અક્ષરનાદ નિઃશુલ્ક પુસ્તક ડાઉનલોડ વિભાગમાં ઉમાબેન પરમારની લઘુનવલ અંતથી આરંભ હવે ઉપલબ્ધ છે.
![અંતથી આરંભ ઉમા પરમાર લઘુનવલ અક્ષરનાદ ઇ-પુસ્તક ડાઉનલોડ](https://i0.wp.com/www.aksharnaad.com/wp-content/uploads/2022/07/IMG-20181023-WA0002.jpg?resize=180%2C256&ssl=1)
બિંદુ એકીટશે બારીમાંથી બહાર જોઈ રહી હતી અને નયનાબહેન એકીટશે બિંદુને જોઈ રહ્યા હતા. નયનાબહેનની વ્યગ્રતા અને ચિંતા બંને એમના ચહેરા પર સ્પષ્ટ જોઈ શકાતાં હતાં. એમણે ધીમે રહીને બિંદુના ખભે હાથ મૂક્યો અને કહ્યું, ‘બેટા, તું ક્યાં સુધી આમ બારી પાસે ઊભી રહીશ? એકવાર વ્યોમની સામે તો જો! બિચારો બે વાર આવીને જોઈ ગયો કે મૉમ આવી દશામાં ક્યારની ઊભી રહી છે અને પછી એણે જ મને તારી પાસે મોકલાવી છે. તું સમજતી કેમ નથી બેટા, કે મહેશના જવાને બે વર્ષથી વધુ સમય થયો.
તને નથી લાગતું કે તારે વાસ્તવિકતા સ્વીકારી લેવી જોઈએ? તારા પંદર વર્ષના યુવાન દીકરા સામે જો! એણે પણ પિતા ગુમાવ્યા છે, પણ તારા કરતા વધુ સમજદાર એ સાબિત થઈ રહ્યો છે. એની આ ઉંમરમાં એના માટે આ સ્વીકારવું કઈ સહેલી વાત નથી. અને મહેશની લાશ ક્યાંયથી નથી મળી કે નથી તેની ભાળ કોઈ જગ્યાએથી મળી, તેથી શું એના જીવિત હોવાનો પુરાવો મળી જાય છે? જો એ ખરેખર જીવિત જ હોય તો બે વર્ષ ઉપર થવા આવ્યા, પણ તમને લોકોને આ દશામાં જોઈને શું એ પાછો ના આવી શકે કે કોઈ સંદેશ ના મોકલાવી શકે?’
બિંદુ એની સામે ફરીને, એને તાકી રહી. ધીરેથી બોલી, ‘પણ મમ્મી! હું શું કરું તે તું કહે. એક ચિઠ્ઠી પણ એણે નથી મૂકી તો એનું અસ્તિત્વ જ નથી એમ કેવી રીતે માની લઉં? હું ભરપૂર પ્રયત્ન કરું છું, પણ સાંજ પડે ને યાદોથી ઘેરાઈ જાઉં છું. મારા કે એમના મિત્રો સાથે પણ હું કેટલી વાતો શૅર કરું? એકલતા મને કોરી ખાય છે, રાત પડે ને એના વગરની સૂની પથારી મારી ઊંઘ છીનવી લે છે. હા, હું માનું છું કે અમારી વચ્ચે નાના-મોટા ખટરાગ ચાલ્યા કરતા હતા, પણ એનો મતલબ એ નથી કે આમ અમને મૂકીને ગાયબ થઈ જવું. ઘર છોડી જતાં રહેવું.
પોલિસે પણ તો સાફ કહી દીધું કે, આ કિડનેપિંગનો કેસ નથી. કારણ કે એવી કોઈ કડી જ નથી. અને મુંબઈ જેવા શહેરમાં સીધી-સાદી નોકરી ને ઘર, ન કોઈ સાથે વાદ-વિવાદ કે દુશ્મની; તો પછી શું કામ કોઈ એને કિડનેપ કરે?’ એ અટકીને બારી બહાર ક્ષિતિજે તાકી રહી, ફરી બોલી; ‘કોઈ પણ કમી બાકી ક્યાં રહેવા દીધી છે આપણે એને શોધવામાં, એટ લીસ્ટ એ જીવે છે કે નહિ એ પણ તો ખબર પડે. આમ, પળ-પળ રીબાવું કેટલું અઘરું હોય છે.’ બોલતાં બિંદુના ચહેરા પરના વિષાદ સાથે બારી બહારનો અંધકાર પણ રૂમમાં છવાયો.
અંતથી આરંભ - ઉમા પરમાર (ઇ-પુસ્તક) (16358 downloads )નિઃશુલ્ક ડાઉનલોડ કરો ઉમા પરમારની લઘુનવલ અંતથી આરંભ અક્ષરનાદ ઈ-પુસ્તક ડાઉનલોડ વિભાગમાંથી અથવા નીચે મૂકેલી કડી દ્વારા ડાઉનલોડ કરી શક્શો.
અધ્યારૂ નું જગત હવે સૌનું પ્યારૂ જગત છે . અભિનંદન.