લોકમાતાઓ: પુરુષોત્તમ સોલંકી, પુસ્તકસમીપે – અંકુર બેંકર 


પ્રસ્તુત પુસ્તક વાચકને નવદુર્ગાનાં પ્રાચીન નામ, દેવીઓની નામાવલી, વાહનધારી દેવીઓના નામ, સર્વકલ્યાણકારી દેવીની ઉત્પત્તિ, દેવીઓના ચમત્કારિક પરચા, પ્રત્યેક દેવીના સ્થાનકનું ભૌગોલિક-ઐતિહાસિક વર્ણન અને ઐતિહાસિક કહેવાતી કથાઓ, દેવીઓની સાવળો, દેવીઓના ગરબા, દેવીઓના દોહરાનો પરિચય કરાવે છે

પુસ્તક સમીક્ષા: લોકમાતાઓ 

લેખક: પુરુષોત્તમ સોલંકી 

શ્રી પુરુષોત્તમ સોલંકીએ લખેલું પ્રસ્તુત પુસ્તક ‘લોકમાતાઓ’ (લોકસંસ્કૃતિ અને લોકસાહિત્યમાં) ઈ.સ. ૧૯૭૨માં ગુજરાત રાજય લોકસાહિત્ય સમિતિએ પ્રગટ કર્યું હતું. ત્યારબાદ ઘણા સમય પછી વર્ષ ૧૯૯૮માં આ અપ્રાપ્ય પુસ્તકની – રન્નાદે પ્રકાશનની પ્રથમ આવૃત્તિ નવા રંગેરૂપે વાચકોનાં હાથમાં મૂકાઈ હતી. એ પછી રન્નાદે પ્રકાશનની બીજી આવૃત્તિ વર્ષ ૨૦૦૦માં આવી હતી. 

Lokmatao Gujarati Book by Purushotam Solanki, Review on Aksharnaad

પુસ્તકની સર્જનપ્રક્રિયા વિશે વાત કરીએ તો લેખક લોક્સાહિત્યનાં પહેલેથી જ ચાહક હતા. લોકહૃદયની ઊર્મિઓ તથા સંવેદનોનાં દર્શન કરાવતા આ લોકસાહિત્યનું ઘેલું તો તેમને સને ૧૯૫૬થી લાગેલું. પરતું સ્વ. શ્રી મેઘાણીભાઈની રઢિયાળી રાતનાં ગીતો જોયા પછી એમને આ જાતના સાહિત્યનો સંગ્રહ કરવાની પ્રેરણા મળી અને લોકસાહિત્યનું સંશોધન અને સંપાદન કરવાનું એમણે શરૂ કર્યું. કેટલાંક લોકગીતો, લોકસાહિત્ય સમિતિનાં લોકસાહિત્યમાળામાં પ્રગટ થયાં. આ બનાવથી લોકસાહિત્યના સંશોધન માટેના એમના કાર્યને વેગ મળ્યો. એ પછી તો કોઈ પણ લોકકંઠે કહેવાતું સાહિત્ય, ટુચકા, જોડકણાં, ફટાણાં, ખાયણાં, ગીતો, લોકકથા, દુહા, રામવળાં, હાલરડાં, અરજિયાં જેવા કોઈપણ પ્રકારને તેઓ પોતાના સંશોધનમાં સ્થાન આપતા. આ સ્તુતિઓ અને સાવળમાં લેખકને લોકહૃદયની દેવી પ્રત્યેની અનન્ય ભક્તિભરી આરજુ દેખાતી, દેવી પ્રત્યેની અપૂર્વ નિષ્ઠા અને શ્રદ્ધાના મોટા ઓઘ દેખાતા, દેવીના દર્શન માટેની લોકહૃદયની વિષમતાભરી વેદના જણાઈ આવતી. લેખક એમ માનતા કે લોકહૃદયની ઊર્મિઓ અને ભાવોને પ્રદર્શિત કરતું ને લોકજીવનમાં વણાઈ ગયેલું અને વણાતું જતું કોઈપણ સાહિત્ય તે લોકસાહિત્ય જ છે. ગુજરાતના જુદા જુદા પંથકોમાંથી જયાં જયાંથી જેવી ને તેવી તૂટક ફૂટક જે જે કથાઓ-સાવળો મળી તેનું સંપાદન તેઓ કરતા રહયા. આ સંપાદનનાં પરિપાક રૂપે ગુજરાત રાજય લોકસાહિત્ય સમિતિનાં માર્ગદર્શન તળે જે સંગ્રહ પ્રકાશિત થયો એ આ પુસ્તક ‘લોકમાતાઓ’. 

