રાણકપુર – કુંભલગઢ ટ્રેકિંગ ડાયરી (૪) – નેહા રાવલ 1


એક પછી એક ઢાળ ચડતા જવું, ચોતરફ પથરાયેલી દીવાલોની વિશાળતા નજરોમાં ભરવી, અહીં રહેતા સૈનિકો અને રાજવીઓ વિશે વિચારતા જવું, એમના ચોક અને દરબારની જગ્યાઓ જોવી, ઝરુખે બેઠેલી રાણી યુદ્ધથી પાછા ફરતા પોતાના ભરથારની રાહ જોતી હશે ત્યારે શું આ સુંદરતા કે આ પ્રકૃતિ એને બહેલાવી શકતી હશે! આવા અગણિત વિચારોનું ભાથું બંધાતું જાય, બંધાતું જાય જ્યાં સુધી તમે કિલ્લાની સરહદની બહાર ન આવી જાઓ.

ચોથો દિવસ..

સવારે છ વાગ્યે ચા પીને સહુ આમતેમ ચહલપહલ કરી રહ્યા હતા. હવે તો એકબીજાને નામ સાથે ઓળખતા હતા એટલે ઘણી વાતો થયા કરતી. સાત વાગ્યે બ્રેકફાસ્ટમાં દલીયાનો ઉપમા ખાઈ ધરાઈ ગયા. સ્લીપિંગ બૅગ અને ટૅન્ટની સફાઈ જેવું નિત્ય કર્મ પતાવી સહુ પેક લંચની રાહ જોઈ રહ્યા. આજે તો ટ્રૅકમાં કુંભલગઢ ફૉર્ટ જોવાનો હતો એટલે સહુ ખૂબ ઉત્સાહિત હતા. એ સિવાય, બાકીનો રસ્તો ફક્ત ઉતરવાનો છે એવું સાંભળી પણ સહુને ખૂબ સારું લાગ્યું. લંચમાં પૂરી અને સબ્જી પેક કરાવી સહુના પગ ઉપડ્યા ફોર્ટ તરફ.

કુંભલ ગઢ- વિશ્વની સૌથી મોટી દિવાલો પૈકી બીજા નંબરની દીવાલ આ કિલ્લાની છે. કિલ્લા વિશે એ સિવાયની માહિતી તો બીજે ક્યાંયથી પણ મળી જ રહેશે પણ તમે જાતે જયારે મુલાકાત લો અને એની યાદોને તમે ક્યાંક સાચવો એ ફરી ફરીને જોવાની મજા બીજે ક્યાંય નહિ મળે.

દિવાળી વેકેશનના દિવસો હતા એટલે મુલાકાતીઓની ભીડ હતી. ઠેકઠેકાણે વળાંકો પર કે કિલ્લાના કાંગરા પાસે, બહાર તરફ દેખાતી બારીઓમાં કે પછી પગથિયે… જ્યાં પણ મનને મોજ પડે ત્યાં લોકો ફોટા પડાવી રહ્યા હતા. શિયાળુ તડકો સારો લાગતો હતો.

એક પછી એક ઢાળ ચડતા જવું. ચોતરફ પથરાયેલી દીવાલોની વિશાળતા નજરોમાં ભરવી, અહીં રહેતા સૈનિકો અને રાજવીઓ વિશે વિચારતા જવું, એમના ચોક અને દરબારની જગ્યાઓ જોવી, ઝરુખે બેઠેલી રાણી યુદ્ધથી પાછા ફરતા પોતાના ભરથારની રાહ જોતી હશે ત્યારે શું આ સુંદરતા કે આ પ્રકૃતિ એને બહેલાવી શકતી હશે! આવા અગણિત વિચારોનું ભાથું બંધાતું જાય, બંધાતું જાય જ્યાં સુધી તમે કિલ્લાની સરહદની બહાર ન આવી જાઓ.

અગાઉ પણ અહીં આવવાનું થયું છે. ત્યારે કિલ્લાની છત સુધી જઈ શકાતું હતું. અત્યારે ઉપર જવાના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા. ત્યાંના એક રખેવાળને પૂછ્યું, “આવું કેમ? અમે કેટલા દૂર દૂરથી આવીએ અને અહીં આવીને અધૂરું જોઈને જવાનું?” રખેવાળે કહ્યું, “ ટુરિસ્ટ ઉપરની અગાશીમાં સૅફ્ટીનું ધ્યાન નથી રાખતા અને મસ્તી મજાકમાં ઉપરથી પડી જવાથી મૃત્યુ થયાના કિસ્સા નોંધાયા છે. એટલે અમારે બંધ કરવું પડ્યું છે. અમને પણ  દુઃખ થાય કે અહીં સુધી આવીને ટુરિસ્ટ પૂરેપૂરું જોઈ ન શકે!” તો આમ વાત હતી!

