U DISE નંબર એટલે શું? – હેમાંગી ભોગાયતા મહેતા 2


તમે ક્યારેય શાળા બદલાવી હોય અને નવી શાળાના સંચાલકે તમને જૂની શાળાએ બાળકનો U DISE  નંબર લખાવવા મોકલ્યા છે? શું તમે જાણો છો કે બાળકના U- DISE નંબર પરથી બાળકના શિક્ષણનો ઈતિહાસ જાણી શકાય?

એકસરખા U -DISE નંબરવાળા બે બાળકો હોઈ ન શકે.ભલે, ભલે, ચાલો આપણે સસ્પેન્સ નથી વધારવું. ચાલો આજના આર્ટિકલમાં આપણે વાત કરીએ કે U – DISE નંબર એટલે શું?

આપણે સૌ જાણીએ છીએ કે આપણે ભલે કહીએ કે આ 21મી સદી છે, આ સદીમાં શિક્ષણ વિના ઉદ્ધાર જ નથી,વગેરે છતાં હજુ આપણા દેશમાં 100% લોકો શિક્ષિત થાય એ લક્ષ્યાંકથી આપણે ઘણા દૂર છીએ. આ ઉપરાંત અમુક ગ્રામ્ય કે અલ્પ વિકસિત એવા વિસ્તારોમાં વારંવાર એવું જોવા મળે છે કે બાળક અભ્યાસ ચાલુ કરે છે પણ પૂરો કરતો નથી. કોઈવાર ગામમાં પ્રાથમિક શાળા હોય તો બાળકને પ્રાથમિક શિક્ષણ જ આપવામાં આવે છે અને પછી માધ્યમિક શિક્ષણ માટે આજુબાજુના ગામની કોઈ શાળામાં મોકલવામાં વાલીઓ પાછા પડે છે.

કોઈવાર એવું હોય છે કે માધ્યમિક શાળા પ્રમાણમાં દૂર હોય અને બાળક પાસે ત્યાં પહોંચવાનું સાધન ન હોય અને બાળક માધ્યમિક શિક્ષણથી વંચિત રહે છે. ઘણીવાર છોકરીઓના કિસ્સામાં એવું બનતું હોય કે ગ્રામ્ય કે અલ્પ વિકસિત વિસ્તારમાં રહેતા લોકો શાળા દૂર હોય તો દીકરીઓને શાળાએ મોકલતાં અચકાય છે. કોઈવાર ફક્ત બેદરકારીને લીધે તો કોઈવાર મજૂરીએ જતા માતા-પિતા દીકરી પાસે કામ કરાવવાની લાલચે તેને આગળ શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહિત કરતાં નથી.

જ્યારે શિક્ષણ વિભાગ સુધી આ બધા પ્રશ્નો આવ્યા ત્યારે સરકારે વિચાર્યું કે આપણી પાસે વિદ્યાર્થીનો સમગ્ર ઈતિહાસ હોવો જોઈએ. આપણી પાસે માહિતી હોવી જોઈએ કે બાળક પહેલા ધોરણમાં કઈ શાળામાં દાખલ થયું. આપણી પાસે માહિતી હોવી જોઈએ કે શાળા બદલાવીને બીજી શાળામાં જનાર કે શાળાનું શિક્ષણ અધવચ્ચે છોડી દેનારા બાળકો કેટલા છે? જો આ બધી માહિતી આપણી પાસે હશે તો આપણે નક્કર દિશામાં વિદ્યાર્થીઓ અધવચ્ચે શાળા શિક્ષણ ન છોડે કે પ્રાથમિક શિક્ષણ મેળવીને પછી શિક્ષણ મેળવવાનું મૂકી ન દે એ માટે પ્રયત્ન કરી શકાય છે.

આ માટે શિક્ષણ વિભાગ દ્વારા ‘સર્વ શિક્ષા અભિયાન’ શરૂ થયું. આ અભિયાન અંતર્ગત જ વિદ્યાર્થીઓના શિક્ષણનો ઈતિહાસ જાણવા માટે U-DISE નંબરની પદ્ધતિ વિકસાવવામાં આવી.

U-DISEનું પૂરું નામ છે Unified District Information System of Education. આપણા દેશમાં ઈ.સ.1994 માં DPEP એટલે કે District Primary Education Programની શરૂઆત થઈ. આ પ્રોગ્રામ ખાસ શિક્ષણમાં પછાત રહી ગયેલ શાળાઓ માટે વિકસાવવામાં આવ્યો હતો. આ બધા વચ્ચે બધી માહિતીનો ઓનલાઈન સંચય કરવો જરૂરી બન્યો. યુનિસેફની મદદથી ન્યુપા સંસ્થા દ્વારા કોર ડેટા કેપ્ચર એટલે કે ઓનલાઈન માહિતી સંગ્રહ કરવા માટેનું માળખું વિકસાવવામાં આવ્યું. આ માળખું પછીથી DISE તરીકે વિકાસ પામ્યું.

શૈક્ષણિક વર્ષ 2012-13થી DISE + Secondary Education Management Information Systemને જોડી દેવામાં આવ્યા. આમ થતાં દેશની તમામ પ્રકારની શાળાઓને (પ્રાથમિક, માધ્યમિક, સરકારી, બિનસરકારી, ગ્રાન્ટેડ, ખાનગી, મદરેસા, વગેરે તમામ પ્રકારની શાળાઓને) DISE પર નોંધણી કરવાનું ફરજીયાત બન્યું. આમ સૌપ્રથમ તો દરેક શાળાનો DISE નંબર બન્યો કે જે 11 અંકનો હોય છે.

