તારાથી આ કાગળ સુધી (અંતિમ પત્ર) મીરા જોશી 2


ક્યાંક તું… ક્યાંક હું

તું ન મળ્યો હોત તો, મારી જિંદગીમાં કોઈક કમી રહી જાત! તું પ્રેમ છે, તું જિંદગીનો ઉત્સવ છે, તારી અંદર એટલો બધો પ્રેમ, એટલી બધી ચાહના વહે છે કે કદાચ મારું આ નાનકડું હ્રદય તારા પ્રેમના દરિયાને સંભાળવામાં નાકામ રહ્યું!

યાદમાં મળીએ પળેપળ ક્યાંક તું ને ક્યાંક હું,
કાપીએ ચૂપચાપ અંજળ ક્યાંક તું ને ક્યાંક હું,

આ ઉપરની સ્વસ્થતા સૌને હસી મળવું સદા,
ને ઊભા અંતરથી વિહ્વળ ક્યાંક તું ને ક્યાંક હું!

આસો માસની એક રઢિયાળી રાત, રસ્તાની ચમકદમક, ગીતોની રમઝટ, રમવા માટે સુસજ્જ સ્ત્રી પુરુષોની ચહલપહલ ને એ કોલાહલ વચ્ચે ક્યાંક તું ને ક્યાંક હું… તને ગરબા રમતા જોઉં ત્યારે તારા રોમ રોમમાં જિંદગી ધબકતી જોઉં છું. ત્યારે તારા અસ્તિત્વનો ધબકાર બધા જ તફાવતો ઓળંગીને મારા સુધી પહોંચી જાય છે. પીળા રંગની ચણીયાચોલીમાં સજ્જ હું અને એ જ રંગના કુર્તામાં સજ્જ તું.. જાણે બે સૂર્યો અંધારું વીંધીને એકસામટા ઊગી આવ્યા અને એકાએક એ સૂર્યોનું તેજ એકમેકમાં સમાઈ ગયું ને બે સૂર્યો મટીને એક પ્રેમસૂર્ય ઊગી નીકળ્યો..! એ પ્રેમસુર્યમાંથી જે પ્રકાશના કિરણો રેલાતા હતા તે હતો આપણો આનંદ- નિર્દોષ, નિર્ભેળ, માત્ર શાશ્વત પ્રેમનો આનંદ..!

એકાએક બારીનો પડદો ઉઘડે છે ને સૂર્યનો આકરો તડકો આંખો પર પડતાં જ આ યાદમાં ખલેલ પડી જાય છે.. ને પછી હકીકત સમજાય છે, માત્ર યાદો નથી તૂટી, એક હસતો, ગાતો, લાગણીથી ભરપુર સંબંધ જ તૂટી ગયો છે.

મળસ્કે ફેલાતું અજવાળું, ધીરે ધીરે આખું ઘર ઉજાશથી ભરી દે, એ રીતે તારા હ્રદયમાં ઊગેલી લાગણીના કિરણે ધીમે ધીમે પ્રેમનો પુંજ બનીને મારા હ્રદયમાં અજવાળું પાથરી દીધું હતું. પરંતુ આ ક્ષણે મારા મનના આંગણે અંધારું છે. એવું લાગે છે જાણે બધો જ પ્રકાશ ઘરની બહાર રહી ગયો છે ને હું તરફડ્યા કરું છું આ કાળા અંધકારમાં, એકલી…!

અંદર બહાર બધે જ ફેલાયેલા અંધકારમાં તારી સાથે જીવેલી ક્ષણોમાંથી એવી એકાદ ક્ષણ પકડવા મથું છું જ્યાં તું બદલાઈ ગયો હોય કે તારા પ્રેમમાં કોઈ ખોટ લાગી હોય અથવા મારાથી કોઈ ભૂલ થઈ હોય, પણ કશું પકડાતું નથી, અંધારાને અઢેલીને ખાલી આંખો પાછી ફરે છે. પ્રેમમાં સહુથી વધુ પીડા કોઈનું છોડીને જવું નહી, એનું બદલાઈ જવું આપે છે..!

