તો વારતા પતી જશે.. – વિરલ દેસાઈ 7


વારતા પતી જશે તો મજા આવશે કે મજા પૂરી થઈ જશે? વાચક તરીકે આપણે સૌ ક્યાંક એવું જ ઇચ્છતા હોઈએ છીએ કે સારી, રસપ્રદ અને મનોરંજક વારતા કદી પૂરી ન થાય. અશ્વિની ભટ્ટની કે હરકિશન મહેતાની નવલકથાઓની જેમ આપણી ઈચ્છિત વારતાનો અંત આપણને જોઈતો હોતો નથી. એ સુખકર, રસપ્રદ ભ્રમણાઓ છે જેમાં રહેવાનું આપણને ગમે છે…

જો ઝંખના મરી જશે તો વારતા પતી જશે,
ને જીવ ઝળહળી જશે તો વારતા પતી જશે.

તું હા કે ના કહે નહીં – છે ત્યાં સુધી મજા મજા,
જવાબ જો મળી જશે તો વારતા પતી જશે.

બધા કહે છે આપણી કથામાં દર્દ ખુટશે
ને દર્દ જો ખુટી જશે તો વારતા પતી જશે.

“નથી ખબર કશી તને”- એ વારતાનો પ્રાણ છે,
બધી ખબર પડી જશે તો વારતા પતી જશે.

આ વારતા પતી જવી બહુ જરુરી છે વિરલ
કશું સતત ટકી જશે તો વારતા પતી જશે

– વિરલ દેસાઈ


બીજી જુલાઈ ૨૦૨૨ની એ શનિવારી વરસાદી સાંજ હતી, આઠ કલાકની મુસાફરી પછી અમદાવાદ પહોંચ્યો અને ઘરે જઈ લેપટોપની બેગ મૂકતાં પત્નીને કહ્યું, ‘એક સરસ મજાનો કાર્યક્રમ છે. ચાલ જઈએ…’ શનિવાર હતો એટલે જમવાનું હતું નહીં; લોંગ ડ્રાઈવની મજા લેતાં અને ઝરમરમાં સહેજ ભીના થતાં અમે પહોંચ્યા આશ્રમરોડ પર દિનેશ હૉલ.

Photo Courtesy Mayurbhai Chauhan’s Facebook Profile

કાર્યક્રમ હતો મયુરભાઈ ચૌહાણના કંઠે ગવાતા ગીતોને માણવાનો અને સંચાલન મિલિંદ ગઢવીનું એટલે પછી મૌજમાં શું બાકી રહે? રાત્રે દસેક વાગ્યે શરૂ થયેલ કાર્યક્રમ લગભગ એક વાગ્યાની આસપાસ પૂરો થયો ત્યારે આખા અઠવાડિયાનો થાક ઉતરી ગયો હતો. મયુરભાઈએ એક પછી એક એવી તે સરસ રચનાઓ સંભળાવી કે આનંદ થઈ ગયો.. અને જ્યારે આવી સરસ પ્રસ્તુતિને પ્રેક્ષકો તરફથી ભરચક દાદ મળે એટલે બંને પક્ષે જોશ જામે!

કાર્યક્રમ પછી ફરી રોજિંદી ઘરેડમાં ગોઠવાઈ ગયા પણ મનમાંથી એક ગઝલ ન હટી, અજાણપણે એ ગણગણતો રહ્યો. બીજા દિવસે સાંજે થયું કે એ આખી ગઝલ મળે તો મજા આવી જાય; વિરલભાઈને વ્હોટ્સએપ કરી એ ગઝલ માટે વિનંતિ કરી અને એમણે તરત મોકલી આપી.

‘તો વારતા પતી જશે…’ રદીફ સજ્જડ કાવ્યત્વ છે. આમેય જીવન હોય કે સાહિત્ય, વારતાઓ પતી જવી જોઈએ કે નહીં એ પ્રશ્ન કાયમ રહ્યો છે. બધાંને પોતાને ખાધું પીધું અને રાજ કર્યું એવો અંત જોઈતો હોય છે એમ આપણને લાગે પરંતુ શું એ ઘરેડમાં આપણે જીવવા માંગીશું?

