રોકેટ્રી : એક રાષ્ટ્રવાદી વૈજ્ઞાનિકનો ન્યાય માટેનો સંઘર્ષ… 4


किसी कुत्ते को मारना हो तो अफवाह फैला दो कि वो पागल है, ठीक उसी तरह किसी इंसान को बर्बाद करना हो तो ये ऐलान कर दो कि वो देशद्रोही है

Dialogue from the film Rocketry

તેમના આત્મકથાનક પુસ્તક Ready to Fire : How India and I Survived The ISRO Spy Case માં ડૉ. નામ્બી નારાયણન તેમના ઇન્ટ્રોગેશનનો સમય યાદ કરતાં લખે છે, – એ પ્રશ્નથી હું આશ્ચર્યચક્તિ થઈ ગયો, એ અવાસ્તવિક પ્રશ્ન હતો એ કારણે નહીં, પણ એટલે કે એ સંબંધિત હતો એવા એક અતિશય ખાનગી કાર્યક્રમ વિશે જે ઇસરોમાં ત્યારે ચાલી રહ્યો હતો અને ઇસરોના ખૂબ ઓછા લોકો તથા વિદેશ મંત્રાલયના જૂજ લોકો સિવાય કોઈને એ કાર્યક્રમ વિશે કોઈને માહિતી નહોતી. તેમણે પૂછ્યું, “શું તું ક્રાયોજેનિક એન્જિનના ભાગ અને એના ડ્રોઇંગ રશિયાથી ઉરલ એવિએશનના પ્લેન મારફત ભારત લઈ આવ્યો નથી?”

ત્યારે મને સમજાયું કે મને પ્રશ્ન કરનારાઓને કોઈક વિદેશી સંસ્થા દ્વારા અધૂરી અને કાચીપાકી માહિતી અપાઈ હતી. અને એ પ્રશ્ન મારે માટે પાછળથી એમનો હેતુ સમજવાનું કારણ બની રહ્યો કે કઈ રીતે વિદેશી એજન્સીએ ભારતના કેટલાક ઇન્ટેલિજન્સ ઑફિસર્સને ખરીદી લીધાં હશે અને ઇસરો જાસૂસી કાંડ ઘડી કાઢ્યો હશે જેથી ઇસરોના પોતાનું ક્રાયોજેનિક એન્જિન વિકસાવવાના પ્રયત્નો પડી ભાંગે. ભારતનો સ્પેસ રિસર્ચનો આખો કાર્યક્રમ તોડી પડાય. ભારતનો ક્રાયોજેનિક એન્જિન વિકસાવવાનો પ્રયાસ ખૂબ અગત્યનો હતો, એનાથી ભારત ફક્ત ગ્રહો વચ્ચે મિશન મોકલવા પૂરતાં જ નહીં પરંતુ ઉચ્ચતમ ક્ષમતાવાળા અને પૃથ્વીની ભ્રમણકક્ષા આસપાસ મોટા સેટેલાઇટ્સ લોન્ચ કરી શકવા આત્મનિર્ભર થઈ જવાનું હતું. જ્યારે અમેરિકા રશિયાને રશિઅન ટેકનોલોજી અમેરિકાને આપવા માટે રીતસરનું દબાવી રહ્યું હતુંં ક્રાયોજેનિક એન્જિનના કેટલાક ભાગ અને બ્લ્યૂપ્રિન્ટ્સ કઈ રીતે હું કાઢી લાવ્યો એ એમને ખબર નહોતી. અમેરિકા પોતાની ન્યૂયોર્ક અને વોશિંગ્ટનની ફ્લાઈટ્સ બંધ કરાવી દેશે એ ભયથી રાષ્ટ્રીય વિમાનીસેવા એર ઇંડિયાએ રશિયાથી એ ભાગ લાવવાની ના પાડી દીધી અને અમારે ઉરલ એવિએશનને કામ આપવું પડ્યું. ઉરલ એવિએશને ચાર ઉડાન ભરી અને એ ક્રાયોજેનિક એન્જિનના મૂળ હાર્ડવેર, વાલ્વ, ડિઝાઈન ડ્રોઇંગ વગેરે મોસ્કોથી ત્રિવેન્દ્રમ સુધી પહોંચાડ્યા.

રોકેટ્રી – ધ નામ્બી ઇફેક્ટ ફિલ્મ સમીક્ષા

રોકેટ્રી – ધ નામ્બી ઇફેક્ટ એ અદ્રુત ફિલ્મ રંગનાથન માધવન અથવા આર. માધવનના ટૂંકા નામે જાણીતા અભિનેતા દ્વારા દિગ્દર્શિત કરાઈ છે અને મુખ્ય પાત્ર નમ્બી નારાયણન ના પાત્રમાં અભિનય પણ તેમનો જ છે. દિગ્દર્શન તો સરસ છે જ; તેમનો અભિનય ઉચ્ચ કક્ષાનો છે, અને એ દ્વારા પડદા પર તેઓ ડૉ. નારાયણનના ચરિત્રને, તેમના દેશ પ્રત્યેના સમર્પણને અને તેમણે ભોગવેલા ક્રૂર સંજોગોને સુપેરે તાદશ્ય કરે છે.

