સ્મશાન યાત્રા ભાગ – ૧૨
પાણીવાળું શાક અને જાડી રોટલી, ખુલ્લામાં લેટ્રિન અને આખો દિવસ પરેડ. ત્રીજા દિવસે હું અને શિવમ પણ રડી પડ્યા. પાંચમાં દિવસે હું, સુખો અને મની અમારા ઉતારાના ઓરડે પહોંચ્યા તો પૂજન ડૂસકાં ભરતો હતો.
“ચોટીલા!” હું ચમક્યો.
“હા.. ચામુંડા માતાજીનું મસ્ત મંદિર છે. પગથિયાં ચઢીને જવાનું.” ગુરુવારે કૉલેજ કૅન્ટીનમાં સુખાએ ઓચિંતો ચોટીલા ફરવા જવાનો પ્લાન કહ્યો ત્યારે હું અચંબિત થઈ ગયો. એ કહેતો હતો કે આપણે પાંચ મિત્રો જ જઈશું, મનીની ગાડી લઈને. મને તો આ વાત કલ્પના બહારની લાગી. એમ તો હું રાજકોટ, કચ્છ, જૂનાગઢ બધે ગયો છું, પણ ફૅમિલી સાથે અથવા સ્કૂલના પ્રવાસમાં. જયારે સુખો જે કહેતો હતો એ બહુ મોટા સાહસની વાત હતી. એણે કહ્યું કે એ તો ઘણી વાર એની સોસાયટીના મિત્રો સાથે આવી રીતે ગયો છે, ગીરના જંગલમાં, સોમનાથના દરિયા કાંઠે, કચ્છ માતાના મઢે. કાર ડ્રાઈવિંગની મજા અને મુસાફરીની મોજમસ્તીની એણે જે વાત કરી એ મને પણ રોમાંચક લાગી.
ઘરે મેં કહ્યું ત્યારે મમ્મી પણ મારી જેમ ચોંકીને ચિલ્લાઈ હતી. “આપણે એકલા ક્યાંય નથી જવું હોં..” એણે ચુકાદો આપી દીધો. મારું મોં પડી ગયું. “તને ખબર છે ચોટીલા ક્યાં આવ્યું?” મોટીબેને મને સમજાવ્યું.
“હા, રાજકોટ થઈને જવાય.” મેં સુખાએ આપેલી માહિતી આપી. “ત્યાં ચામુંડા માતાજીનું મંદિર છે. સાતસો કે હજાર પગથિયાં છે.”
“ના એટલે ના.” મમ્મી વચ્ચે જ બોલી. “હજુ બે વર્ષ મોટો થા. કૉલેજ પૂરી થાય પછી જજે. આપણે ખોટા ખર્ચા પણ ન પોસાય.” મમ્મીએ આખરી તીર છોડી દીધું.
“ખર્ચો બધો સુખો આપશે. એને ડ્રાઈવિંગનો બહુ શોખ છે. ગાડી મનીન્દરની, જમવાનો ખર્ચ સુખો આપશે.” મેં માહિતી આપી.
“એમ ભાઈબંધુનું મફતમાં ન ખવાય બંટી. ખર્ચો સૌએ વહેંચી લેવો જોઈએ.” મોટીબેન બોલી.
જોકે રાત્રે પપ્પાએ છૂટ આપી દીધી. “એની આ જ તો ઉંમર છે. ભલે જતો. પણ કોઈ જાતની માથાકૂટ ન કરતા. સાવચેતી રાખજો, શાંતિથી ફરજો, માતાજીના દર્શન કરજો બસ…”
હું નાચી ઉઠ્યો. શનિવારે સવારે પૂજન તેડવા આવ્યો અને હું નીકળ્યો ત્યારે પપ્પાએ મને બસો રૂપિયા આપ્યા. મારૂ હૃદય ભરાઈ આવ્યું.
