ગાર્ગી અને યાજ્ઞવલ્ક્ય વચ્ચેનો શાસ્ત્રાર્થ
(યજુર્વેદની બે સંહિતાઓ – કૃષ્ણ યજુર્વેદ અને શુક્લ યજુર્વેદ તેમજ મહર્ષિ યાજ્ઞવલ્ક્ય વિશે અગાઉના લેખમાં થોડી માહિતી આપ્યા બાદ આજે મહર્ષિ યાજ્ઞવલ્ક્યના અધ્યાત્મ તેજ વિશે થોડી વધુ વાતો.)
મહર્ષિ યાજ્ઞવલ્ક્ય શુક્લ યજુર્વેદના પ્રણેતા કહેવાય છે. કૃષ્ણ યજુર્વેદમાં મંત્રો અને બ્રાહ્મણભાગ એકસાથે ગોઠવાયા છે, જયારે શુક્લ યજુર્વેદમાં મંત્રભાગ અને બ્રાહ્મણભાગ જુદાજુદા છે અને પ્રકરણો વ્યવસ્થિત છે. શુક્લ યજુર્વેદ સરળતાથી સમજી શકાય એ રીતે એની રચના થઈ છે જયારે કૃષ્ણ યજુર્વેદને સમજવો અઘરો છે.
શુક્લ યજુર્વેદના મંત્રોનો વ્યવસ્થિત સંકલન કર્યા પછી એ મંત્રોની અધ્યાત્મિક સમજ આપતો ગ્રંથ પણ યાજ્ઞવલ્ક્ય દ્વારા જ લખવામાં આવ્યો છે. એ ગ્રંથનું નામ છે – શતપથ બ્રાહ્મણ. મંત્ર સંહિતાઓમાં જેમ ઋગ્વેદ શ્રેષ્ઠ છે, તેમ બ્રાહ્મણ ગ્રંથોમાં શતપથ બ્રાહ્મણ શ્રેષ્ઠ છે. શતપથ બ્રાહ્મણ ભારતીય યજ્ઞવિદ્યા અને યજ્ઞમીમાંસાનો શિરમોર ગ્રંથ છે. શુક્લ યજુર્વેદના ૪૦ અધ્યાયોમાં સંકલિત મંત્રોનો યોગ્ય ઉપયોગ, તેનું વિવરણ અને એ મંત્ર પાછળ રહેલો ગૂઢ અર્થ – શતપથ બ્રાહ્મણનો આ પ્રધાન વિષય છે. યજ્ઞનો પ્રારંભ ભલે દેવયજન(દેવતાઓના આવાહન)થી થતો હોય પણ યજ્ઞનું સમાપન તો આત્મયજનમાં જ થાય છે – શતપથ બ્રાહ્મણમાં આ સત્ય વારેવારે સમજાવવામાં આવ્યું છે. શતપથ બ્રાહ્મણના બે સ્વરૂપ છે – માધ્યંદિન અને કાણ્વ. અત્યારે માત્ર માધ્યંદિન શતપથ બ્રાહ્મણ જ ઉપલબ્ધ છે. આ મહાગ્રંથના સો અધ્યાય છે એટલે જ એને શતપથ બ્રાહ્મણ કહે છે. શતપથ બ્રાહ્મણનો જ એક ભાગ એટલે બૃહદારણ્યક ઉપનિષદ.
બૃહદારણ્યક ઉપનિષદ વિશે વિસ્તૃતમાં ફરી કયારેક જોઈશું પણ આજે આ ઉપનિષદનો એક પ્રસંગ અહીં મૂકીશ. મહર્ષિ યાજ્ઞવલ્ક્યની ગૂઢ અધ્યાત્મવિદ્યા વિષે આ વાતચીત પરથી ખ્યાલ આવે છે.
જનકરાજા યાજ્ઞવલ્ક્યના શિષ્ય હતા. રાજા જનકના દરબારમાં શાસ્ત્રાર્થ માટે બ્રાહ્મણો અવારનવાર એકઠા થતા. આવી જ એક સભામાં એકવાર રાજા જનકે એક હજાર ગાયો તૈયાર રાખી અને દરેક ગાયના શીંગમાં સુવર્ણ બાંધ્યું. સભાને સંબોધતા મહારાજે કહ્યું, “ પૂજ્ય બ્રાહ્મણગણ, તમારામાંથી જે સર્વશ્રેષ્ઠ બ્રહ્મજ્ઞાની હોય તે આ ગાયો લઈ જાય.”
