હું જ મારો ડૉક્ટર – સુષમા શેઠ 8


જુદા જુદા ત્રણ રોગ એકબીજામાં ભળી ગયા. ત્રણ ભારેખમ નામ યાદ રાખવા તે કરતાં મગજમાં રજિસ્ટર્ડ રોગોનું એક નામ અંતે નક્કી કરાયું,  ‘હિમોફિલિયા સાઇકો કોન્ડ્રીઆ પેરાલિસીસ ઑફ બટ્ટોક્સ.’

રમેશભાઈને પુસ્તકો વાંચવાનો જબરો શોખ. પસ્તીવાળાને ત્યાંથી પસ્તાયા વગર જાતજાતના પુસ્તકો ઉપાડી લાવે. “ઘરમાં જગ્યા નથી ને તમે…” મીનાબેન તેને ફરી પસ્તીમાં પધરાવે તેમાં ઝગડો થાય પણ એમ કાંઈ ઘરવાળી આગળ કોઈનું કંઈ ચાલ્યું છે કે રમેશભાઈનું ચાલે?

ચાલતા ચાલતા રમેશભાઈના હાથમાં એક મસ્ત જાડું થોથું આવી ચડયું. આદતવશ ખોલીને અંદર નજર કરી તો જાતજાતના રોગોના ભાતભાતના ઈલાજ. અધધ નુસખા. “આ તો બહુ કામનું ઉપયોગી પુસ્તક.” વિચારી રમેશભાઈ તેને બગલમાં દબાવી ઘરે લાવ્યા. મીનાબેનને બતાવે તો તો માથે પસ્તાળ પડે એટલે તેને ક્યાં સંતાડીને રાખવું તે મોટો પ્રશ્ન થઈ પડ્યો. ઘરમાં એવી એકેય જગ્યા નહીં જ્યાં ચબરાક મીનાબેનની બાજનજર ન પહોંચે. છેવટે એક ઉપાય જડ્યો. બહાર બગીચામાં મૂકેલ કુંડામાં મોટા પાંદડાઓ હેઠળ એ અનાથ પુસ્તકના નાથને તેનું આશ્રયસ્થાન મળ્યું.

મીનાબેન શાક લેવા બજાર ખાતે સિધાવ્યા ત્યારે રમેશભાઈ કુંડા પાસે પ્રગટ થયા. પુસ્તક કરકમળોમાં લઈ ઉઘાડ્યું અને પૃષ્ઠો પર અમીનજર કરી. જેમ જેમ વાંચતા ગયા તેમ તેમ આશ્ચર્યમાં ડૂબતા ગયા. સાલું! તેમાં લખ્યું હતું તેવા રોગના દરેક લક્ષણ પોતે અનુભવતા હતા. મીનાબેનના ઘરમાં વળતા પગલાં થાય તે પહેલાં તેમણે, ‘હમમમ બરાબર.’ બોલતા બોલતા બે ત્રણ રોગ અંગે સામટું વાંચી નાખ્યું. નાનકડા મગજમાં મોટી ભેળસેળ થઈ ગઈ. જુદા જુદા ત્રણ રોગ એકબીજામાં ભળી ગયા. ત્રણ ભારેખમ નામ યાદ રાખવા તે કરતાં મગજમાં રજિસ્ટર્ડ રોગોનું એક નામ અંતે નક્કી કરાયું,  ‘હિમોફિલિયા સાઇકો કોન્ડ્રીઆ પેરાલિસીસ ઑફ બટ્ટોક્સ.’

