શબ્દનાં સગાં (૩૮ સાહિત્યકારોનાં સંસ્મરણો) – રજનીકુમાર પંડ્યા 4


આદરણીય રજનીકુમાર પંડ્યાજીનું પુસ્તક ‘શબ્દનાં સગાં’ ફક્ત ગુજરાતી સાહિત્યકારોના જીવનચિત્રો અને સંસ્મરણોનું ભાથું જ નથી, એમાં છે એક આખી પેઢીના સાહિત્યકારો વચ્ચેના સંબંધોનો ધબકાર! આ પુસ્તક ગુજરાતી વાચકો માટે મહામૂલી જણસ છે; સાહિત્યને વરેલા વ્યક્તિત્વને ખૂબ નજીકથી સમજવાનો એ અવસર આપે છે. ઝેન ઑપસ દ્વારા પ્રકાશિત આ પુસ્તક અક્ષરનાદને ભેટ આપવા બદલ આદરણીય પંડ્યા સાહેબનો આભાર!

પુસ્તક ‘શબ્દનાં સગાં’ ગુજરાતી વાચકો અને લેખનની કેડીએ ડગ માંડતા મારા જેવા નવોદિત સર્જકો માટે અનુકરણીય વડીલ સર્જકોના જીવનચિત્રોને, એમના જીવનના અનોખા અને કંઈક અંશે અજાણ્યા પાસાંને તદ્દન નિખાલસપણે પ્રગટ કરતું; એ સૌને અત્યંત નજીકથી જાણનાર – અનુભવનાર આદરણીય રજનીકુમાર પંડ્યાજીની કલમે લખાયેલ મહામૂલી મૂડી છે. આ પુસ્તક વાંચતા ક્વચિત એ પ્રસંગોની સાથે તણાઈ જઈને મારા રુંવાડા ઉભા થયા છે; ક્યારેક મન ગોરંભાયું છે અને ક્યારેક એમની સ્પષ્ટવક્તા, નિખાલસતા અને આદર્શને વરેલા જીવન પર ‘વાહ!’ પોકારી જવાયું છે. આ પુસ્તક એક રોલર કૉસ્ટર રાઈડ છે.

રજનીકુમાર પંડ્યાજીનો પરિચય તો સૌને છે જ! એમના વિશે મેં ઘણું સાંભળેલું પણ બેત્રણ વાર ફોન પર સરસ મજાની વાતો થઈ અને પછી એમના ઘરે ‘માઇક્રોફિક્શન શૉટ્સ’ પુસ્તક આપવા ગયેલો ત્યારે એમના નિતાંત સ્નેહનો અને ઉર્જાનો પ્રત્યક્ષ પરિચય થયો. પછી ‘અક્ષરનાદ પણ તારી જ વેબસાઇટ છે?’ એવો તેમનો ઉમળકાભર્યો ફોન આવ્યો અને હરખ વ્યક્ત કર્યો હતો.

આમાં જેમની સાથે આદરણીય રજનીકુમાર પંડ્યાજીએ પોતાના સંસ્મરણો આલેખ્યા છે એ પૈકીના કેટલાક નામોમાં અમૃત ઘાયલ, ઉશનસ્, ખલીલ ધનતેજવી, ગની દહીંવાલા, ગુલાબદાસ બ્રોકર, ચં.ચિ. મહેતા, ચિનુ મોદી, ચુનીલાલ મડિયા, જયભિખ્ખુ, જીવરામ જોશી, તારક મહેતા, મકરંદ દવે, મોહમ્મદ માંકડ, રમેશ પારેખ, શેખાદમ આબુવાલા, શ્યામ સાધુ, હરકિશન મહેતા…. યાદી ખૂબ લાંબી છે. અને એટલે જ પુસ્તક પણ દળદાર છે. પંડ્યાજીએ અતિશય ચીવટપૂર્વક પ્રત્યેક જીવનચિત્ર આલેખ્યું છે.

