વિદાયની આ વસમી વેળા – કમલેશ જોષી 5


સ્મશાનયાત્રા – ભાગ ૧૪

એક સાંજે મેં પપ્પાને વાત કરી, “મારે નોકરી કરવી છે.” ત્યારે પપ્પાને સહેજ નવાઈ લાગી.
“નોકરી…? ભણવું નથી?” એમણે પૂછ્યું.
“ભણવાની સાથે સાથે, પાર્ટ ટાઈમ…” મેં સમજાવ્યું.
“ક્યાં…?” એમણે પૂછ્યું.
“એ જ તો ખબર નથી. મને કોણ નોકરીએ રાખે?

જીગાભાઈના અવસાનની મારા જીવન પર બહુ મોટી અસર પડી હતી. મને ખબર નહોતી કે એ વૈરાગ્યભાવ હતો. અંગતનું મૃત્યુ થાય પછી બાકી રહેલા સ્વજનોને જીવન નિરર્થક લાગે એમ જ મને લાગતું હતું કે હવે શું? મારા કરતા વધુ પીડા મારા કાકી અને ગૌરીને થતી હતી. દિવસો સુધી અમે ઘરે સાંજે દીવો કરી ‘શ્રી રામ જય રામ જય જય રામ’ ધૂન બોલતા બેસી રહેતા હતા. નાનકડા ટેબલ પર રાખેલો જીગાભાઈનો ફોટો અમે જેટલી વાર જોતા એટલી વાર ગળે ડૂમો ભરાઈ જતો.

જીગાભાઈના અવસાનની મારા જીવન પર બહુ મોટી અસર પડી હતી. મને ખબર નહોતી કે એ વૈરાગ્યભાવ હતો. અંગતનું મૃત્યુ થાય પછી બાકી રહેલા સ્વજનોને જીવન નિરર્થક લાગે એમ જ મને લાગતું હતું કે હવે શું? મારા કરતા વધુ પીડા મારા કાકી અને ગૌરીને થતી હતી. દિવસો સુધી અમે ઘરે સાંજે દીવો કરી ‘શ્રી રામ જય રામ જય જય રામ’ ધૂન બોલતા બેસી રહેતા હતા. નાનકડા ટેબલ પર રાખેલો જીગાભાઈનો ફોટો અમે જેટલી વાર જોતા એટલી વાર ગળે ડૂમો ભરાઈ જતો.

હું એસ.વાય.માં ભણતો હતો. કોલેજ રગડધગડ ચાલતી હતી. મની કોલેજ સમય બાદ એના ફાધરને ફોર વ્હીલરના શો રૂમમાં મદદરૂપ થતો. પૂજન પેલી પિન્કી સાથે બેંક, યુ.પી.એસ.સી., જી.પી.એસ.સી., રેલ્વેની તૈયારીઓ કરતો. સુખો કસરત, ક્રિકેટ અને ઢીસુમ-ઢીસુમની દુનિયામાં હતો. મને જાણે મારું બધું જ સ્ટોપ થઈ ગયું હોય, થીજી ગયું હોય એવું લાગતું હતું.

એક સાંજે મેં પપ્પાને વાત કરી “મારે નોકરી કરવી છે.” ત્યારે પપ્પાને સહેજ નવાઈ લાગી.

“નોકરી…? ભણવું નથી?” એમણે પૂછ્યું.

“ભણવાની સાથે સાથે, પાર્ટ ટાઈમ…” મેં સમજાવ્યું.

“ક્યાં…?” એમણે પૂછ્યું.

“એ જ તો ખબર નથી. મને કોણ નોકરીએ રાખે? મારી પાસે તો કોઈ ઍક્સપિરીયન્સ પણ નથી.” મેં મારી મુંઝવણ કહી. પરંતુ બીજી સાંજે જ મને ઓફર મળી.

“બંટી… તારે જોબ કરવી છે ને?” વીરાએ મને પૂછ્યું ત્યારે મેં “હા” પાડી.

“મેડિકલની એજન્સીમાં તને ફાવશે?” એણે પૂછ્યું.

“મને ક્યાં કોઈ દવામાં ખબર પડે છે?” મેં કહ્યું.

“એ બધું તને ત્યાં શીખવાડી દેશે.” એ બોલ્યો.

“એસ. ટી. બસ સ્ટેન્ડ પાસે એક ડીલરને ત્યાં થોડું ભણેલા માણસની જરૂર છે. કહે તો વાત કરું.”