આ ગઝલને હું બે અર્થમાં જોઈ શકું છું – એક તો વારતાની વાત છે એટલે વાચકની દ્રષ્ટિએ; ક્યાંક એમાં લેખક બનવાની ઈચ્છા – ઝંખના પણ ડોકાઈ જાય અને બીજી દ્રષ્ટિ છે યોગીની… જીવનને અથવા કહો કે જન્મજન્માંતરોને એક વાર્તા તરીકે લઈને મોક્ષ સુધી જવાની વાત ગણી આ ગઝલના દરેક શે’ર જોઈ શકાય એવા સરસ છે.

જો ઝંખના મરી જશે તો વારતા પતી જશે,
ને જીવ ઝળહળી જશે તો વારતા પતી જશે.

આ ગઝલ સાંગોપાંગ સરસ ઉતરી છે, પણ આ મત્લા તો કમાલનો છે. વારતા એટલે જ ચાલતી રહે છે કારણ કે એના પાત્રોને કોઈક ઝંખના છે, કંઈક પામવાની – પછી એ પ્રેમ હોય કે બદલો, એ મનગમતી વ્યક્તિ હોય કે મનની મૂંઝવણનો ઉકેલ. વાર્તાનું અસ્તિત્વ એના પાત્રોની ઝંખનાને લીધે જ નથી? અરે એક વાચકને પણ જો એ વાંચવાની ઝંખના ન હોય તો એને માટે વારતા પતી જ ગઈ ને!

વારતા પતી જશે તો મજા આવશે કે મજા પૂરી થઈ જશે? વાચક તરીકે આપણે સૌ ક્યાંક એવું જ ઇચ્છતા હોઈએ છીએ કે સારી, રસપ્રદ અને મનોરંજક વારતા કદી પૂરી ન થાય. અશ્વિની ભટ્ટની કે હરકિશન મહેતાની નવલકથાઓની જેમ આપણી ઈચ્છિત વારતાનો અંત આપણને જોઈતો હોતો નથી. એ સુખકર, રસપ્રદ ભ્રમણાઓ છે જેમાં રહેવાનું આપણને ગમે છે… પણ જે આપણને સુખરૂપ ન હોય, સહજ ન હોય એવા પ્રસંગો, ઘટનાઓ – એ રૂપી વારતા જલદી પતે અને એમાંથી આપણે બહાર નીકળી શકીએ એવી જ વિનંતિ આપણે ઈશ્વરને નથી કરતાં? મને લાગે છે કે એનો જવાબ છે – ના! કુંતામાતા કૃષ્ણને કહે છે કે અમને સતત કષ્ટ આપો જેથી અમે તમને સતત યાદ કરતા રહીએ… વારતા પતી જશે તો પછી શું મજા આવશે?

હું એમ સમજું છું કે વારતા પતવી જોઈએ કે નહીં એ વિચારનો આધાર આપણી ઈચ્છા નક્કી કરે છે. પરંતુ આખરે તો સર્જકનું લખેલું જ અંતિમ સત્ય છે! જીવનની વારતાને પણ ખરેખરો અંત તો પરમપિતા પરમેશ્વર જે અદ્વિતિય સર્જક છે એ જ આપે છે. અંત આપણા હાથમાં નથી.

પરંતુ બીજી પંક્તિમાં વિરલભાઈ શબ્દને સ્થૂળ અર્થમાંથી સૂક્ષ્મમાં સહજતાથી લઈ જાય છે. વારતા પતી જવીનો એક અર્થ મનગમતું મળી જવું એ પણ છે. અને સદીઓથી ૠષિઓને, જ્ઞાનીઓને શેની શોધ રહી છે? – મુક્તિની… અને એટલે જ કદાચ જીવ ઝળહળે, મુક્તિ મળે ત્યારે પણ વારતા પતી જતી હોય છે. કારણ કે પછી કંઈ કહેવાનું, કંઈ કરવાનું રહેતું જ નથી! નરસિંહને હાથ બળવાની ચિંતા નહોતી અદ્દલ એમ જ!

