સરગમ સહેલી સંઘ… – સુષમા શેઠ 14


“શું હું ભેંસ છું? એમ કરો, ગાડી તમે ચલાવો, હું ઉતરી જઊં.” ડ્રાઇવર ગાડી રસ્તાની વચ્ચોવચ ઊભી રાખી હેઠે ઉતરી ગયો. પાછળ ટ્રાફિક જામ થવા માંડ્યો. બહાર હોર્નનો ઘોંઘાટ વધ્યો અને ગાડીની અંદર માનુનીઓનો.

red and white volkswagen van
Photo by Shukhrat Umarov on Pexels.com

“ચાલો કશેક જાત્રાએ જઈએ.” સરલાના સૂચનને સૌએ એકી સૂરે વધાવી લીધું. એ તો કદીક જ્યારે વાત વણસે ત્યારે જ સરગમના સાતેય સૂર બેસૂરા થઈ તાલમેલ ભૂલી જેમતેમ વાગવા માંડે બાકી તો ‘સરગમ સખી સંઘ’ની સાતેય સખીઓ જ્યાં જોઈએ ત્યાં સાથેને સાથે હોય.

“મારાં સાસુ જાત્રાએ જવાની ના નહીં પાડે, બાકી ફરવાનું નામ આવે તો એમનું મોઢું વાંકુંચૂકું થઈ જાય. વળી અચાનક માંદાય પડી જાય એ નફામાં.” રમીલાએ ટમકો મૂક્યો.

“મારે તો શ્રીનાથજી જાવું છે. ત્યાં બાંધણી સસ્તી મળે હોં.” ગીતા ગણગણી.

“અને ત્યાંના કંદના ભજીયા સાથે ઠંડાઈ અને…” મમતાના મોઢામાં પાણી આવ્યું.

“તોં એંક ડ્રાંઇવંરવાંળી મોંટી ગાડીં કરી લૈંયેં?” પદમાએ પૂછ્યું. તેની નાકમાંથી બોલવાની ટેવથી સૌ ટેવાઈ ગયા હતા.

“હાસ્તો વળી. રસ્તો લાંબો છે. કોણ શું નાસ્તો લેશે એ નક્કી કરી દો.” ધ્વની બોલી.

ડ્રાઇવર સહિત છ જણ સમાય તેવી ગાડીમાં સાતમી પાતળી નિશાએ વારાફરતી સખીઓના ખોળામાં બેસવું તેવું નક્કી થયું. “તેના માટે બીજી ગાડી કરવાની જરુર નહીં.” આમ સરગમ સહેલી સંઘ “બોલો બોલો શ્રીનાથજી બાવાની જય” બોલાવી મોટી સુમોમાં જાત્રાએ નીકળ્યો.

વડોદરા વટાવ્યું ત્યાં છેક પાછળ બેઠેલી મમતાએ આગળ ઊભેલી પપૈયાની લારી જોઈ બૂમો પાડી, “ખડા રખો. ખડા રખો… એ ડ્રાઇવરભાઇ ગાડી ઊભી રખો. હમેરેકુ ઝાડના પાકેલા પપૈયા લેવાના હય. બહોત મસ્ત મીઠા દીખતા હય. સવારસે કુછ નહીં ખાયા.”

“અલી. પપૈયા ખાઈખાઈને તું પપૈયું થઈ ગઈ છે. અહીં ચાલતી ગાડીએ વળી પપૈયા ક્યાંથી સમારાય. લે હું ચેવડો લાવી છું તે ફાકી જા. આગળ બ્રેકફાસ્ટનો બ્રેક લઈશું.”

મમતાનો મોટો અવાજ સાંભળી ડ્રાઇવરે મોટી બ્રેક મારી. અંદર બેઠેલા સૌને આંચકો લાગ્યો. ખોળામાં બેઠેલી નિશા એક ફૂટ અધ્ધર ઉછળી.

“મમતાડી, જ્યાં ને ત્યાં આમ ગાડી ઊભી ન રખાય. લે ત્યારે હવે હું ઘડીક તારા ખોળામાં બેસું.” કહી નિશાએ ખોળો બદલ્યો.