“તો તો બહુ સારું..” મેં કહ્યું. અને ત્રીજા જ દિવસે વીરાએ આપેલા સરનામે હું પહોંચી ગયો.

બે-પાંચ સાદા પ્રશ્નો એ શેઠે પૂછ્યા. કામ સમજાવ્યું અને સાડા આઠસો રૂપિયા પગાર ઠેરવ્યો. હું તો ખૂબ રોમાંચિત થઈ ગયો. મારી પૉકેટ મની સો રૂપિયા હતી. દર મહિને પપ્પા મને પહેલી કે બીજી તારીખે 100ની નોટ આપતા. ટ્યુશનની ફીમાંથી મોટી બહેન મને પચ્ચાસ રૂપિયા આપતી. આ દોઢસો રૂપિયાથી મોટી રકમ મેં કદી મારી માલિકીની જોઈ કે સાંભળી નહોતી. હું રોજ એ એજન્સીએ જવા લાગ્યો.

group of people gathering inside room
Photo by viresh studio on Pexels.com

અમારી એજન્સીમાં બાવીસ-પચ્ચીસ કંપનીની દવાઓ વેંચાતી. દસ જ દિવસમાં મને મોટાભાગની કંપનીઓના ખાના યાદ રહી ગયા. રીટેલર વાળો આવી ચિઠ્ઠી આપે એટલે એમાં લખેલા નામ અને ક્વોન્ટીટી મુજબ દવાઓ ખાનાઓમાંથી કાઢી ટેબલ પર ક્રમમાં ગોઠવી દેવાની. બિલ બનાવનાર ગઢવીકાકા બિલબુકમાં ફટોફટ નામ લખી, ભાવ લખી ટોટલ મારી દેતા. વીસમા દિવસે તો મેં મારા હાથે પહેલું બિલ પણ બનાવી નાંખ્યું. મારા આનંદનો પાર નહોતો.

શરૂઆતમાં તો હું દુકાનની મિનિટે મિનિટનું વર્ણન ઘરે અને વીરા પાસે પણ કરતો. ધીરે-ધીરે બધું રૂટિન થવા લાગ્યું, પણ મારો આત્મવિશ્વાસ વધવા લાગ્યો હતો. હું કશુંક ઈમ્પોર્ટન્ટ કરતો હોઉં એવું મને લાગતું હતું. અને પહેલી તારીખ આવી ત્યારે તો મારી ઉત્તેજનાનો પાર નહોતો. પણ પગારનો હિસાબ ત્રીજી તારીખે થયો. સો-સો વાળી આઠ નોટ અને એક પચ્ચાસ વાળી નોટ જયારે મારા હાથમાં મૂકવામાં આવી ત્યારે હું પગથી માથા સુધી હચમચી ગયો હતો. આટલા બધા રૂપિયા અને એ પણ મારી પોતાની માલિકીના, મારી પોતાની કમાણીના? મારી આંખો ચમકી ઉઠી હતી. પગમાં જોશ અને હૃદયમાં જુસ્સો છલકાઈ રહ્યા હતા.

ઘરે પહોંચ્યો ત્યારે મોટીબહેન અને મમ્મી મારો ખીલેલો ચહેરો જોઈ રાજી થયા. મેં મારો આખો પગાર મમ્મીના હાથમાં મૂક્યો અને હું એમને પગે લાગ્યો. મમ્મી પણ મારા હાથમાં આટલી બધી નોટો જોઈ ચકિત થઈ હતી. એણે વ્હાલથી મારા કપાળ પર ચુંબન કર્યું અને કહ્યું કે ‘સૌથી પહેલું કામ મંદિરમાં દીવો કરી, માતાજી આગળ તારો પગાર ધરવાનું કરું’. બરોબર ત્યારે જ પપ્પા પણ આવ્યા. હું એમને પણ પગે લાગ્યો. મંદિરમાં મમ્મીએ દીવો કર્યો અને અમે આખો પરિવાર મંદિર સામે બેસી ગયા. ગૌરી અને કાકી ફરી ગામડે જતા રહ્યા હતા.

“સૌથી પહેલું કામ તું બેંકમાં તારું ખાતું ખોલવાનું કરજે..” પપ્પાએ મને કહ્યું. મારી સાથે સૌ સમજદારી પૂર્વક વાતો કરતા હતા.