આદરણીય રજનીકુમારજીની ખૂબ જ વખણાયેલી, વંચાયેલી ‘કુંતી’ નવલકથા પરથી દૂરદર્શન પર પ્રાઇમટાઇમમાં અલગ અલગ નિર્માતાઓ દ્વારા બે વાર હિંદી ધારાવાહીક પ્રસારિત થઈ ચૂકી છે. તેમની એક વાર્તાનું દિલ્હીની ‘ધ નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામા’એ તેમને નિમંત્રીને તેમની ઉપસ્થિતિમાં જ મંચન કર્યું હતું. ગુજરાત સાહિત્ય અકાદમીના મહત્તમ મળી શકતાં પાંચ ઍવૉર્ડ્ઝ ઉપરાંત બે વાર ‘સવિતા વાર્તા હરીફાઈ’માં સુવર્ણ ચંદ્રકો, ‘કુમાર’ ચંદ્રક, રાષ્ટ્રીય કક્ષાનો ધ સ્ટેટસમૅન ઍવૉર્ડ્, ગુજરાતી સાહિત્ય પરિષદનાં બે પારિતોષિકો તેમને પ્રાપ્ત થયાં છે, ગુજરાત સરકારનાં બે ઍવૉર્ડ્ઝ અને દૈનિક અખબાર સંઘના બે ઍવૉર્ડ્ઝ ઉપરાંત હરિઓમ આશ્રમનો ઍવૉર્ડ પણ તેમને તેમની કટારો માટે પ્રાપ્ત થયો છે. એટલે એમની કલમે જ્યારે એમની જ સાથેના, એમના મિત્રોના અને નિકટ રહેલા સાહિત્યકારોના જીવનચિત્રો અને સંસ્મરણો આલેખાય ત્યારે સાહિત્યિક સાથે એનું દસ્તાવેજી મૂલ્ય પણ અનેકગણું વધી જતું હોય છે. એ રીતે પણ આ પુસ્તક શબ્દનાં સગાં અગત્યનું છે.

પુસ્તકમાં અઢળક વાતો, પ્રસંગો અને વર્ણનો ગમી જાય એવા છે. ઘણાં મનગમતા સર્જકો વિશે તદ્દન અજાણી વાતો અહીં આલેખાઈ છે. શક્ય છે કે પંડ્યા સાહેબ માટે એ સહજ હોય પણ એક વાચક તરીકે મારે માટે એ વાતો નવી જાણકારી લઈને આવે છે. પુસ્તકમાંથીજ મને ખૂબ સ્પર્શી ગયેલા, ગમી ગયેલા અમુક ભાગ અહીં લીધાં છે. એને જોઈને સહજ સમજાશે કે પુસ્તક કેટલું સમૃદ્ધ છે.

અમૃત ઘાયલ

‘ઘાયલ પોતાના મોંએથી નહીં કહે.’ પ્રફુલ્લ નાણાવટી એક વાર મને કહેતા હતાઃ પણ એમણે પ્રતિજ્ઞા કરી કે હું લખીશ તો સોરઠી બાનીમાં ગઝલ લખીશ. ગઝલનું ગુજરાતીકરણ કર્યું. રુદનની જગ્યાએ રૂપ અને ઇશ્કની જગ્યાએ પ્રણય શબ્દો એમની ગઝલમાં આવ્યા. અરે, લગભગ સો ઉપરાંત ગઝલો તો એમણે એ માટે લખી લખીને ફાડી નાંખી.’