રોગોના વિવિધ લક્ષણો વિસ્તારપૂર્વક વર્ણવાયા હતાં :-

man reading newspaper on street
Photo by ritesh arya on Pexels.com

ઢગરામાં સતત ખંજવાળ આવવી. ઊંઘમાં બબડાટ કરવો. પત્નીને જોતાં જ ક્યાંક ભાગી છૂટવાનું મન થવું. પત્નીના હાથે રાંધેલી રસોઈ જોઈને ભૂખ મરી જવી. સતત ભજીયા ખાવાની તલપ લાગવી. દાઢી કરતાં બીજાના વિચારે ચઢી જવાથી ગાલ છોલાઈને લોહીનું ટપટપ ટપકવું. પત્નીના પ્રશ્નો સાંભળતાં, કાને બહેરાશ આવવી. પત્ની ઉલટતપાસ લે ત્યારે ધ્રૂજારી ઉપડવી. કામની વસ્તુઓ ક્યાં રાખી છે તે ભૂલી જવું. પત્ની અમુક ધનરાશીની માંગણી કરે ત્યારે ટાઢિયો તાવ આવવો, શરીરના બધાં અંગ હલે પરંતુ જીભ ઝલાઈ જવી, પત્નીનું મગજ છટકે ત્યારે મગજમારી કરતાં પહેલાં માથું દુઃખવું વગેરે વગેરે.”

‘સાલું મને આવું જ બધું થાય છે.’ રમેશભાઈએ ઢગરા વલૂરતાં સ્વગત: કહ્યું. પછી તેમણે ઉપાયો વાંચવા માંડ્યા. એટલી વારમાં મીનાબેન આવતા દેખાયા એટલે એ વાંચવાનું મોકુફ રાખી, તેમણે પુસ્તક યથાસ્થાને ગોઠવી દીધું.

“આવા ભર તડકામાં અહીં કેમ ઊભા છો? શું કરતા હતા?” મીનાબેને આવતાંવેંત ઉધડો લીધો.

“મને હેમોનું સાયકો પેરાલિસીસ ઇન બુટ્ટોક્સ થયું છે.” હૈયાના સંકેત હોઠ સુધી આવે તે પહેલાં રમેશભાઈની આડી જીભે અવળે ફંટાઈ જઈ લોચા વાળ્યા.

“ખબર છે. ખબર છે. ઓલી નખરાળી હેમાડી તમને નહીં છોડે. બુટ્ટીઓ લઈને જ જંપશે. તમે રહ્યા ભોળા. મેં મારી બુટ્ટી બતાવી તો કહે, રમેશભાઈને કહું છું મનેય ડીટ્ટો આવી જ કરાવી આપો. લો બોલો. રમેશભાઈ બીચારા પરગજુ તે કામધંધા છોડીને તારી બુટ્ટીઓ કરાવવા દોડે.”

“ના. ના. મીના તું સમજી નહીં. આમાં બચાડી હેમાને વચ્ચે ન લાવ. હું… હું…”

“એમ? હેમાડી બીચારી? અને હું વચ્ચે આડી આવનારી નહીં?”

“અરે મને ભયંકર રોગ લાગુ પડ્યો છે. હેમો હેમો ઇન બુટ્ટો એવું કંઈક. મારું શું થશે?”

“હેં? એટલે હવે તમે…  હે મા! માતાજી.” મીનાબેને ઉપર આકાશ તરફ આંગળી ચીંધી હવામાં હાથ હલાવ્યો, “ઓલી હેમાડી આમાં વચ્ચે ન નડે તો સારું. ખબરદાર જો જતાં જતાં એને બુટ્ટી કરાવી આપી તો.” મીનાબેને સાડીનો છેડો મોઢે દબાવીને ડૂસકું મૂક્યું. “ડૉક્ટરને બતાવીએ?”

“તું આમ ઢીલી ન પડ. હું બચવાના ઉપાયો વાંચી જઈશ.”

“વાંચીને તે ઉપાય થતા હશે? એમ કાંઈ હું વાંચવા ન દઊં. ઉપાય કારગત નીવડે તો? પણ તમે વાંચશો? શું? હેં? વળી પાછી રસ્તા પરથી સસ્તી પસ્તી ઉપાડી લાવ્યા?” મીનાબેનનો અણધાર્યો અઘટિત સવાલ રમેશભાઈને સંભળાયો નહીં. વાંચ્યા મુજબ જ રોગના લક્ષણે દેખા દીધી.

