હિમાચલના પ્રવાસે (૧) – સ્વાતિ મુકેશ શાહ 7


અમે જાંખુ મંદિરના દર્શને ગયા. વાયકા એવી છે કે હનુમાનજી લક્ષ્મણજી માટે જડીબુટ્ટી લેવા જતાં હતાં ત્યારે તેઓ આ ટેકરી ઉપર આરામ કરવા બેઠા હતા.

મિત્રો, આફ્રિકાની મુલાકાત વિગતે આલેખી; આપણા ભારતની એવી જગ્યાએ આજે તમને લઇ જઉં છું જે હિન્દુસ્તાનમાં અનોખી છે. હું હજી એના સ્મરણમાંથી, એના કુદરતી સૌંદર્ય અને આહ્લાદમાંથી બહાર આવું એવું થયું નથી. તે છતાં મેં માણેલા સૌન્દર્યને શબ્દમાં મૂકવા બનતી કોશિશ કરું.

મારા પતિ મુકેશનો લાહોલ સ્પીતીની મુલાકાતનો કાર્યક્રમ ઘણા સમયથી બની ગયો હતો. પણ મને ખબર નહી કેમ ત્યાં જવાનો ઉત્સાહ નહોતો. અમારા આયોજન મુજબ મુકેશ લાહોલ સ્પીતી જઈ આવે અને મને નાલધેરા મળે; પછી અમે સાથે બીજું ફરીએ તેવું ગોઠવ્યું હતું. પરંતુ ભગવાનને એ યોજના મંજુર નહિ હોય. અમારા લડાખના મિત્રે આગ્રહ કરી મને પણ પ્રવાસમાં જોડવા કહ્યું.

નાલધેરા હિમાચલ પ્રદેશમાં, શિમલાથી ત્રેવીસ કિલોમીટર દૂર આવેલું પ્રવાસન સ્થળ છે. નક્કી કર્યા મુજબ અમે પાંચ ઓક્ટૉબરે અમદાવાદથી નીકળ્યા.. કોરોના પછીની પહેલી મુસાફરી હતી એટલે પૂરતી સાવચેતી રાખી. પ્લેનની સીટ સેનીટાઈઝ કરી, માસ્ક તો મોં પરથી ઉતરે જ શેનું!  હવે તો એરપોર્ટ પણ પેપરલેસ થઇ ગયું છે એટલે બધી પ્રિન્ટ ઘરેથી તૈયાર કરીને જ ગયાં હતા.

સમયસર ચેક-ઇન પતાવી લાઉન્જમાં મજાનો નાસ્તો કર્યો; નવ વાગવામાં પાંચ મિનીટ બાકી હતી અને બોર્ડિંગ માટેના દરવાજે પહોંચી ગયા. સમયસર પ્લેન ઉપડ્યું; બે કલાકમાં – લગભગ અગિયાર પિસ્તાલીસ વાગે ચંડીગઢ એરપોર્ટ પહોંચી ગયાં. પહેલેથી બુક કરાવેલી ગાડી આવી ગઈ હતી એટલે સામાન આવ્યો કે લઇ તુરંત નાલધેરા જવા ઉપડ્યા. એક સો છત્રીસ કિલોમીટર એટલે લગભગ પાંચ કલાકની ડ્રાઈવ હતી. જમવા અંગે વાત કરી તો અમારા ડ્રાઈવર ભાઈએ કહ્યુકે હિમાચલ બોર્ડર આવે પછી જમવા રોકાઈશું. પરવાનું પાસે લગભગ દોઢ વાગે નિક્કી કા ધાબા પર જમવા ઉભા રહ્યાં. આ જગ્યાએ બે ત્રણ ખાવાની જગ્યા હતી તે જોતાં લાગ્યું કે રસ્તામાં આ જગ્યા ઘણી મશહુર હશે. અમે ખાલી વેજીટેબલ બિરિયાની ગ્રેવી સાથે મંગાવી. દુનિયામાં ક્યાંય આટલી સ્વાદિષ્ટ બિરિયાની ખાવા ના મળી હોય તેવું લાગ્યું. ખુબ સુંદર ભોજન પતાવી નાલધેરા જવા નીકળ્યા.