“ના, સવારે ઉઠી પહેલું કામ તારા પગારમાંથી નાળિયેર લઈ આવવાનું કરજે.” મમ્મી બોલી.

“પપ્પા, મારો પગાર બેંકમાં નથી રાખવો, મારે તમને સૌને ગિફ્ટ આપવી છે. બીજો પગાર આવશે એ બેંકમાં રાખીશું.” મેં કહ્યું.

“બેટા, ગિફ્ટ હમણાં ન લેવાય.” મમ્મી બોલી. ત્યારે અમને સૌને જીગાભાઈનો ચહેરો યાદ આવી ગયો.

બીજા દિવસે ઘરના મંદિરમાં નાળિયેર વધેરી હું મોટી બહેન સાથે બેન્કે ગયો. ખાતું ખોલાવવાનું ફોર્મ મેં જાતે ભર્યું. જ્યાં જરૂર પડી ત્યાં મોટી બહેને માહિતી આપી. ફોર્મ જમા કરાવ્યું. એ સાથે મેં પાંચસો રૂપિયા પણ જમા કરાવ્યા. ત્યાંથી મને એક પાસબુક અને એક ચેકબુક આપવામાં આવી. પાસબુક પર મારો ખાતા નંબર હતો.

બપોર પછી હું નોકરીએ જતો રહ્યો હતો. ફરી રૂટિન શરૂ. સવારે હું કોલેજે જતો. બપોરે ઘરે જમવા આવતો. બપોર પછી નોકરીએ જતો છેક રાત્રે નવ વાગ્યે છૂટીને સાડા નવે ઘરે પહોંચતો. વીરાનો પગાર અગિયારસો રૂપિયા હતો. પેલા ગઢવીકાકાને એકવીસસો રૂપિયા પગાર મળતો.

એક રવિવારે પિન્ટુ આવ્યો ત્યારે મેં મિત્રોને એમના ફેવરીટ કોલ્ડ્રીંક પાયા હતા. વીરાએ ગોલ્ડ સ્પોટ પીધી તો પૂજને સોસીયો, પિન્ટુએ માઝા પીધી તો ગોટીએ થમ્સઅપ. કોલેજે મેં સૌને સમોસા પાર્ટી આપી તોયે મારા ખિસ્સામાં એક સો દસ રૂપિયા વધ્યા હતા.

એક દિવસ પિન્ટુના પપ્પાએ મને એમના ઘરે બોલાવ્યો. એ નોકરીની સાથે વીમાનું કામ પણ કરતા હતા. એમણે મને જે વાત કરી એ સાંભળી હું લગભગ પાગલ જેવો થઈ ગયો. વીમા કંપનીની ઓફિસમાં કોન્ટ્રાક્ટ પર ત્રણ મહિના માટે ઓફિસ વર્ક કરવાનું હતું. સારું એવું મહેનતાણું મળે એમ હતું. મહિને ત્રેવીસ-ચોવીસસો રૂપિયા જેવો પગાર થતો હતો. હું અત્યારે જે એજન્સીમાં જતો હતો ત્યાં સાડા આઠસો મળતા, એટલે રોજના લગભગ ત્રીસ રૂપિયા જેવું થયું, જયારે વીમા કંપનીમાં ચોવીસસો લેખે હિસાબ કરું તો રોજના સીત્તેર-એંસી રૂપિયા જેવું થાય. થોડો સમય ફેરફાર કરવો પડે. સવારે અગિયારથી સાંજના છ સુધી.

મેં ઘરે આવી પપ્પા-મમ્મીને વાત કરી. સૌએ હા પાડી. મેં મારી એજન્સીએ વાત કરી તો થોડી બોલાચાલી જેવું થયું. એ લોકોને ગમ્યું નહિ. એમણે મને કહ્યું “ત્રણ મહિના પછી શું કરીશ?” મને પણ એ વાત વિચારવા જેવી લાગી. પણ સામે રકમ મોટી મળતી હતી એટલે મેં એજન્સી છોડવાનો ફેંસલો કર્યો.

