સામવેદ વિશે… – શ્રદ્ધા ભટ્ટ 5


ચારેય વેદોમાં ચાર પ્રકારના વિષય વસ્તુનું નિરૂપણ કરવામાં આવ્યું છે એવી એક માન્યતા છે. જેમ કે, ઋગ્વેદમાં મુખ્ય સ્તુતિ અને જ્ઞાન, યજુર્વેદમાં કર્મ, સામવેદ માં ઉપાસના અને અથર્વવેદમાં જીવન વિજ્ઞાનનું નિરૂપણ કરવામાં આવ્યું છે.

વૈદિક સંહિતામાં ઋગ્વેદ પછીનું સ્થાન સામવેદનું છે. બૃહદ દેવતામાં તો કહ્યું છે કે જે સામવેદને જાણી લે છે એને બધા વેદોનું જ્ઞાન મળી જાય છે. ઋગ્વેદમાં રહેલા અલગ અલગ દેવતાઓના સ્તુતિ વિષયક મંત્રોની સસ્વર ઉચ્ચારણ પદ્ધતિ સામવેદમાં મળે છે. છાંદોગ્ય ઉપનિષદમાં કહ્યું છે – या ऋक तत साम. જે ઋક છે તે જ સામ છે. સામવેદના મોટા ભાગના મંત્રો ઋગ્વેદમાંથી જ લેવામાં આવ્યા છે, પણ બધા નહિ. સામવેદની ઘણી ઋચાઓ ઋગ્વેદથી અલગ છે. વળી, ઋગ્વેદના મંત્રોમાં સ્વર યોજના સામવેદ કરતાં ઘણી અલગ છે.

સામવેદ વિષે વિસ્તારથી જાણતા પહેલા ‘સામ’નો અર્થ સમજીએ. ઘણા ખરા વિદ્વાનો માને છે કે સામ એટલે સુંદર, સુખકારી વાક્ય. કલાની અલગ અલગ શાખાઓમાં સંગીતને સૌથી વધુ આનંદદાયક માનવામાં આવે છે એટલે જ સામ એટલે સંગીત અથવા ગાન. જૈમિનીયોપનીષદ આરણ્યક પ્રમાણે  सा – એટલે ઋચા અને अम – એટલે સ્વર. सा + अम – साम. ઋચાઓનું સ્વરબદ્ધ ગાન એટલે સામ. બૃહદારણ્યક ઉપનિષદમાં પણ सा च अमश्चेति तत्सामन: सामत्वम | ઋચા સ્વરબદ્ધ થાય એટલે સામ બને, એમ કહેવાયું છે.

સામવેદ વિશે

સામની બીજી વ્યાખ્યા મુજબ,

स्यति नाशयति विघ्नमिति सामन् જે સંકટનો નાશ કરે છે તે સામ છે.

समयति सन्तोषयति देवान् अनेन इति- જે મંત્ર વડે દેવતાઓને સંતુષ્ટ કરે છે તે સામ છે.  

આમ, વેદોમાં સામવેદનું મહત્વ વિશેષ છે. શ્રીમદ ભગવદ્ગીતામાં કહ્યું છે –

वेदानाम सामवेदोऽस्मि (गीता- १०/२२) વેદોમાં હું સામવેદ છું.

ઈશ્વરની વિભૂતિ સામવેદ છે, કારણકે ‘સામ’ ને ઋચાનો સાર માનવામાં આવે છે. બ્રાહ્મણગ્રંથોમાં સામને સર્વ વેદોનો સાર કહેવામાં આવ્યો છે.