ખેર, અમે તો કિલ્લામાંથી બહાર આવતા પહેલા ત્યાંની શોપમાંથી આઈસ્ક્રીમ પણ ખાધું. એની પણ અલગ કથા છે.

આઈસ્ક્રીમ કથા.- કિલ્લાની બહાર જ દરેકને રકસેક મુકાવી દીધી હતી એટલે હું બસો રૂપિયાની એક જ નોટ ખીસામાં લઈને નીકળી હતી. કિલ્લાની ટિકિટ અને કૅમેરા ફીમાં એકસો એંસી પૂરા થઇ ગયા. એ તો કિલ્લો ફરીને નીચે ઉતર્યા ને આઈસ્ક્રીમ ખાવાનું મન થયું ત્યારે યાદ આવ્યું કે ખીસ્સા ખાલી છે! પછી ટ્રૅકિંગ ગ્રુપના સભ્ય પાસે બસો રૂપિયા ઉધાર લીધા. એ પછી આઈસ્ક્રીમ પસંદગીમાં બાંધછોડ કરવાની આવી પણ દુકાનદારને થોડી વિનંતી કરી ભાવતા આઈસ્ક્રીમ લઇ જ લીધા. છતાં એકસો એંસી રૂપિયાના આઈસ્ક્રીમના બસો ને વીસ રૂપિયા ચૂકવ્યા, એય એને ઓછા પડતા હતા.

ભાવતું આઈસ્ક્રીમ ખાઈ સહુ રકસેકવાળા મુકામે પહોંચ્યા. બીજા સભ્યો હજુ ફૉર્ટની કેન્ટીનમાં પરોઠા અને બીજો નાસ્તો કરી રહ્યા હતા. એક ગ્રુપ તો રસ્તાનું જાણકાર હતું એટલે પોતાની રીતે આગળ વધી ગયું હતું. ગાઇડ રામભાઈ સહુને કહેવા લાગ્યા કે હવે ઝડપ નહિ કરીએ તો તડકો બહુ નડશે. અંદર રહેલા સભ્યો આવ્યા એટલે સહુ આગળ વધ્યા. આગળ વધ્યા એમ કહેવા કરતા ફરી ઘાટી ઉતરવા લાગ્યા અને કાંટા સાથેનું યુદ્ધ લડવા લાગ્યા એમ કહીશ તો વધારે યોગ્ય રહેશે.

આ રસ્તે તો થોડાં પગલાં ભરતા જ કાંટાનો ત્રાસ ચાલુ થઈ ગયો અને એ પણ પહેલા દિવસ કરતા વધુ ઉંચાઈએ અને વધુ પ્રમાણમાં. કાંટાંથી સાચવતા જવું અને ઘાટીની દીવાલોની બાજુની ઘાસની દીવાલો વચ્ચે કેડી કરતા જઈ આગળ વધવામાં ખૂબ સમય લાગતો હતો. અમે બીજા બધા કરતા આજે પણ ખૂબ પાછળ રહી ગયા. અમે ચાર અને સાથે હતા સંપત દાદા અને સૂરતથી આવેલા અલીભાઈ. અમારી પાછળ મહારાષ્ટ્રીયન  ફૅમિલી હતું જે હંમેશા સૌથી નિરાંતે અને પાછળ હોય. ઘાટીઓ ઉતરતા ઢાળ ખૂબ જોખમી હતા ને વળી અહીં તો બેસીને લસરવાની શક્યતા પણ ન હતી. કાંટાળો માર્ગ હતો. લગભગ સાડા ત્રણ કિલોમીટર સુધી આ કાંટા સાથે લડતા અમે સીધા રસ્તે પહોંચ્યા. દોઢ વાગવા આવ્યો હતો. પાણીની ડંકી હતી અને આસપાસ ઝાડી, એટલે સહુ ત્યાં લંચ લેવા રોકાયેલા હતા. અમે પણ જગ્યા કરી ત્યાં બેઠા. શૈલી બેસવા ગઈ અને એનાથી રડી પડાયું, એટલા કાંટા એના પૅન્ટમાં ભરાયા હતા. એને કપડા બદલાવ્યા અને પછી જમ્યા. (એ પૅન્ટના કાંટા ઘરે આવી કાઢતા દોઢ કલાક થયો હતો.) જમ્યા બાદ ગાઇડે કહ્યું, ‘હવે આગળ ક્યાંય પાણી નહિ મળે.’ પણ પોતાની ભરેલી એક બોટલ સાથે સહુ ચાલતા રહ્યા. હવે કોઈને પાણી સાચવવા વિષે કહેવાનું ન હતું. સહુને આગલા બે દિવસના અનુભવ હતા.