“કેમ કાંઈ બોલ્યા નહીં?” સવાલ સામે જવાબમાં રમેશભાઈનો માથાનો દુ:ખાવો વધવા માંડ્યો. તેમણે બે હાથે લમણાં દબાવ્યાં. મીનાબેન રસોડામાં રવાના થયા એટલે રમેશભાઈને આગળ વાંચવાની ચટપટી ઊપડી.

તેઓ ઝટ બહાર નીકળ્યા. કુંડામાં પાર્ણોચ્છાદિત પુસ્તક કાઢી બે પાના વાંચ્યા ત્યાં રસોડામાંથી રાડ પડી, “કહું છું, આ ટીવી, પંખો, લાઇટ બધું ચાલુ મૂકીને ક્યાં દોડ્યા? લાઇટબિલ ઓછા કરવાના નુસખાની ચોપડી મેં પસ્તીમાં નથી જવા દીધી. ઈ ગોખી નાખો જોઊં.”

રમેશભાઈ કચવાતા મને પાછા ફર્યા, “મીના ઊંઘી જાય ત્યારે વાત.” જોકે તેમને એક ઉપાય યાદ રહી ગયો, “દરરોજ ચાર ચપટી હળદર ફાકીને બે ચમચી એરંડિયું પીવું.”

પછી તો રમેશભાઈનો ગુપચુપ બહાર જઈ પુસ્તક વાંચવાનો ક્રમ ચાલુ રહ્યો તેમાં રમેશભાઈ હેમા સાથે ચાલુ પડી ગયા છે તેવી મીનાબેનની આશંકા દ્રઢ થઈ.

રમેશભાઈએ એ લખ્યા મુજબનો ઈલાજ તો અજમાવ્યો પણ પછી શું? મીનાબેન બપોરે આડે પડખે થાય ત્યારે રમેશભાઈ પડખું ફેરવી ઊભા થાય. ચોરપગલે બહાર નીકળે.

આજેય તેમણે ઉઘાડેલા પુસ્તકમાં જે પાનું ખુલ્યું તે વાંચી લીધું. ફરી એ જ રામાયણ. લખેલું હતું તેવું બધું જ થતું હતું. “આ મને બીજો નવો રોગ વળગ્યો?” રોગનું નામ હતું, “ડાયેરિયા” લક્ષણો: પેટ પકડી વારંવાર સંડાસમાં દોડવું, અંદર ટાઇમપાસ કરવા ભરાઈ રહેવું, આંખમાં પાણી આવવા, ગળુ સુકાવું,  તરસ લાગવી, પત્ની ઊંઘતી હોય ત્યારે જાગી જવું અને એ જાગતી હોય ત્યારે ઊંઘ આવવી. એરંડિયું, હળદર જેવા રેચક પદાર્થોથી દૂર રહેવું. રમેશભાઈ ગૂંચવાયા. ‘આમાં કયા રોગને પ્રાયોરિટી આપવી?’ બાજુના પાને ડાયાબિટીસનું વિશદ જ્ઞાન પીરસાયેલ હતું.

“મને ડાયેરિયા ઑફ ડાયાબિટીસ થયો છે.” રમેશભાઈએ હવે તેના ઈલાજ પર નજર ફેરવી. તેમાં નરણે કોઠે ગોળ જોડે જીરૂ ફાકી, બ્લેક કૉફી પીવાનું સૂચન કરાયેલું.

સવારના પહોરમાં ગોળ-જીરૂ ફાકતા રમેશભાઈએ પત્ની સમક્ષ ખુલાસાનો ખુલાસો કર્યો, “મને ડાયેરિયા ઑફ ડાયાબિટીસનો ભયંકર રોગ થયો છે.”