सर्वेषाम् वाडएष वेदानाम रसो यत्साम | (શતપથ બ્રાહ્મણ)

પદ્ય (ઋચા) , ગદ્ય (યજુસ) અને ગાન (સામ) – આ ત્રણમાં ગાન એ મનુષ્યને સૌથી વધુ ગમે એ સ્વાભાવિક છે. કારણકે, સંગીતનો આદિ સ્ત્રોત પ્રાકૃતિક ધ્વનિ છે. પ્રકૃતિના સ્વર અને એના વિશેષ લયને સમજ્યા પછી જ મનુષ્ય સંગીત તરફ આકર્ષાયો હશે, એવી માન્યતા ઘણે ખરે અંશે સાચી જ છે. જોકે પ્રકૃતિનો દરેક અવાજ સંગીતનો આધાર ન બની શકે, એટલે જ અલગ અલગ ભાવ દર્શાવતા સ્વરને ઓળખીને એને લયબદ્ધ કરવાની કોશિશ કરવામાં આવી હશે. વિદ્વાનો કહે છે કે નાદના ચાર પ્રકાર પરા, પશ્યન્તી, મધ્યમા અને વૈખરી – માંથી ફક્ત મધ્યમાના સ્વરોથી જ સંગીત બને છે. સંગીત શબ્દ सम् + ग्र ધાતુથી બન્યો છે. ग्र  અથવા गा શબ્દનો અર્થ થાય, ગાવું. સંગીતનો શબ્દશ: અર્થ થશે – ગાન સાથે કરેલી ક્રિયા. વળી, સૃષ્ટિના દરેક જડ ચેતન પદાર્થોમાં વ્યાપ્ત શબ્દ બ્રહ્મનો નાદ પણ એક પ્રકારનું સંગીત જ છે ને?

 શ્રી સાતવલેકરજીએ તેમના પુસ્તક ‘સામવેદ ભૂમિકા’ માં લખ્યું છે – સાધારણ ગદ્યની અપેક્ષા છંદ, છંદ કરતાં કાવ્ય અને કાવ્ય કરતાં ગાન પ્રભાવશાળી હોય છે. સામવેદનું મહત્વ આને લીધે પણ વિશેષ બની રહે છે.

વેદવ્યાસે પોતાના શિષ્ય જૈમિનીને સામવેદની શિક્ષા આપી. જૈમિની પછી સુમંતુ, સુન્વાન,સુકર્માં સુધી પેઢી દર પેઢી આ અધ્યયન પરંપરા ચાલુ રહી. સુકર્માંએ સામવેદ સંહિતાનો વ્યાપક વિસ્તાર કર્યો.

સામવેદની એક હજાર શાખોમાંથી અત્યારે ત્રણ શાખાઓ ઉપલબ્ધ છે. – કૌથુંમીય, રાણાયણી અને જૈમિનીય. સામવેદના મુખ્ય બે ભાગ છે – આર્ચિક અને ગાન. આર્ચિકનો અર્થ થાય, ઋચાઓનો સમૂહ. એના બે ભાગ છે – પૂર્વાર્ચિક અને ઉત્તરાર્ચિક.

સામવેદની મોટાભાગની ઋચાઓ ઋગ્વેદમાંથી જ લેવામ આવી છે. એનું કારણ એ કે સામવેદનું સંકલન ઉદ્ગાતા નામના પુરોહિત માટે થયું છે. ઉદ્ગાતા પુરોહિત ઋગ્વેદમાં સંકલિત વિવિધ દેવતાઓના સ્તુતિ મંત્રોનું અલગ અલગ સ્વરોમાં ગાન કરે છે. એટલે સામવેદનો આધાર ઋગ્વેદ થયો એમ કહી શકાય.

ચારેય વેદોમાં ચાર પ્રકારના વિષય વસ્તુનું નિરૂપણ કરવામાં આવ્યું છે એવી એક માન્યતા છે. જેમ કે, ઋગ્વેદમાં મુખ્ય સ્તુતિ અને જ્ઞાન, યજુર્વેદમાં કર્મ, સામવેદમાં ઉપાસના અને અથર્વવેદમાં જીવન વિજ્ઞાનનું નિરૂપણ કરવામાં આવ્યું છે.