“પેલાં ચેવડો ખાઈ લેવા દે.” જો કે નામ મમતાનું અને કામ સહુનું. સૌએ ચેવડો ફાક્યો. થોડો ગાડીનેય ફકાવ્યો.

“માસી, મને ગુજરાતી આવડે છે. હું ગાડી ચલાવીશ. સાફ નહીં કરું.” ડ્રાઇવરનો પાછલો અનુભવ પોકાર્યો.

“કોણ માસી? હું તારી બેન જેવડી છું સમજ્યો? મને માસી નહીં કહેવાનું.” મમતાનો મધુર સ્વર બેસૂરો બની રેલાયો. સહેજ આગળ વધતાં, રમીલાએ ગાડી થોભાવી. “આ નિશુ મારા ખોળામાં બેઠી તેમાં પેટ દબાઈ ગયું. બાથરૂમ તો જવું જ પડશે. ડ્રાઇવરભાઈ તમેય જઈ આવો પછી પાછી ગાડી રોકવી ન પડે.” સાંભળી ડ્રાઇવર કચવાયો. તેણે બ્રેક મારી ગાડી સાઇડમાં દબાવી અને જરૂર વગર મોટેથી હોર્ન વગાડ્યા. પગ છૂટા કરી સૌએ પોતપોતાના સ્થાનની ફેરબદલી કરી અને ગાડી આગળ વધી. હવે ડ્રાઇવરની બાજુવાળી સીટ પર ધ્વની બેઠી.

“અરે, જરા ધીમે ચલાવ ભાઈ, સામેથી ટ્રક આવે છે.” ધ્વનીનો તાર સપ્તકે પહોંચેલો સૂર સાંભળી ડ્રાઇવર બઘવાયો.

“અરે અરે આવડી મોટી બસને ઑવરટેક ન કરતો. આપણી ગાડી ખાડામાં પડશે તો? હું સાઇડમાં બેઠી છું ભાઇ, મારા વરની એકની એક છું હોં. મને કંઈ થયું તો એ તને નહીં છોડે.” સાંભળી ડ્રાઇવરે ગંતવ્ય સ્થાને વેળાસર પહોંચવાની આશા છોડી દીધી. તેવામાં, “ડ્રાઇવર ભેંસ, ભેંસ, બ્રેક માર, બ્રેક માર.” ધ્વનીએ છેક ડ્રાઇવરના કાન પાસે તીણા સ્વરે પોકારો કર્યા.

“શું હું ભેંસ છું? એમ કરો, ગાડી તમે ચલાવો, હું ઉતરી જઊં.” ડ્રાઇવર ગાડી રસ્તાની વચ્ચોવચ ઊભી રાખી હેઠે ઉતરી ગયો. પાછળ ટ્રાફિક જામ થવા માંડ્યો. બહાર હોર્નનો ઘોંઘાટ વધ્યો અને ગાડીની અંદર માનુનીઓનો.

“અમેં પૈંસાં આપ્યાં છેં. તું સમજેં છેં શું તારા મનમાં હેં? સીધી રીતેં ગાડીં ચંલાવ.” જાજરમાન પદમાએ આંખો કાઢી છોકરડા જેવા ડ્રાઇવરને ડારો દીધો. પેલો વધુ બગડ્યો, “કામના પૈસા લઊં છું. આવી દાદાગીરી નહીં ચાલે.” પાછળના ગાડીવાળાએ એની પાછળની ગાડીઓએ કરેલા હોર્નના ઘોંઘાટને અનુલક્ષીને ઘટનાસ્થળે ધસી આવી ડ્રાઇવરને માંડ શાંત પાડ્યો. ઝઘડો થાળે પડતાં સંઘ આગળ વધ્યો. વીસેક કિલોમીટર આગળ ગયા ત્યાં સરલાએ ગાડી થોભાવવાનું સૂચન કર્યું, “અહીં તાજા પાપડ મઠીયા સરસ મળે છે. વળતાં સમય નહીં મળે, જેને લેવા હોય તે લઈ લો.”