કોઈ બ્રાહ્મણની ગાયો લઈ જવાની હિંમત થઈ નહિ ત્યારે યાજ્ઞવલ્ક્યે પોતાના એક શિષ્યને કહ્યું, “બેટા, આ ગાયો હાંકી જા.” બસ, બ્રાહ્મણોની સભામાં ખળભળાટ મચી ગયો. ‘ યાજ્ઞવલ્કય પોતાને બ્રહ્મિષ્ઠ કઈ રીતે કહી શકે?’ પછી શરૂ થયો શાસ્ત્રાર્થ. એક બાજુ યાજ્ઞવલ્કય અને એની સામે અન્ય બ્રાહ્મણો. પ્રશ્નો પૂછાતા જાય છે અને યાજ્ઞવલ્ક્ય શાંત ચિત્તે એ પ્રશ્નોના ઉત્તર આપે છે.
સૌથી પહેલા જનકરાજાના હોતા અશ્વલ યાજ્ઞવલ્ક્યને મૃત્યુને પેલે પાર જવા વિષે, હોમ અને સ્તવન સંબંધી ઋચાઓ વિષે પ્રશ્ન કરે છે. યાજ્ઞવલ્ક્ય એના સંતોષજનક ઉત્તરો આપે છે એટલે અશ્વલ બેસી જાય છે. તે પછી આર્તભાગ નામના ઋષિ તેમને ગ્રહ નક્ષત્ર વિષે પ્રશ્નો કરે છે અને પોતાના પ્રશ્નોના ઉચિત ઉત્તરો મળતા એ પણ ચૂપ થઈ જાય છે. ભુજયુ ઋષિ પારીક્ષિતના સ્થાન અને તેની ગતિ વિષે પ્રશ્ન કરે છે. ઉષસ્ત ઋષિ આત્માના સ્વરૂપ વિષે પ્રશ્નો પૂછે છે. યાજ્ઞવલ્કય સામે શાસ્ત્રાર્થમાં કોઈ ઋષિ ટકી શક્યા નહી. એ જ વખતે વાચકનુ ઋષિની કન્યા ગાર્ગી સભા વચ્ચે ઊભી થઇ. ઋષિઓ એને જોઇને પ્રસન્ન થઈ ગયા. સાક્ષાત તેજપૂંજ સમાન ગાર્ગી એ યાજ્ઞવલ્કયના તેજથી જરા પણ અંજાયા વિના પ્રશ્ન પૂછવાના શરૂ કર્યા.
“એવું કહેવાય છે કે બધું જ જળમાં સમાયેલું છે, પણ જળ શેમાં ઓતપ્રોત છે?”
“વાયુમાં.”
“વાયુ શેમાં ઓતપ્રોત છે?”
અંતરિક્ષમાં.”
“અંતરિક્ષ શેમાં સમાયેલું છે?”
“ગંધર્વલોકમાં.”
“ગંધર્વલોક શેમાં સમાવિષ્ટ છે?”
“આદિત્યલોકમાં.”
આ રીતે પ્રશ્ન પૂછતાં છેલ્લે ગાર્ગી પૂછે છે – બ્રહ્મલોક શેમાં ઓતપ્રોત છે?
બ્રહ્મલોક એટલે બ્રહ્મતત્વ. જે અંતિમ તત્વ છે. બધું જ તેમાં સમાયેલું છે. બ્રહ્મ સર્વને પોતાનામાં સમાવી લે છે. દરેક વસ્તુમાં રહેલો છતાં દરેક વસ્તુને અતિક્રમી જઈને પણ બ્રહ્મ પોતાની જગાએ સ્થિર છે. બ્રહ્મ શેમાં ઓતપ્રોત છે- આવો પ્રશ્ન થઈ જ ન શકે. જે બધાનો સમાવેશ કરે એના વિષે ‘ એ શેમાં સમાયેલું છે’ એમ પૂછવું એ પ્રતિપ્રશ્ન કર્યો કહેવાય. જે બધાનો આધાર છે, એના આધાર વિષે પ્રશ્ન એ પ્રતિપ્રશ્ન છે. ઝાડના મૂળ હોય, પણ મૂળના મૂળ ન હોય. મૂળના મૂળ વિશેનો પ્રશ્ન પ્રતિપ્રશ્ન છે.