“રોગબોગ કશું નહીં. ઓલી પાડોશણ હેમાની મારા સુખી ઘરસંસાર પર નજર લાગી. એક અમથી બુટ્ટી માટે તમને પકડે છે. વારેઘડીએ એને મળવા જાઓ છો ને પાછા ક્યો છો કે હું તો ડાયો રીયો છું? અબ્બી હાલ ચાલો ડોક્ટર ડાયાભાઈ માંકડ પાસે.” સાંભળીને રમેશભાઈને આંખે પાણી આવ્યા, ગળું સુકાવા માંડ્યું, તરસ લાગી અને વળી ઊંઘ આવવા માંડી. પુસ્તક લેખે નહીં લાગે તેનો અફસોસ થવા માંડ્યો. શ્રદ્ધાપૂર્વક વાંચીને ગોખેલા ઈલાજો પર પાણી ફરી વળતુ દેખાયું.

‘રોગે જોર પકડ્યું. એના જ લક્ષણો દેખાય છે. પણ આ મીના ઉપચાર કરવા દે તો ને? બ્લેક કૉફી પીવા હેમાબેનને ત્યાં જ જવું પડશે.’ રમેશભાઈ સુપ્રભાતે ઉગેલા સુવિચારને અમલમાં મૂકે તે પહેલાં મીનાબેને તેમનો હાથ ખેંચી રિક્ષામાં બેસાડ્યા.

“આવા જાતજાતના મિક્સ રોગ થયા છે તે હૉસ્પિટલમાં દાખલ થઈ જાવ. મને ઘરમાં શાંતિ. પછી ઉપર નીચે આડા અવળા આગળ પાછળ જ્યાં જવું હોય ત્યાં જજો.” રમેશભાઈનું, “તતત પપપ… ” મીનાબેનની દમદાટી હેઠળ દબાઈ ગયું.

“શું તકલીપ છે?” ડૉક્ટર માંકડે ચશ્મા નાક સુધી ખેંચી આંખોના ડોળા ઊંચે ચડાવી રમેશભાઈને તાકતા પૂછ્યું.

“મને હોમોફિલીયા સાઇકો કોન્ડ્રીઆ ઇન બુટ્ટોક્સ થયું છે અને ડાયેરિયા ઑફ ડાયાબિટીસ પણ.” રમેશભાઈએ ગંભીર મુખમુદ્રા ધારણ કરી, “મને કંઈ થશે તો નહીં ને? પ્લીઝ બચાવી લ્યો ડૉક્ટર. ગોળ અને જીરૂ લઊં તો? મારા ઘરમાં મને કૉફી નહીં મળે.”

“હમમમ. ડૉક્ટર હું છું કે તમે? ચાલો કપડાં કાઢી પાટ પર સુઈ જાવ.”

રમેશભાઈ ઢગરાં વલૂર્યા બાદ લાંબા થયા. ડૉક્ટરે આંખો ખેંચીને તપાસી, જીભ બહાર કઢાવી આઆઆ કરાવ્યું, પેટ પર ટકોરા માર્યા, ઊંડા શ્વાસ લેવડાવ્યા, પીઠ પર ધબ્બા માર્યા. પછી તપાસીને ડોકું હલાવી મોટા અવાજે કહ્યું, “કેન્સલ”

“હેં? એટલે કેન્સર પણ છે?” જિંદગીમાં પહેલી વાર રમેશભાઈ અને મીનાબેન એકસાદે એકસાથે આવું પંચાક્ષરી એક વાક્ય બોલ્યા.

“કેન્સર નહીં, કેન્સલ. એટલે કે તમે કહ્યા તે બધા રોગ કેન્સલ. તમને ઇમેજીનરી સાઇકોલોજીકલ એબનોર્મલ ડિઝીઝ ઓફ અનનેસેસરી હ્યુમન બિહેવિયર ઇન્વેન્ટેડ બાય ઑન સેલ્ફ અગેઈન્સ્ટ મેડિકલ પ્રેકટીશનર્સ છે.”

“હેં આટલો લાંબો રોગ?”

“હા. હમણાં જ શોધ્યો છે.”

“આનો ઈલાજ ચોપડીમાં મળશે? લાંબી ટ્રીટમેન્ટ ટૂંકા ખર્ચમાં થઈ જાય તો…” રમેશભાઈએ બેઠા બેઠા આડા થઈ એક કૂલો ઊંચો કરી વલૂરવા માંડ્યું.