અને મનીન્દરની ઈન્ડિકા ગાડી દોડવા માંડી. હું, પૂજન, મની, સુખો અને શિવો મોજથી ગીતો સાંભળતા, મોટે અવાજે ગાતા મસ્તીએ ચઢ્યા. હાઈવે પર ગાડી ભાગવા માંડી. અમારું શહેર વીસેક કિલોમીટર પાછળ રહી ગયું. “વાહ મારા સાવજ.. ભગાવ ભગાવ..” મનીન્દર સુખાને જુસ્સો આપતો હતો. સુખો લીવર દાબ્યે જતો હતો. એક પછી એક ગાડીઓ અમે ઓવરટેક કર્યે જતા હતા. ગાડીની મ્યુઝીક સિસ્ટમ જોરદાર હતી. ‘કોઈ ના કોઈ ચાહિયે.. પ્યાર કરને વાલા’, ‘એસી દીવાનગી, દેખી નહીં કહીં…’, ‘બહોત પ્યાર કરતે હૈ, તુમકો સનમ…’ એક પછી એક મસ્ત સોંગ વાગતા હતા ત્યાં સુખો કહે “ધૂમધડાકા વાળા વગાડ તો ગાડી ઔર ભગાવું.” મનીએ કેસેટ બદલાવી. ‘સાંસો કી જરૂરત હૈ જેસે, જિંદગી કે લિયે’, ‘નજર કે સામને જીગર કે પાસ…’, ‘ ધીરે ધીરે સે, મેરી જિંદગીમેં આના..’ નવી કેસેટ વાગી. અમે ઝૂમ્યા. ત્યાં પૂજને ગઝલની ફરમાઈશ કરી, સૌએ “ગઝલ મૂક, ગઝલ મૂક.” કરી વધાવી લીધી અને મનીએ ફરી કેસેટ બદલી. ‘તુમકો દેખા તો યે ખ્યાલ આયા…’, ‘તુમ ઇતના જો મુસ્કુરા રહે હો…’, ‘હોઠો સે છૂ લો તુમ…’. સૌ રાગડા તાણી તાણીને ગાવા લાગ્યા.
અમે આ શું કરી રહ્યા હતા? અમને કશી ખબર નહોતી. પણ નશો જબ્બરદસ્ત હતો, મજા બહુ આવતી હતી. શું અમે ગાંડા કાઢી રહ્યા હતા? રસ્તામાં એક હોટેલ પાસે સુખાએ ગાડી રોકી. અમે જાણે રાજકુમારો હોઈએ એમ તેમાંથી ઉતર્યા. કારના દરવાજા થોડા વધુ જોશથી બંધ કરતા અવાજ વધુ આવ્યો. સૌએ અમારી નોંધ લીધી એ અમને ગમ્યું. ફ્રેશ થઈ અમે ચા સાથે ગાંઠીયાનો નાસ્તો પણ કર્યો. પૈસા સુખાએ ચૂકવ્યા. ફરી ગાડી દોડવા લાગી. હવે રાજકોટથી અમે આગળ નીકળી ગયા હતા.
“જેકી આપણો ફેવરીટ હીરો હોં..” અચાનક સુખાએ કહ્યું.
“હવે, ગોવિંદાને કોઈ ન પહોંચે. ’ શિવમ બોલ્યો.
“મને તો માધુરી ગમે છે.” મનીન્દરે કહ્યું અને કારમાં હાસ્યનું મોજું ફરી વળ્યું. જુહી, રવિના, કરિશ્મા, કાજોલ, તબ્બુ, મનીષા વગેરે નામો અને એમના નખરાઓના વર્ણનો શરુ થઈ ગયા. ત્યાં ચોટીલાનો ડુંગર દૂરથી દેખાવાનો શરુ થઈ જતા અમે માતાજીની અને માનતાઓની અને પરચાઓની વાતો કરવા માંડ્યા.
ડુંગર ચઢવો એ મસ્ત સાહસ હતું. અમે વાંદરાવેડા કરતા ચઢવા લાગ્યા. છેલ્લે છેલ્લે થાક પણ લાગ્યો. પણ માતાજી સામે ઊભા હતા ત્યાં સુધી ખરેખર અમે ભગત હોઈએ એવું અમને અંદરથી થયું. નાળિયેર ધરાવી, પ્રસાદ લઈ, પાછળની દીવાલે સિક્કો ચોંટાડવાની કોશિશ કરી અમે ફરી પગથિયાં ઉતરવા માંડ્યા. ભૂખ પણ લાગી ગઈ હતી. રોડ પર જ કેટલાય રેસ્ટોરન્ટ હતા. સુખો અમને એક જાણીતા રેસ્ટોરન્ટમાં લઈ ગયો. ત્રણ શાક, જાત જાતના સલાડ, રોટલા-રોટલી, ઘી ગોળ અને છાસની દેગડી.. અમે તો જામી જ પડ્યા.