આ યાદ કરીને મેં ઘાયલસાહેબને કહ્યું કે તમારે માટે આ માનપત્ર કે મેમો, જે ગણો તે આ છે. કરો ખુલાસો મિનિટ પાંચમાં, તો જવાબ દેવા માટે ટટ્ટાર થવામાં એમને ઉધરસ નડી. કહે કે હમણાં આ ખાંસીની બીમારી વળગી છે. રાજકોટ જઈને ડૉક્ટરને બતાવવાનો છું, પણ મરણપથારીએ હોઈશ તો પણ એટલું તો કહીશ કે ઉર્દૂ ભાષા માટે મને માન, પણ ગુજરાતી ભાષા તો મારે ગળે વળગી હતી. અરે પ્રફુલ્લ કહે છે એ અરસામાં તો હું સાવ મૂંગો બની ગયો હતો. શું કહેવાય? બાવરો બની ગયો હતો. મારે ગુજરાતી ગઝલમાં તત્ત્વજ્ઞાનનો રંગ લાવવો હતો. એક એક શેર ઉપર બબ્બે રાતનું જાગરણ કરતો. તરફડાટ હતો. ભગવાનને કહેવું હોય કે તું મારા હૃદયમાં છે, પણ ક્યાંય દેખાતો કેમ નથી? આ વાત માટે મારા મનમાં પચાસ જાતની રીતે પચાસ શેર બંધાય. મને માણ ન વળે તો એ બધાય હું ફાડી નાખું. એકાદ શેર કંઈક ઠીક લાગે તે રાખું. જેમ કે –

ગયા પોતે, અને લેતા ગયા રોનક બધી સાકી,
પડ્યું છે એમ ઘર જાણે નથી રહેતું કોઈ ઘરમાં.

અમૃત ઘાયલ

‘તું સમજે છે?” એ બોલ્યાઃ મારી વેદના સમજે છે?’ બોલતાં બોલતાં પાછા એવા ખોવાઈ ગયા કે ચાલીસ વરસ પીગળી ગયાંઃ ‘અરે…” એમણે કહ્યુંઃ પાજોદ દરબારસાહેબના પાંચ-છ બચ્ચાંઓને રાજકોટ ભણાવવા જવાનો સમય આવ્યો ત્યારે બેગમ સાબિરાસાહિબાએ હુકમ કર્યો કે ઘાયલ, તુમ સાથ જાઓગે તો હી મેં બચ્ચોં કો ભેજુંગી. તુમ રાજકોટ જાઓ ઔર બચ્ચો કે ગાર્ડિયન બન કે રહો.’ પણ મેં ગલ્લાંતલ્લાંકર્યાં. કહ્યું “માં, મૈં ખુદ ઇક ખોઈ હુઈ હસ્તી હૂં, મૈં બચ્ચોં કા ખ્યાલ કૈસે રખૂંગા?” તો એ બોલ્યાં: ‘મુઝે માલૂમ હૈ કી તુમ ખોઈ હુઈ હસ્તી હો મગર મુઝે માલૂમ હૈ કી તુમ ઇસ ખોયે હુઈ આલમ મેં ભી અપને આપકો સમ્પાલ સકતે હો.. તો બચ્ચોં કો ક્યું નહીં સમ્હાલ સકતે ‘

પછી ગયા કે નહીં?’ મેં પૂછ્યું.

“અરે, માંસાહેબનો હુકમ માન્યા વગર તે કંઈ ચાલે?” એ હસ્યા ‘એમનો હુકમ તો એવો માનતો હતો કે એક વાર મારી શરાબખોરી પર ગિન્નાઈને એમણે પ્રેમવશ કહ્યું કે જાઓ, ડૂબ મરો. તો ખરેખર હું કુંડીમાં જઈને પડ્યો. પછી આવીને મને બેઠો કરીને કહેઃ અરે ઘાયલ, મૈંને ઐસે થોડા કહા થા?”

હરકિશન મહેતા

હરકિસનભાઈ એક વાર વ્યક્ત કરેલા અભિપ્રાયને જડતાપૂર્વક વળગી રહેવામાં ક્યારેય ન માનતા. બદલવા માટે તૈયાર રહેતા. એનો મને ફરી વાર પરિચય થયો. તેમણે તરત જ ફોન કર્યો. ‘પેલી વાત પરથી નવલકથાનાં ત્રણેક પ્રકરણો લખી મોકલો.’ એમ, હરકિસનભાઈની શીર્ષકોની પરિપાટીમાં કહું તો ‘માન-અપમાન’ની આવી પટ્ટાબાજી પરથી જે સારું પરિણામ નીપજી આવ્યું તે મારી ‘કુંતી’ નવલકથાનું સર્જન. એ પછી અમારા સંબંધોમાં નવું પરિમાણ ઉમેરાયું. અત્યાર સુધી માત્ર એક કેઝ્યુઅલ લખતા લેખક તરીકેનો સંબંધ હતો, પાછળથી તે વિકસીને એક તંત્રી અને ગુજરાતનો બ્યૂરો સંભાળતા ‘ચિત્રલેખા’ પરિવારના સભ્ય તરીકેનો થયો. તો હવે નવું પરિમાણ તે ક્યું?

