રૂપેરી વાળ : પુસ્તકસમીપે – અંકુર બેંકર 8


પુસ્તકસમીપેપુસ્તકનાં પાનાંઓમાં પ્રવાસ : અંકુર બેંકર

આ સંગ્રહમાં લઘુકથા સ્વરૂપ માટે આવશ્યક કહી શકાય એવા કલ્પન, પ્રતીક, વ્યંજના, કાકુ તેમજ અલંકારોનો યોગ્ય જગ્યાએ લેખકે ઉપયોગ કર્યો છે. જેના થકી લેખકના મજબૂત અને આકર્ષક ભાષાકર્મનો લાભ વાચકોને મળે છે. 

મણકો: ૦૮

પુસ્તક સમીક્ષા: રૂપેરી વાળ 

લેખક: વિજય રાજ્યગુરુ  

ભાવેણાનગરી ભાવનગરના રહેવાસી એવા શ્રી વિજયભાઈ રાજ્યગુરુ ગદ્ય અને પદ્ય બંનેમાં પોતાની કલમનો કસબ દાખવી ચૂક્યા છે. એમની પાસેથી ‘ચાલ પલળીએ’ (૨૦૦૦), ‘તું બરફની મીણબત્તી’ (૨૦૦૩), ‘અવઢવ’ (૨૦૦૫), ‘નિસ્સંગ સૂર્ય’ (૨૦૧૦), ‘દુર્ગ ઊભો છે હજી’ (૨૦૧૮), ‘જાળિયે અજવાળું’ (૨૦૧૮) જેવા ગીત, ગઝલ, સૉનેટ અને છાંદસ-અછાંદસ રચનાઓના સંગ્રહો પ્રાપ્ત થયા છે. તો ‘રૂપેરી વાળ’ (૨૦૦૫) જેવા લઘુકથાના અને ‘વાર્તા-વજીફો’ (૨૦૦૯) જેવા ટૂંકીવાર્તાના સંગ્રહો પણ વિજયભાઈ તરફથી ગુજરાતી સાહિત્યને મળે છે. 

એક કવિ જ્યારે લઘુકથા લખતો થાય ત્યારે સ્વાભાવિક રીતે જ સંવેદન કૃતિના કેંદ્રસ્થાને રહેવાનું; જે લઘુકથા સર્જવા માટેની પ્રાથમિક જરૂરિયાત છે. ‘રૂપેરી વાળ’ વાંચતાં પહેલાં એટલું તો નક્કી હતું કે કેટલેક ઠેકાણે લાગણીઓ ઊભરાઈ જવાની છે. પ્રસ્તાવનામાં ‘મારે કૈંક કહેવું છે’ કરીને લેખક ઘણું કહે છે પણ એમની એક વાત ખાસ નોંધવા જેવી છે, 

‘લઘુકથાનું ગઝલ જેવું છે. રદીફ-કાફિયા અને છંદની થોડીઘણી સમજ આવે તો ભજિયાની જેમ ગઝલના ઘાણ ઉતારી શકાય તેમ ઘટનાને પકડવાની ફાવટ આવે અને ચમત્કૃતિપૂર્ણ અંતનો કસબ ફાવે તો છાપું વાંચીને પણ રોજ બે-ત્રણ લઘુકથાઓ લખી શકાય. પણ એક તો હું કવિતા તરફ વળી ગયો તેને કારણે અને બીજું મારા સંવેદને પોતાની મેળે લઘુકથાના ફોર્મમાં ઢાળવાનું પસંદ કર્યું છે ત્યારે જ લઘુકથા અવતરી છે.’ 

એટલે જ ‘રૂપેરી વાળ’માં સંગ્રહિત ૩૬ લઘુકથાઓ લખાવા માટે ૨૮ વર્ષ જેટલો લાંબો સમય લેવાયો છે અને એનો સંગ્રહ છેક વર્ષ ૨૦૦૫માં વાચકો સમક્ષ મૂકાય છે.  

પુસ્તકની પ્રસ્તાવનામાં લઘુકથા સ્વરૂપના જનક એવા શ્રી મોહનલાલ પટેલે સંગ્રહમાંની કેટલીક લઘુકથાઓને સુંદર રીતે અને વિસ્તારપૂર્વક ઉઘાડી આપી છે. આ પ્રસ્તાવના લઘુકથા સ્વરૂપના અભ્યાસીઓને ઉપયોગી થઈ શકે એવી છે. તો રતિલાલ બોરીસાગરે પોતાની વાત કહેતા પોતાના શિષ્યે આટલી સંખ્યામાં અને ગુણવત્તાસભર લઘુકથાઓ સર્જી છે એનો આનંદ વ્યક્ત કર્યો છે. 