ફરી અમે ગાડીમાં ગોઠવાયા. હજુ ટ્રાફિકમાંથી બહાર નીકળીએ ત્યાં આગળ કોઈનું એક્સિડન્ટ થયું હતું. ટ્રાફિક જામ થઈ ગયો. લોકો એકઠા થઈ ગયા. અમે પણ ટેન્શનમાં આવી ગયા. ગાડી રિવર્સમાં લઈ માંડ માંડ રોડે ચડ્યા. સુખાએ ગાડી ધીમી ચલાવી. “વાંક કાર વાળાનો હતો.” સુખાએ અમને જ્ઞાન આપવાનું શરૂ કર્યું. “પોલીસ કેસ થાય તો ટ્રક વાળો નિર્દોષ સાબિત થાય કેમકે કાર ટ્રકના પાછલા વ્હીલ પાસે અથડાઈ છે.” અમે સૌ એના જ્ઞાનથી પ્રભાવિત થયા એટલે એ વધુ ખીલ્યો.
“હંમેશા ધ્યાન રાખવું, જો રસ્તામાં ગાય કે ભેંસ ઊભા હોય તો ગાડી હંમેશા એની પાછળથી કાઢવી, મોઢા બાજુથી નહિં.. શું?” એ બોલ્યો.
“કેમ?” પૂજને પૂછ્યું એટલે સુખો ફોર્મમાં આવી ગયો.
“ગાય કે ભેંસ ભડકે ને તોય જે બાજુ એનું મોં હોય એ બાજુ ભાગે, હવે એ જ વખતે તમે એના મોં આગળથી ગાડી કાઢવા ગયા હો તો થાય એક્સિડેન્ટ.”
“ઈ વાત સાચી..” શિવો બોલ્યો.
“ગાડીને રિસ્પેકટથી ચલાવવી, ઓવરટેક કરતી વખતે હોર્ન મારો તોય રજવાડી રીતે, પ્રેમથી, પચૂકથી.” સુખો મસ્તીમાં કાર ડ્રાઈવિંગના પાઠ શીખવ્યે જતો હતો.
“ગાડી આપણે ચલાવીએ છીએ એ આપણા મગજમાં ચઢી ન જવી જોઈએ, નહિંતર કો’કની ઉપર ચઢી જાય.”
ખરેખર રાત્રે જયારે હું ઘરે પહોંચ્યો ત્યારે બાળક નહિં જુવાન હોઉં એવો ભાવ મારી ભીતરે જન્મી ચૂક્યો હતો.
દિવસો વીતવા માંડ્યા. એન.સી.સી.નો રવિવાર અમારી ભીતરે દેશભક્તિ, દેશપ્રેમ, દેશદાઝ જગવતો હતો. એક રવિવારે પરેડ પ્રેક્ટિસ બાદ અમે કલ્ચરલ કાર્યક્રમ રાખ્યો હતો. સૌએ ફરજીયાત એક દેશભક્તિ ગીત ગાવાનું હતું. છેલ્લા ચારેક દિવસથી હું ઘરે ઉપરનો રૂમ બંધ કરી ગીતની પ્રેક્ટીસ કરતો હતો. રવિવારે સૌએ એક એક ગીત ગયું. ‘મેરે દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હીરે મોતી’, ‘હે પ્રીત જહાં કી રીત સદા મેં ગીત વહાં કે ગાતા હું…’, ‘આઓ બચ્ચો તુમ્હે દિખાયે ઝાંખી હિન્દુસ્તાન કી…’, ‘એ મેરે વતન કે લોગો..’ એવા અનેક ગીતો અમે ગયા. જોકે કોઈનો અવાજ કિશોર, રફી કે મહેન્દ્ર કપૂર જેવો નહોતો, તોયે ભીતરી સ્પર્શ અને અહેસાસ કોઈનો કમ નહોતો.
હું, પૂજન, વીરો, ગોટી હવે શનિ-રવિમાં માંડ ભેગા થતા. પિન્ટુ કૉલેજ કરવા વડોદરા ગયો હતો. એન.સી.સી.ને લીધે મારી બોડી મજબૂત બનવા માંડી હતી. અમે ક્યારેક દેશભક્તિની વાતે ચઢી જતા. મંગળપાંડે, ભગતસિંહ, ગાંધીજી, નહેરુ, સરદાર પટેલ, લાલ-બાલ-પાલના જીવનો અમને આદર્શ લાગતા. એવામાં એક રવિવારે પિન્ટુ આવ્યો અને અમને ચોંકાવનારી વાત કરી.
“તમને ખબર છે આપણા શહેરની બાજુમાં રિલાયન્સની મોટી કંપની શરૂ થવાની છે?” એણે પૂછ્યું અને અમારા કાન સરવા થયા.