ફિલ્મની શરૂઆત થાય છે દક્ષિણ ભારતમાં ઘરેઘરમાં શ્રદ્ધાપૂર્વક ગવાતા શ્રી વેંકટેશ સુપ્રભાતમ સ્તોત્ર દ્વારા; માધવન કહે છે કે મેં હંમેશા આ પ્રાર્થના ઝડપથી ગવાતી હોય એમ જ સાંભળી છે, એને ફરીથી અત્યંત શાંતિપૂર્વક આવા સ્વરૂપે પ્રસ્તુત કરી શક્યાં એ અનુભવ અદ્વિતિય છે. એ પ્રાર્થનાનો વિડીયો યૂટ્યુબ પર ઉપલબ્ધ છે.

Rocketry: The Nambi Effect | Rocketry’s Sri Venkatesa Suprabatham – Song Teaser Courtesy Tricolour Films India Youtube Channel

ફિલ્મનો પ્રથમ ભાગ સરસ છે, રોકેટના વિજ્ઞાનને, સોલિડ, લિક્વિડ અને ક્રાયોજેનિક એન્જિનની વિવિધ પ્રણાલીઓને અને એના પરીક્ષણને તથા એ માટે ડૉ. નારાયણનની મહેનત, લગન અને ધગશને દર્શાવતો હોવા છતાં એ અતિશય ટેકનિકલ કે નીરસ બની જતો નથી. અને સાથે ડૉ. વિક્રમ સારાભાઈ, ડૉ. સતીશ ધવન, ડૉ. અબ્દુલ કલામ અને ડૉ. નમ્બી નારાયણને તેમની યુવાવસ્થામાં મર્યાદિત સાધનો અને બજેટ સાથે ભારતના સ્પેસ રિસર્ચ કાર્યક્રમ માટે મહેનત કરતાં જોઈ શકવા એ અત્યંત આનંદની અને ગર્વની ક્ષણ છે.

એક સંવાદમાં ડૉ. અબ્દુલ કલામ (આ પાત્ર ગુલશન ગ્રોવરે ભજવ્યું છે!) ફોન પર તેમને કહે છે, મેં તો સોલિડ એન્જિન ક્ષેત્રે ઝંડા ફરકાવી દીધા, હવે લિક્વિડ એન્જિન ક્ષેત્રે તારે એ જ કામ કરી બતાવવાનું છે! રશિયા જઈને આપણાં વૈજ્ઞાનિકોને ટ્રેનિંગ અપાવવાથી લઈને તેમની પરિવાર પ્રત્યેની લાગણીઓને પોતાને જોખમે પણ દબાવીને તેઓ સ્પેસ રિસર્ચ માટે લિક્વિડ એન્જિનના ભારતના સ્વપ્નને જીવતું રાખે છે! રશિયાથી ક્રાયોજેનિક એન્જિનના ભાગ ભારત લઈ આવવાનું દિલધડક ઑપરેશન પડદે નિહાળવું ખૂબ રસાકસીભર્યું બની રહે છે. નાસા તરફથી એમને એકથી વધુ વાર ત્યાં કામ કરવાની ઑફર અપાઈ છે – એટલાં રૂપિયા અને સગવડો કે એમની પત્ની કહે છે કે અહીં આપણાં સંબંધીઓ જે પાંચ વર્ષે કમાય છે એ તમે એક વર્ષમાં કમાશો? ત્યારે સ્મિત કરતાં ડૉ. નમ્બી તેમને કહે છે – ના, એક મહીનામાં! પણ ડૉ. વિક્રમ સારાભાઈનો જે મત હતો એ જ તેમનો મત હતો. દેશની સ્પેસ રિસર્ચ સંસ્થાને, દેશના પોતાના વિકાસને અવગણીને તેઓ નાસામાં ન જોડાયા અને ભારતમાં જ રહીને ઇસરો સાથે કામ કરતા રહ્યાં.