થોડી અરુચિકર લાગે તેવી સરખામણી આપું; પણ તે જ એકદમ બંધ બેસે છે. એમાંથી જ હરકિસનભાઈના વ્યક્તિત્વની એક અણપ્રીછી બાજુની રેખાઓ સ્પષ્ટ થાય છે. કદાચ કોઈ નવલકથાલેખકે એમને આ રીતે જોયા નહીં હોય.

હા, એ સંબંધ હતો એક સગર્ભા પુત્રવધૂનો અને કડવી છતાં શીળી સાસુનો. એ દિવસોમાં ખાસ આ સ્ત્રી આપણી વંશવૃદ્ધિ કરનાર છે એવા ખયાલથી સાસુ વિશેષ કન્સિડરેટ, વિશેષ માયાળુ, આત્મીયતા જતાવનારી છતાં કડવાં ઓસડિયાં પાવામાં વધારે પર્ટિક્યુલર બની જાય છે. વહુને એ લાડ લડાવે, એની ખાવાપીવાની હરેક ઇચ્છાઓ પૂરી કરે, ને છતાં એની પ્રત્યેક હિલચાલ પર ચાંપતી નજર પણ રાખે. વહુનો નાનો-મોટો છણકો પણ સહન કરી લે. આ બધાની પાછળ એની ખેવના એક જ; વહુ નિર્વિઘ્ન દાણિયા જેવો દીકરો જણે.

મેં ત્રણેક પ્રકરણ મોકલ્યાં અને એમનો પત્ર આવ્યોઃ વાર્તા અહીં ખાતામાં સૌને ગમી છે. જોર રાખજો.’ (આ જોર શબ્દ પણ ‘જણનારીનું જોર’ કહેવતની યાદ આપે) તે ઘડીથી શરૂ કરીને વાર્તા પૂરી થઈ ત્યાં લગી હરકિસનભાઈ મારી સાથે એવી સાસુની ભૂમિકામાં રહ્યા. મિત્રોએ મને બીક પેસાડી હતી કે આ તંત્રી પોતાની ધારી રીતે પ્રકરણો લખાવે છે. આ બીકને કારણે હું વધારે સજાગ-સભાન થઈ ગયો હતો. શરૂઆતમાં મને ખાસ શો એવો અનુભવ ના થયો. બલકે, એમનું વાજબી સૂચન મને ઘણું કામમાં આવ્યું. તેમણે લખ્યું હતું: ‘ખબરદાર, આ સત્યકથા છે એ ભૂલી જજો. તમારે ડૉક્યુમેન્ટરી નહીં, નવલકથા લખવાની છે. તથ્યોનો ભાર વાર્તા પર લાદશો નહીં.’ પાછળથી એમણે ક્યારેક મને પ્રસંગોપાત્ત ટપાર્યો, “બહુ ઝીણું કાંતશો નહીં.’ અથવા ‘સાચાં પાત્રોનાં નામ આમાં બદલાવીને લખો.’ અથવા ‘બહુ જામતું નથી.’