પ્રસ્તુત પુસ્તક વાચકને નવદુર્ગાનાં પ્રાચીન નામ, દેવીઓની નામાવલી, વાહનધારી દેવીઓના નામ, સર્વકલ્યાણકારી દેવીની ઉત્પત્તિ, દેવીઓના ચમત્કારિક પરચા, પ્રત્યેક દેવીના સ્થાનકનું ભૌગોલિક-ઐતિહાસિક વર્ણન અને ઐતિહાસિક કહેવાતી કથાઓ, દેવીઓની સાવળો, દેવીઓના ગરબા, દેવીઓના દોહરાનો પરિચય કરાવે છે.  

શરૂઆતમાં લેખક, માર્કન્ડેય પુરાણમાં ઉલ્લેખ છે એ પ્રમાણે  દેવીની ઉત્પત્તિ વિષેનો ‘સર્વકલ્યાણકારી દેવીની ઉત્પત્તિ’ નામે લેખ વાચકો આગળ મૂકે છે. આ લેખમાં મહામાયા, જોગમાયા, જોગેશ્વરી, ઈશ્વરી સર્વાક્લ્યાણકારી દેવીની ઉત્પત્તિ વિશે વિસ્તારપૂર્વક વર્ણન છે. 

અસંખ્ય દેવોના તેજના પ્રકાશપૂજમાંથી ઉત્પન્ન થયેલી સિંહવાહીની દેવીએ મહિષાસુરનો વધ કર્યો તે વિશે રોચક વર્ણન મહિષાસુર-મર્દન નામના લેખમાં કર્યું છે.

ત્યારબાદ અલગ-અલગ પંદર પ્રકરણમાં અલગ-અલગ દેવીઓ તથા તેમના સ્થાનકો વિશેની કથાઓ આવરી લીધી છે. પ્રત્યેક પ્રકરણમાં પહેલા લોકકથા કે દેવીના સ્થાનક વિશેની માહિતી ત્યારબાદ જેના આધારે આ માહિતી મળી હોય તેવાં ભજન, છંદ, સાવળો કે દુહા દરેક પ્રકરણમાં આવરી લેવાયા છે. આ રીતે મા ચામુંડા, મેલડી મા, મહાકાળી મા, ખોડિયાર મા, શિકોતર દેવી, બુટ-ભવાની, હજારી, અંબિકા દેવી, ભદ્રકાળી, બ્રહ્માણી મા, ઊંટવાળી મા, આઈ વરૂડી અને હોલ માતાજીની કથાઓથી આ પુસ્તક આપણને રૂબરૂ કરાવે છે.

Lokmatao Gujarati Book by Purushotam Solanki, Review on Aksharnaad
Lokmatao Gujarati Book by Purushotam Solanki,
Review on Aksharnaad by Ankur Banker

ચોટીલા ડુંગર અને દેવી ચામુંડા વિશે સમાનતા ધરાવતી કેટલીક દંતકથાઓને આધારે ચામુંડા માતાની કથા પ્રારંભે મૂકવામાં આવી છે. આ કથામાં શિવ અને પાર્વતીના સેવક એવા ચુંડ અને મુંડ કેવી રીતે રાક્ષસી વૃત્તિવાળા બને છે અને મા પાર્વતી કેવી રીતે એમનો સંહાર કરે છે એ આખી ઘટના રોચક શૈલીમાં વર્ણવી છે. દેવી મેલડીની ઉત્પત્તિ, મામડ ચારણને ઘરે ઊછરતી સાત બહેનોની વાત, (સતી ગણાતી – આવળ, જોગળ, તોગળ, સાંચાઈ, હોલબાઈ, બીજબાઈ, કામબાઈ), ચોટીલા આસપાસની ધરા રાતી કેમ છે? તથા દેવચકલી અને દેવી ખોડલની વાત  આ કથામાં વાંચીને વાચક અભિભૂત થયા વગર ન રહી શકે. આ કથાને સમર્થન આપતી કેટલીક બાબતો કે વસ્તુઓ આજે પણ જોવા મળે છે.  જેમકે દેવીઓના ચતુર્ભુજા-અષ્ટભૂજા-વિસભુજા તથા સહસ્ત્ર ભૂજાવાળા અને દૈત્યોના સંહાર કરતા ચિત્રો.  જીભ બહાર નીકળેલી હોય એવા ભયંકર ક્રોધીષ્ઠ સ્વરૂપમાં દેવી મહાકાળીનો એક પગ શિવજીની છાતી પર છે એ છબી ઘણી વ્યાપક છે. ત્યારે એમ થાય કે આવી જ કોઈ કથાનો આધાર લઈને ચિત્રકારે પોતાની કલ્પના અનુસાર આવાં ચિત્રો તૈયાર કર્યાં હશે. 