“આવી રીતે તો રાત્રેય નહીં પહોંચીયે.” ડ્રાઇવરે બબડાટ કરવા માંડ્યો પણ તેનો બબડાટ સમુહમાં બોલાયેલ, “ગાડી ઊભી રાખ”ના પ્રચંડ નાદમાં દબાઈ ગયો. બધાં નાનામોટા પેકેટો લઈ પરત ફર્યા ત્યાં મમતા ફરી ભૂખી થઈ ગઈ.

“ડ્રાઇવરભાઈ, આગળ જ્યાં મસ્ત હૉટલ આવે ત્યાં ગાડી ઊભી રાખજે.”

“તમારે તો બેલગાડીમાં જવું જોઈએ.” કહી ડ્રાઇવરે વીસની સ્પીડે કાર હાંકવા માંડી. તે થોડીથોડી વારે પૂછતો, “ઊભી રાખું?” જાણે તેના કાન “ઊભી રાખ” સાંભળવા આતુર હતા.

“અરે જરા ગાડી ભગાવ. આમ ધીમી હાંકે તે નહીં ચાલે.” સરલાએ કડક અવાજે કહ્યું. નાસ્તાપાણી પતાવ્યા બાદ સંઘ આગળ વધ્યો. “કેવા બેકાર આલુપરાઠા હતા. હું તો એમાં જરીક અજમો નાખું.”

“મારા રમેશને અજમો જરાય ન ભાવે. ચાટ મસાલો નાખી જોજે, ટેસ્ટી લાગે.”

“તે સરલાબેન, તમે બટાકા બાફો કે વઘારો?”

“બાફીને પછી વઘારવાના.”

“તમારા પતિની ચટણી બનાવવાની રીત કહોને.”

વાનગીઓની રેસિપીઓ સતત સાંભળવા નહીં ટેવાયેલ ડ્રાઇવર એવો કંટાળ્યો કે ડાબી તરફ ગાડી વાળવાને બદલે તે જમણે વળી ગયો.

સરગમ સખી સંઘે બેસૂરા રાગે અંતકડી જમાવી. ડ્રાઇવરે કાનમાં રૂના પુમડાં ઘાલ્યા. તેવામાં સરલાનું ધ્યાન રસ્તા પરના માઇલસ્ટોન તરફ ગયું. “આ કયો રસ્તો લીધો? આમાં તો ભાવનગર એકસો દસ કિ.મી. બતાવે છે. આપણે તો રાજસ્થાન બાજુનો રસ્તો પકડવાનો. ઊભી રાખ. ઊભી રાખ.” સાંભળીને ડ્રાઇવર ચમક્યો. તેનો પગ બ્રેક પર પડ્યો અને ગાડી એક ચીસ મારીને ઊભી રહી.

“રસ્તો પૂછ.” ફરી સરલાનો હુકમ છૂટે તે પહેલાં ઉતાવળી ગીતાએ રસ્તે ચાલતા રાહદારીને પૂછ્યું, “નાથદ્વાર કઈ તરફ?” પેલાએ કહ્યું, “મને ગાડીમાં  બેસાડો. મારેય જવું છે.” ડ્રાઇવર ગિન્નાયો. એ પોતાની ભૂલ માનવા તૈયાર નહોતો, “ગાડી મારે ચલાવવાની કે તમારે? આ શોર્ટકટ છે. બાકી તમે જાણો.”

ઉપાધિ થઈ પડી. સૌ રસ્તાથી અજાણ હતા માટે હવે વાહન ચાલક જે માર્ગે લઈ જાય તે માર્ગે આગળ વધવું તેવું લાંબી ચર્ચાને અંતે સર્વાનુમતે નક્કી થયું.

“ચાલોં ત્યાંરે ભાવનગરી ગાંઠીયાં અનેં મરચાં ખાંઈને જ આગળ જંઈએ.” પદમાએ સૌના મોઢામાં પાણી લાવી દીધાં.