વીમા કંપનીમાં અરજી અને મારા રિઝલ્ટ્સ લઈ હું નિયત સમયે પહોંચ્યો. બે’ક પ્રશ્નો સાહેબે મને પૂછ્યા. પિન્ટુના પપ્પા મારી સાથે જ હતા. બીજા દિવસથી મારી નોકરી વીમા કંપનીમાં શરુ થઈ ગઈ. અહીં મારા જેવા બીજા પાંચેક છોકરા-છોકરીઓ કોન્ટ્રાક્ટ પર કામ કરતા હતા. મારે સેલરી સેવિંગ સ્કીમ વિભાગમાં કામ કરવાનું હતું. મારા સાહેબે મને ફોર્મ પરથી વિગતો કેવી રીતે લેજરમાં લખવી એ શીખવ્યું. મને મહેનત કરવી ખૂબ ગમતી હતી. હું એકધારું કામ કરતો. અઠવાડિયામાં મારા સાહેબે મારું કામ વખાણ્યું ત્યારે મને લાગ્યું કે જાણે હું વર્લ્ડકપમાં મેન ઓફ ધી મેચ જાહેર થયો હોઉં.

અહીં મહિનો પૂરો થયો ત્યારે મને પગાર સ્વરૂપે ચેક આપવામાં આવ્યો. મારા માટે આ એક અનોખો સુખદ અનુભવ હતો. બેંકમાં મારું ખાતું તો હતું જ. મેં ત્યાં જઈને સ્લીપ ભરી અને ચેક આપ્યો. જો કે પેલી રોકડી આઠ નોટ મળી હતી એના જેવી મજા ચેકમાં ન આવી, પણ ચેકની મોટી રકમનું મહત્વ હું સમજતો હતો. સોસાયટીમાં અને સંબંધીઓમાં વાત ફેલાઈ ગઈ હતી કે હું વીમા કંપનીમાં નોકરી કરું છું. જે મળતું એ મારી સાથે હાઈ લેવલની ડિસ્કશન કરવા માંડી જતું. વીમા કંપનીમાં થતી ઓફિશીયલ વાતોથી મારા નોલેજમાં અને વર્તનમાં બહુ મોટો ફેરફાર થયો હતો. હું પણ હવે બજેટ અને ઇન્વેસ્ટમેન્ટની વાતો સમજી શકતો અને કરી પણ શકતો.

મેં એક બહુ મોટો ફર્ક નોંધ્યો હતો. હવે જિંદગી ચોવીસ કલાકની નહિ, અઠવાડિયાની નહિ પણ મહિનાઓની સ્પીડે ભાગવા માંડી હતી. પહેલી-બીજી તારીખ હજુ વીતી ન હોય ત્યાં પંદરમી અને પચ્ચીસમી આવી જતી. કોલેજના ઓરડા અને વીમા કંપનીની ઓફિસની ચાર દીવાલો વચ્ચે પૂરાઈને બેઠે બેઠે આખો મહિનો ક્યાં વીતી જતો એ ખબર જ ન પડતી. ઘરની જે શેરીમાં આખો દિવસ હું રખડતો એ શેરીમાં હું હવે સવારે અને સાંજે એક વાર જ પસાર થતો. જે મિત્રોને હું રોજ મળતો એમને મળવામાં અઠવાડિયાઓ પખવાડિયાઓ નીકળી જતા.

અચાનક જ એક દિવસ ગામડેથી ફોન આવ્યો.. દાદીમાને એટેક આવ્યો હતો. પપ્પા ભાગમભાગ ગામડે પહોંચ્યા. દાદીમા તો સાજા થઈ ગયા પણ આ એટેક ને લીધે એક મહત્વનો નિર્ણય એ લેવાયો કે ગૌરીના વિવાહ તાત્કાલિક ગોઠવવાનું નક્કી થયું. એક વિચાર એ પણ કરવામાં આવ્યો કે સાથે સાથે મોટી બહેનના પણ વિવાહ લઈ લેવા. પણ પછી એ વિચાર માંડી વાળવામાં આવ્યો અને ગૌરીના વિવાહની તૈયારીઓ આરંભાઈ. બહુ ધામધૂમથી તો નહિ, છતાં દીકરીને અને પરિવારને શોભે એ રીતે લગ્નનું આયોજન શરુ થયું. હું પણ એકાદ શનિ-રવિમાં ગામડે જઈ આવ્યો. હવે હું મોટો થઈ ગયો હોઉં એવું મને લાગતું હતું. એક મિટીંગમાં દાદીમાએ મને ‘લગનિયો’ થઈને ગૌરીના સાસરે લગ્ન લઈને જવાનું કામ સોંપ્યું ત્યારે મને પણ લગ્નમાં મોટી જવાબદારી સોંપી હોય એવું મહેસૂસ થયું.