જે કથા પરથી સંગ્રહનું નામ રખાયું છે તે ‘રૂપેરી વાળ’ કથામાં નાયિકાનો વિરહ નાયિકાના જ મુખે રાજકુમારીની વાર્તા મૂકીને લેખક વાચકો સુધી પહોંચાડવાનો આશય રાખે છે. પૌત્રને કહેવાતી વાર્તામાં પ્રચ્છન્ન સૂર નાયિકાની પ્રેમકથાનો અને એમની વિરહકથાનો છે. વાર્તા કહેતાંકહેતાં નાયિકાની આંખો આયનામાં સ્થિર થઈ જાય છે; જાણે પોતાની જાતમાં પેલી રજકુમારીને શોધતાં હોય એમ. વાર્તામાં આગળ શું થાય છે એ જાણવાની અધિરાઈથી બાળક દાદીમાને હલબલાવે છે. આગળની વાર્તાને એક કરુણ વળાંક પર લાવીને લેખક ફટાક અવાજ સાથે બારી ઊઘાડી આપે છે. ઉઘડેલી બારી એ નાયિકાની ધસી આવેલી યાદો તરફ ઇશારો કરે છે અને એ યાદોની વાછંટ નાયિકાને ભીતર સુધી ભીંજવી એમની આંખોમાં તરવરી ઊઠે છે. આ વાત લેખક સુંદર રીતે મૂકી આપે છે,

શકુન્તલાદેવીની આંખનો અરીસો ધુમ્મસ ધુમ્મસ થઈ રહ્યો…‘ 

અહીં જ સ્ફોટ થાય છે કે વાત નાયિકાના પ્રેમની છે; એના વિરહની છે. એ વિરહ આજકાલનો નહિ પણ વર્ષોનો છે એ રાજકુમારીના સોનેરી અને રૂપેરીવાળના નાજુક આલેખનથી ભાવક સુધી પહોંચે છે.  

‘દેવનો દીકરો’ કળાની દૃષ્ટિએ અને લઘુકથાના માપદંડમાં સાંગોપાંગ ખરી ઊતરે એવી કથા છે. શરૂઆતથી મધ્યભાગ સુધી કંચનની મા અને પડોશણ વચ્ચેના સંવાદમાં લેખક કથાની પૂર્વભૂમિકા બાંધી આપે છે, કે મોટો જમાઈ નાની દીકરી કંચનને શહેર જોવા સુરત લઈ ગયો હતો. છોકરીને શહેરમાં ‘બવ ગોઠ્યું નંઈ’ એટલે વહેલીવહેલી પાછી આવતી રહી. પણ શહેરની હવા એટલી અડી ગઈ છે કે છોકરી સુગંધવાળા સાબુથી દિવસમાં ત્રણત્રણ વાર નહાય છે. આટલી ભૂમિકા બાંધ્યા પછી વાતવાતમાં મા મોટા જમાઈ માટે ‘દેવનો દીકરો’ શબ્દ વાપરે છે. આ સાંભળ્યાં પછી કંચનની જે પ્રતિક્રિયા છે એમાં તીવ્ર સંવેદન અને કથા રહેલી છે. એ સંવેદન વાચકોમાં આરોપિત કરવામાં લેખક સફળ રહ્યા છે. કંચનની પ્રતિક્રિયા આ મુજબની છે. 

કોઈએ ઉકળતું પાણી નાખ્યું હોય એમ કંચન ઝઝકી ગઈ અને વળતી પળે ચામડી ઉતરડી નાખવી હોય એવા ઝનૂનથી ફરી શરીર ઘસવા માંડી.’ 

