No Country for old men – ભેદરેખા ભૂંસતી ફિલ્મ


ગ્રાહક એક સિક્કો કાઢીને દુકાન માલિકને ‘હેડ્સ કે ટેઈલ’ પસંદ કરવા કહે છે. અહીં સુધીના દ્રશ્યમાં પ્રેક્ષક તરીકે આપણે જાણીએ છીએ કે એ સિક્કા પર માલિકના જીવન-મરણનો આધાર છે.

એક વિરાન જગ્યાએ આવેલો નાનકડો સ્ટોર. એની સાથે પેટ્રોલપંપ પણ ખરો. એક વ્યક્તિ પેટ્રોલ પુરાવીને સ્ટોરના માલિક કૅશિયર પાસે આવીને પૂછે છે કે “કેટલા પૈસા આપવાના?”

માલિક બિલની રકમ કહીને એની સાથે વાતો કરવા પ્રયત્ન કરે છે પણ ગ્રાહકને વાતોમાં રસ નથી. એ સીધું જ પૂછે છે કે “તું આવું બધું મને કેમ કહે?”

માલિક “આ તો માત્ર વાતચીત કરવા માટેની એની આ રીત છે” એમ કહે. જવાબમાં ગ્રાહક એને પૂછે કે “તને આ સ્ટોર કેવી રીતે મળ્યો?”

પ્રશ્ન સાવ વિચિત્ર હોય. માલિકને ગ્રાહકના હાવભાવ પરથી ખ્યાલ આવે કે આ માણસ ખતરનાક છે. અપરાધી હોય એવું પણ માલિકને લાગે. માલિક સાવધાન થઈ જાય. એ ઈચ્છે કે તેની સામે રહેલો વ્યક્તિ ગુસ્સે ન થાય. એ ડરતાં ડરતાં જવાબ આપે કે એના સસરા તરફથી ભેંટમાં મળ્યો હતો. એ પછી ગ્રાહક પૂછે કે “તું સ્ટોર ક્યારે બંધ કરે?” આનો જવાબ આપતા માલિક વધુ ગભરાઈ જાય અને કહે કે હું અત્યારે જ બંધ કરું છું. એને ખ્યાલ આવે કે સામેનો માણસ જે કહેવા માંગે છે એ બીજું કંઈ છે. એને ઈચ્છા છે કે આ માણસ અહીંથી જલ્દી જાય અને તેને નુકસાન ન પહોંચાડે.

ગ્રાહક એક સિક્કો કાઢીને માલિકને ‘હેડ્સ કે ટેઈલ’ પસંદ કરવા કહે છે. માલિક પસંદ કરવાથી શું મળશે એમ પૂછે છે. જવાબમાં ગ્રાહક એને માત્ર ‘બધું જ’ એવો જવાબ આપે છે. અહીં સુધીના દ્રશ્યમાં પ્રેક્ષક તરીકે આપણે જાણીએ છીએ કે એ સિક્કા પર માલિકના જીવન-મરણનો આધાર છે. માલિકને પણ આ વાતનો ખ્યાલ છે. ગ્રાહક એને સિક્કો બાવીસ વર્ષ જૂનો છે એમ જણાવે છે. એ સિક્કાએ બહુ લાંબી સફર કરી છે અહીં પહોંચવા માટે અને આ ક્ષણનો નિર્ણય લેવાય એ જ સિક્કાના જીવનનો હેતુ હશે- આવું પણ ગ્રાહક કહે. સિક્કો ઉછળે છે અને માલિકનું બોલેલું સાચું પડે છે. ગ્રાહક સિક્કો એને ભેંટમાં આપીને કહે છે કે એ સિક્કો એના માટે ભાગ્યશાળી છે. એને સાચવવો જોઈએ.

આખા દ્રશ્યમાં એક સામાન્ય ઘટનાના કારણે ઉભું થતું ટેંશન ગજબ છે. માલિકને ખ્યાલ છે કે જો એ આ વિચિત્ર ગ્રાહકને સહેજ પણ ઉશ્કેરશે તો એનું આવી બનવાનું છે. જ્યારે ગ્રાહકના ચહેરા પર માલિકને મારવો કે નહીં એ નક્કી કરવાની મથામણ સ્પષ્ટ દેખાય.

એ ગ્રાહક એટલે ફિલ્મ ‘નો કન્ટ્રી ફોર ઑલ્ડ મેન’ ફિલ્મથી અમર થઈ ગયેલું પાત્ર – એન્ટોન ચિગુર Anton Chigur.