“ભાવનગર થઈને જવું છે?” હવે ડ્રાઇવરને ક્યાંય પહોંચવામાં રસ નહોતો.

“ના ભાઈ ના. એમ કાંઈ મન ફાવે તે દિશામાં ન જવાય.” કહી નિશાએ બેસવાનો ખોળો બદલ્યો અને સંઘ આગળ વધ્યો. ડ્રાઇવરે ગાડી આડીઅવળી ફેરવી, ચુપચાપ રસ્તો બદલી પોતાની ભૂલ સુધારી તેવામાં ફરી કોરસમાં, “ઊભી રાખ ઊભી રાખ” ગાજ્યું.

“હવે શું થયું?” મોટા સાદે પુછતા ડ્રાઇવરે ‘હે મા આ માતાજીઓથી તોબા’ મનોમન બોલી પોતાનું કપાળ કૂટ્યું. એ બીચારો અપરિચિત હતો તેમાં એનો શો વાંક?

“અહીં મસ્ત કાઠિયાવાડી ભોજન મળે છે. ચાલો સૌ જમી લઈએ.”

સૌ ઢાબામાં જમીને પરત ફર્યા ત્યાં બહાર સસ્તા ટુવાલની દુકાન પર રસીલાની નજર પડી. તેણે ચાર ટુવાલ ખરીદ્યાં અને સૌને બતાવ્યા.

“સારી કોલીટીના અને વળી સસ્તા છે હોં.” એ જોઈ બાકીની સખીઓ શાને રહી જાય? બધાએ ટુવાલો ખરીધ્યાં. બેગોમાં જગ્યા ન હોવાથી એ પોટલા છેક પાછળ ખડકાયા. પાછળની સીટો ટુવાલોના પેકેટોથી ઉભરાઈ.

“મમતા, હવે એમ કરો, તું અને ધ્વનિ પાછળ બેસો. ક્યારના અમે બેઠા છીએ તો હવે અમે આગળ બેસીએ.” સરલા ઠાવકું મોઢું કરી બોલી.

“ના હોં. મને નહીં ફાવે.” મમતાએ ટુવાલોના પોટલાઓ તરફ નજર નાખતા કહ્યું.

“એમ ન ફાવે એવું ન ચાલે. બધાએ વારાફરતી બેસવું જ પડશે.”

“અલી ડાહી. બોલી વારાફરતી બેસવું પડશે તો તું જ બેસ ને.” ગરમાગરમી થઈ ગઈ. જાત્રા આગળ વધતી અટકી ત્યારે છેવટે શાણા ડ્રાઇવરભાઈએ ઉપાય બતાવ્યો, “એમ કરો, હું સીટ પર ટુવાલો પાથરી આપું. જગ્યાની જગ્યા અને ગાદીની ગાદી.”

વિચારણાને અંતે સૌ સંમત થતાં તેણે ગાડી આગળ હંકારી. પેટભરીને જમ્યા બાદ સૌ ઝોકે ચડ્યા. ગાડીમાં થતા સતત કલબલાટમાં બ્રેક પડવાથી ડ્રાઇવરનુંય મગજ શાંત પડ્યું. તેણે ગાફેલપણે ગાડી દોડાવી મૂકી. માર્ગમાં અચાનક સ્પીડ બ્રેકર આવતાં દોડતી ગાડી ત્રણ ફૂટ ઉછળી.

“ઓહહ…” સરગમના સાતેય સૂરોમાંથી  એક સરખું સંગીત વાગ્યું. ખોળામાં બેઠેલી નિશાનું માથું ગાડીની છત સાથે ભટકાયું. તેણે “ઊહહહ આહહહ” જેવા આતંકિત સ્વરો રેલાવ્યા.

