કૂણી લાગણીઓ પેદા થશે. ત્યારે મેદાનના માલિકને ખ્યાલ આવશે કે આ માણસના મોર્નિંગવોકથી આપણી હરિયાળીને નુકસાન થાય છે ત્યારે તે ત્યાં ચાલવાની સાફ ના પાડી દેશે. પછી એવું હરિયાળું મેદાન આપણી પાસે હશે નહીં અને હરિયાળી વિના ચાલશે નહીં.એટલે હરિયાળી માટે ખોટી હડિયાપટ્ટી કરવી નહીં. પછી સવારે કોઈ ગુડ મોર્નિંગ કહેશે તોય મોઢું બગડી જશે. માટે લાગતા વળગતા સદગૃહસ્થ અથવા તો સદગૃહિણીઓએ જાહેર બગીચામાં, જાહેર રોડ પર કે ફૂટપાથ પર જાહેર જનતાના લાભાર્થે નહીં પણ પોતાના સ્વાસ્થ્યના લાભાર્થે ચાલવુ અને ચાલતી વખતે ચાલવા પર જ ધ્યાન રાખવું.
જેમ “હરિનો મારગ છે શૂરાનો” એમ “શરીરનો (તંદુરસ્તીનો) મારગ પણ છે શૂરાનો” તંદુરસ્તી જાળવવી એ કાચાપોચાનું કામ નથી. એ તો ચાલવા નીકળો ત્યારે જ ખબર પડે કે ચાલવુ સહેલું નથી. જેમ કોઈ મહાન તપસ્વી ઋષિની તપશ્ચર્યાનો ભંગ કરવા માટે સૌંદર્યથી ફાટફાટ થતી અપ્સરાઓ આવે છે. એ જ રીતે પગે ચાલીને તંદુરસ્તીની તપશ્ચર્યા કરનારા તપસ્વીઓની તપશ્ચર્યાનો ભંગ કરવા સજી-ધજીને તૈયાર થયેલી અપ્સરાઓ જેવી ચા, ફાફડા-જલેબી, ખમણ અને સમોસાની લારીઓ સવારમાં તૈયાર થઈને આવે છે. વળી તે ચાલનારા કરતા વહેલી આવી જાય છે. અને આવી ખુશનુમા સવારે લારીમાંથી ઉતરતા ગરમાગરમ ફાફડાની ખુશ્બુ સૈનિકની મક્કમતાથી ચાલનારા મરદોના ટાંટિયા ઢીલા કરી નાખે છે અને ચાલનારનો જ્યારે અંતિમ રાઉન્ડમાં પ્રવેશ થાય ત્યાં સુધીમાં તો આખે આખા પુરુષને, તેના મનોબળને અને વિચારોને ઢીલા કરી નાખે છે. એટલે જ છેલ્લે જ્યારે માણસ થાકેલા સ્નાયુઓ સાથે ઘર તરફ પાછો વળે છે ત્યારે તેને થાય થાય કે લાવ ‘કટિંગ ચા’ પીતો જાવ. ત્યાંથી થોડે દુર ફાફડાની લારી તો હોય જ. જેમ રંક માણસની જમીન પર પડોશીની પહેલાં તો દૂરના ગુંડાઓ કબજો જમાવી દે છે એમ ચા માટે રંક બનેલા મન પર ચાની પહેલાં તો ફાફડા કબજો જમાવી દે છે અને વાતવાતમાં દોઢશો બસ્સોગ્રામ ફાફડા પેટમાં પધરાવાય જાય છે.એટલે મોર્નિંગ વોકમાં જનારે ડોક સીધી રાખીને ચાલવાનું છે. સવાર સવારમાં તેણે સુંદર નારીઓ થી અને સુંદર લારીઓ થી બચવાનું છે નહીં તો કેલરી ઘટવાને બદલે વધશે અને ગમે તેટલું ચાલશો તો યે હતા ત્યાં ને ત્યાં જ રહેશો. માટે ચાલવા જતી વખતે એવી પ્રતિજ્ઞા કરવી કે ચા તો શું બહારનું પાણી પણ નહીં પીઉં અને ફાફડા સામે તો નજર પણ નહીં કરું. મન, વચન અને કર્મથી ઉપરાંત તન, મન અને ધનથી ફાફડા નો ત્યાગ કરીશ. જે કોઈ માઈનોલાલ સવારમાં આ પ્રતિજ્ઞા માં સફળ થશે તેના શરીરની સાથોસાથ તેનું મનોબળ પણ દ્રઢ થશે.માટે સીધી લીટીમાં ચાલતા રહો અને પછી સીધાંજ ઘર ભેગા થાવ.
ગરમાં ગરમ :- એક જ્યોતિષીએ એક બહેનને કહ્યું, “અઠવાડિયા પછી તમારે ‘લોઢાના પાયે પનોતી’ શરૂ થશે.
બહેન કહે, “….પણ મારા લગ્ન તો વીસ વર્ષ પહેલા થઈ ગયા છે!”
– નટવર પંડયા
બહુ સરસ હાસ્ય લેખ, મજા પડી ગઈ
Enjoyable reading but guide us for WALK, Nice One.