‘મેદાન વગરનો મેળો’ શીર્ષક હેઠળ પ્રસ્તાવનામાં રજનીકુમાર પંડ્યાજી લખે છે…

મને ‘માણસ’માં રસ એટલે મને જેમાં વિવિધ રંગોની બિછાત જોવા મળે એવા માણસો મારાં એ લખાણોના વિષય બનતા. મૂળ મારું હાડ ટૂંકી વાર્તાનું એટલે એવા પ્રત્યેક મનુષ્યના જીવનમાં હું વાર્તા શોધતો અને મને લગભગ હરેક વ્યક્તિમાં એ મળી જતી. પણ મારે વાર્તા નહોતી લખવાની એ હું સમજતો હતો એટલે વાર્તાની લઢણ અને એનું બંધારણ-માળખું વાર્તાનું બરકરાર રાખવા છતાં એમાં જે તે પાત્રના જીવનનું દસ્તાવેજીકરણ ઘોળી દેવાનો ઉપક્રમ પણ મેં રાખ્યો. સમય જતાં એમાંથી વ્યક્તિચિત્રોનું જરી જુદું પડે એવું સ્વરૂપ નીપજી આવ્યું. ચં. ચી. મહેતા જેવા દુરારાધ્યો એના પર પ્રસન્ન થયા એટલે એમણે એને જીવનચિત્રો નામ આપ્યું.

વર્ષો વીતતાં ગયાં તેમ તેમ સ્વરૂપ તો એ જ રહ્યું, બલકે વધુ ઘડાયું, એ અને એમાં પાત્રવૈવિધ્ય પણ પુષ્કળ રહ્યું. એનાં ‘ઝબકાર’ શ્રેણીનાં છ અને હોય તો ઝબકાર જ પણ શીર્ષકો જુદાં હોય એવાં ‘ગુલમોહર’, ‘અક્ષરની આંખે’, માયાનગર’ ‘શબ્દવેધ’ અને ‘આપકી પરછાઇયાં’ એમ બીજાં પાંચ પુસ્તકો મળીને કુલ અગિયાર પુસ્તકો થયાં. અને એ પુસ્તકો થયાં પછી પણ મેં કટારની બહાર પણ બીજાં ઘણાં છૂટાં જીવનચિત્રો લખ્યાં.

આ તમામમાંથી વીણી વીણીને માત્ર સાહિત્યકારોનાં જ હોય એવાં આડત્રીસ જુદાં તારવીને મેં આ પુસ્તક ‘શબ્દનાં સગાં’માં મૂક્યાં છે. (એકમાત્ર મોહમ્મદ માંકડ સિવાય બીજાં બધાં હવે સ્વર્ગસ્થ) એમાં સમાવાયેલા બધાના કંઈ પૂરેપૂરા જીવનઆલેખો એ નથી. મારો એવો ઇતિહાસલેખક અથવા ચરિત્રકાર હોવાનો કે દેખાવાનો આ દાખડો નથી કે નથી એવો કોઈ ઇરાદો. કોઈમાં પૂરી છબી છે તો કોઈની તો એમની મારી સાથેની સ્મરણરેખાઓ કે એકલદોકલ પ્રસંગો જ છે, પણ જે કંઇ લખ્યું છે તેમાંથી લસરકાચિત્ર જેવી એમની છબ ઊભી થાય એવો મારો મકસદ ખરો.

અક્ષરનાદ માટે પુસ્તક રિવ્યૂ અને સંકલન – જીજ્ઞેશ અધ્યારૂ

પુસ્તક પ્રાપ્તિની વિગતો –

પ્રકાશક – ઝેન ઑપસ, કિંમત – ૫૨૫/- રૂ.

પુસ્તક પ્રાપ્તિ માટે ક્લિક કરોhttps://amzn.to/3a13iky

સંપર્ક – રજનીકુમાર પંડ્યા, બી ૩/જી, એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,
મણિનગર ઇસનપુર રોડ, અમદાવાદ ૩૮૦૦૫૦
મોબાઇલ – 95580 62711


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “શબ્દનાં સગાં (૩૮ સાહિત્યકારોનાં સંસ્મરણો) – રજનીકુમાર પંડ્યા

  • હર્ષદ દવે

    સુંદર પુસ્તક, સુંદર સંકલન, શબ્દના સગા…ભીતરની અભિવ્યક્તિની કથા…વાહ પુસ્તકનો રીવ્યૂ વાંચતા પુસ્તક પામ્યું હોય, કોઈ સ્વજન મળ્યું હોય તેમ હરખાઇ જઈએ…