“અલ્યા ડોબા ડ્રાઇવર, તું અમને ઉપર પહોંચાડીને જ છોડીશ પણ જો જે અમે તને નહીં છોડીએ. આવી રીતે ગાડી ચલાવાય? આગળ દેખતો નથી આવડો મોટો બમ્પ છે તે?” બધી જ માસીઓ, સોરી બહેનો બીચારા નોધારા નમાયા કુંવારા ડ્રાઇવર પર તૂટી પડી. ડ્રાઇવર ઘભરાઈને ગાડી ખોલીને નીચે ઉતરી પડ્યો, “મારાથી ગાડી નહીં ચલાવાય. કોઈ બીજો ડ્રાઇવર શોધી લો.”

“લે, એમ અધવચ્ચે તારાથી અમને ન છોડાય. શરમ બરમ છે કે નહીં?” સામસામી તડાફડી ફૂટ્યા બાદ સમાધાન થયું અને સંઘ આગળ વધ્યો.

થોડે આગળ જતાં સમજુ ડ્રાઇવરે કોઈનાય કીધાં વગર જાતેપોતે ગાડી ઊભી રાખી, “અહીં પાણી ભરવાના માટલા સરસ મળે. લઈ લો.” તેનું વાક્ય પુરૂં થાય તે પહેલાં તો માટલાના ભાવતાલ થવા માંડ્યા. હવે ડ્રાઇવરે આન્ટીઓની રગ પારખી લીધી હતી. દરેકે માટલા ખરીદ્યાં પણ રાખવા ક્યાં? અમુક માટલા પગ નીચે અને અમુક ખોળામાં ગોઠવાયા. સંઘ આગળ વધ્યો.

“પાટલી વેલણ લેવા છે? ડ્રાઇવરે પૂછ્યું.

“સસ્તાય હશે નહીં?”

ડ્રાઇવરનું મોટેથી “હાઆઆઆ…” કહેતાં ગાડી આપોઆપ ઊભી રહી ગઈ. ઉતાવળે ઉતરવા જતાં રસીલાનું માટલું અફળાઈને તૂટ્યું.

“અલી જરી હળવેકથી નથી ઉતરાતું? આ તો ગયું. મારે વળતાં બીજું માટલું લેવું પડશે.” રસીલાએ ડૂસકું ભર્યું. વળી નવેનવું માટલું તૂટી ગયું તેના શોકને સરભર કરવા તેણે બે નવી પાટલીઓ ખરીદી લીધી.

“ડ્રાઇવરભાઈ, ઊપર કેરિયર બાંધ. આ પાટલીઓ મૂકવી પડશે.” સરલાબેને હુકમ છોડ્યો.

“કેરિયર નથી. એ માટે તમારે પહેલેથી કહેવું પડે.” ઠસોઠસ ભરેલી ગાડી ચલાવતા ડ્રાઇવરને થયું, “હું જ ઉપર ચડી જઉં અને પછી શાહરૂખની માફક ચલ છૈયાં છૈયાં કરતો નાચું.’ જો કે તેણે એવું કહેવાની હિંમત ન કરી.

હવે નિશા ઉપરાંત ધ્વનીનેય ખોળે બેસાડવામાં આવી અને પાટલીઓ માટે જગ્યા કરાઈ. રાત્રે સૌ નાથદ્વારા પહોંચ્યા ત્યારે થાકીને ઠૂસ થયેલાં. મંદિરના દ્વાર બંધ થઈ ગયા હોવાથી બીજા દિવસે દર્શન કરવા જવું તેવું વિચારી સૌ પોઢી ગયા.

ઉઠતાંવેત મમતાએ ફુદીનાવાળી મસાલા ચા સાથે ગરમાગરમ જલેબી, પૌંઆ આરોગવાની દરખાસ્ત મૂકી. તેને ન્યાય આપ્યા બાદ સૌ હવેલીની બહાર લાઇનમાં ઉભા રહ્યાં. “ઓહહ… લાઇન તો ઘણી લાંબી છે. બે કલાકેય વારો નહીં આવે. દર્શન તો પછીયે થશે. ચાલો બજારમાં સહેજ આંટો મારી આવીએ.” નિશાના સૂચનને સૌએ સહર્ષ સ્વીકારી લીધું.