“હા, મને ખબર છે.” વીરો બોલ્યો.
“ધીરુભાઈ અંબાણી શરુ કરવાના છે.”
“હા, ધીરુભાઈ અંબાણીની રિલાયન્સ… કરોડોનું ઇન્વેસ્ટમેન્ટ છે. શેરબજારમાં એની જ ચર્ચા ચાલે છે.” પિન્ટુ બોલ્યો.
“શેર બજાર?” ગોટી ચમક્યો. અને પિન્ટુએ શેર એટલે શું? ઇન્વેસ્ટમેન્ટ એટલે શું?ની જોરદાર ચર્ચા કરી. પિન્ટુનું નોલેજ જબરું હતું.
વીરો બોલ્યો, “રસ્તાના કામ પણ ચાલુ થઈ ગયા છે. ફોરટ્રેક રોડ બનશે. જમીનના ભાવો વધી ગયા છે.” અમે મોટી મોટી વાતો કરતા થઈ ગયા હતા. કૉલેજ, રૂપિયો, કંપની, નોકરી જેવા શબ્દો બોલતી વખતે અમને પણ જાણે હાઈ લેવલની વાતો કર્યાનો સંતોષ થતો.
એક દિવસ અમારા એન.સી.સી. ગ્રુપમાં નોટીસ ફરી ફર્સ્ટ યરના કેડેટ્સને દસ દિવસના કેમ્પમાં જવા માટે નામ નોંધાવવાનું હતું. કેમ્પ? દસ દિવસ? થોડી મુંઝવણ અને થોડું સાહસ ભીતરે સળવળ્યા. જાણે બોર્ડર પર લડવા જવાનું હોય એવા ભાવ સાથે અમે દસ દિવસના માલ-સામાન, કપડાં, નાસ્તા, સાબુ-બ્રશ-ઉલીયા ભરેલી કીટ સાથે એસ.ટી. બસમાં ગોઠવાયા. પૂજનની આંખોમાં આંસુ જોઈ હું પણ ઢીલો પડી ગયો હતો. પણ સુખો, મની અને શિવમ મોજમાં હતા. બસ દોડ્યે રાખી. ચારેક કલાક બાદ દસેક વાગ્યે અમે વેરાવળની કોઈ મોટી નિશાળના ગ્રાઉન્ડ પર હતા. કોઈ રાજકોટ તો કોઈ જૂનાગઢથી, કોઈ પોરબંદરથી તો કોઈ મોરબીથી આવ્યું હતું.
પાણીવાળું શાક અને જાડી રોટલી, ખુલ્લામાં લેટ્રિન અને આખો દિવસ પરેડ. ત્રીજા દિવસે હું અને શિવમ પણ રડી પડ્યા. પાંચમાં દિવસે હું, સુખો અને મની અમારા ઉતારાના ઓરડે પહોંચ્યા તો પૂજન ડૂસકાં ભરતો હતો. “શું થયું?” અમને થયું એને ઘર યાદ આવ્યું હશે પણ જવાબ મળ્યો, બાજુના રૂમના ચારેક છોકરાઓએ પૂજનને કારણ વગર ધોકાવ્યો હતો. અમે ધબ-ધબ પગ કરતા બાજુના ઓરડે ગયા. એ છોકરાઓ તગડા હતા. પણ સુખો ભારે હિમ્મત વાળો. બે જ મિનિટમાં રૂમમાં ધમાચકડી મચી ગઈ. એ દિવસે થયેલી મારા-મારીએ અમારી અંદરના સજ્જન, સરળ અને સીધાસાદા બાળકને કાયમ માટે વિદાય આપી અને બદમાશ છોકરાઓના લિસ્ટમાં અમારું નામ આવી ગયું.
પહેલી વખત અમને અન્યાય, નિર્દોષતા, ગ્રુપીઝમ જેવા શબ્દો જાણવા મળ્યા. કેમ્પના બસો અગિયાર છોકરાઓમાં અમારું નામ જાણીતું થઈ ગયું. પેલા બાજુના ઓરડાવાળાઓમાં પણ અમારો ડર ફેલાયેલો જોઈ પૂજન પણ ફોર્મમાં આવી ગયો. આ બધા વચ્ચે એને એનું ઘર-મમ્મી-પપ્પા ભૂલાઈ ગયા. અમારા રૂમમાં એક છોકરો બહુ સારા ભજન ગાતો. એ વેરાવળનો જ હતો. એક રાત્રે ‘તારા વિના શ્યામ મને એકલડું લાગે’ એણે એવું મસ્ત ગાયું કે કેમ્પના મોટા સાહેબ, જે.સી.ઓ. સાહેબ પણ અમારા રૂમમાં આવી અમારી સાથે બેઠા. અમારા પરથી જાણે બદનામીનો દાગ જતો રહ્યો હોય એવું લાગ્યું. એ છોકરાએ જયારે વાતો-વાતોમાં કહ્યું કે “અહીં સોમનાથમાં દેહોત્સર્ગ નામની જગ્યા છે, કૃષ્ણ ભગવાને ત્યાં દેહત્યાગ કર્યો હતો.” ત્યારે હું તો ચકિત થઈ ગયો.