હવેનો રસ્તો થોડોઘણો રળિયામણો કહેવાય એવો હતો. જંગલ સફારીની જીપના ટાયરને કારણે બે નાની કેડી જેવો માર્ગ બની ગયો હતો. આકરો બપોર હોવા છતાં ગીચ ઝાડીના લીધે સીધો તડકો લાગતો ન હતો. આજે તો જાણે સહુને ચાલવાની એવી પ્રૅક્ટિસ થઇ ગઈ હતી કે ‘મોં બંધ રાખીને ચાલજો’ એવી પહેલા દિવસની સૂચના  માનવાના મૂડમાં કોઈ ન હતા. સંપત દાદાએ એમના મોબાઈલમાં ગીતો શરુ કર્યા તો એ બંધ કરાવી સહુ ગાવા લાગ્યા. એ ગીતો ગાતી વખતે જ ખબર પડી કે સંપત દાદાનું નામ સંપત પણ ન હતું, કિશોરભાઈ હતું. સંપત તો એમની અટક હતી. અમે ખૂબ હસ્યા કે હજુ આવતી કાલે સંપત દાદા વિષે કશું નવું જ જાણવા મળશે.

એમની મજાકની સાથે ચંદ્રકાંતભાઈની નેચરોપથીની વાતો. એમના ચમત્કારિક તેલની વાતો. રક્ષાબેનની ગોઆ ટ્રૅકની વાતો. વાતો, વાતો વાતોથી જંગલ જાણે વાતોડીયું બની ગયું. સાડા ત્રણ આસપાસ સહુ પૂછવા લાગ્યા, ‘હજુ કેટલું દૂર?’ અને પોતે જ જવાબ આપવા લાગ્યા, ‘બે જ કિલોમીટર.’ પણ જયારે ૪ વાગે સાચે જ અમે એ દિવસના મુકામે પહોંચ્યા ત્યારે આશ્ચર્ય અને આનંદનો બેવડો આઘાત લાગ્યો. સાચે જ! આટલું જલદી આવી ગયા એનો આનંદ સમાતો ન હતો.

‘ઠંડી બેરી’ નામના સ્થળનું આ રોકાણ એક પાકા મકાનમાં હતું. અને ખુશીની વાત એ હતી કે લૅડિઝ રૂમમાં એક અટૅચ ટોઇલૅટ હતું. જતા જ સહુએ સામાન મુક્યો અને વૅલકમ શરબત પીવા દોડ્યા. ઑરેન્જ, મિક્સ ફ્રુટ અને મસાલા- એમ ત્રણેય ફ્લૅવરના મિશ્રણવાળું એ શરબત સરસ હતું. પછી કલાક રહીને ચા. ચા સાથે એ મરાઠી ફૅમિલીએ સહુને ચેવડો ધર્યો એ ઝાપટવાની ખૂબ મઝા આવી. એમને ‘ચેવડા દીજીએ ના!’ એમ કહેતા તેઓ જવાબ આપતા ‘ યે અભી ચીવડા હૈ લેકિન આપ કે હાથ મેં આ કર ચેવડા બન જાયેગા.’ આવી જ વાતોના તડાકા માં સહુ ખીલતા રહ્યા. ત્યાં સુધી સહુએ એ મકાનની પાછળના કેમ્પસમાંથી દેખાતો  ડૅમ જોયો.  કૅમ્પ સુપરવાઈઝરનું કહેવું હતું કે વરસાદ બરાબર થયો હોય ત્યારે અહીં ઘણા મગરમચ્છ દેખાય. હવે અમારું ચાલવાનું લગભગ પૂરું થયું હતું એટલે સહુ ખૂબ રિલેક્સ્ મૂડમાં હતા. સહુએ એકબીજા સાથે ગ્રુપ ફોટા લીધા. ઘણી ઘણી વાતો કરી. બાથરૂમ માટે લાઈન લગાવી, ઠંડુ તો ઠંડુ પાણી, છતાં એનો પણ ઉપયોગ કરી જ લીધો.