અમુક ઘટનાઓ ખરેખર આઘાત આપવા માટે જ બનતી હશે? એમાં કશું જ સારા થવાનું નિમિત્ત નહી હોય! ગયા વર્ષે નવરાત્રીના છેલ્લા નોરતે તારો હાથ પકડ્યો હતો, આ વર્ષે એ હાથ તું છોડી રહ્યો છે. તારાથી છૂટા પડવાની વેદના છે, આજીવન રહેશે, પણ એક વાતનો આનંદ પણ છે. તારા જેવી, મારાથી તદ્દન જુદી વ્યક્તિને જાણવાનો, એની સાથે જિંદગીને અલગ રીતે જીવવાનો આનંદ જીવી શકી.

આપણે અજાણ્યા રાહ પરથી અનાયાસ સાથે થઈ ગયા, ક્યાંક પહોંચવા માટે એકસાથે ચાલ્યા પણ મંજિલ મળે એ પહેલા જ આપણા રાહ અલગ થઈ રહ્યા છે. મેં તારામાં લાગણીનું બીજ રોપ્યું અને ને તે મારા હ્રદયમાં પ્રેમનો ઉદય કર્યો. પ્રેમ તો હજુયે એકબીજાના હ્રદયમાં ધબકે છે પણ એવું લાગે છે જાણે એ પ્રેમવૃક્ષમાં સહનશીલતાની, એકમેકના માનના જતનની, સમ્માનની ડાળીઓ ખરવા માંડી છે…!


અનુભૂતિના અંતે મારા સુધી જે શબ્દો બહુ સહજતાથી પહોંચી જતા હતાં એ હવે ક્યાંક અધવચ્ચે જ અટકી જાય છે. હવે સહેલાઈથી વ્યક્ત નથી થવાતું. તારાથી અળગું થઈને આમેય ક્યાં પહોંચી શકાય? માત્ર આ કાગળ સુધી જ…!!

ક્યાંક વાંચ્યું હતું ‘આ વિશ્વના બધા જ પદાર્થોનું પરિવર્તન ફક્ત પ્રકાશમાં યા તો અંધકારમાં, સુગંધમાં યા તો દુર્ગંધમાં, પ્રેમમાં યા તો વાસનામાં જ શક્ય છે અને આ જ અંતિમો છે.’

આ જ અંતિમો છે.. તું ન મળ્યો હોત તો, મારી જિંદગીમાં કોઈક કમી રહી જાત! તું પ્રેમ છે, તું જિંદગીનો ઉત્સવ છે, તારી અંદર એટલો બધો પ્રેમ, એટલી બધી ચાહના વહે છે કે કદાચ મારું આ નાનકડું હ્રદય તારા પ્રેમના દરિયાને સંભાળવામાં નાકામ રહ્યું!

નવલકથાકાર રિચર્ડ બેશની નવલકથા બ્રિજ અક્રોસ ફેર એવરના શબ્દો આપણાં સંબંધ માટે વાપરવાનું મન થાય છે… ‘આપણે એકબીજા સાથે સંવેદનશીલ બન્યા છીએ પણ સમજદાર બની શક્યા નથી. મારા મતે તો આપણે એવો સંબંધ ગુમાવી રહ્યા છીએ જેમાં આપણે સમજના અભાવે ઘણું બધું પામી શક્યા નથી.’

તું, એક કામ કરીશ? આ ચાહનાને પ્રકૃતિમાં વહાવી દે…! હું ઝીલી લઈશ તારી ચાહનાને પ્રકૃતિમાંથી, ને તને પામીશ ક્યાંક દરિયાની છોળો વચ્ચે કે ફૂલની સુગંધમાં, જંગલની ગીચતામાં અથવા પવનની લહેરમાં, શિશિરની ઋતુમાં કે પાનખરમાં, વરસાદમાં કે ઝરણાના ગીતમાં, પહાડોની વિશાળતામાં…. હું પામીશ તને!

તારાથી આ કાગળ સુધી…!

– મીરા જોશી


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “તારાથી આ કાગળ સુધી (અંતિમ પત્ર) મીરા જોશી