રસ્તામાં ઘણી જગ્યાએ રસ્તા મોટા કરવાનું કામ ચાલુ હતું એટલે તે ભાગમાં રસ્તા ખરાબ હતા. વચ્ચે વચ્ચે સારા રસ્તા પણ આવતા હતા. અમે લગભગ પોણાપાંચ વાગે નાલધેરા પહોંચી ગયા. સારો રૂમ મેળવતા થોડી તકલીફ પડી પણ અંત ભલા તો સબ ભલા. છેવટે સરસ વ્યુ વાળો રૂમ મળી ગયો. હવે તો આરામ જ આરામ કરવાનો હતો. કુદરતને ખોળે બીજું શું કરવાનું? અમારી પ્રીસ્ટીન પીક હોટલ પર્વતના સૌથી ઊંચા શિખર ઉપર આવેલી હતી. આ હોટલનો મુખ્યભાગ એકદમ બ્રિટીશ સ્ટાઈલનો બનાવેલ હતો. હોટલના એ મુખ્ય ભાગમાં ખાલી રેસ્ટોરાં, ફનઝોન અને સ્વાગત વિભાગ એટલું જ આવેલું હતું.

એ મકાનની બહાર આવી જરી આગળ ઢાળ ચઢીએ એટલે એક તરફ ખુબ સુંદર લોન અને મેપલ અને સિડાર એમ બે મકાનો હતા જ્યાં બધાને રહેવાના કમરા હતાં. ચારચાર માળના બે મકાન હતા. અમને સિડારના ચોથા માળે કમરો ફાળવવામાં આવેલો. ખાઈ ઉપર બાંધેલા આ મકાનના બીજા ત્રણ માળ નીચે તરફ હતા. ખુબ સુંદર કમરામાં જતા આરામ કરવાનું મન થઇ ગયું.

પર્વતોની વચ્ચે ઢળતી સાંજને માણવા લોનની બાજુમાં રાખેલા ટેબલ ખુરશી પર જઈ બેઠા. સંધ્યાની લીલા કંઈ એમનેમ મણાય! અમે ગરમગરમ ભજીયા અને ચા લઈને બેઠાં. સામેની પહાડી પાછળ સંધ્યા રાણીના વિવિધ સ્વરૂપ જોવાની ખુબ મજા આવી. ઠંડી વધતી હતી પણ ગરમ ચા અને કુદરતની લીલા જોવામાં સમય ક્યાં પસાર થઇ ગયો તેનો ખ્યાલ જ ના રહ્યો. પહાડીની એકબાજુ સોળે કળાએ ખીલેલી સંધ્યા અને બીજીબાજુ દુરદુર નાનાનાના ઘરમાં ઝબુકવા લાગેલી લાઈટ જોવાનો ખુબ આનંદ રહ્યો. પછી રૂમ ઉપર પાછા આવી સૂપ અને મેગી ખાઈ સુઈ ગયા.

બીજા દિવસે આરામથી ઉઠ્યા. એ દિવસ બસ કુદરતને ખોળે ફરવા માટે જ રાખ્યો હતો એટલે મનમાં આવે તેમ ચાલવા જતા. સારું લાગે ત્યાં બેસતાં. બપોરે જમી થોડો આરામ કરી પાછા ચાલવા નીકળી પડ્યાં. આજની સાંજ વળી વધારે સુંદર અને જુદા સ્વરૂપની લાગી. સંધ્યા જાણે પુખ્ત વયમાં પ્રવેશેલી નાજુક નાર જેવી લાગતી હતી. ઘડીકમાં પર્વત પાછળ સંતાઈ જાય જાણે શરમ ના આવતી હોય! તો ઘડીકમાં પહાડ પાછળથી બહાર આવી સૂરજ પોતાનો કેસરિયો રંગ ફેલાવતો જાય. આખો દિવસ ક્યાં પસાર થઇ ગયો ખબર ના પડી. રાત્રે ખુલ્લું આકાશ હતું તેનો આનંદ વિશેષ થયો. અમારા પલંગમાંથી આકાશના તારા દેખાતા હતાં. જાણે તારલે મઢેલી ચાદર. અમદાવાદમાં તો આવું કદી જોયું નહોતું એટલે મનેતો બહુ મજા આવી. ઈશ્વરનો પાડ માન્યો કે હું આવી જગ્યાએ આવી શકી. થાકીને ક્યારે આંખ બંધ થઇ તે ખબર ના પડી.