હજુ ડીનરને સમય હતો. સરસ જંગલ હતું. કેડી હતી. સાંજ હતી. ચાલવા જવાની લાલચ રોકવી લગભગ મુશ્કેલ હતી એટલે શૈલીને જણાવી હું ટહેલવા નીકળી. જરા આગળ જતા જ બલદેવજી અને એમના મિત્ર મળ્યા. સાથે ઇન્રથી આવેલા શૈલેન્દ્રજી પણ હતા.  બલદેવજી સમગ્ર પદયાત્રા દરમ્યાન ખુબ ઝડપથી આગળ નીકળી જાય અને એમની રકસેક મૂકી પાછા આવે અને બીજા કોઈની રકસેક ઉપાડી આગળ ચાલે. એમની ઝડપ અને આ વલણ જોઈ મને લાગ્યું કે એ ખૂબ અનુભવી ટ્રૅકર હશે, પણ એમનો તો આ પહેલો જ અનુભવ હતો એ જાણી ખૂબ નવાઈ લાગી. એ સાંજે એમની સાથે વાતો કરતા ખબર પડી કે એ ફાયર સૅફ્ટી ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે. મેં એમને એમનો કોઈ યાદગાર અનુભવ કહેવા આગ્રહ કર્યો તો ખૂબ જ શાલીનતાથી એમણે ના કહી ને ઉમેર્યું, તમારા માટે અમારા અનુભવ હીરોગીરી હશે, પણ અમારા માટે અમારી ફરજ અને રોજીંદી વાત છે.

આખરે મારા ખૂબ આગ્રહને માન આપી એમણે જે વાત કહી તે એમના જ શબ્દોમાં – “મકાનમાં માણસોને બચાવવાના અનુભવો કરતા આ અનુભવ અલગ છે. નહેરમાં ઘણી વખત આસપાસ ચરતા ચોપગા જાનવરો પડી જતા હોય અને એમને સલામત રીતે બહાર લાવવા બહુ અઘરું હોય કારણકે નહેરનું વહેણ પણ ઘણું હોય અને એની દીવાલો ને કારણે જાનવરના પગ ત્યાં ટકી ન શકે, લસરી જાય. એવામાં જાનવર બે ત્રણ કિલોમીટર સુધી તણાયા કરે અને અમારે તરતા જઈ એને બહાર કાઢવાના પ્રયત્ન કરવા પડે. ટ્રેનીંગ હોય પણ એ જરા અઘરું પડે.” મેં પૂછ્યું, “એ સમયે એ જાનવર તમારા પ્રયત્નોમાં સહકાર આપે?” એમણે કહ્યું, “હા, એને પણ ખબર પડે કે આ લોકો મને બચાવવાના પ્રયત્ન કરે છે. એક અનુભવ એનાથી વિપરીત પણ થયો છે. એક વખત એક સાબર પાણીમાં તણાતું હતું. અમે એને પકડવા જઈએ અને એ વધારે દૂર ભાગે. ચાર કલાક પછી અમે એને પકડી શક્યા. એ સિવાય એ જયારે સહકાર ન આપે ત્યારે જોખમ અનેકગણું વધી જાય કારણકે એ સ્વબચાવમાં તમને ક્યાંય પણ ઈજા પહોંચાડી શકે. આવા કામ કર્યા પછી રાત્રે નિરાંતની ઊંઘ આવે એજ અમારું ઇનામ.” આવા મુઠી ઊંચેરા માણસોને મળવું એ પણ આ ટ્રૅકિંગની ઉપલબ્ધિ.

ત્યારબાદ એ બે જણા કૅમ્પ તરફ ગયા. શૈલેન્દ્ર્જી મારી સાથે આગળ ચાલવા જોડાયા. ચાલતા ચાલતા અજવાળું ઓછું થયું એટલે અમે પાછા ફર્યા, પણ પહોંચતા સુધી તો એટલું અંધારું થઇ ગયેલુ કે કેમ્પના લોકો ફિકરમાં ગેટ પર રાહ જોતા ઉભા હતા. ‘ઑલ ઓકે’ જોઈ સહુને નિરાંત થઇ. શૈલીના ગભરાટને ગળે વળગાડીને મેં સૉરી કહ્યું. હા, ચાલતા ચાલતા સમયસર પાછા વળવાનું ધ્યાન ન રહ્યું એ ભૂલ. એવું લાગ્યું જાણે દસ જ મિનિટમાં અંધારું ઉતરી આવ્યું. બાકી સહુને ખબર હતી કે બે વ્યક્તિ છે તો ફિકરનું કારણ નથી.