જીવ ઝળહળી જશે તો વારતા પતી જશે એ વિધાન મને ગીતાના પાંચમા અધ્યાયના આ ત્રીજા શ્લોકનો પડઘો પાડતું લાગે છે. ભગવાન કૃષ્ણ પણ એ જ કહે છે… જે મનુષ્ય દ્વંદ્વ રહિત થઈ જાય એ સુખપૂર્વક સંસારના બંધનોથી મુક્ત થઈ જાય છે.

निर्द्वन्द्वो हि महाबाहो सुखं बन्धात्प्रमुच्यते।।

વારતાનુંય એવું જ નહીં, જો વાર્તામાં કોન્ફલિક્ટ નથી તો એ પતી જ નથી જતી?

તું હા કે ના કહે નહીં – છે ત્યાં સુધી મજા મજા,
જવાબ જો મળી જશે તો વારતા પતી જશે.

એક પ્રેમી માટે તો આ કેવો સરસ પ્રસંગ છે, વાર્તાની આ સૌથી ઉંચી, સૌથી રસપ્રદ ક્ષણ છે જ્યારે પ્રેમનો પ્રસ્તાવ મૂકાયો છે… અને એ હા કે ના કહે એ પહેલાની ક્ષણ સુધી મજા મજા છે… જ્યારે જવાબ આવશે – એ ભલે ને હા કે ના હોય – ત્યારે એ રસ પૂરો થઈ જશે, વાચકનો ઉત્સાહ ઓસરી જ્રશે. કદાચ હા આવ્યાનો અઢળક આનંદ હોય કે ના થયાનું ભરચક દુઃખ હોય પણ બંને ક્ષણિક જ ને… બંને કિસ્સામાં વારતા તો પતી જ જવાની ને?

બધા કહે છે આપણી કથામાં દર્દ ખુટશે
ને દર્દ જો ખુટી જશે તો વારતા પતી જશે.

દર્દની લાગણીના ઘણાં રૂપ છે, માત્ર આંસુ જ હોવા જરૂરી નથી એ શૂન્ય પાલનપુરી સાહેબના અજરાઅમર શે’રની ભાવનામાં રમમાણ અને તરબોળ વિરલભાઈ પણ દર્દનું મહત્વ પ્રસ્થાપિત કરે છે. લોકોને બીજાના દર્દ ગમતાં હોય છે; તમે સુખી હોવ ત્યારે લોકો કદાચ કહે કે તમારી કથામાં દર્દ નથી; અને જે વાર્તામાં દરદ નથી, જેમાં કરુણતા નથી એ પણ પતી જવાની એમ વિરલભાઈ સહજ કહે છે; કારણ કે સર્જકને સહજ દર્દ સાથે ઘરોબો હોવાનું મનાય છે. આદરણીય શાહબુદ્દીનભાઈ જ્યારે કહે કે ‘વ્હેર આર યોર ટિઅર્સ, તમારા આંસુ ક્યાં છે?’ એના પ્રતિભાવ રૂપે આ શે’ર સૂઝે કે જો લેખકની કલમમાં દર્દની અનુભૂતિ ખૂટશે તો વારતા પતી જશે! વાચક માટે તો એ પછીની વાત છે.

“નથી ખબર કશી તને”- એ વારતાનો પ્રાણ છે,
બધી ખબર પડી જશે તો વારતા પતી જશે.