Copyrighted Image, All rights Reserved by Mukesh Shah

આજે તો અમે શિમલા ફરવા જવાનું નક્કી કર્યું હતું એટલે વહેલા પરવારી ચા નાસ્તો કરી સાડાનવ વાગે અમારી ટેક્સી આવી એટલે શિમલા જવા નીકળ્યા. ખાલી ત્રેવીસ કિલોમીટર જવાનું હતું એટલે આરામ હતો. મારા કરતાં મુકેશ શિમલા જવા વધારે ઉત્સુક હતો. તે પિસ્તાલીસ વર્ષ પહેલા જે હોટલમાં ઉતર્યો હતો તે શોધવી હતી.

અમે સૌથી પહેલા જાખુ મંદિર જોવા ગયા. તે એક ટેકરી ઉપર આવેલું સુંદર મંદિર છે. આ મંદિર પાછળની લોકવાયકા એવી છે કે જ્યારે હનુમાનજી લક્ષ્મણ માટે જડીબુટ્ટી લેવા હિમાલય ગયાં હતા ત્યારે તેઓ આ ટેકરી ઉપર બે ક્ષણ આરામ કરવા બેઠા હતા. આ ટેકરી ઉપર હનુમાનજીનું નાનું મંદિર બનાવવામાં આવ્યું છે અને હનુમાનજીની એકસો આઠ ફૂટ ઉંચી મૂર્તિ ઊભી કરવામાં આવી છે. ઉપર દર્શન કરવા લગભગ બસો પગથિયાં ચડીને જવું પડે. અમે ઉપર ચડવાનું શરુ કરતા હતા ત્યાં કોઈ ભાઈએ સુચના આપી કે સંભાળીને જજો. તમારો મોબાઈલ, ચશ્માં બધું સાચવજો. અહીંયા વાંદરાથી બહુ સાચવવું પડે છે.

ચારેબાજુ વાંદરા જોઈ બીક લાગી, જાતને સાચવતા મંદિરમાં દર્શન તો કર્યા ત્યાં સામે જોયું કે એક બહેન વાંદરા સામું હસતાં હતા તેવામાં વાંદરો એમની ઓઢણી ખેંચી અને દુર ભાગ્યો. એ લોકોએ ઓઢણી છોડાવવા ઘણા પ્રયત્ન કર્યા. પણ વાંદરો એમ કંઈ છોડે! માનવ અને જાનવર વચ્ચેની ગડમથલ જોવા થોડીવાર ઉભા રહ્યા. જરૂરી જોઈતા ફોટા પાડી દાદરા ઉતરવા શરુ તો કર્યા પરંતુ મનમાં તો બીક બરાબરની ભરી હતી. બહુ સાચવી સાચવીને નીચે સુધી આવ્યા. જાણે કયુંય મોટું પરાક્રમ કરીને આવ્યા હોઈએ એવો ભાવ ભરાઈ ગયો હતો.

ડ્રાઈવર સાથે અનેક વાતો કરતા શિમલા તરફ આગળ વધ્યાં. હનુમાન મંદિરથી શિમલા જવાના રસ્તે પહાડ પર નજર કરીએ તો બધાં પહાડ પર મકાનો જ દેખાય. લીલોતરીનું નામોનિશાન ના જોવા મળ્યું. ચારે તરફ જાણે સિમેન્ટનું જંગલ. દ્રશ્ય જોતાં જીવ બળ્યો. મનમાં થયું કે સારું હતું કે બાળપણમાં શિમલાની સુંદરતા જોઈ લીધી હતી. બાળપણમાં શિમલા જોયું હતું જ્યાં આટલાં મકાનો નહોતા અને ચારેબાજુ લીલાછમ પહાડ હતાં.