આવી જ રસપ્રદ અને જીજ્ઞાસા જગાવે એવી અલગ અલગ મેલડી દેવીના સ્થાનકોની વાત પછીના  પ્રકરણમાં કરી છે. જેમાં કડીના કાંગરાની મેલડી, મલ્હારરાવના મહેલની મેલડી, હીરીયા-લાસુની મેલડી જગમાલ-વાહણની મેલડી, હરખા ખાવડીયાની મેલડી, મોટાકુવાની મેલડી, નગટી વાવની મેલડી, અઢીયાગરી મેલડી, જીવણની મેલડી, ઊગતાની મેલડી, ભડાખાઉં મેલડી,  પારકરી મેલડી, મશાણી મેલડી, વહતાની મેલડી, લોરના હજીરાની મેલડી, માના અજાની મેલડી જેવાં દેવીના સ્થાનકોમાંથી કેટલાક સ્થાનકોની કથા વિગતે કહી છે.  

‘લોકમાતાઓ’ એટલે લોકોની માતા. જગતજનની મા મહાશક્તિ એક જ છે પણ અલગ અલગ સ્થળે તમને એ પ્રદેશમાં વસતાં લોકોનાં મુખે અલગ અલગ દેવીઓની લોકકથાઓ સાભળવા મળશે. મહાશક્તિએ અસુરો હણવા માટે જુદાં જુદાં સ્વરૂપો ધર્યા તેથી ‘નવદુર્ગા’ એટલે કે નવ દેવીઓની ઉત્પત્તિ થઈ. આ જ નવદુર્ગામાંથી ચોસઠ જોગણીઓની ઉત્પત્તિ થઈ જેની અલગ અલગ કથાઓ, ભજનો તથા સાવળો દ્વારા વર્ષોથી લોકો વચ્ચે સચવાતી આવી છે. આવી સાવળો તથા કથાઓ વગેરેને એકત્રિત કરી પદ્ય તથા ગદ્યની બાબતમાં તૂટક પાંખડીઓની એકસૂત્રતા સાંધી મોલિકતાથી કથાઓ તૈયાર કરી છે. તૂટક તૂટક વસ્તુકથનને એકસૂત્રતાના તારે પરોવી એક અખંડ માળા લેખક તૈયાર કરી શક્યા છે. 

આ વિષય આમ તો શ્રદ્ધાનો છે પણ કથાઓમાં અલગ જગ્યાએ ભજન, સાવળ,  છંદ કે દુહો વગેરે ક્યાંથી મળ્યાં એનાં હજી પણ વધારે સંદર્ભ મૂકીને વાચકની દ્વિધા કે જિજ્ઞાસા સંતોષી શકાઈ હોત. આ ઉપરાંત માતાજી કે દેવીના સ્થાનકના ચિત્રો મૂકીને પુસ્તકને એક અલગ સ્વરૂપ આપી શકાય એમ છે. પુસ્તકનું મુખપૃષ્ઠ રંગનિયોજન અને ચિત્રકળાની રીતે આકર્ષક છે તથા વિષયને આનુષંગિક છે. 

કશુક નવું તથા અલગ વાંચવા માંગતો વાચક આ કથાઓ વાંચી આવી લોકકથાઓને અલગ નજરે જોતો થઈ જશે એ વાત નક્કી છે. 

અંતમાં પુસ્તકમાં સમાવિષ્ટ અનેક દોહરાઓ પૈકીનો એક, 

સિંહ સવારી શોભતી, નવચંડી માત ગણાય.
મહિષાસુરને મારતી, રાતડિયા રણની ભણાય.

પાનવડ પાણી હાંચર્યા, જળ લેવા ને જતી,
લીધો મૈયારણનો વેશ, ચોટીલા ચારણ સતી.

પાડો પડની માંય, પાડો પડ છાંડે નહીં.
કાપો કાંધની માંગ, ચલાવું દેવી ચામુંડા.

મિત્રો, ફરી મળીશું આવાં જ કોઈક પુસ્તકનાં પાનેપાને પગલાં પાડવાં. ત્યાં સુધી વાંચતાં રહો અને પ્રસન્ન રહો. 

મા ગુર્જરીની જય! નર્મદે હર!

– અંકુર બેંકર

[લોકમાતાઓ, લેખક: પુરુષોત્તમ સોલંકી, પ્રકાશક અને પ્રાપ્તિ સ્થાન: રન્નાદે પ્રકાશન, પૃષ્ઠ: ૧૮૨, મૂલ્ય: ૯૬-૦૦]

દિવાળીએ ભેટ આપવાલાયક શ્રેષ્ઠ ગુજરાતી પુસ્તકો. અહીં ક્લિક કરીને અમેઝોન પરથી ઓર્ડર કરો.

આપનો પ્રતિભાવ આપો....