‘હેં! ઓહ!!’ કથા ઘટનાલોપની ઉદાહરણરૂપ કથા કહી શકાય. કથાની શરૂઆતમાં નાયક દ્વારા ઉચ્ચારાતું ‘હેં!’, નાયક પણ નાયિકા પ્રત્યે કૂણી લાગણી ધરાવે છે એનો પડઘો પાડે છે, જ્યારે અંતમાં નાયિકાના ‘ઓહ!!’માં નાયિકાનો લાચારીભર્યો નકાર ડોકાય છે. ‘હેં!’ અને ‘ઓહ!!’ એ બે ઉદ્ગારો વચ્ચેની ઘટનાનું નિરૂપણ કથામાં ક્યાંય નથી છતાં નાયિકાના લગ્ન થઈ ગયા છે એ વાત કથામાં કળાત્મક રીતે કહેવાઈ છે. વિસ્મિતાએ લગ્ન કરી લીધું છે એનો સંકેત લેખકે વિસ્મિતાની હલી ગયેલા ચાંદલાને સરખો કરવાની ચેષ્ટા દ્વારા કર્યો છે. 

‘કારણ’ લઘુકથામાં શરૂઆત જ એક્શનથી થાય છે. જે ટૂંકા ગદ્ય સ્વરૂપમાં રચનારરીતિની દૃષ્ટિએ ઉપકારક બની રહે છે. આગળ વધી રહેલી કથામાં ચુસ્ત આલેખન થકી વાચકના વિસ્મયને ચરમસીમા પર લઈ જવામાં આવે છે. અંતે પત્નીના ઊંઘમાં થઈ રહેલા બબડાટ દ્વારા કારણનો સ્ફોટ કરવામાં આવે છે જે એના પતિ અને વાચકોને હળવો ધક્કો આપી જાય છે. પત્નીના ગુસ્સાનું કારણ જાણ્યા બાદ એનાં પર દયા અને કરુણા ઉપજે છે, જે કથાની સફળતાની સાક્ષી પૂરે છે.

આ સંગ્રહની કથાઓ પ્રણય, વિરહ, જાતીય સતામણી, દામ્પત્ય, શંકા, ગરીબી, ભ્રષ્ટાચાર, માતાપિતા-સંતાનો વચ્ચેના સંબંધો, બેવફાઈ વગેરે વિષયો ઉપર રચાઈ છે. આ સંગ્રહમાં લઘુકથા સ્વરૂપ માટે આવશ્યક કહી શકાય એવા કલ્પન, પ્રતીક, વ્યંજના, કાકુ તેમજ અલંકારોનો યોગ્ય જગ્યાએ લેખકે ઉપયોગ કર્યો છે. જેના થકી લેખકના મજબૂત અને આકર્ષક ભાષાકર્મનો લાભ વાચકોને મળે છે. 

અંતમાં પ્રસ્તાવનામાં શ્રી મોહનલાલ પટેલે પ્રેમથી લેખકને જે સૂચનો કર્યા છે તેની સાથે સહમત થઈને તે અહીં મૂકું છું.  

‘શ્રી રાજ્યગુરુએ એમની લઘુકથાઓમાં વિષયવસ્તુનો વ્યાપ વધારવાની જરૂર જણાય છે. લઘુકથાની રચના માટે સંવેદનમૂલક સિચ્યુએશનના વૈવિધ્યને કોઈ મર્યાદા નથી. એના કોઈ સીમાડા આંકેલા નથી. ઘરમાં, ઘર બહાર-રસ્તે જતાં, માનવભીડમાં, બાગબગીચા, હોટલ, થિયેટર.. ગમે ત્યાં, જેને ક્ષુદ્ર કહી શકાય એવાં, પણ ચિત્તને ક્ષુબ્ધ કરવાની ક્ષમતા ધરાવતી સિચ્યુએશન પ્રત્યક્ષ થાય છે અથવા અનુભવાય છે. શ્રી રાજ્યગુરુ પાસે આવી સિચ્યુએશનને પળોટીને લઘુકથા રચવાની શક્તિ છે. એમણે માત્ર એ તરફ અભિમુખ થવાની જરૂર છે. એમ થતાં શ્રદ્ધાપૂર્વક કહી શકાય કે શ્રી વિજય રાજ્યગુરુ પાસેથી અનેક પાણીદાર લઘુકથાઓ મળતી રહેશે.’

મિત્રો, ફરી મળીશું આવાં જ કોઈક પુસ્તકનાં પાનેપાને પગલાં પાડવાં. ત્યાં સુધી વાંચતાં રહો અને પ્રસન્ન રહો. 

મા ગુર્જરીની જય! નર્મદે હર!

– અંકુર બેંકર


આપનો પ્રતિભાવ આપો....

8 thoughts on “રૂપેરી વાળ : પુસ્તકસમીપે – અંકુર બેંકર