પરંતુ જમાના સાથે ચાલવું રહ્યું. વિકાસ તો અપનાવવો પડે જ ને! મોલરોડ બે લેવલમાં આવેલ છે. જ્યાં વાહન લઇ જવાની મંજુરી નથી. હા, એક લિફ્ટ બનાવેલી છે જેમાં જનરલ પબ્લિકને જાવાઆવવા સહેલું પડે. સાથે સાથે થોડા થોડા અંતરે બે રસ્તા વચ્ચે પગથિયા હતા. અમને ટેક્સીવાળા ભાઈ ઉપર હોસ્પિટલ સુધી ગાડીમાં ઉતારી ગયો અને સાથે કહ્યું કે ફરવાનું પુરું થઇ જાય તો એને ફોન કરવાનો એટલે તેઓ અમને લઇ જશે.

અમારો સૌથી પહેલો પ્રોજેક્ટ હતો, પિસ્તાલીસ વર્ષ પહેલાની હોટલ શોધવાનો. બધે પુછતા પુછતા ફર્યા. હું તો બંને બાજુ આવેલી નાનીનાની દુકાનો જોતી હતી. રસ્તામાં એક તરફ વચ્ચે વચ્ચે મોમોઝ, બર્ગર, ભેળપુરી જેવી વસ્તુઓના ખુમચા લઈને લોકો ઉભા હતા. ઘણા બધાં લોકોને ગરમાગરમ બધું ખાતા જોયા. રસ્તે ચાલતા જોઈએ તો બધીબાજુ લોકો પોતાની જાત સાથે મશગુલ લાગે. કેટલાક જુવાનીયા ગ્રુપમાં મસ્તી કરતા હોય તો કેટલાક જીવન જરૂરિયાતની વસ્તુ ખરીદતા હોય. આમ લોકોને જોવાની પણ મને બહુ મજા આવી. થોડેક આગળ ગયા હઈશું અને મારી નજર સ્કેટિંગ રીંકના બોર્ડ ઉપર ગઈ. મેં મુકેશને બતાવી તો કહે હા અમે અહિયાં આવેલા. મને હાશ થઇ કે ચાલો કંઈક તો જુનું જોવા મળ્યું. ઉત્સાહમાં વધારો થયો એટલે નાનો દાદર ચડી તે જોવા ગયા. પાંચેક મિનીટ જોઈ પાછા નીચે આવ્યા.

આગળ વધ્યા ત્યાં મોટા ચોક જેવી જગ્યા આવી. જેને પરદેશમાં સ્ક્વેર કહે. ડાબી બાજુ ખ્રિસ્તીઓનું ચર્ચ હતું અને જમણી હરોળમાં દુકાનો.ચર્ચની બાજુમાંથી એક રસ્તો જતો હતો ત્યાંથી ત્રણચાર માળના મકાનો શરુ થતા હતા. એ ત્રણ રસ્તાના ખુણા પર સુંદર નાનો બગીચો બનાવેલો હતો. એક નાની એવી હોટલમાં ચાઇનીઝ ખાઈ અમે પાછા વળ્યાં. અમને અમારા ટેક્સી ડ્રાઈવર ભાઈએ જયાં ઉતર્યા હતા ત્યાંથી પાછા લઇ લીધા. રસ્તામાં અમે વાઈસ રીગલ લોજ જોવા ગયા જે ઓબ્સેર્વેટરી હિલ પર આવેલી છે. એક જમાનામાં અંગ્રેજ વાઈસરોયનું નિવાસ સ્થાન હતું. અંદર થી જોવું હોય તો પચાસ રૂપિયાની ટીકીટ લઈને જવાનું. ગાઈડ સાથે કંડકટેડ ટુર માં ફરવાનું. વિશાળ રુમમાં ઘણી તસ્વીર હતી. જેમની સાથે વાત કરતા અંગ્રેજોના જમાનામાં ચાલ્યા જવાય એવો ભાસ થયો. લગભગ કલાકમાં અંદરથી બધું જોઈ બહાર આવ્યા અને પછી બહારની વિશાળ લોન, આગળ સુંદર બગીચો જોઈ બહાર આવ્યા.