‘બ્રહ્મલોક શેમાં સમાયેલું છે?’ ગાર્ગી પોતાના અંતિમ પ્રશ્નમાં પ્રતિપ્રશ્ન પૂછે છે. એ સાંભળી યાજ્ઞવલ્કય કહે છે,
“ગાર્ગી, પ્રશ્ન પૂછવામાં વિવેકભાન ગુમાવી બેસીએ તો માથે ચડેલું અભિમાન ક્યારેક માથું ફાટી જવાની ઘટના માટે ય જવાબદાર બની જાય એ જાણે છે ને? આવો પ્રતિપ્રશ્ન કરીને તું એવી સ્થિતિને આમંત્રણ ન આપ એવું હું ઇચ્છુ છું. એટલે જ આ પ્રતિપ્રશ્ન તું ન પૂછ.”
ગાર્ગીને ખ્યાલ આવી ગયો કે એણે હવે ચૂપ થવું જોઈએ. જનકરાજાની સભામાં યાજ્ઞવલ્કય સર્વશ્રેષ્ઠ બ્રહ્મવેત્તા તરીકે સ્વીકૃત થઈ ગયા. ગાર્ગી ફરી એક વાર સભાને સંબોધીને કહે છે, “ આપ સહુ આજ્ઞા આપો તો હું મહર્ષિ યાજ્ઞવલ્કયજી ને બે પ્રશ્નો પૂછવા ઇચ્છુ છું. બ્રહ્મ સંબંધી વિવાદમાં પણ તેમને કોઈ જીતી શકે છે કે કેમ એ મારે જોવું છું.”
ગાર્ગીને સંમતિ મળે છે. એ પહેલો પ્રશ્ન પૂછે છે –
“જે દ્યુ લોકથી ઉપર છે. જે પૃથ્વીથી નીચે છે અને દ્યુ લોક તેમજ પૃથ્વીની મધ્યમાં છે. જેને ભૂત, ભવિષ્ય અને વર્તમાન તરીકે ઓળખવામાં આવે છે, તે કોનામાં સમાયેલું છે?”
યાજ્ઞવલ્કય કહે છે, “તે બધું આકાશમાં સમાયેલું છે.”
ગાર્ગી બીજો પ્રશ્ન પૂછે છે.
“આકાશ શેમાં સમાયેલું છે?”
યાજ્ઞવલ્કય કહે છે,
“આકાશ પણ જેનામાં ઓતપ્રોત છે, તેને બ્રહ્મવેત્તાઓ ‘અક્ષર’ કહે છે. આ દ્રશ્યમાન અને અદ્રશ્યમાન ચરાચર બ્રહ્માંડનું શાસન તેના દ્વારા થાય છે. અક્ષરને જાણનાર સાચો બ્રહ્મવેત્તા છે.”
યાજ્ઞવલ્કયના આ બંને ઉત્તરોથી સંતુષ્ઠ થઈને ગાર્ગી બ્રાહ્મણોને કહે છે, “આપ સૌ યાજ્ઞવલ્ક્યની સર્વોપરિતાને સ્વીકારો. આપણામાંથી કોઈ જ તેમને બ્રહ્મવિષયક વિવાદમાં જીતી શકે તેમ નથી.”
મહર્ષિ યાજ્ઞવલ્કય ભારતીય આકાશનું એક તેજસ્વી નક્ષત્ર છે. જેની છત્રછાયા હેઠળ ભારતીય સંસ્કૃતિ ઉછરી છે, વધી છે અને વિકસી છે. એટલે જ ભારતીય સંસ્કૃતિના સર્જક તરીકે યાજ્ઞવલ્કયજીની ગણના અનિવાર્યત: થાય છે.
~ અંજલિ ~
“નેતિ નેતિ” – આ સંજ્ઞા વિષે બૃહદારણ્યક ઉપનિષદમાં યાજ્ઞવલ્ક્ય મહારાજા જનકને સમજાવે છે. नेति = न + इति = આ નહિ. કોઈ ગૂઢ શબ્દની વ્યાખ્યા કરવી મુશ્કેલ બને ત્યારે એ શબ્દને ‘આ આમ છે’ તેમ કહેવા કરતાં તે ‘શું શું નથી’ એમ સમજાવીને સંકેતથી એના અર્થ સુધી પહોચવાની પદ્ધતિ એટલે જ નેતિ નેતિ.
આભાર!!
thank you
સરસ માહિતી
Thank you