ઉત્તમકુમાર કિશોરકુમારના અવાજની તાજગીને ન્યાય આપે છે અને તેની (મૂક) સાક્ષી બને છે ઈશારો ઈશારો મેં દિલ લેને વાલી ‘કશ્મીર કી કલી’ શર્મિલા ટાગોર.. ગીત છે રાહી નયે નયે, રસ્તા નયા નયા
ભગવદગોમંડળમાં ‘આનંદ’ શબ્દના ૨૩ અને ‘આશ્રમ’ શબ્દના ૧૫ અર્થ આપવામાં આવ્યા છે. પણ મારે વાત કરવી છે ૧૯૭૭ ની ફિલ્મ ‘આનંદ આશ્રમ’ ની! આ પહેલાં ‘ગીતમાલા’માં એ ફિલ્મના એક ગીત ‘સારા પ્યાર તુમ્હારા…’ વિષે કેટલીક વાત કરી હતી. આજે એ જ ફિલ્મના બીજા એક ગીત વિષે કહેવું છે.
જીવનનો રસ્તો સાવ સીધો કે સરળ નથી હોતો. ભલે ન હોય તો પણ જીવન જીવવાની મોજ માણવા જેવી હોય છે. તેમાં વળાંકો આવે, ચડવાનું અને ઉતરવાનું આવે. તો પણ તે ગંતવ્ય છે. સહેલા શબ્દોમાં કહીએ તો રસ્તા અને રાહી નવા નવા હોય છે. એક દુજે કે લિયે જીવાતા જીવનના સંદર્ભમાં શાશ્વત અનુભૂતિ નવી હોવા છતાં એ જ હોય છે! પ્રેમ અને પ્રેમીઓના રસ્તે વિચારોની કૂચકદમ કેવી હોય? ‘તું ન બદલે, હું ન બદલું તો પણ બધું સાવ નવું-અવનવું લાગે છે.’ આમ થવાનું કારણ છે તેમની પ્રેમમય અવસ્થા. તેમાંયે જો પ્રીત બાળપણથી પાંગરેલી હોય તો તેની સ્મૃતિ ‘પત્થર કી લકીર’ બની જાય. સમયના તોફાનથી ‘પ્યાર કી આંધી રુક ના સકેગી…’, એ દીપક તો ઝળહળતો જ રહેવાનો છે. દુઃખમાં પણ સાથ ન છોડે તે સાથી. હમેં વક્ત કે સાથ ચલના જરૂર ચાહીએ, પરંતુ વક્ત કે સાથ બદલાઈ જાય તેને પ્યાર ન કહેવાય!’
રાહી નયે નયે, રસ્તા નયા નયા…
તુમ ન બદલી, મૈ ન બદલા, સબકુછ બદલ ગયા.
યાદ સુહાની બચપન કી પત્થર પે ખિંચી રેખા.
પહલા પહલા પ્યાર દિલો સે મીટતે નહીં દેખા.
તુફાન સમય કે બુઝા ન સકે યે દીપ જલા તો જલા.
વક્ત કે સાથ બદલ જાએ ઉસે પ્યાર નહીં કહતે.
જો હર મોડ પે મૂળ જાએ ઉસે યાર નહીં કહતે.
યાર વોહી જો સાથી બનકર દુખ મેં સાથ ચલા
જુઓ અને સાંભળો આ ગીત…
ભાષા બદલાય, શબ્દ બદલાય પણ પ્રેમનો ભાવ-પ્રભાવ બદલાતો નથી. તેની અસરકારકતામાં ઓટ આવતી નથી. આ પૃથ્વી બદલાઈ ગયેલી જણાય છે, જયારે જોઈએ ત્યારે તેનું નવું જ સ્વરૂપ સામે આવે છે. આકાશમાં કેટકેટલાં વાદળાં કાંઈ કેટલીયે વાર ઉમટે છે પણ સમયની જેમ તે પણ થોભતા નથી, વરસી જાય છે. મનનું આકાશ સ્વચ્છ જ રહે છે. મનના ગગનમાં પ્રેમ જ વ્યાપ્ત હોય છે.