લગભગ સાંજે સાડાચાર વાગે હોટલ પાછા આવી આરામ કર્યો અને પછી તો એજ સુંદર સાંજ માણવાની હતી. એક દિવસ આરામ કરી અમે તત્તાપાની જવા નીકળ્યા. નાલધેરાથી લગભગ કલાકની મુસાફરી હતી. આમ તો બત્રીસ કિલોમીટર દુર હતું પણ પહાડીમાં નીચે જવાનું હતું. તત્તાપાની જવા હું ખુબ ઉત્સુક હતી. સતલજ નદીને કાંઠે બનેલી આ હોટલ હોટસ્પ્રિંગમાં અંદર જ સલ્ફરના પાણીનું ઝરણું વહેતું હતું. સતલજ નદીના આ વિસ્તારમાં સલ્ફરના ઘણાં ઝરણા વહે છે.

હોટલમાં જે જગ્યાએ ઝરણું વહે છે ત્યાં સુંદર હોજ બનાવ્યો છે. અહીંયા આ હોટલ આયુર્વેદિક ઉપચાર માટે ઘણી પ્રસિધ્ધ છે. અમે પહોંચીને થોડો આરામ કર્યો પછી સાંજે સલ્ફરના હોજમાં લગભગ કલાક પસાર કરી ફ્રેશ થયા. પછી જમી અને હોટલના માલિક પ્રેમ રાયના સાથે બેઠા. અમે પાંચેક વર્ષ પહેલા આ જગ્યા પર આવેલા ત્યારે પ્રેમ રાયનાએ અમને કહ્યું હતું કે સતલજ ઉપર ડેમ બનશે અને અહીની નદીમાં બધે પાણી સરસ થઇ જશે. જે આજે અમને જોવા મળ્યું..

આ આખા વિસ્તારમાં પાણીની રમતો શરુ કરવાની મંજુરી પણ આ હોટેલવાળા પાસે જ છે. પાણીનું સ્કુટર, મોટરબોટ વગેરે રમતો જે પાણી પર કરાય તે બધી હતી. ઘણી બધી વાત કર્યા પછી હું ઉંઘવા ગઈ અને મુકેશ હોટલની નજીક ચાલતી રામલીલા જોવા ગયો. ઓળખાણથી ગયો હતો એટલે ફોટા પાડવામાં અગવડ ના પડી. એતો પાછો પડદા પાછળ તૈયાર થતા કલાકારોના પણ ફોટા પાડી આવ્યો. એને ખુબ મજા આવી. રસ્તા ઉપર લોકો શેતરંજી પાથરીને બેસીને જોતાં હતા. બધાં કલાકારો ત્યાંના જ રહેણાંક હતાં. વાત કરતા મુકેશે જાણ્યું કે આ ગામમાં જો રામલીલા ભજવવાની શરુ કરે તો ચૌદ વર્ષ ભજવવી પડે. પછી ના કરે તો ચાલે પણ સળંગ ચૌદ વર્ષ ભજવવી પડે.

બીજે દિવસે અમારે સવારમાં વહેલા યોગ વર્ગ હતો. સવારમાં તૈયાર થઇ અમે યોગના વર્ગમાં ગયા. નદી કિનારે ખુલ્લા ઓટલા પર બેસી યોગ કરવાની અનેરી મજા લીધી. જાણે કોઈ બીજી જ દુનિયામાં પહોંચી ગયા હોવાનો અનુભવ થયો. નિર્મળ વાતાવરણ, શાંત મન.. કઇંક જુદીજ અનુભૂતિ થઇ. અમારો દિવસ સુધરી ગયો. નાસ્તો કરી અમે નવ વાગે અમારો સામાન એક મોટરબોટમાં મુકી સતલજ નદીમાં અમારી મનાલી તરફની સફર આગળ વધારી.