કૃષ્ણનું મૃત્યુ! ઓહ.. આવી તો કદી મેં કલ્પના પણ નહોતી કરી. અમે જ્યાં બેઠા હતા એ સ્કૂલથી દસ જ મિનિટના અંતરે ભાલકાતીર્થ નામનું સ્થળ હતું ત્યાં કૃષ્ણના પગમાં બાણ લાગ્યું હતું. ત્યાંથી લોહી નીતરતા પગે તેઓ ચાલતા સોમનાથ, ત્રિવેણીસંગમ પહોંચ્યા હતા. ત્યાં બલરામ જે ગુફામાં સમાઈ ગયા એ ગુફા પણ છે. કેમ્પ પૂરો થયો એટલે પેલા ભજનિક મિત્રને લઈ અમે ભાલકાતીર્થ ગયા. ત્યાંથી છકડામાં બેસી સોમનાથ ગયા. પેલો મિત્ર ત્યાંથી અમને ત્રીસેક કિલોમીટર દૂરના તીર્થ પ્રાચી લઈ ગયો. અહીં એક પીપળો હતો. ત્યાં કૃષ્ણએ પણ પિતૃઓને પાણી પાયું હતું. અમારી ભાવ દશા વિચિત્ર હતી. અમે સૌએ ત્યાં પાણી પાયું.
તીર્થ, પિતૃ, શ્રાદ્ધ, યાદવાસ્થળી, મહાભારત, ગીતા અને કૃષ્ણનો દેહત્યાગ.. આ શબ્દોએ મને હચમચાવી મૂક્યો હતો. શું મૃત્યુની ઘટના ઈશ્વરના જીવનમાં પણ બને? મને યાદ આવ્યું મારા દાદાનું મૃત્યુ. ગામ લોકો ભેગા થયા હતા. સ્મશાનયાત્રા નીકળી હતી. શું કૃષ્ણના દેહત્યાગ બાદ આવું કશું થયું હશે? જો થયું હશે તો ‘રામ નામ સત્ય હૈ’ એવું બોલ્યા હશે કે કંઈ બીજું? પરમાત્મા પાસે લોકોએ શાંતિ માટે શી પ્રાર્થના કરી હશે? કૃષ્ણ તો ખુદ જ પરમાત્મા જ હતા.
— કમલેશ જોષી
NCC માં છોકરી ઓ નાં કેમ્પ માં ખુલ્લામાં લેટ્રીન જવાનું નથી હોતું.
હા.. આ તો એ સમયની વાત છે ને આ વાર્તાનો નાયક છોકરો છે, બંટી. સમયની સાથે વ્યવસ્થાઓ પણ સુધરે જ છે. આભાર.. આગળના અંકો વાંચતા રહેજો અને પ્રતિભાવ આપતા રહેજો.
કોલેજલાઇફ નો અનુભવ એકવાર તો સૌ મિત્રોએ લેવા જેવો હોય છે.
મસ્તી-ધમાલ, ગ્રૂપઇઝમ,મોડીરાતનાં ઉજાગરા પછી એ પરીક્ષા સમયે ના હોય કે ગંભીરતા ના કરાતા મજાક મસ્તી ના હોય.
સાથે-સાથે નેતાગીરી અને એકબીજા સાથે શેરિંગ કે કોન્ટ્રીબ્યુટીંગ પણ,અને ઘરના માબાપ તરફનું શિસ્તપાલન (કડક કેસૌમ્ય) આબધાની મજા જ કૈક ઓર હોય છે.
એકદમ સાચું.. દરેક વાચકને પોતાના એ દિવસો યાદ આવી જવાના.. ને લેખક માટે તો એ જ મોટી સફળતા.. આગળના હપ્તાઓ વાંચતા રહેજો ને પ્રતિભાવ આપતા રહેજો.. આભાર.