અહીં મકાનમાં જે લાઇટ હતી એ સૉલાર પ્લાન્ટથી ચાલતી હતી એટલે સ્ટૉરેજ ખલાસ થતા ગમે ત્યારે અંધારું થઇ જશે એવું અમને કહ્યું અને એ સાથે જ અંધારું. કેમ્પ લીડરે જણાવ્યું કે આ જંગલનો વિસ્તાર છે. રાત્રે દસ વાગ્યા પછી મકાનના દરવાજા બંધ થઇ જશે. રાત્રે આઠ વાગ્યા પછી કોઈએ રોડની સામી તરફ જવાનું નથી. અમારા રાણકપુરના બેઝ કૅમ્પ પર આગલી રાત્રે જ દીપડાએ જંગલી સૂવરનો શિકાર કર્યો હતો. જો એવું કંઈ પણ થશે તો બહારના વાતાવરણના વાઇબ્રેશન તમને કહી દેશે કે આસપાસ કશું જોખમી છે. એમની વાત સાંભળી મને થયું કે ભાષાના વિકાસ પહેલા આ વાઇબ્રેશન થકી જ માનવી પોતાની સમજણનો વિસ્તાર કરતો અને આજે જયારે સર્વાઇવલની કટોકટીની વાત હોય છે ત્યારે પણ કોઈ ભાષા કરતા વાઇબ્રેશન પર આધાર રાખવાનું જ અનુભવીઓ કહે છે. બલદેવજીએ કહેલી વાતમાં પણ આ જ પડઘો પડતો હતો. જાનવરો પોતાના હિતેચ્છુઓને વાઇબ્રેશનથી ઓળખી જાય છે ને! શું વાઇબ્રેશનને જ ભાષા ન બનાવી શકાય? મારા આવા બધા વિચારોને  ફુર્ર કરીને ઉડાવતી ડીનર વ્હિસલ વાગી.

સહુ પોતપોતાના ડીશ- ડબ્બા લઇ ફરી લાઇનમાં ગોઠવાયા. આજે તો દાળ બાટી અને ચૂરમું હતું. સહુ પોતાની ટૉર્ચ અને મોબાઈલની ફ્લૅશ લાઇટ ઑન રાખી દાળબાટી અને ચૂરમાની મઝા લઇ રહ્યા. ડીનર બાદ સહુ પોતપોતાની સ્લીપિંગ બૅગમાં ભરાયા, પણ કૅમ્પ લીડરે સહુને આગ્રહ કરી કરીને કૅમ્પ ફાયર માટે બહાર બોલાવ્યા. આજે તો સહુની સાથે રહેવાની છેલ્લી  રાત હતી. ફાયર તો હતી નહિ અને ઠંડી પણ સરસ હતી. સહુ શાલ અને જેકેટમાં ઢબુરાઈને બહાર ગોઠવાયા. મોબાઈલની ફ્લૅશ લાઇટ અને એક બે ટૉર્ચ જેટલા અજવાળામાં અંતાક્ષરીની રમઝટ જામી. હા, ઉપરથી ચાંદામામા પણ સાંભળતા હતા. ઘણા ગીતોનો ખૂબ આનંદ લીધા બાદ એક ગીત પર સહુ લોટપોટ થઈને હસ્યા. કલ્પના કરો, એ કયુ ગીત હોઈ શકે?

“કાંટા લગા…. હાય લગા..”

અને પછી બસ હસતાં હસતાં સહુ પોતપોતાની સ્લીપિંગ બૅગને વ્હાલા થયા. બીજા દિવસની સવારની કોઈને ફિકર ન હતી કારણકે બે જ, બે જ કિલોમીટર ચાલવાનું હતું. બધા એનો જ ગણગણાટ કરતા સુઈ ગયા કે એ બે કિલોમીટર ખરેખર બે જ હોય તો સારું! એ કેટલા નીકળે એ તો બીજા દિવસે જ ખબર પડવાની હતી.

(ક્રમશઃ)

– નેહા રાવલ


આપનો પ્રતિભાવ આપો....

One thought on “રાણકપુર – કુંભલગઢ ટ્રેકિંગ ડાયરી (૪) – નેહા રાવલ