સારી વાત એ હતી કે મારી વીમા કંપનીની નોકરીના ત્રણ મહિના પતે પછી ચોથા મહિને ગૌરીના લગ્ન હતા. પપ્પાએ મને એક દિવસ પૂછ્યું, “બંટી, તારા ખાતામાં કેટલા રૂપિયા છે?”

મેં મારી પાસબુક માંથી જોઈ કહ્યું, “સાતેક હજાર છે.” એમણે મને પાંચેક હજાર વિડ્રો કરવા જણાવ્યું. મારી ભીતરે મોટપનો ભાવ પોરસાયો.

હું બીજા દિવસે બેન્કે ગયો ત્યારે કોઈ મારા હાથમાંથી આવડી મોટી રકમ છીનવીને ભાગી ન જાય એવી સાવચેતી મેં રાખી હતી. ગૌરીના લગ્નનો દિવસ આવી પહોંચ્યો. હું લગનિયો બની ગૌરીના સાસરે એકલો ગયો હતો. મારી સાથેની થેલીમાં લગ્ન હતા. મારે એ થેલી ક્યાંય જમીન પર નહોતી મૂકવાની. એ અજાણ્યા શહેરના એસ.ટી. સ્ટેન્ડ પર ઉતરી મારી રીતે મેં એડ્રેસ મુજબની રીક્ષા બાંધી હતી. ગૌરીના સાસરે મારું સરસ સ્વાગત થયું હતું. મને બાજોઠ પર બેસાડી લગ્ન વધાવામાં આવ્યા હતા. જીજાજીએ મારી સાથે બહુ માનપૂર્વક વાત કરી હતી. હું વીમા કંપનીમાં કામ કરતો હતો એ બાબતે જીજાજીના પપ્પાએ પણ મારા વખાણ કર્યા હતા. “ગૌરીના લગ્ન થઈ જાય એટલે મોટી બેન સાથે બંટીના પણ કરી નાખવા જોઈએ.” એવી વાત જયારે ગૌરીના સાસુએ કરી ત્યારે પહેલી વખત મારા ગાલ શરમથી લાલ થઈ ગયા હતા. ઓહોહો.. મોટા લોકો મારા વિશે કેવું કેવું વિચારી રહ્યા છે! પાછો ફર્યો ત્યારે આખા રસ્તે હું એ જ શબ્દો વાગોળી રહ્યો હતો.

લગ્નની આગલી રાત્રે સાંજી ગવાઈ. બીજા દિવસે માંડવા રોપાયા. દિવસ ભાગવા માંડ્યો. મારા પર બહુ જવાબદારી હતી. જાન આવી, એમને ગાંઠીયા જલેબી પીરસાયા, ચા-પાણી પવાયા. મેં જોયું, કાકાના ચહેરા પર ચિંતાની રેખાઓ હતી. હું એમની પાસે જઈ ઊભો. “કાકા… ચિંતા ન કરશો. હું બધું સંભાળી લઈશ.” મેં કહ્યું. એમણે મારો ખભ્ભો દાબ્યો. મેં પપ્પાને શોધ્યા. કાકાને ટેકો આપવામાં હું સહેજ નાનો પડતો હતો. મેં કાકાને પૂછ્યું, “પપ્પા ક્યાં?” એ બોલ્યા, “હશે કયાંક.. મહેમાનોની સરભરામાં…”

થોડી વારે પપ્પા દેખાયા. એમના ચહેરા પર પણ ગમગીની હતી. મને થયું જીગો હોત તો આ લોકો પ્રસંગને સારી અને સાચી રીતે માણી શકત. જીગાની ગેરહાજરી આ લોકોને અત્યારે ખટકી રહી હોય એવું મને લાગતું હતું. મેં પપ્પાને કહ્યું, “કાકા સહેજ ઢીલા પડી ગયા છે. એમને સંભાળજો..” પપ્પા મારી સામે વિચિત્ર નજરે તાકી રહ્યા. મેં કહેલું વાક્ય બહુ મોટું હતું. કદાચ હું એમના ધાર્યા કરતા વધુ મોટો થઈ ગયો હતો.