અમારી બંને બાજુ લીલા પહાડ અને એની વચ્ચે સતલજ નદી ઉપર ચાલતી અમારી મોટરબોટ મને રોમાંચિત કરતી હતી. પ્રેમ રાયનાએ અમને કહ્યું હતું કે એની બીજી ફાસ્ટ બોટ બગડી છે માટે તમને આ ધીમી બોટ આપી છે. ફાસ્ટ બોટમાં દોઢ કલાકમાં જેટી પર પહોંચાય જયારે અમને આપેલી બોટમાં ત્રણ કલાક થાય. મનમાં થયું સારું થયું આ ધીમી બોટ મળી. શાંતિથી કુદરત અને મુસાફરીને માણતા જવાની વિશેષ મજા હતી. રસ્તામાં ખાવા પાછો સેન્ડવીચનો નાસ્તો પણ હતો એટલે વચ્ચે એક જગ્યા પર બોટ બંધ કરી ઉજાણી કરી. ઘણી જગ્યાએ બાજુબાજુના બે પહાડ વચ્ચે ગામના લીકોએ કરેલા લાકડાના પુલ દેખાય તો ઘણી જગ્યાએ ઉપરથી ખળખળ વહેતા ઝરણા જોવા મળે. અમારા આ પ્રવાસ દરમ્યાનની આ બોટ રાઈડ સૌથી અલોકિક હતી. સામાન્ય રીતે તત્તાપાનીથી મનાલી જતા લગભગ દસ કલાક પહાડી રસ્તામાં લાગે જ્યારે અમે બોટમાં જતા આઠ કલાકમાં પહોંચી ગયાં. એમાં મોટરબોટનો વિશેષ આનંદ હતો. કહેવાય છે ને કે સોને પે સુહાગા. આમ આનંદ કરતાં બાર વાગે કોલડેમ જેટી પર પહોંચ્યા. ગાડી આવી ગયેલ હતી એટલે તુરંત મનાલી જવા નીકળ્યા. હજુ બીજા પાંચ કલાકની મુસાફરી હતી. પરંતુ બોટની મુસાફરીના આનંદમાં પાંચ કલાક ક્યાં કપાઈ ગયા તે ખબર ના પડી.

અમારી હોટલ પર અમારા લેહના સપ્લાયર ભાઈ આવી ગયા હતા. તેમની સાથે વાતો કરી વહેલા જમી અને ઉંઘી ગયા. સવારના સાત વાગે નીકળવાનું હતું. આજે બસ આટલી મજા રાખીએ. આવતી વખતે અમારા આ જ પ્રવાસનો અલગ હિસ્સો રજુ કરીશ…

— સ્વાતિ મુકેશ શાહ, ફોટો કોપિરાઇટ : મુકેશ શાહ.       


આપનો પ્રતિભાવ આપો....

7 thoughts on “હિમાચલના પ્રવાસે (૧) – સ્વાતિ મુકેશ શાહ

 • Trupti Parekh

  શરૂઆતથી અંત સુધી જકડી રાખતું વર્ણન વાંચવાની મજા માણી
  આગલા હપ્તાની રાહ જોઈશુ

  • Priti Shah

   નાલધેરા ની સુંદરતા જાણે ફરીથી માણી !!! મઝા પડી ગઈ. તત્તાપાણી જવાની તાલાવેલી લાગી છે. લાહોલ સ્પીતિની સફર ફરીથી જીવંત કરવાની રાહ જોઈશુ.

 • Archita Pandya

  સરસ લેખ. શબ્દોના વાહન પર જુદા જુદા સ્થળનો પ્રવાસ આહ્લાદક રહે છે. અભિનંદન.

 • Dipti

  સ્વાતિનાં લખાણમાં પ્રાકૃતિક જગ્યાનI સૌદર્ય તથા મુસાફરીનો આનંદબેને લાભ થાય છે. સાથે મુકેશભાઈનાં પાડેલાં ફોટાં ,સ્વદેહે,સ્વ અનુભવાય છે.

 • Mita Mehta

  સ્વાતિ સાથે નવા નવા સફરો કરવાની ખૂબ મઝા આવે છે, એટલુ સુન્દર વરણન હોય કે જાણે સાથે જ ફરતા હોઈએ, અને અતિ સુંદર ફોટા પણ, વાચતા નવીજ દુનિયા મા ખોવાઈ જઇએ છે
  Congrats Swati,Mukeshbhai, &AksharNaad