રોકેટ્રી rocketry Movie Poster Movie Review

ફિલ્મના મધ્યાંતર પછીનો ભાગ મહદંશે ભારતમાં આઈ.બીના અધિકારીઓને ફોડીને ડૉ. નારાયણનને અપરાધી તરીકે ચીતરી, મરીયમ રશીદા નામની માલદીવની સ્ત્રી સાથે તેમના અનૈતિક સંબંધ હતાં અને એ હનિટ્રેપમાં ફસાઈને અઢળક રૂપિયા લઈને પાકિસ્તાનને તેમણે એ ડ્રોઇંગ વેચ્યા હોવાના આરોપ હેઠળ દેશદ્રોહી સાબિત કરવાના અને થર્ડ ડિગ્રી ટોર્ચર આપવાના ઘટનાક્રમને એમની આત્મકથા મુજબ યથાતથ વર્ણવે છે. એ આખો પ્રયાસ એટલો કાચો છે કે જે ડ્રોઇંગ પાકિસ્તાનને આપ્યા હોવાનું સ્વીકારવા આઇ.બીના અધિકારીઓ ડૉ. નારાયણન પર દબાણ કરી તેમને ખૂબ મારે છે એ ડ્રોઇંગ ૨૦૦-૩૦૦ રૂપિયાના પુસ્તકોમાં પણ મળી રહે એવું સમજાવે છે. એમના ઘરમાં કપડાં બંધ પડેલા ફ્રિજમાં રખાયા છે અને એમની પાસે પોતાની ગાડીય નથી. એમના પરિવારને પણ સમાજ તરફથી, મિડીયા તરફથી એટલું ટોર્ચર થાય છે કે એમના સંતાનો દેશદ્રોહીના સંતાનો તરીકે ઓળખાય એ એમને મંજૂર નથી છતાં તેમના પર પણ હુમલા થાય છે. તેમની પત્નીને આ બધાંથી એવો આઘાત લાગે છે કે તેમની માનસિક સ્થિતિ અત્યંત કથળી જાય છે. પત્નીને માનસિક ચિકિત્સક પાસે બતાવ્યાં પછી ભરપૂર વરસતા વરસાદમાં રિક્ષા રોકી તેઓ બેસે અને બીજી જ ક્ષણે એ બંને રોડ પર પાછા ફેંકાય, તુલસીજીને પાણી ચડાવવા જાય ત્યારે સળગતાં તુલસીજી દેખાય એ બધાં દ્રશ્યો અત્યંત હ્રદયદ્રાવક છે. ડૉ. નારાયણન ભલે પોતાના મંતવ્યોમાં જડસુ હોય એમ લાગે, ભલે એ કામ કઢાવવા લાગણીઓને કોરાણે મૂકીને વિચારી શકે એવા દર્શાવાયા છે પરંતુ એમની ધગશ, ચતુરાઈ, આવડત અને રાષ્ટ્રપ્રેમ પર શંકા કરી શકાય એવું કંઈ જ નથી!

જો કે આખરે વર્ષોના સંઘર્ષ પછી કોર્ટે તેમને નિર્દોષ જાહેર કર્યા, તેમને આપવાનું થતું કમ્પેન્સેશન હજુ પણ કેરલ સરકારે તેમને આપ્યું નથી એ ફિલ્મમાં પણ કહેવાયું છે.

ફિલ્મ જોતાં એમ લાગે કે પોતાની અંગત સુખસગવડો ક્ષમતા હોવા છતાં ન મેળવીને ભારતમાં રહી, દેશપ્રેમી તરીકે કામ કર્યાનો એ બદલો મળ્યો કે આ જ દેશે તેમને દ્રોહી ગણી લીધાં. દેશના જ લોકોએ તેમને ટોર્ચર કર્યાં. પોતાના હક્ક માટે તેમણે વર્ષો સુધી લડવું પડ્યું. અને એટલે જ ફિલ્મમાં તેમનો ઇન્ટર્વ્યુ કરતાં શાહરૂખખાન તેમને કહે કે આખા દેશ વતી હું તમારી માફી માંગું છું ત્યારે તેઓ કહે છે કે તમારે માફી માંગવાનો પ્રશ્ન જ નથી; પ્રશ્ન છે કે એ કાવતરાં પાછળ ગુનેગારો હતા કોણ? એ જ પ્રશ્ન હજુ પણ વણૌકેલ્યો છે.

ભારત સરકારે ૨૦૨૦માં તેમને પદ્મ ભૂષણ આપીને સન્માનિત કર્યા એ તેમની સાથે થયેલા અન્યાયની માફી માંગવાનો એક ખૂબ નાનકડો પ્રયત્ન હોઈ શકે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પણ તેમને બિરદાવ્યાં છે.

અચૂક જોવી જ જોઈએ એવી ફિલ્મ. અને આ સુંદર કથાને ફિલ્મ તરીકે પ્રસ્તુત કરવાની મહેનત બદલ આર. માધવનને અનેક અભિનંદન. ભારતના આવા જ રાષ્ટ્રપ્રેમથી છલોછલ વધુ ચરિત્રો વિશેની વાત આમ મૂકાતી રહે એ પ્રથા ખરેખર જળવાવી જોઈએ.

ડૉ. નારાયણનના ગુનેગારો એ દેશના ગુનેગારો છે જેમને લીધે ભારતનો ક્રાયોજેનિક કાર્યક્રમ લગભગ ૧૫ વર્ષ પાછળ ગયો એમ મારી સમજ કહે છે; એ લોકોને સજા થવી જ જોઈએ. રાષ્ટ્રવાદથી વધુ અગત્યનું કંઈ જ ન હોઈ શકે!

— જિજ્ઞેશ અધ્યારૂ

Movie Review Rocketry Gujarati


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “રોકેટ્રી : એક રાષ્ટ્રવાદી વૈજ્ઞાનિકનો ન્યાય માટેનો સંઘર્ષ…