અને સ્થૂળ રીતે જોઈએ તો વાર્તાનું સસ્પેન્સ, ‘હવે શું થશે’ એ જો ખબર પડી જાય તો ભલે ને ઢગલો પાનાં વાંચવાના બાકી હોય – વારતા તો પતી જ ગઈ ને? તો બીજા અર્થમાં આપણને આપણાં ભવિષ્ય વિશે કંઈ ખબર નથી. હવે શું થવાનું છે – બીજી ક્ષણ શું લઈને આવવાની છે એ પણ આપણે ક્યાં જાણી શકીએ છીએ! અને કદાચ એ અજ્ઞાન, ભવિષ્ય વિશેની માહિતીનો અભાવ જ ક્યાંક આપણને જીવતા રાખે છે. જો બધું ખબર હોય તો તો પછી વાત પતી ન ગઈ? આ દરેક શે’ર વિરલભાઈની કલમની ખૂબી બનીને ઉભરે છે… વાહ કહેવા મજબૂર કરી મૂકે. અને કાર્યક્રમમાં થયું પણ એમ જ! એક તો ગઝલ સાંગોપાંગ સરસ અને એમાં મયુરભાઈની અદ્વિતિય પ્રસ્તુતિ – અમે તો ખરેખર આફરીન પોકારી ગયા.

આ વારતા પતી જવી બહુ જરુરી છે વિરલ
કશું સતત ટકી જશે તો વારતા પતી જશે

છેક સુધી ‘તો વારતા પતી જશે’ કહીને વાર્તારસને ટકાવી રાખવા માટેની અનેક દલીલો આપનાર કવિ મક્તાના શે’રમાં પોતાની બધી જ વાતોને અંતે જાણે મોક્ષ સુધી પહોંચે છે. અહીં વારતા પતી જવાનું મહત્વ છે. દરેક વાર્તા ક્યારેક તો પતવી જ જોઈએ! સફળ લેખકને ખબર છે કે એણે ક્યારે વાર્તાનો અંત આણવાનો છે! કોઈ વાર્તા સતત ન હોઈ શકે, અનંત ન હોઈ શકે… કારણ કે એનું એ એકધારાપણું પણ એક પ્રકારે મૃત્યુ જ છે; અને એ રીતે પણ વારતા પૂરી નહીં થવા છતાં એમાં કોઈને રસ નહીં રહે એટલે એ પતી જશે. એનું અસ્તિત્વ હોવા છતાં કોઈ માટે અગત્યનું ન હોવાથી વારતા પતી જશે. છેલ્લા શે’રમાં પહેલા ચારેય શે’રનું સાટું વાળતા હોય એમ કવિ વારતા પતાવવાનું મહત્વ સમજાવે છે; મૄત્યુનું કે મોક્ષનું સંધાન આવશ્યક છે એ સૂચવે છે અને ગઝલ પણ ત્યાં જ પૂરી કરે છે.

આ ગઝલ સુધી પહોંચાડવા માટે માધ્યમ બનનાર મયુરભાઇ ચૌહાણ અને મેહુલભાઈ તથા ગઝલ માંગી એવી તરત પાઠવનાર વિરલભાઈ દેસાઈનો પણ ખૂબ આભાર. આ ગઝલ એ તમારા પર ઉતરેલી સરસ્વતિની કૃપા છે. મયુરભાઈના કંઠે ગુજરાતી ગઝલની પ્રસ્તુતિનો એક નવો યુગ શરૂ થયો છે, અને એ સ્વર, પ્રસ્તુતિ તથા સમગ્ર પ્રયત્ન આહ્લાદક છે. કવિને અને સ્વર આપનારને એમ બંનેને ખૂબ શુભેચ્છાઓ.

વિરલભાઈ દેસાઈની એ રચનાની પ્રસ્તુતિનો એક નાનકડો વિડીયો મેં કાર્યક્રમમાં લીધો હતો જે અહીં પ્રસ્તુત છે.

– જિજ્ઞેશ અધ્યારૂ


આપનો પ્રતિભાવ આપો....

7 thoughts on “તો વારતા પતી જશે.. – વિરલ દેસાઈ