મને લાગતું હતું કે ગૌરીની વિદાય ટાણે આ લોકો કેમ મન કઠણ કરી શકશે? ગૌરીને જો જીગાભાઈ યાદ આવી જશે તો એ બિચારી પોક મૂકીને રડી પડશે. બા, મમ્મી અને કાકીની હાલત તો એ સમયે સાવ કફોડી થઈ જશે. મને સમજાઈ ગયું હતું કે મારે બાજી સંભાળવાની હતી. પરિસ્થિતિ જ માણસને સાચી રીતે ઘડતી હોય છે. આજે હું જે પાઠ ભણી રહ્યો હતો, મારી અંદર આજે જે સમજ ખુલી રહી હતી એ મેં પહેલા કદી અનુભવી નહોતી.

મારી અસાધારણ સ્વસ્થતા સૌને પ્રભાવિત કરી રહી હતી. ગૌરી મને અને મોટી બેનને વળગીને રડી ત્યારે મેં કહ્યું હતું, “ગૌરી.. આજથી હું જ બંટી અને હું જ જીગાભાઈ..” ગૌરી મારી સામે જોઈ ‘ભૈલા…’ બોલી ફરી મને વળગી પડી હતી. કાકા, કાકી, સખી, સહેલીઓને વળગતી-છૂટી પડતી ગૌરી જયારે કાર પાસે પહોંચી ત્યારે મેં ગૌરીના સસરાને બે હાથ જોડી કહ્યું, “વડીલ.. અમારાથી જાણતા-અજાણતા કંઈ ભૂલચૂક રહી ગઈ હોય તો અમને માફ કરજો.. મારી બહેન ગૌરીનું ધ્યાન રાખજો.” ત્યારે એ વડીલની આંખો પણ છલકાઈ હતી.

કાર ગઈ.

બસ ગઈ.

અને અચાનક જ વાડીમાં કોઈ પોક મૂકીને રડ્યું.

હું ચોંક્યો. દોડીને અંદર જઈ જોયું તો કાકા રડતા હતા. થોડી જ ક્ષણોમાં કાકી, મમ્મી, મોટી બેન સહિત અનેક લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. હું કાકાની નજીક સરક્યો. એમણે મારા કાનમાં કહ્યું “બા ગયા….”

મને વાડી ગોળ ગોળ ફરતી લાગી.

હા, બે કલાક પહેલા જ મારા દાદીમાએ દેહત્યાગ કર્યો હતો. ગૌરી જાણી ન જાય એ માટે સૌ કોઈ રૂદન દાબીને બેઠું હતું. એક બહુ મોટી બાજી મારા હાથમાંથી સરકી ગઈ હોય એવું મને લાગ્યું. મારી આંખોમાં આંસુ ઉભરાઈ આવ્યા. વિદાયની આ વેળા ખરેખર અમારા માટે બહુ વસમી હતી.

– કમલેશ જોષી


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “વિદાયની આ વસમી વેળા – કમલેશ જોષી

 • Hitesh Rathod

  ખૂબ જ સરસ લાગણીભીની ગાથા!
  જીવનની સામાન્ય કહેવાતી વાતોમાં જ્યારે માનવીની સમજણ અને સંવેદના ભળે છે ત્યારે એમાંથી સાહિત્યનું સર્જન થતું હોય છે.
  લગ્ન પ્રસંગ જીવનની એક એવી ઘટમાળ છે જેમાં આનંદ, ઉલ્લાસ, ઉમંગની સાથે ઊર્મિઓ, લાગણીઓ, સંવેદનાઓ તેમજ વ્યવહારિક જવાબદારીની સાથે સમજણ અને દુન્યવી કુશળતા આ બધું સુપેરે ભળી જતું હોય છે. લગ્ન પ્રસંગે જીવનના તમામ રંગો સાથે મળી એક અવિસ્મરણીય પ્રસંગનું સર્જન કરતા હોય છે.

 • Trutpi Desai

  I love to read your emotions and don’t know why got excited when read about your excitement with first salary and by the end i’m in all tears, you right beautifully ! is there a way i can read entire series from beginning ?
  Thanks

 • Himanshu Patel

  When I read this story, at some point…. I just recall my past…education with job. Than after marriage of my sisters…. that period passing in my thoughts like movie & now realize my mistakes, responsibilities & my response for that. It makes me emotional….really amazing story. Very nice way of presenting….!

  • Kamlesh Joshi

   વાચકને વાર્તામાં પોતાનું પ્રતિબિંબ દેખાય એ જ લેખકના લેખનની સાર્થકતા.. મા સરસ્વતી કાયમ આવું લખતા રહેવાનું સામર્થ્ય પ્રદાન કરતી રહે બસ..
   Thank you so much for your valuable review..
   Stay tuned..