એક પછી એક સાડીની દુકાનો આ મુલાકાતીઓને આવકારતી રહી. હોંશે હોંશે સાડીઓ ખરીદાતી રહી. ધ્વનીએ દીકરી માટે બરાબર ભાવ કસીને ચણિયાચોળી ખરીદ્યાં.

બપોરે જમીને સૌ આડા પડ્યા. ઉઠીને દર્શન માટે મંદિરે જવાનું વિચારેલું પરંતુ…

“ચાં તો પીવીં જ પડશેં નહીંતર માથું ચડે.” કહેતી પદમા ચા સાથે પ્રસરતી રતાળુના ભજીયાની સુગંધને કેમેય કરીને ટાળી ન શકી. સૌ એની પાછળ ખેંચાયા.

“આ સાડીમાં તો કાણા છે.” મમતાની જે સાડી પર સૌ મોહી પડેલા તે બદલાવવાની તાતી જરૂર ઊભી થઈ.”

ધ્વની ઉવાચ: “મારેય તે આ ચણિયાચોળી બદલીને બીજો કલર લેવો છે. આ ઝાંખો લાગે છે નહીં?”

“હું એકાદી સાડી મારા સાસુ માટે લઈ લઊં. લીધા વગર જઈશ તો એમનું મોઢું ચઢી જશે.” રસીલાએ રસ વગર કહ્યું. જો કે, સરગમ સખી સંઘ જ્યાં જાય ત્યાં સાથે જાય માટે સૌ પ્રભુદર્શનના ક્ષણિક લાભને જતો કરી, શાશ્વત સુખ મેળવવા બજારમાં પહોંચ્યા. લાંબી માથાકૂટ, ભાવમાં રકઝક અને નવેસરથી સાડીઓ ઉથલાવ્યા બાદ, એ મહાન કામ પતાવી સખીઓ દુકાનની ઝાકઝમાળમાંથી બહાર નીકળી ત્યારે અંધારું ઉતરી આવેલું.

“જમી લઈએ. મને તો ભૂખ લાગી છે. મારાથી લાંબી લાઇનમાં ઊભા નહીં રહેવાય. તમે બધા જાઓ.” મમતાએ મમરો મૂક્યો.

“ના. ના. કાલે વહેલી પરોઢે મંગળાના દર્શન કરીશું. એમ કોઈને એકલું ન મૂકાય.” નિશાનો તાર સપ્તકે પહોંચેલો તીણો સ્વર સૌને ઝંકૃત કરી ગયો, “રાઇટ યુ આર.” કહી સૌ ગરમાગરમ ભાણું પીરસાવાની રાહ જોતા બેઠાં તે પહેલાં સાઇઝ, ભાવ, કલર, ડિઝાઈન વગેરેની માથાકૂટ બાદ, રંગબેરંગી બંગડીઓની ખરીદીના ભગીરથ કાર્યનું પણ સમાપન કરાયું.

“કોઈની બેગમાં થોડી જગ્યા છે?” પૂછતી નિશાને બધા એવી રીતે તાકી રહ્યા જાણે તેણે મોટું પાપ કર્યું હોય. રસીલા બેગની ઉપર બેસી ગઈ. તેણે બેગમાં દબાવીને સાડીઓ ભરી. અંદર ચૂપચાપ પડી ન રહેવા માંગતા કપડાએ બેગ બહાર ડોકાં કાઢ્યા. તોફાની બાળકોને અંદર પૂરતી હોય તેમ રસીલાએ પરાણે તેમને અંદર ધકેલ્યા. બેગને માઠું લાગ્યું અને તેની ચેન પકડ ગુમાવી લટકી પડી. હવે બેગ બંધ થવાને બદલે રિસાઈ અને રસીલા મુંઝાઈ.

“ડ્રાઇવરભાઈ, રસ્સી હોય તો આપો. બેગને બાંધવી પડશે.” સાંભળી ડ્રાઇવર બોલ્યો, “હજુય અંદર જેટલું ઠાંસવું હોય તેટલું ઠૂંસો પછી જ બાંધું. આમેય રસ્સીઓ હૉલસેલમાં લાવવી પડશે. બધાની બેગો ગાડીમાં ગોઠવી આપીશ અને પછી સૌ તેની ઉપર બેસજો.”