યજ્ઞના પ્રસંગોએ મંત્રોનું ગાન કરવા માટે ઋગ્વેદમાંથી મંત્રો લઈને સામવેદનું સંકલન કરવામાં આવ્યું છે. યજ્ઞક્રિયામાં જોડતા મુખ્ય ચાર ઋત્વિજોમાં મંત્રોનું ગાન કરનાર ઋત્વિજને ‘ઉદ્ગાતા’ કહેવામાં આવે છે. ઉદ્ગાતા યજ્ઞક્રિયા દરમિયાન વિવિધ દેવતાઓને ઉદ્દેશીને સ્તુતિપૂરક મંત્રોનું જુદા જુદા સ્વરમાં ગાન કરે છે. ભારતીય રાગ, સંગીત તથા વાદનો મૂળ સ્ત્રોત ગાંધર્વ વેદ ગણાય છે, જે સામવેદનો જ ઉપવેદ છે.

અહીં પ્રશ્ન થાય કે મંત્રોનું ગાન કઈ રીતે કરવું? દરેક ઉદ્ગાતા પોતાની રીતે પોતાની પદ્ધતિ પ્રમાણે મંત્રોએ સ્વર બદ્ધ કરી શકે? તો એનો જવાબ છે – ના. સામવેદના મંત્રોનું ગાન લય અને તાલબદ્ધ રીતે કરવા માટે સામગાનની પદ્ધતિ વિષે વિસ્તારથી વર્ણન આપેલ છે. સામવેદના જ ઉત્તરાર્ચિકમાં છાંદોગ્યોપનિષદમાં કેટલાક નિયમો બતાવ્યા છે. સામવેદના દરેક મંત્રોનું ગાન એ નિયમોને આધીન રહીને જ કરવાનું રહે છે.

गीतिषु सामाख्या – જૈમિનીના આ વાક્ય અનુસાર ગીતિ (ગાન ) જ સામ છે અને ગાનનો પ્રાણ છે સ્વર. સામવેદમાં સ્વરના  ઉચ્ચારણનું ઘણું મહત્વ છે. ઉચ્ચારણની દ્રષ્ટીએ સ્વર ત્રણ છે – ૧. ઉદ્દાત્ત ૨. અનુદાત્ત અને ૩. સ્વરિત.  સામવેદમાં ઉદ્દાત્ત ૧ સંખ્યા વડે, સ્વરિત ૨ સંખ્યા વડે અને અનુદાત્ત ૩ સંખ્યા વડે દર્શાવેલ છે.

સાહિત્યિક દ્રષ્ટીએ ભલે સામવેદનું એટલું મહત્વ નથી પણ ધાર્મિક દ્રષ્ટિએ સામવેદ બહુ જ મહત્વનો છે. શતપથ બ્રાહ્મણમાં કહ્યું છે કે સામગાન વિના યજ્ઞ પૂરો જ થતો નથી. યજ્ઞની સફળતા માટે મંત્રોનું યોગ્ય રીતે ઉચ્ચારણ થવું બહુ જ જરૂરી છે. વાસ્તવમાં સંગીતનો મૂળ સ્ત્રોત સામવેદ જ છે.

~અંજલિ ~

सामानि यो वेत्ति स वेद तत्वम | –  (बृहद् देवता) સામવેદને જાણનાર વ્યક્તિ જ વેદોને જાણે છે.

– શ્રદ્ધા ભટ્ટ

શ્રદ્ધા ભટ્ટના અક્ષરનાદ પરના આ સ્તંભ ‘આચમન’ અંતર્ગત ધર્મ અને અધ્યાત્મ વિશેની આપણી પરંપરા અને સમજણને ઊંડાણપૂર્વક પરંતુ બહુ સરળતાથી ચર્ચાની એરણે મુકવાનો પ્રયત્ન છે. આ સ્તંભ ના બધા લેખ અહીં ક્લિક કરીને વાંચી શકાશે.


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “સામવેદ વિશે… – શ્રદ્ધા ભટ્ટ