No Country for old men movie review aksharnaad

હોલીવુડની ફિલ્મોમાં આવતા સિરિયલ કિલર્સ અને ઘાતકી હત્યારાઓમાં કયો હત્યારો વાસ્તવિકતાની સૌથી વધુ નજીક છે?- આ પ્રશ્નનો જવાબ મેળવવા અમેરિકન સાયકોલોજીસ્ટ એસોસિએશને એક વખત મનોચિકિત્સકો પર સર્વે કરેલો. આ સર્વેમાં ‘નો કન્ટ્રી ફોર ઑલ્ડ મેન’ ફિલ્મના એન્ટોન ચિગુરને સૌથી વધુ માર્ક્સ મળેલા.

ચિગુર પહેલી દ્રષ્ટિએ વિચિત્ર હેરસ્ટાઇલ ધરાવતો સામાન્ય માણસ લાગે. આશરે ત્રીસેક વર્ષનો લાંબો માણસ. એની ચાલવાની રીત પણ વિચિત્ર. એના વિશે ફિલ્મમાં એક પાત્ર સરસ વાત કહે છે – જો ચિગુર તમારી પાછળ પડે તો તમને ભગવાન પણ ન બચાવી શકે. ચિગુર જાતને બધાનો ન્યાય તોળનાર ન્યાયધીશ માનતો હોય. એની લોકોને મારવાની રીત પણ અનોખી. એક કમ્પ્રેસડ ઓક્સિજન ભરેલી નાની ટાંકી લઈને ફરતો હોય. કોઈને પણ, એ જોઈને, બીમાર માણસ માટેનો ઓક્સિજન લઈ જતો કોઈ સગો જ લાગે. ચિગુર એના શિકાર જ્યાં સંતાયો હોય એના તાળાને આ ઓક્સિજન ટેન્કમાંથી પ્રેસરયુક્ત હવા છોડીને જ તોડે. એ પછી વારો આવે એના શિકારનો. અત્યંત દબાણથી ભરેલા ઓક્સિજનને બહાર કાઢવાની નળીનો એક છેડો શિકારના માથે રાખવાનો અને એનું ભેજું જ ઉડાવી દેવાનું.

ફિલ્મમાં ચિગુર સિવાય બીજા બે મુખ્ય પાત્રો છે. એક છે શેરીફ એડ ટોમ બેલ (અભિનેતા – Tommy Lee Jones ). શેરીફ આખી જિંદગી અપરાધીઓને પકડવામાં કાઢીને થાક્યો છે. નિવૃત્તિના આરે છે. નોકરીમાં એને રસ નથી. બીજો છે, લેલીવલીન મૉસ (અભિનેતા – Josh Brolin ). મૉસ એક ગરીબ માણસ છે જે એની ગર્લફ્રેન્ડ સાથે એક ટ્રેલરમાં રહે છે. એક દિવસ વિરાન જગ્યાએ શિકાર કરતા તેને કેટલીક ગાડીઓ આસપાસ પડેલી લાશો જોવા મળે છે. મૉસ સમજી જાય છે કે ડ્રગ્સના સોદામાં થયેલો ઝગડાના કારણે સામસામે ગોળીબાર થયો હશે અને લાશો પડી હશે. તેને એક ટ્રક પાછળ ડ્રગ્સનો મોટો જથ્થો પણ મળે. એક જ વસ્તુ ગાયબ હોય – પૈસા. જે તેને એક ઝાડ નીચે જીવનમરણ વચ્ચે ઝોલા ખાતા માણસના હાથમાં રહેલી મોટી બેગમાં બે મિલિયન ડોલર્સ રૂપે મળે. મૉસ કોઈ દેવદૂત નથી એટલે લાલચમાં આવીને એ પૈસા ભરેલી બેગ ઉઠાવીને ભાગી છૂટે છે અને શરૂ થાય છે મોતને હાથતાળી દેવાની એની દોડ.

પૈસા પાછા મેળવવા, ડ્રગ ડીલર એન્ટોન ચિગુરને કોન્ટ્રાક આપે છે. ચિગુરના આતંકને રોકવા ન છૂટકે શેરીફ પણ મેદાનમાં આવે છે. ત્રણેય પાત્રો વચ્ચેનો આ પકકડદાવ ફિલ્મનું જમાપાસું છે. ચિગુર એના રસ્તામાં આવનાર દરેકને પતાવતો જાય છે. શેરીફ મૉસને બચાવવા અને ચિગુરને રોકવા કમર કસે છે.