બીજા દિવસની પ્રભાતે સૌ ઊઠીને પરવાર્યા તે સમયે દર્શન માટેના કમાડ બંધ થઈ ગયા હતાં.

“મોડામાં મોડું નવ વાગે વડોદરા જવા નીકળવું પડશે. આજે સાંજે આ ગાડીની બીજી વરદી છે.” ડ્રાઇવરને, આ માતાજીઓનો થયેલો તાજો અનુભવ બોલ્યો.

“ફુદીનો લેવાનો તો રહી જ ગયો. અહીંના ફુદીનામાં સરસ સુગંધ હોય છે. મારે કૂંડામાં રોપવો છે.” નિશા બોલી.

“એમ? તો તો હુંય લઈ લઉં.” ધ્વનીએ સાદ પૂરાવ્યો તેમાં બધા જોડાયા. ફુદીનાની હોલસેલ ખરીદી કરાઈ.

“આપણેં હવેંલી  ક્યાંરેં જંઈશું?”

“ભગવાનની ઈચ્છા હોય તો જ એ દર્શન આપે. એમ કાંઈ જાત્રા કરવી સહેલી છે?”

“ડ્રાઇવરભાઈ બપોરે જમીને પછી નીકળીએ. દર્શન કરવાના તો બાકી છે.”

“તો તમારે વધુ એક દિવસનું ભાડું આપવું પડશે.”

“અડધા દિવસમાં તારું શું લૂંટાઈ જવાનું હેં? હવે આવ્યા જ છીએ તો દર્શન કરી લઈએ.”

“પણ ભાડું?”

“ડબલ ભાડું ઓછું ચૂકવાય? મેં તો વળી ઘરે કીધું છે કે સાંજ લગીને પાછી આવી જઈશ તો ઘરમાં બધા ચિંતા કરશે.”

“અને મારે તો ઘરે જઈને રાંધવાનું છે. એ તો ભઇ હરિઈચ્છા. આવતા વખતે ફરી વધુ સમય લઈને આવીશું. ડ્રાઇવરની વાત તો સાચી છે.”

છેવટે હવેલી દર્શનનો લાભ મોકૂફ રાખી સૌ ગાડીમાં ગોઠવાયા. ટુવાલ, સાડીઓથી ફાટફાટ થતી બેગો પર માનુનીઓએ બેઠક જમાવી. હાથમાં ફુદીનાની ઝૂડીઓ ઝાલી. પપૈયા ભરેલા માટલા સીટ નીચે ગોઠવાયા તેની પર પગ લાંબા પહોળા કરાયા. પાટલી વેલણ વચ્ચેની જગ્યામાં રખાયા. ગાડીમાં બિરાજમાન સરગમ સખી સંઘે વડોદરા તરફ પ્રસ્થાન કર્યું. આજુબાજુથી પસાર થતા લોકોને, માણસ વગરની ફુદીનો ભરેલી સુમોગાડી જતી જોઈ નવાઈ લાગી.

“ઊભી રાખું?” ડ્રાઇવરે તાજા શાકની માર્કેટ જોઈ મુદ્દાનો પ્રશ્ન કર્યો, “સીધી ખેતરમાંથી આવેલી કોબીજ મળશે. હજુય ગાડીમાં ફુદીનાની જૂડીઓ વચ્ચે થોડી જગ્યા છે.” જો કે હવે સૌ ગાડીમાં એવા વ્યવસ્થિત ગોઠવાઈ ગયેલાં કે કોબી લેવા બહાર નીકળીને ફરી એ રીતે જાતને ગોઠવી શકાય તે શક્ય નહોતું.

“એક કામ કર, તું જ સૌની એક નંગ પ્રમાણે ખરીદી લાવ. એકાદી તારા માટેય લેજે.”

પછી તો કોબીના દડા, આગલી સીટ અને ડ્રાઇવર સીટ વચ્ચે ગોઠવાયા. ડ્રાઇવર ગિયર બદલે ત્યારે દડા આમતેમ ઊછળતા એ જુદી વાત છે.