બાળકનો U- DISE નંબર બનાવતી વખતે તથા અપડેટ કરતી વખતે તેમાં લગભગ 50 જેટલા ફિલ્ડમાં વિગત ભરવામાં આવે છે તથા દર વર્ષે અપડેટ કરવામાં આવે છે. આ વિગતોમાં બાળકનું નામ, માતા-પિતાનું નામ, અટક વગેરે જેવી વ્યક્તિગત વિગતો, શાળામાં વિદ્યાર્થીનો જી.આર.નંબર, ધોરણ, ગત વર્ષની હાજરી, ગત વર્ષનું પરિણામ વગેરે જેવી શાળાને લગત બાબતો તથા ગત વર્ષે સરકારશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલ યોજનાઓનો લાભ,ગણવેશ, પાઠ્યપુસ્તક વગેરે બાળકને આપવામાં આવ્યા છે કે નહીં તેનો રેકોર્ડ રાખવામાં તથા અપડેટ કરવામાં આવે છે. બાળકને વિવિધ યોજનાઓનો લાભ આપી શકાય એ માટે બાળકના બેંકના ખાતાની વિગત તથા વાલીનો મોબાઈલ નંબર પણ નોંધવામાં આવે છે.

કોઈપણ શાળાનો 11 અંકનો U-DISE કોડ આ રીતે બને છે :

■ પહેલા 2 અંક રાજ્યનો કોડ દર્શાવતા હોય છે, ઉદા. ગુજરાત રાજ્યનો કોડ 24 છે.

■ ત્યારબાદના 2 અંક જિલ્લાનો કોડ દર્શાવે છે. ઉદા. જામનગર જિલ્લાનો કોડ 10 છે.

■ ત્યારબાદના 2 અંક શાળા જે બ્લોકમાં આવતી હોય તેનો કોડ દર્શાવે છે.

■ ત્યારબાદના 3 અંક ગામનો કોડ દર્શાવે છે.

■ તથા છેલ્લા 2 અંક શાળાનો કોડ દર્શાવે છે.

શાળાનો કોડ તૈયાર થઈ ગયા પછી વિદ્યાર્થીઓના કોડ તૈયાર થાય છે. વિદ્યાર્થીને આપવામાં આવતો U –  DISE નંબર બને છે. વિદ્યાર્થીનો U-DISE નંબર 18 અંકનો હોય છે. જેમાં પહેલા 11 અંક શાળાનો DISE નંબર હોય છે અને બાકીના 7 અંક વિદ્યાર્થીનો ક્રમ બતાવે છે.

વિદ્યાર્થીનો U-DISE નંબર જ્યારે પ્રથમ ધોરણમાં વિદ્યાર્થીનો પ્રવેશ થાય ત્યારે જનરેટ કરવામાં આવે છે. પહેલીવાર U-DISE નંબર બનાવવા માટે વિદ્યાર્થીની તમામ વિગત એકત્ર કરીને સર્વ શિક્ષા અભિયાન પોર્ટલમાં મોકલવામાં આવે છે જ્યાંથી વિદ્યાર્થીનો  U-DISE નંબર જનરેટ થઈને આવે છે. વિદ્યાર્થીની શાળા બદલે તો પણ આ નંબર બદલતો નથી કે જેથી વિદ્યાર્થીના શૈક્ષણિક ઈતિહાસને સાચવી શકાય.

કોઈવાર એવું બને કે વિદ્યાર્થી શાળા બદલાવે પણ તેને કે તેના વાલીને વિદ્યાર્થીનો આ U-DISE નંબર ખબર ન પણ હોય. આ પરિસ્થિતિમાં નવી શાળા વિદ્યાર્થીની ઓનલાઈન એન્ટ્રી કરી શકતી નથી. આ બાબતના ઉપાય માટે એવો નિયમ બનાવવામાં આવ્યો છે કે જો કોઈ બાળક શાળા છોડે તો તેના શાળા છોડયાના પ્રમાણપત્રમાં જ બાળકનો U-DISE નંબર લખી આપવો.

જો કોઈ શાળાથી U-DISE નંબર શાળા છોડ્યાના પ્રમાણપત્રમાં લખવાનો રહી ગયો હોય તો બાળકની પ્રાથમિક માહિતી કે બાળકના આધારકાર્ડ નંબર પરથી વિદ્યાર્થીનો U-DISE નંબર શોધી શકાય છે.

U-DISE નંબરનો ખ્યાલ વિદ્યાર્થીના શાળાકીય જીવનનો રેકોર્ડ રાખી શકાય તથા એ રેકોર્ડ પરથી કેટલા વિદ્યાર્થીઓ શાળા શિક્ષણ અધૂરું છોડી દે છે વગેરે બધી વિગત મળે તથા એના પરથી વિદ્યાર્થીઓને શાળા શિક્ષણ છોડતાં રોકી શકાય એ માટે વિકસાવવામાં આવ્યો છે. આપણે આશા કરીએ કે આ ખ્યાલનો હેતુ સરે અને કોઈ વિદ્યાર્થી તેનું શિક્ષણ અધૂરું ન મૂકે.

— હેમાંગી ભોગાયતા મહેતા


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “U DISE નંબર એટલે શું? – હેમાંગી ભોગાયતા મહેતા