ફિલ્મ, ઘટનાઓ કરતા, એના પાત્રોના સ્વભાવને દર્શાવવા પર વધુ ભાર મૂકે છે. ચિગુર શેતાન છે પણ સિદ્ધાંતવાદી છે. એક વખત કામ હાથમાં લે તો કોઈ પણ ભોગે પૂરું કરે જ. શેરીફ સારો માણસ છે પણ થાકેલો છે. વર્ષોના અનુભવે એને શીખવ્યું છે કે દુનિયામાં બહુ બદલાવ લાવવાના પ્રયત્નો મિથ્યા છે. ચિગુર જેવા શેતાનોથી એ ડરે છે. મૉસ એક તકસાધુ વ્યક્તિ છે. એને લાગે કે સાચું કે ખોટું કંઈ જ નથી. આત્મવિશ્વાસવાળો પણ ખરો. ગરીબી દૂર કરવાની તક હાથમાં આવી છે તો જવા નહિ દેવાની એની જીદ છે.

ફિલ્મ સારા નસરાની ભેદરેખા ભૂંસે છે. ચિગુર શેતાન છે પણ એના સિદ્ધાંતો પર અડગ છે. શેરીફ સારો છે પણ ચિગુરને રોકવામાં એને જાનનું જોખમ લાગે છે. મૉસ સારો માણસ છે પણ લાલચ એને સારો રહેવા દેતી નથી. ત્રણેયનો આ સંઘર્ષ ફિલ્મને ઊંચકે છે. એકબીજા સાથે સંઘર્ષમાં ઉતરતા ત્રણેય એમના સિદ્ધાંતો સાથે પણ સંઘર્ષમાં ઉતરે છે.

એન્ટોન ચિગુરને એક અમર પાત્ર બનાવવામાં અભિનેતા Javier Bardem ઝાવીએર બોર્ડેમનો સિંહફાળો છે. ચિગુરની આંખો ભયાનક છે. ફિલ્મમાં એના ભાગે બહુ ઓછા ડાયલોગ્સ આવ્યા છે પણ એણે ફેલાવેલો આતંક પ્રેક્ષકોને ફિલ્મ પત્યા પછી પણ લાંબો સમય યાદ રહી જાય એવો છે.

ફિલ્મના કોઈ પણ દ્રશ્યની શરૂઆત થાય પછી એ પૂરું ન થાય ત્યાં સુધી જકડી રાખે છે. મૉસ અને ચિગુર વચ્ચે ચાલતી ઉંદર-બિલાડીની રમત હોય કે પછી ચિગુરનો તેનો પીછો કરતા ઑફિસરને મારવાનું દ્રશ્ય હોય, દરેક દ્રશ્ય બહુ ચોક્સાઇથી ફિલ્માવામાં આવ્યું છે. દરેક દ્રશ્યનો એકમાત્ર હેતુ પ્રેક્ષકોને જકડી રાખવાનો છે. ફિલ્મના નિર્દેશક કૉએન બ્રધર્સ ( Joel Coen અને Ethan Coen ) ની દરેક ફિલ્મોની આ ખાસિયત રહી છે. આ ફિલ્મ સિવાય તેમના નામે Fargo જેવી પ્રખ્યાત ફિલ્મ પણ બોલે છે.

2008 ના વર્ષમાં આવેલી આ ફિલ્મને ‘બેસ્ટ ફિલ્મ’ સહિત, એ વર્ષના ચાર ઓસ્કર એવોર્ડ્સ મળેલા. ઝાવીએર બોર્ડેમને એન્ટોન ચિગુરનું પાત્ર ભજવવા માટે ‘બેસ્ટ સપોર્ટિંગ એકટર’નો ઓસ્કર મળેલો.

મૉસ અને ચિગુરમાંથી કોણ જીતે છે એ જાણવા ફિલ્મ જોવી રહી. ફિલ્મ નેટફ્લિક્સ પર ઉપલબ્ધ છે.

છેલ્લી રિલ

તમારી પાસેથી જે લઈ લેવામાં આવ્યું છે એ પાછું મેળવવા તમે જેટલો સમય બરબાદ કરો છો એટલા સમયમાં તમારી પાસે જે છે એ પણ જતું રહે છે. – આ ફિલ્મનો એક સંવાદ.

નરેન્દ્રસિંહ રાણાની કલમે આવા જ મજેદાર મૂવી રિવ્યૂ માણી શક્શો અહીં ક્લિક કરીને..

આપનો પ્રતિભાવ આપો....