સહેજ આગળ વધ્યા ત્યાં તો ફટ્ટાક કરતો નાનકડો ધડાકો થયો. પાછલા ટાવરમાં પંક્ચર પડ્યું.

“ઉતરો ઉતરો બધા નીચે ઉતરો.” ડ્રાઇવરભાઈએ હાકલ કરી. જાજરમાન સરલાબેને બીચારા છોકરડા જેવા ડ્રાઇવરનો કાંઠલો પકડી તેને હચમચાવી નાખ્યો, “ટાયરની હવા ચેક નહોતી કરી ડફોળ? હવે તો તારી હવા કાઢી બતાવું.”

પેલાને એવી તો ખીજ ચડી, “તમારા લોકો સિવાય બધું ચેક કરેલું. ગાડીનો ટાયર બદલવો જ પડશે. નીચે ઉતરો.”

“હાય હાય, આના કરતાં  દર્શન કરીને નીકળ્યા હોત તો આમ અડધે રસ્તે ખોટી થવું ન પડત.” મમતા બોલી. સૌ હાયકારા કરતા બહાર નીકળ્યા. ડ્રાઇવરે ટાયર બદલ્યું. ગાડી વારંવાર જમવા, બાથરૂમ વાપરવા, ચા પીવા, સસ્તા ભીંડા લેવા… ડચકા ખાતી ખાતી આગળ વધતી રહી. છેવટે મોડી સાંજે સૌ હાશ… કરતા પોતપોતાને ઘરે પહોંચ્યા.

“કેવી રહી તમારી જાત્રા?” રમીલાના સાસુએ ઉલટભેર સવાલ કર્યો.

“હાય હાય. રજાઈઓ લેવાની તો રહી જ ગઈ.” બીજું શું બાકી રહી ગયું તેનો ફોડ રમીલા સહિત એકેય સખીએ ન પાડ્યો.

– સુષમા શેઠ


આપનો પ્રતિભાવ આપો....

14 thoughts on “સરગમ સહેલી સંઘ… – સુષમા શેઠ

  • Samir A. Shah

    બધાંજ દ્રશ્યો ખુબજ તાદ્રશ રીતે ઉજાગર થાય છે. જાણે એમજ લાગે છે કે હું પણ સરગમ સહેલી સંઘ પૈકીનો (!!) એક હોઉં — (પણ એ તો શકયજ નથી – એટલે) હું driver હોઉં અને છેક વડોદરાથી છેક શ્રીનાથજી જઈ, ધજાજીના દર્શનથી પાવન થઈને સંતુષ્ટ થાઉં અને અલપ ઝલપ વસ્તુઓની ખરીદીના દર્શન કરી/કરાવીને ફેરો સફળ થયો ગણું. જય શ્રી કૃષણ.

  • Himanshu Patel

    ખરેખર તે ખૂબ જ રમુજી વાર્તા છે…. જ્યારે મેં આ વાર્તા વાંચી, ત્યારે તે મને, મારા માતૃપરિવારના સભ્યો સાથેના બાળપણના પ્રવાસનો અનુભવ યાદ આવી ગયો. અને મેં આ વાર્તા મારા પરિવાર સાથે શેર કરી અને અમે બધાએ સાથે મળીને તેનો આનંદ માણ્યો…..him!

  • ASHWIN SHAH

    બહુજ સરસ, સરગમ સખી જાત્રાએ નીકળ્યા તા કે ખરીદી કરવા. ( બસનું ભાડું, હોટલ/ધર્મશાળા નું ભાડું વગેરે નજર અંદાજ કર્યે તો ખરીદી બહુજ સસ્તામાં કરી)

    શ્રીનાથજીના દર્શન કર્યા વગર પરત ફર્યા તો ફક્ત ટાયર પંચરમાં j પતાવ્યું?

    એકંદરે તમારી દરેક વાર્તા ની જેમ આ વાર્તા પણ વાંચવાની બહુ મજા પડી.