ઉત્તમકુમાર કિશોરકુમારના અવાજની તાજગીને ન્યાય આપે છે અને તેની (મૂક) સાક્ષી બને છે ઈશારો ઈશારો મેં દિલ લેને વાલી ‘કશ્મીર કી કલી’ શર્મિલા ટાગોર. આનંદ આશ્રમમાં આશ્રમ નિર્વિકાર છે પણ આનંદ…? સંજોગોનો શિકાર બની શકે! એવું કેવી રીતે બને એ જાણવું હોય તો ફિલ્મની કથામાં ઉતરવું પડે અને તે માટે ફિલ્મ જોઈ લેવી એ વધારે યોગ્ય ગણાય. જો એ ફિલ્મ જુઓ તો ઉત્તમકુમાર અને શર્મિલા પછીના જનરેશનના સમકાલીન રાકેશ રોશન અને મૌસમી ચેટરજીનો પ્રણય પણ જોવા મળશે!
હમણાં જોયું, સાંભળ્યું, વાંચ્યું એવું જ ગીત બંગાળીમાં સાંભળો… જુઓ, વાંચો. તેના શબ્દોની, દૃશ્યોની અને સંગીતની સંગતિ પ્રકૃતિ સાથે કેવી ત્રિવેણી રચે છે! એની સાથે તાદાત્મ્ય સાધીએ તો…!
પ્રિથ્બી બોદલે ગેછે… જા દેખી નોતૂન લાગે…(૨)
તુમિ આમિ એકોય આછિ, દુજોને જા છિલામ આગે…
પ્રિથ્બી બોદલે ગેછે… જા દેખી નોતૂન લાગે…
સમય ચિરોદીન સુધુય બોયે જાય. થેમે સે તો થાકે ના…(૨)
કોતો જોર મેઘ આસે ચોલે જાય, આકાશ મોને રાખે ના,
સુધુ પ્રોથમ જીબોનેર ભાલોબાસા, સપનેરી મોતો જાગે,
તુમિ આમિ એકોય આછિ, દુજોને જા છિલામ આગે…
પ્રિથ્બી બોદલે ગેછે… જા દેખી નોતૂન લાગે…
પોરે કિ મોને તુમિ આમિ, એઈ પોથ ઘોરે જેતામ…(૨)
ભાલોઈ હોતો સેઇ દિનગુલો, ફિરે જોદિ પેતામ,
સેઇ તોમાકે પાબો નાકિ, આજ માનેર અનુરાગે,
તુમિ આમિ એકોય આછિ, દુજોને જા છિલામ આગે…
પ્રિથ્બી બોદલે ગેછે… જા દેખી નોતૂન લાગે…
શ્યામલ મિત્રનું સંગીત અને ગૌરીપ્રસન્નાનું ગીત સુંદર સુમેળ સાધે છે. ગીતકારને શ્રેષ્ઠ ગીતો લખવા માટે બંગાળી ફિલ્મ જર્નાલીસ્ટસ એસોસિએશન તરફથી ઘણીવાર પુરસ્કાર મળ્યા છે. તેઓએ લખેલા ગીતો મોટેભાગે બંગાળી ફિલ્મોનો એ સમય હતો જયારે રંગીન ફિલ્મો માટે પ્રેક્ષકોના મનમાં કુતૂહલ થતું હતું. અત્યારે તો બ્લેક એન્ડ વાઈટ ફિલ્મોના ગીતો પણ રંગીન જોવા મળે છે. ટેકનોલોજીની કમાલ કેવી છે! આ ગીતકારે કિશોરકુમાર અને આર.ડી.બર્મન સાથે ઘણું કામ કર્યું છે.
– હર્ષદ દવે
વાહ સરસ!
Khub bhale.