“ચોપડી?” ડૉક્ટરે માથું ખંજવાળ્યું.

“મને ખબર છે આ રોગનો ઈલાજ.” મીનાબેને ડૉક્ટરને આગળ પ્રશ્નો પૂછતા અટકાવ્યા. આનો ઈલાજ છે, “ચોપડી ઇન ચૂલા સળગાવી દેવા સો મગજ ઠેકાણે એન્ડ નો રોગ ઊભા થવા.”

“હેં?” ડોક્ટરે ચશ્મા નાક નીચે ખેંચી ડોળા ઉપર ચડાવ્યા. તેમની ભ્રમર વાંકીચૂંકી થઈ. 

“ચાલો ઊભા થાવ હવે.” મીનાબેન રમેશભાઈને જેમ લાવ્યા હતા તેમજ બહાર ઢસડી ગયા, “એવો કાઢો બનાવી પીવડાવું કે નવાજુના બધા રોગ કેન્સલ થઈ જાય પણ ઓલી હેમાડીને બુટ્ટી ન કરાવી દેતા. હવે તો હું પહેરીને એને વટથી બતાવીશ.”

“પણ મને કંઈ થશે તો નહીં ને? કદાચ વાંચવામાં મારી ભૂલ ન થતી હોય તો ફ્લ્યૂનાય લક્ષણો જણાય છે. જો નાક લાલ થઈ ગયું. શરીર ગરમ લાગે છે.” રિક્ષામાં રમેશભાઈ બબડ્યા. ઢગરાને વલૂર્યો. 

“તમને વારેઘડીએ કીડી કેમની ચટકા ભરે છે? નવો રોગ થવાનો છે?” મીનાબેને પૂછ્યું તેવામાં ફૂટપાથ પર ફેરિયાઓએ પાથરેલી ચોપડીઓ પર રમેશભાઈની નજર પડી, “એલા રિક્ષાચાલક ઊભી રાખ. બીજી ચોપડીમાંથી સેકન્ડ ઑપિનિયન તો વાંચવો જ પડે.”

તેમની સામે આંખો લાલ કરી મીનાબેને તપી જઈને મસ મોટી ચીસ પાડી, “ખબરદાર જો ઊભી રાખી તો હું બીમાર પડી જઈશ, ચોપડી વાંચ્યા વગર જ હોં. કાન ખોલીને સાંભળી લ્યો, ઉપર પહોંચી જઈશ પણ હેમા માટે બુટ્ટી તો નહીં જ બનાવવા દઉં.”

– સુષમા શેઠ

સુષમા શેઠના અક્ષરનાદ પરના આ સ્તંભ ‘તમને હળવાશના સમ’ ના બધા લેખ અહીં ક્લિક કરીને માણી શકાશે.


આપનો પ્રતિભાવ આપો....

8 thoughts on “હું જ મારો ડૉક્ટર – સુષમા શેઠ

  • Samir A. Shah - Ahmedabad

    Dear Sushmaben,

    Got to read one more of your ingenious excellent successful effort and enjoyed it to the core. Please accept my compliments on coining varied unexplored and highly potential કથા વસ્તુ.

    There are two most effective expressions – (i) the self-diagnosed deceased “હિમઓફિલિયા સાઇકો કોન્ડરીયા પેરાલીસીસ ઓફ બુટ્ટોકસ” અને (ii) the diagnosis given by the doctor “imaginary psychological abnormal decease of unnecessary human behavior invented by own self against medical practitioners”

    But the ultimate hit is મિનાબેનની શંકા — “ વાંચીને ઉપાય થતો હશે? એમ કાઇ હું વાંચવા ન દઉં – ઉપાય કારગત નીવડે તો ???!!!”

    Wish you many more and infrequent efforts.

    With kind personal regards,

    Samir – Ahmedabad.

    • Sushma kamlesh sheth

      આપનો આવો સુંદર પ્રતિભાવ મને ખૂબ પ્રોત્સાહિત કરે છે. આભાર. હસતા રહો. હસાવતા રહો.